તે સમયમાં આજની જેમ ન તો રેલવેઓ હતી કે ન તો મોટરગાડીઓ હતી; ન તો પાકી સડકો હતી કે ન તો માર્ગદર્શન આપતી પટ્ટીઓ કે માર્ગસૂચક પથ્થરો. પગપાળા પગદંડીઓ પર ચાલવું એ જ એ સમયનું સાધન હતું. એક બ્રાહ્મણ એકલો અટૂલો એક વનમાંથી પસાર થઈ રહ્યો હતો. વન ઘણું જ ગીચ હતું અને માર્ગ બિલકુલ અજાણ્યો અને અસ્પષ્ટ. તે પથિક એ વનમાં ખોવાઈ ગયો, ભટકી પડ્યો. તે સ્થાન ઘણું જ દુર્ગમ હતું. પથિકને એ વાતની ત્યારે જ ખબર પડી કે જયારે તેણે જોયું કે વન ગીચથી વધારે ગીચ થતું જતું હતું. તેણે પોતાની ચાલવાની ગતિ વધારે તેજ કરી નાખી. પણ તેથી તો તે એથીયે વધારે ગીચ જંગલમાં ફસાઈ પડ્યો.
ચારે તરફથી ભયાનક હિંસક પશુઓની ડરાવી દેનારી ચીસો અને ગર્જનાઓ સંભળાતી હતી. ક્યારેક વન સિંહની ગર્જનાઓથી ધ્રૂજી ઊઠતું હતું. તો વળી, ક્યારેક દિશાઓને ચીરી નાખતી હાથીઓની ચીસોથી વન ધ્રૂજી ઊઠતું હતું.
એવા ભયાનક સ્થળમાં પહોંચીને તે ગરીબ બ્રાહ્મણનું હૃદય કંપી ઊઠ્યું. બી ગયેલો બ્રાહ્મણ દિશાશૂન્ય થઈને આમતેમ ભાગવા માંડ્યો, કે કદાચ કોઈ આશ્રયસ્થાન સાંપડી જાય, અથવા તો વનમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ સૂઝી આવે. પણ વિધિની આ શી વિડમ્બના? ન તો તેને કોઈ શરણસ્થળ સાંપડી શક્યું કે ન તો એને કોઈ બહાર નીકળવાનો માર્ગ સૂઝી આવ્યો.
અચાનક તેની નજર વનની હદ જેવા દેખાતા એક માર્ગ પર પડી. પણ આ શું? આ વિશાળ વન એક મોટી જાળથી ઢંકાયેલું છે અને એક બીભત્સ સ્ત્રીએ તે જાળને પોતાના બંને હાથોથી જકડીને રાખી છે! આ વિચિત્ર દૃશ્ય જોઈને બ્રાહ્મણ તો ગાંડા જેવો થઈ ગયો અને તાબડતોબ ત્યાંથી ભાગી જવાનો પ્રયત્ન કરવા લાગ્યો.
ત્યાં પાસે જ એક અંધ કૂવો હતો કે જે જંગલી વેલાઓથી ઢંકાયેલો હોવાને કારણે દેખાતો ન હતો. દૂર ભાગવાની કોશિશમાં બ્રાહ્મણ તે કૂવામાં જઈ પડ્યો. તે પથિક કૂવાના તળિયામાં પડીને વેલાઓ પર પડ્યો કે જે વેલાઓથી કૂવો ઢંકાયેલો હતો. વેલાઓમાં તે ઊંધો લટકી રહ્યો. થોડી પળો માટે તો તે બેહોશ થઈ ગયો. જ્યારે તે હોશમાં આવ્યો ત્યારે તેણે જોયું કે, તે એક મોટા વેલાઓને આધારે લટકી રહ્યો છે. તેટલામાં તેની દૃષ્ટિ કૂવાની નીચેના ભાગમાં પડી. તે ચીસ પાડી ઊઠયો! તેણે જોયું કે ત્યાં એક વિકરાળ વિષધર પોતાની ફેણો ફેલાવીને બેઠો છે કે ક્યારે તે ગરીબ બ્રાહ્મણ નીચે પડે અને તે તેને ગળી જાય!
બ્રાહ્મણે ભયથી આંખો મીચી લીધી. થોડી પળો પછી તેણે આંખો ખોલી તો ઉપરનું દૃશ્ય જોઈને ભયથી તેનું હૃદય ધ્રૂજી ઊઠ્યું. તેણે જોયું કે એક વિશાળ કાયાવાળો હાથી એકધારો કૂવા તરફ આવી રહ્યો હતો. તે વિચિત્ર હાથીને છ મોઢાં હતાં અને બાર પગથી તે ચાલી રહ્યો હતો.
હજુ તો એ હાથીના ભયથી તે ધ્રૂજી જ રહ્યો હતો. ત્યાં જ તેની દૃષ્ટિ તે વેલા પર પડી કે જેના આધારે તે લટકી રહ્યો હતો. તેના પર દૃષ્ટિ પડતાં જ તેણે ભયથી ચીસ પાડી! તેણે જોયું કે, તે વેલાને સફેદ તથા કાળા રંગના ઉંદરો એકધારા કોતરી રહ્યા છે! કોણ જાણે ક્યારે તે વેલો કપાઈ જાય અને પોતે તે વિકરાળ કાળા સર્પના મોઢામાં સમાઈ જાય! આ દૃશ્ય જોઈને તે વિક્ષિપ્ત જેવો થઈ ગયો.
તે કૂવાના વેલાઓમાં અનેક મધમાખીઓના મધપૂડા બનેલા હતા, જેમાં તીવ્ર ડંખ મારનારી અસંખ્ય મધમાખીઓ બેઠી હતી. તે મધપૂડાઓમાંથી એકધારું ટીપું ટીપું કરીને મધ ઝરી રહ્યું હતું. પથભ્રાંત તે પથિકનો કંઠ દુઃખ અને ભયથી સુકાઈ ગયો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે તેવી વિકટ વિપત્તિના સમયે પણ તે પથિક નિરંતર તે મધનું પાન કરી રહ્યો હતો!
વિદુરના મોઢેથી તે ગરીબ બ્રાહ્મણની દુર્દશા સાંભળીને મહારાજ ધૃતરાષ્ટ્રનું હૃદય દ્રવિત થઈ ઊઠ્યું. તેમણે વિદુરને કહ્યું, “વિદુર, ક્યાં છે તે દેશ! કઈ દિશામાં છે તે દુર્ગમ વન? જલદી બતાવો. હું તે બ્રાહ્મણની મુક્તિનો ઉપાય કરીશ. તેના દુઃખથી મારું મન વ્યાકુળ થઈ રહ્યું છે.”
વિદુરે હસતાં-હસતાં જવાબ આપ્યો “મહારાજ, મનીષીઓ દ્વારા આપેલું આ એક દૃષ્ટાંત છે. આને સારી પેઠે સમજી લેવાથી માનવને સન્માર્ગ તરફ આગળ વધવાની પ્રેરણા મળે છે અને અંતે તે બધાં દુઃખોથી મુક્ત થઈને તે પરમાનંદમાં સ્થિત થઈ જાય છે.”
ધૃતરાષ્ટ્રે ઉત્સુક્તાથી કહ્યું, “વિદુર, તમે મને આ કથાનો મર્મ જલદીથી કહી સંભળાવો.”
વિદુરે નિવેદન કર્યું, “મહારાજ, જેને દુર્ગમ સ્થળ કહેવામાં આવ્યું છે તે આ સંસાર જ છે. ભયાનક વન એ સંસારના જટિલ સ્વરૂપનું રૂપક છે. વનની સીમા પર જે ભયાનક સ્ત્રી ઊભેલી છે તેને મનીષીઓએ રૂપ તથા કાંતિની નાશક વૃદ્ધાવસ્થા કહી છે. અંધ કૂવાનું રૂપક શરીર માટે આપ્યું છે, એમાં પડીને આત્મા અજ્ઞાનના કારણે ફસાયેલો છે. કૂવાની અંદર બેઠેલો વિષધર તે કાળ (સમય)નો દ્યોતક છે. કૂવા પર ફેલાયેલા વેલા કે જેના આધારે બ્રાહ્મણ લટકી રહ્યો છે તે માનવના જીવનની આશા છે.
હે રાજન! કૂવાની ઉપર એ છ મોઢાવાળો હાથી કે જે એકધારો આગળ વધી રહ્યો છે તે સંવત્સરની સૂચના આપે છે. વર્ષની છ ઋતુઓ જ તેનાં છ મુખ છે. બાર મહિના તેના બાર પગ છે.
કાળા તથા સફેદ ઉંદરો જે જીવનલતાને સતત કાપી રહ્યા છે તે દિવસ તથા રાત્રિના સૂચક છે. મધમાખીઓ આપણી અંત ન આવે એવી ઇચ્છાઓની પ્રતીક છે. મધનાં ટપકતાં ટીપાં ઇચ્છાઓની ક્ષણિકપૂર્તિથી મળતા આનંદ તરફ સંકેત કરે છે. આ એક એવો રસ છે કે જેમાં બધા માનવીઓ ડૂબી જાય છે.
પણ જે વિવેકશીલ માનવ છે તે તો જ્ઞાન અને વૈરાગ્યના શાસ્ત્રથી આ ભયાનક સંસારનાં બંધનોને કાપીને સદાને માટે દુઃખોને પાર કરી જાય છે.
ભાષાંતરકાર: શ્રીમતી ઉષાબહેન ગોરસિયા
Your Content Goes Here




