કર્મયોગ શું કહે છે? ‘અવિરતપણે કાર્ય કરો પણ કાર્યનાં ફળ પ્રત્યે અનાસક્ત રહો.’ કશા સાથે તમારી જાતને એકરૂપ ન બનાવો. તમારું મન મુક્ત રાખો. આ વેદના અને આ દુ:ખ, જે કાંઈ તમે જોઈ રહ્યા છો, એ આ જગતની આવશ્યક અવસ્થા છે; દુ:ખ અને સુખ, બધું ક્ષણિક છે; એ આપણી ખરી પ્રકૃતિ નથી. આપણી પ્રકૃતિ દુ:ખ અને સુખથી પર છે. કોઈ પણ ઈંદ્રિયગમ્ય વસ્તુથી, કલ્પનાથી તે પર છે; અને તે છતાં આપણે અવિરત કાર્ય કર્યે જ જવું જોઈએ. ‘દુ:ખ આસક્તિમાંથી આવે છે, કાર્યમાંથી આવતું નથી.’ જે કાર્ય કરીએ તેની સાથે આપણી જાતને એકરૂપ બનાવીએ એટલે દુ:ખ ઊભું થાય. પણ જો તે કાર્ય સાથે આપણી જાતને એકરૂપ ન બનાવીએ તો તે દુ:ખ આપણને નડતું નથી. બીજાની માલિકીના સુંદર ચિત્રને કોઈ બાળી નાખે તો તેનું દુ:ખ આપણને થતું નથી. પણ આપણી માલિકીનું ચિત્ર સળગાવવામાં આવે તો? તો તેનું ભારે દુ:ખ થાય છે. શા માટે? બંને ચિત્ર સુંદર હતાં. કદાચ બંને એક જ અસલની નકલ હોય. છતાં એક કરતાં બીજામાં ઘણું વધારે દુ:ખ અનુભવાય છે. આનું કારણ એ છે કે એક ચિત્ર સાથે પોતાની જાતને એકરૂપ બનાવાય છે, જ્યારે બીજા સાથે કંઈ નિસબત નથી. ‘હું અને મારું’ એ જ સર્વ દુ:ખનું મૂળ છે. માલિકીના ભાવ સાથે સ્વાર્થ આવે છે. અને સ્વાર્થ દુ:ખરૂપ છે. સ્વાર્થનું દરેક કાર્ય, સ્વાર્થના દરેક વિચાર, આપણને આસક્ત બનાવે છે. તરત જ આપણે પરાધીન બનીએ છીએ. ‘હું અને મારું’ જેટલું વધારે તેટલાં પરાધીનતા અને દુ:ખ વધારે. જગતમાં સર્વ ચિત્રોની સુંદરતા માણવી હોય તો કોઈમાં આસક્ત ન થાઓ એમ કર્મયોગ શીખવે છે. ‘મારું’ એમ કદી ન કહો. કોઈ વસ્તુ ‘મારી’ માની એટલે તરત દુ:ખ આવવાનું. તમારા મનથી ‘મારું બાળક’ એમ પણ કહો નહીં. બાળક ભલે હોય પણ ‘મારું’ છે એમ ન કહો. ‘મારું’ છે એમ કહેશો એટલે દુ:ખ આવશે. ‘મારું ઘર’ એમ ન કહો; ‘મારો દેહ’ એમ ન કહો. બધી મુશ્કેલી ત્યાં જ છે. દેહ નથી તમારો, કે નથી મારો કે નથી કોઈનો. પ્રકૃતિના નિયમ અનુસાર આ દેહ આવે છે અને જાય છે, આપણે તો સ્વાધીન છીએ અને સાક્ષી તરીકે ઊભા છીએ. ચિત્ર કે દીવાલ કરતાં આ શરીર વધારે સ્વતંત્ર નથી…
તેથી, આ સ્વાર્થનું વળગણ ઊભું કરનારી વૃત્તિનો નાશ કરો. સ્વાર્થને નિયમનમાં રાખવાની શક્તિ કેળવો. તમારા મનને સ્વાર્થના માર્ગમાં લપટાવા ન દો. કર્મયોગનો આ ઉપદેશ છે. આટલું થયા બાદ તમે જગતમાં જાઓ. તમારાથી થાય તે કાર્ય કરો. બધે હળોમળો, જવું હોય ત્યાં જાઓ. તમને અનિષ્ટનો પાશ લાગશે નહીં. જળમાં કમળ હોય છે; જળ તેને સ્પર્શી કે ભીંજવી શકતું નથી. તમે જગતમાં જળકમળવત્ રહો. આનું નામ ‘વૈરાગ્ય’, નિર્લેપતા અથવા અનાસક્તિ. અનાસક્તિ વગર કોઈ પણ પ્રકારનો યોગ સંભવી શકે નહીં. બધા યોગોનો મૂળ પાયો અનાસક્તિ છે. કોઈ માણસ ઘરબાર છોડે, સારાં વસ્ત્રો પહેરવાનું છોડે, સારો ખોરાક ખાવાનું છોડે, અને રણમાં જાય, છતાં કદાચ ખૂબ જ આસક્ત હોય. એની એક માત્ર સંપત્તિ જે એનો પોતાનો દેહ, એને મન સર્વસ્વ બને. અને જીવે ત્યાં સુધી દેહને ખાતર એ મથ્યા કરે. અનાસક્તિ એટલે કેવળ આપણા બાહ્ય દેહ સંબંધમાં જે કાંઈ કરીએ તે નથી; અનાસક્તિ માત્ર મનમાં જ છે. ‘હું અને મારું’ની લોખંડી સાંકળ મનમાં રહેલી છે. દેહ સાથેની ઈંદ્રિયગમ્ય બાબતો સાથેની આ સાંકળ આપણામાં ન હોય, તો આપણે ગમે ત્યાં કે ગમે તે હોઈએ છતાં, અનાસક્ત છીએ. એક માણસ સિંહાસન પર બેઠો હોય છતાં એ સાવ અનાસક્ત હોય. બીજો સાવ ચીંથરેહાલ હોય છતાં ખૂબ આસક્ત હોય. પ્રથમ આપણે આ અનાસક્તિની સ્થિતિ મેળવવાની છે અને પછી સતત કાર્ય કરવાનું છે. થોડી કઠિન હોવા છતાં અનાસક્તિ કેળવવાની રીત કર્મયોગ આપણને બતાવે છે.
(‘સ્વા.વિ.ગ્રં.મા.’, ભાગ-૧, પૃ.૮૦-૮૧)
Your Content Goes Here




