તાજેતરમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે આવેલ રામકૃષ્ણ મિશન, સિંગાપુરના સ્વામી સમચિત્તાનંદજી મહારાજે ભક્તજનો સમક્ષ આપેલ પ્રવચનનો ભાવ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

શ્રીઠાકુર તો બધી વિદ્યાના શ્રેષ્ઠ આચાર્ય. વળી, જ્ઞાની જ નહિ, અનુભૂતિઓનાયે આચાર્ય. એમની પાસેથી જેમણે જેમણે શિક્ષાદીક્ષા લીધી એ તો અનંત બની ગયા. પુરુષસુક્તમાં આવે છે :

पादोऽस्य विश्वा भूतानि। त्रिपादस्यामृतं दिवि।

એક પાદ અર્થાત્‌ ચોથો ભાગ. એટલે કે એમના દેહના ચોથા ભાગમાં જ સમગ્ર બ્રહ્માંડ આવી જાય. બાકીનું ૭૫% તો અજ્ઞાત જ રહે છે. શ્રીરામકૃષ્ણદેવ વિશે પણ આપણે આ જ વાણી ઉચ્ચારી શકીએ. હીમશિલાની માફક એમનો મહદંશ તો ઢંકાયેલો જ રહે છે.

શ્રીઠાકુરની વિશેષતા તો એ હતી કે ત્યાગી-વૈરાગી, સાધુ-સંન્યાસી, પંડિતો, વૈષ્ણવો, વિજયકૃષ્ણ ગોસ્વામી, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવી વિભૂતિઓ, ગૃહસ્થ-ભક્ત, અરે! ગિરિશ જેવા દારુડિયા પણ ખરા – એ બધા દક્ષિણેશ્વરમાં એમના સાંનિધ્યમાં આવે અને પોતપોતાની શંકાનું સમાધાન શ્રીઠાકુર પાસેથી મેળવી શાંતિ-આનંદ પામે. આપણે કથામૃતમાં વાંચ્યું છે કે શ્રીઠાકુરની દૃષ્ટિએ ભક્તોની જાત ન હોય. શ્રીઠાકુરને મન તો બધા સરખા. બ્રાહ્મણેય આવે અને ચાંડાળેય પણ આવી શકે. દક્ષિણેશ્વરમાં ઠાકુરના સાંનિધ્યમાં આવીને ઈશ્વરાભિમુખ બનીને એ પાછા ફરે. આપણે સૌ ઠાકુરનાં ભક્તસંતાન છીએ. બાહ્યાચાર, જાતિ-પાતિ, વર્ણ, પથ, ધર્મ વગેરે ગૌણ છે. શ્રદ્ધાભક્તિ, શરણાગતિ, નિર્ભરતા એ જ મુખ્ય વસ્તુ છે.

શ્રીરામકૃષ્ણદેવનું સમગ્ર જીવન એક અનન્ય સંદેશ આપી જાય છે. સ્વામી શારદાનંદજી લીલાપ્રસંગમાં શ્રીઠાકુરની વિશિષ્ટતા વિશે લખતાં કહ્યું છે કે તેઓ જે સ્વીકારતા તો પૂર્ણપણે સોળઆની સ્વીકારતા. જેનો ત્યાગ કરતા તે પણ તેનો સંપૂર્ણપણે ત્યાગ કરતા. આપણો ત્યાગ તો સાવ અધકચરો. શ્રીઠાકુરને આપણે આદર્શ તરીકે લઈએ પણ એમના આદર્શોને જીવનમાં આચરી ન શકીએ તો બધું અધૂરું રહેવાનું. દક્ષિણેશ્વરના ઠાકુર ઘરમાં ભક્તો બેઠા છે અને વૈષ્ણવ ધર્મના ત્રણ પ્રધાન ઉપદેશો – પ્રભુનામનો મહિમા, વૈષ્ણવોની સેવા અને જીવ પ્રત્યે દયાની ચર્ચા ચાલે છે. જીવ પર દયા એ શબ્દો સાંભળીને જ શ્રીઠાકુર ભાવસમાધિમાં સરી પડ્યા અને બોલી ઊઠ્યા: ‘છિ, છિ, જીવ પર દયા! જીવ પર દયા કરનાર વળી તું કોણ? જીવ પર દયા નહિ પણ જીવની શિવભાવે સેવા.’ શિવજ્ઞાને જીવસેવા કરવી અતિકઠિન છે. ૧૭-૧૮ વર્ષનો છોકરો નરેન્દ્રનાથ આ બધું સાંભળતો હતો. બહાર જઈને પોતાના મિત્રને કહ્યું કે જો પ્રભુ મને અવસર આપશે તો હું શ્રીઠાકુરની આ વાણીનો પ્રચાર આખા વિશ્વમાં કરીશ. અને એમણે પોતાનું કથન ચરિતાર્થ કરી બતાવ્યું. સ્વામીજીએ ચીંધેલા કર્મમાર્ગે આપણે આગળ વધીશું તો આપણને સાચી શાંતિ-આનંદ અને સિદ્ધિ સાંપડવાની.

આ દુનિયામાં દરેકને કર્મ કરવું જ પડે છે. કોઈ એક ક્ષણ માટે પણ કર્મ વગર રહી શકે નહિ. કર્મ કરતાં કરતાં આ શિવજ્ઞાને જીવસેવાના આદર્શને અમલમાં મૂકવા માટે સ્વામી વિવેકાનંદનું કર્મયોગ પુસ્તક અત્યંત મહત્ત્વનું છે. એક વાર વાંચો, બે વાર વાંચો.. અને ખરેખર આપણામાં પરિવર્તન ચોક્કસ આવે છે.ધીરે ધીરે પરંતુ પરિવર્તન આવે જ છે.

એક ભક્ત શિલોંગમાં અમારી પાસે આવ્યા. તેમણે કહ્યું: ‘તમો તો અમને ભક્તો-ભક્તો કહો છો પણ ભગવદ્‌ગીતામાં જ્યારે ભક્તોનાં લક્ષણો વાંચીએ છીએ ત્યારે અમોને ખૂબ દુ:ખ થાય છે કે આમાંનું એક પણ લક્ષણ અમારામાં નથી.’ અમે તેમને સમજાવતા કહ્યું: ‘જુઓ, આપણા શાસ્ત્રમાં બે પ્રકારનો સંન્યાસ કહ્યો છે. એક વિદ્વત સંન્યાસ અને બીજો વિવિદિશા સંન્યાસ. વિદ્વત સંન્યાસ એટલે જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ છે, ત્યાગ આપમેળે થઈ જાય. અને સંન્યાસ ધારણ કરે. જ્યારે વિવિદિશા સંન્યાસ એટલે વૈરાગ્ય પછી ઈશ્વરપ્રાપ્તિ માટે સંન્યાસ ધારણ કરી, જપ-તપ-ધ્યાન કરે અને સંન્યાસી બનવાનો પ્રયત્ન કરે. એ જ રીતે ભક્તો પણ વિવિદિશા ભક્તો થઈ શકે. શ્રદ્ધા, ભક્તિ, નિષ્ઠા, નિર્ભરતા માટેના સતત પ્રયત્નો કરતાં કરતાં ઉત્તમ ભક્તો બની શકાય છે. આ બધા માટે સ્વામીજીના ‘કર્મયોગ’ પુસ્તકમાંથી અનન્ય માર્ગદર્શન સાંપડે છે.’

ઠાકુર સ્વામીજીએ આપેલ સેવાનો આદર્શ નવો નથી. હજારો વર્ષ પહેલાં ભાગવતમાં રંતિદેવની વાત તમે વાંચી હશે. તેમાં તેઓ કહે છે: ‘નથી મને કામના રાજ્યની, સ્વર્ગની કે ભવછૂટવાની; છે મને કામના એક ખપી જવાની પીડિતના દુ:ખ નિવારવામાં.’ મારી બીજી કોઈ ઇચ્છા નથી, હું બીજાની સેવા કરી શકું, એમનું થોડું દુ:ખ દૂર કરી શકું એ સેવાનો આદર્શ બહુ જૂનો છે. ભગવદ્‌ ગીતામાં પણ સેવાનો આદર્શ મળશે. રામાયણમાં પણ સેવાનો આદર્શ મળે છે. પણ ઠાકુર સ્વામીજીએ કહેલ સેવાના આદર્શની રજૂઆત આ યુગને અનુરૂપ છે.

કેન્સર જેવો અસાધ્ય અને અસહ્ય રોગ હોવા છતાં શ્રીઠાકુરે જીવોના કલ્યાણ માટે પોતાના રક્તનું એકેએક બિંદુનું વિસર્જન કર્યું. સેવાનો કેવો તો સર્વોચ્ચ આદર્શ!

શ્રીરામકૃષ્દેવ હતા, ત્યાગીશ્વર! પોતાના અંતરંગ સંન્યાસી શિષ્યોને અંદર અને બહારનો ત્યાગ શિખવતા અને ગૃહસ્થ ભક્તોને અંદરનો ત્યાગ કરવાનું કહેતા. શ્રીરામકૃષ્ણદેવ આંતરિક ત્યાગ પર ખૂબ જ ભાર મૂકતા.

અમેરિકાના એક ભક્તે ‘ડિઝાયર્સ ઑફ રામકૃષ્ણ’ વિશે લખ્યું હતું. શ્રીરામકૃષ્ણની ઇચ્છાઓ કેવી? : ‘પાણી પીવું છે, તે ખાઈશ, પેલું ખાઈશ, પેલા ભક્તને મળવું છે વગેરે..’ કથામૃતમાં શ્રીરામકૃષ્ણ ભક્તોને કહે છે કે હું તમારી સાથે વાત કરી શકું એટલે હું મારા મનને નીચે લાવું છું. મારું મન તો નીચે આવવા માગતું જ નથી. સર્વના કલ્યાણ માટે હું નીચે આવું છું.

માતાજીને એકવાર એક શિષ્યએ પૂછ્યું કે ઠાકુરના જીવનનો મૂળ ઉદ્દેશ શો હતો? સર્વધર્મ સમન્વય? માતાજી કહે છે કે ના, આ સાધારણ માણસને ત્યાગનો ઉપદેશ દેવા માટે જ ઠાકુરનું આગમન. એટલા સરળ ભાવે ત્યાગ કરવાનું શિખવે છે. જો તમે જોર કરીને ત્યાગ કરો તો શું થાય તે ઉદાહરણ દ્વારા સમજાવે છે. જો તમને વાગ્યું હોય અને ઘા થયો હોય. ઘા રુજાય ત્યારે ચામડી સુકાઈ જાય અને પરુ આવે. નાના છોકરાને જુઓ જોર કરીને ચામડી ઉખેડી નાખે, લોહી નીકળે તેથી ઘા રુજાય નહિ. જોર કરીને ત્યાગ ન કરાય. તમારા મનની એવી અવસ્થા હોય. આપણે સાહિત્ય વાંચીએ, ધીરે ધીરે ધર્મજીવન કે આધ્યાત્મિક જીવન માટે આપણા મનમાં એક સંકલ્પના બને.

ઠાકુરના જીવનની એક વિશેષતા. કર્મયોગ, ભક્તિયોગ, રાજયોગ, જ્ઞાનયોગના સમન્વયાચાર્ય. આપણે વાંચીએ ત્યારે ઘણીવાર લાગે કે કર્મયોગ આ બાજુ જાય છે, ભક્તિયોગ પેલી બાજુ જાય છે, રાજયોગ બીજી બાજુ જાય છે તેમ લાગે. વાસ્તવમાં આ બધા યોગો આંતરિક રીતે સમાન અને એકબીજાના પરિપૂરક છે. આ બધાના સમન્વય રૂપ શ્રીઠાકુરના ત્યાગની વ્યાખ્યા સ્વામીજીએ રચેલ સ્તોત્રમાંથી સ્પષ્ટપણે મળે છે. મંદિરમાં આપણે ગાઈએ છીએ: અદ્વય તત્ત્વ સમાહિત ચિત્તં, પ્રોજ્વલભક્તિપટાવૃતવૃત્તમ્‌ । કર્મ કલેવર અદ્‌ભુત ચેષ્ટં, યામિ ગુરું શરણં ભવવૈદ્યમ્‌ ॥ ઠાકુર શું હતા? અંદરથી અદ્વૈત, અદ્વૈત જ્ઞાન એકદમ પાકું. આપણી જીવનની ફીલોસોફી અદ્વૈત છે હો!

સ્વામીજીના એક શિષ્ય સ્વામી વિમલાનંદ માયાવતી, હિમાલયમાં રહેતા. સ્વામીજીએ કહ્યું કે અહીં નિરાકારની સાધના થશે. મંદિર, પૂજાપાઠ વગેરે નહિ થાય. વિમલાનંદજીને એમ થયું કે ઠાકુરનો ફોટો રાખીએ તો શો વાંધો? તેઓ ઠાકુરનો નાનકડો ફોટો રાખીને અગરબત્તી કરતા. સ્વામીજી એકવાર આ જોઈ ગયા ને તરત કહ્યું કે આ ડોસાનો ફોટો અહીં શા માટે રાખ્યો છે? વિમલાનંદજીને ખૂબ દુ:ખ થયું કે ઠાકુર તો મારા અને સ્વામીજીના પણ ઈષ્ટ છે તો તેઓ ઠાકુરનો ફોટો રાખવાની ના કેમ પાડે છે? તેમના મનમાં દ્વન્દ્વ થયું. સ્વામીજી કહે ત્યારે ખોટું ન કહે પણ ઠાકુરનો ફોટો હટાવવાની વાત શું કામ કરે છે? કોને પૂછવું? તેમણે શ્રીશ્રીમાને પોતાના મનની વાત જણાવી ત્યારે માતાજીએ જવાબમાં એક ચિઠ્ઠીમાં લખ્યું: ‘શ્રીઠાકુર તો અદ્વૈતવાદી હતા તેથી તમે પણ અદ્વૈતવાદી છો.’ તો – અદ્વય તત્ત્વ સમાહિતં ચિત્તં. ઠાકુર કહે છે તમારે લોકોએ શું કરવાનું છે? હું તો બીબું છું તમે પોતાને તેમાં ઢાળી દો, બીબું ખોલશો તો તેમાંથી મારા જેવું જ રૂપ નીકળવાનું.

મે સંઘમાં જોડાયા ત્યારે રાજકોટના કાલીપદ મહારાજ એક શ્લોક કહેતા: ભાવાદ્વૈતં સદા કુર્યાત્‌ – ભાવમાં અદ્વૈતની પ્રેકટીસ કરો – પણ વ્યવહારમાં અદ્વૈત ન કરતા. બધી જગ્યાએ અદ્વૈત બ્રહ્મના દર્શન કરો પણ વડિલ કે સન્માનનીય વ્યક્તિ સાથે અદ્વૈત ન કરાય. તમારામાં ને અમારામાં શું ફરક છે, તમે પણ બ્રહ્મ છો અમે પણ બ્રહ્મ છીએ, વ્યવહારમાં એમ ન કરાય.

પ્રોજ્વલભક્તિપટાવૃતવૃત્તમ્‌ – ઠાકુરને બહારથી જુઓ તો જાણે ભક્તિના કપડાથી વીંટળાયેલ છે. બહારથી ભક્તિ જ દેખાય. કથામૃત તમે વાંચો. થોડીવાર ભગવાનનું ચિંતન કરે એટલે ભાવમાં આવી જઈ બે હાથ ઊંચા કરીને ઠાકુર નાચવા માંડે. ભક્તોને લાગે કે આપણામાંના એક છે પણ જ્યારે ધ્યાન કરવા બેસે તો પથ્થરની જેમ સમાધિસ્થ થઈ જાય. લાકડા જેવા થઈ જાય. અદ્‌ભુત છે દક્ષિણેશ્વરની લીલા! જો કથામૃત ન વાંચ્યું હોય તો ઘટના નવી લાગશે.

કથામૃતમાં આવે છે – ડોક્ટર સરકાર હોમિયોપેથી ઠાકુર પાસે આવતા તેથી ઠાકુરની સમાધિ જોઈ હતી. પરંતુ તેમના મિત્ર ડો. દોકૌડીએ કદી સમાધિ જોઈ ન હતી. વાત કરતાં કરતાં, કીર્તન કરતાં કરતાં ઠાકુર સમાધિમગ્ન થઈ ગયા. ડો. દોકૌડી કહે કે ભાઈ, આ તો ગયા. એટલે પાછળથી એક ભક્ત કહે છે આ તો દિવસમાં દસવાર આવું થાય છે. સાથે આવેલ ડોક્ટર ચકાસે છે. પોતાની આંગળી ઠાકુરની ખુલ્લી આંખમાં અડાડીને જુએ છે કે થોડીપણ જીવનની સંભાવના છે કે નહિ. નાડી નીલ, પલક પડતી નથી, જાણે મૃત:પ્રાય! ભક્તોએ કહ્યું કે થોડીવાર રાહ જુઓ, એનું મન નીચે આવશે ત્યારે સ્વાભાવિક વાત કરશે. થોડીવાર થઈ એટલે ઠાકુરે ઊંડો શ્વાસ લઈને વાતચીત કરવા લાગ્યા. ‘અદ્વય તત્ત્વ સમાહિત ચિત્તં પ્રોજ્વલ ભક્તિ પટાવૃતવૃત્તમ્‌’.

બહારથી ભક્ત છે પણ આખા જીવનમાં – અંત સુધી કેવી રીતે બીજાનો ઉપકાર કરવો, કેવી રીતે બીજાને મદદ કરવી, કેવી રીતે ભક્તોને આધ્યાત્મિક જ્ઞાન આપી શકે! ઠાકુરના શરીરમાં એવી શક્તિ ન હતી કે રાહતસેવા કરી શકે. ઘરે ઘરે જઈને ચોખા, ઘઉં, બટેટા વહેંચી શકે. પણ આધ્યાત્મિક દાન, સર્વશ્રેષ્ઠ દાન ઠાકુર અંત સુધી કરતા. એક વાર કહે છે એક જીવની પણ ઉન્નતી થાય તો મુક્તિ માટે ગમે તેટલા જન્મ લેવા પડે લઈશ. ‘કર્મ કલેવર અદ્‌ભૂતં ચેષ્ટ’ આવી ચેષ્ટા, આવા પ્રયત્નો અતીતમાં કે ઇતિહાસમાં ક્યાંય જોવા ન મળે. આપણે આરતીમાં ગાઈએ – પ્રાણાર્પણ જગત તારણ – જગતને તારવા માટે પ્રાણ અર્પણ કર્યા. ખ્રિસ્તી ફિલસૂફીમાં આને જ crucifixion કહે છે. માતાજીએ એકવાર કીધું છે કે ઠાકુર ખરેખર શું હતા? અને કેવા હતા? એ ખરેખર જો કોઈ થોડુંક પણ સમજી શક્યા હોય તો તે સ્વામીજી છે. ઠાકુરને સમજી કેવી રીતે શકાય? આપણે આરતી ગાઈએ – ખંડન ભવબંધન જગવંદન વંદિ તોમાય – પહેલેથી અંત સુધી આખી આરતીમાં ઠાકુરનું ક્યાંય નામ છે? તમે આખી આરતી મનમાં ગાઈ જો જો, ખંડન ભવબંધન – આખી આરતી, નમો નમો પ્રભુ… ધે ધે લંગ રંગ ભંગ.. આખી આરતી ગાઓ. ક્યાંય એક જગ્યાએ પણ ઠાકુરનું નામ નથી. સ્વામીજીએ લખેલ આ આરતી આજે આખા રામકૃષ્ણ મઠ-મિશનમાં ગવાય છે. આ જે આરતી છે તે ગમે તે ઈષ્ટદેવ – ઈષ્ટદેવી માટે ઉપયોગ કરી શકાય, ગાઈ શકાય તેવી છે.

એકવાર અમે લોકો બેલૂર મઠ ટે્રનિંગ સેન્ટરમાં હતા ત્યારે બધા બ્રહ્મચારીઓ વાત કરતા તા કે આપણા મંદિરોમાં ઠાકુરની મૂર્તિ એકદમ સફેદ કેમ છે? વાળ સફેદ, દાઢી સફેદ, આંખ સફેદ, શરીર સફેદ કેમ? રામ મૂર્તિ, કૃષ્ણ ભગવાનની મૂર્તિ કે બીજી મૂર્તિઓ બજારમાં તમે જોવો કેવા સરસ રંગોવાળી હોય છે! આપણા મંદિરમાં જાવ તો ઠાકુરની મૂર્તિ સફેદ કેમ! શાંત, સ્નિગ્ધ સમુદ્રની જેમ તમારે એમાં જે ઈષ્ટદેવનો આકાર જોવો હોય જોઈ લો. નિરાકાર જોવું હોય તો તે પણ જોઈ શકાય. આખું સફેદ. તેથી ઠાકુર સગુણ-નિર્ગુણ બંને છે. 

શ્રીરામકૃષ્ણદેવના ભક્તો વિશે વાતો કરતાં સ્વામી વિરજાનંદજી એક જગ્યાએ સાધુઓને પ્રવચન આપતાં કહે છે, એમની વિશેષતા એ છે કે તેઓ નિષ્ઠાવાન હોય છે. હું જે નથી તે હું એમ ન કહું કે હું આ છું. તેઓ મિથ્યાડંબરવાદી હોતા નથી.

હું અલ્હાબાદમાં હતો ત્યાં કુંભમેળો ભરાય. ત્યાં બધા અખાડાઓ, આશ્રમો પોતાના સ્ટોલ નાખે, અમે પણ નાખ્યો હતો. એક સાંજે હું ઊભો હતો ત્યાં એક ભાઈ આવ્યા. મને કહે કે બ્રહ્મજ્ઞાન મને કેટલા મહિનામાં આપી શકો? મેં કહ્યું કે મને બ્રહ્મજ્ઞાન નથી થયું તો હું કેવી રીતે આપી શકું. તો તેઓ કહે કે ઘણી જગ્યાએ અખાડાઓમાં બોર્ડમાં લખેલું છે બ્રહ્મજ્ઞાન આઠ મહિનામાં મળી શકશે, ત્રણ મહિનામાં મળી શકે, તો તમારો બ્રહ્મજ્ઞાનનો કેટલા મહિનાનો કોર્ષ છે! મેં કહ્યું કે અમે કોઈ કોર્ષ કર્યો પણ નથી ને આવડતું પણ નથી. મને કહે કે તો તમે શા માટે ભગવાં પહેરીને ઊભા છો! અમે લોકો કોશીશ તો કરીએ છીએ. તેથી વિરજાનંદજી કહે છે કે our speciality is our sincerity. કથામૃતમાં ઠાકુર એક જગ્યાએ કહે છે કે ઠાકુર પોતે હું કે મેં કહીને વાત ન કરતા. કહેતા અહીં તમને આડંબર નહિ દેખાય, જે નથી તે તમને નહીં દેખાય ને જે છે તે તમને દેખાશે. આપણે હોઈએ કાંઈ અને બોલીએ કાંઈ એવું શ્રીઠાકુરના ભક્તોમાં ન હોય. વિરજાનંદજીના મત પ્રમાણે આપણે જે છીએ તે છીએ. ભગવાનલાભ નથી થયો તો નથી થયો. સ્વામી ગંભીરાનંદ મહારાજની મહાસમાધિ પછી એક વિશેષ પુસ્તિકા બહાર પડી હતી. તેમાં એક ઘટના છે. એક છોકરાએ આવીને ગંભીરાનંદ મહારાજને પૂછ્યું, ‘મહારાજ, તમને ભગવાનનો સાક્ષાત્કાર થયો છે!’ સ્વામી ગંભીરાનંદજી મહારાજ કહે છે કે જો હું હા કહું તો તું માની લઈશ? અને જો હું ના કહું તો મારા પ્રત્યેની તારી શ્રદ્ધા વધી જશે. પણ એક વાત ચોક્કસ છે તારા જેવા શિષ્ય માટે મારા જેવો ગુરુ પૂરતો છે. 

સાધારણ માણસમાં આધ્યાત્મિકતાનો પ્રકાશ તે ઠાકુરની વિશેષતા. આપણે સત્સંગત કરીએ છીએ, પ્રવચનો સાંભળીએ, ઉપનિષદ વાંચીએ. પહેલાં આપણે એમ સમજતા હતા કે ઉપનિષદો વગેરે તો મઠમાં-અખાડામાં રહેતા સાધુઓ માટેની વાત. એ તો પંડિતોનો વિષય. પણ શ્રીઠાકુરના ભાવના સંપર્કમાં આવ્યા પછી સાધારણ જનસમૂહ માટે પણ આ અલભ્ય વસ્તુ અત્યંત સુલભ બની ગઈ છે; શ્રીઠાકુરના ભક્તો શાસ્ત્રો વાંચવાની, સમજવાની કોશિશ કરે છે, એ ઠાકુરની વિશેષતા.

આપણે ભગવાનની કલ્પના કરીએ, આંખ બંધ કરીને ધ્યાન કરવાની કોશિશ કરીએ. ઠાકુરના માટે તો ભગવાન એટલે દૈનંદિન જીવનમાં ચૈતન્ય સ્વરૂપ એક જીવંત વ્યક્તિ છે. એક જણે આવીને ઠાકુરને કંઈક પૂછ્યું. ત્યારે શ્રીઠાકુરે કહ્યું કે ઊભો રહે હું મારી માને પૂછી આવું. સીધા ગયા મંદિરમાં. આવીને કહે કે માએ મને આમ કીધું. આપણે ઘણીવાર એમ કહીએને! મને કોઈએ કંઈક પૂછ્યું જો મને ખબર ન હોય તો હું કહું કે ઊભા રહો હું મહારાજને પૂછી આવું. તો મહારાજની હું કલ્પના નથી કરતો. મહારાજ મારા માટે વ્યવહારિક જીવનમાં એક અંગ છે. ઠાકુર માટે ભગવાન, ઈશ્વરત્વ કલ્પનાનો વિષય ન હતો તે દૈનંદિન જીવનનો એક અંશ હતો. ઠાકુર માટે એની કલ્પના કરવાની જરૂર નથી. એકવાર ધ્યાન કરવા પોતાના રૂમમાં બેઠા હતા, મચ્છરદાની નાખીને. દસ મિનિટમાં ઊભા થઈ ગયા. એક ભક્તે પૂછ્યું કે કેમ ધ્યાન ન જામ્યું? ઠાકુર કહે કે ધ્યાન કરવા માટે બેઠા પછી વિચાર આવ્યો કે આ તો કલ્પના કરું છું. આંખ બંધ કરીને ભગવાનનું ધ્યાન કરી શકાય તો આંખ ખોલીને સચરાચર ભગવાનને ન જોઈ શકાય?

એક બહું સરસ ઘટના છે કથામૃતની. એક મારવાડી ભક્ત આવ્યા ઠાકુર પાસે અને ઈશ્વરતત્ત્વ સંબંધી વાત થતી હતી ત્યારે ઠાકુર કહે કે ભગવાનનું ધ્યાન ગમે ત્યાં કરી શકાય. ઉદાહરણ આપે છે. તમને દાંતનો દુ:ખાવો થાય ત્યારે તમે ગમે ત્યાં બેઠા હો, ગમે તે કામ કરતા હો, મનનો એકભાગ આ દાંતમાં બેઠો હોય. તરત જ આ મારવાડી ભક્ત કહે કે હા, મને ખબર છે મને એકવાર દાંતનો દુ:ખાવો થયો હતો. પછી ઠાકુર જે વાક્ય કહે છે કે ‘આંખ ખૂલી રાખીને પણ ધ્યાન કરી શકાય, વાતચીત કરતાં કરતાં પણ ધ્યાન કરી શકાય.’ શાસ્ત્રોમાં કહ્યું છે કે સાધારણ માણસ એક ઈશ્વરનું સ્વરૂપ કે સ્મરણચિંતન કરીને સમાધિસ્થ થાય, પણ ઠાકુર જેવા મહાપુરુષ માટે શાસ્ત્રોમાં બીજી વાત છે. ‘યત્ર યત્ર મનોયાતિ, તત્ર તત્ર સમાધય:’ એમનું મન જ્યાં જાય, ગમે તે વિષય પર જાય ત્યાં સમાધિસ્થ થાય. આપણે તો એક વિષય લઈએ અને તેના પર ધ્યાન કરવાની કોશિશ કરીએ પણ ઠાકુરનું મન જ્યાં જાય ત્યાં સમાધિસ્થ થાય. આ ઠાકુરની વિશેષતા હતી. આધ્યાત્મિક જીવનમાં આ બધું આપણે ઠાકુર પાસેથી શીખી શકીએ. જીવનમાં સમાધિ ક્યારે થવાની તે ખબર નથી પણ કોશિશ તો કરી શકીએ, એક ટકા, બે ટકા, ત્રણ ટકા, ચાર ટકા, તે કોશિશ આપણે નિષ્ઠાપૂર્વક કરી શકીએ તે ઠાકુરનો ઉપદેશ.

આપણે જ્યારે હોમહવન કરીએ છીએ ત્યારે ‘ૐ ઐં સર્વદેવદેવી સ્વરૂપાય શ્રીરામકૃષ્ણાય સ્વાહા’ એમ બોલીએ છીએ. સ્વામી રામકૃષ્ણાનંદ મહારાજે શ્રીઠાકુર અંગે ‘સર્વદેવદેવી સ્વરૂપાય’ની અનુભૂતિ કરી એટલે જ શ્રીઠાકુરની પૂજાવિધિમાં આ શ્લોકનો ઉપયોગ કર્યો છે. કથામૃતમાં આવે છે કે શ્રીઠાકુર તો સ્વયં કાલી સ્વરૂપ હતા. મથુરબાબુ, રાણી રાસમણિના જમાઈ દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણદેવના ઓરડાની પાસે આવેલ પોતાના બંગલામાંથી જુએ છે – શ્રીઠાકુર વરંડામાં આંટા મારી રહ્યા હતા. એક બાજુ જાય તો શ્રીમા કાલી દેખાય, બીજી બાજુ જાય તો શિવજી દેખાય. એ સમયે તેમણે અત્યંત જાગ્રત અવસ્થામાં વારંવાર આ દર્શન કર્યું. એટલે તેઓ ઠાકુરના પગમાં પડી ગયા અને કહ્યું કે તમે કોણ છો તે મને ખબર નથી. એક બીજા વૃદ્ધ મહિલા ઠાકુર પાસે આવતા હતા – ગોપાલની મા. તેમણે જોયું કે ઠાકુર તો સાક્ષાત્‌ ગોપાલ છે, કૃષ્ણ છે. ઠાકુર જ્યારે વૃંદાવન ગયા હતા ત્યાં એક ઉચ્ચ આધ્યાત્મિક સાધિકા ગંગામાઈ. તેને એમ લાગ્યું કે ઠાકુર તો રાધાનો અંશ છે. ભૈરવી બ્રાહ્મણીએ કહ્યું કે ગૌરાંગ મહાપ્રભુનો અવતાર છે. શ્રીરામ મિશ્રા ખ્રિસ્તી હતા. તેમણે કહ્યું કે તેઓ જીસસના અવતાર છે. સર્વદેવદેવી સ્વરૂપાય કલ્પના નથી. ઠાકુરના પચાસ વર્ષના જીવનમાં વિવિધ વ્યક્તિઓએ જુદા જુદા સ્વરૂપે તેમને જોયા છે, અનુભવ કર્યો છે. તેઓ ભાગ્યવાન હતા, અનુભવ કરી શક્યા. તો આ ઠાકુર. તેમના જીવનની એક એક ઘટના કથામૃત અથવા લીલાપ્રસંગ કે બીજી ગમે તે ચોપડીમાં ઠાકુરના મુખથી એકપણ વાક્ય નીકળ્યું હોય તે આપણા માટે શિક્ષાપ્રદ છે. ઘણી ચીજો એવી હોય કે ઉપનિષદોમાં લખી હોય પણ તે સમજવાની તકલીફ. કથામૃતમાં વાંચીએ તો તે જ પ્રકલ્પ બહુ સરળતાથી ઠાકુર કહે છે, આપણને સમજાય જાય. આપણને એમ ન લાગે કે આપણને સંસ્કૃત નથી આવડતું, આપણે તો શાસ્ત્રો નથી વાંચ્યા. શ્રીઠાકુર કહેતા કે શાસ્ત્રોમાંથી તેનો સાર ગ્રહણ કરવો એ જ મહત્ત્વપૂર્ણ છે. ઘરે જો એક પોસ્ટકાર્ડ આવ્યું હોય તેમાં લખ્યું હોય કે મારા માટે પાંચ મીટર કાપડ અને પાંચ કિલો મીઠાઈ ખરીદજો. એકવાર મીઠાઈ અને કાપડ ખરીદી લો પછી પોસ્ટકાર્ડને ફ્રેમમાં મઢીને લટકાડો? પોસ્ટકાર્ડનું કામ પૂરું. મોટા મોટા પંડિતો, શંકરાચાર્ય જેવા પણ એમ જ કહે છે કે અવિજ્ઞાતે પરે તત્ત્વે, શાસ્ત્રાદિ તુ નિષ્ફલા । જો તમને અનુભૂતિ ન થાય તો શાસ્ત્રો વાંચવાથી શું લાભ? વિજ્ઞાતે તુ પરે તત્ત્વે શાસ્ત્રાદિ તુ નિષ્ફલા । અને એકવાર જો તમને અનુભૂતિ થઈ જાય તો શાસ્ત્રોની શું જરૂર છે? ઠાકુર સરળ વાતમાં કહે છે, આપણે ચોપડીઓ વાંચવી જોઈએ – શાસ્ત્રો વાંચવા જોઈએ પણ જેટલું વાંચીને આપણું કામ થઈ જાય તેટલું વાંચવું પછી જરૂર પડે તો વધારે વાંચી શકાય. ઠાકુરના બધા ઉપદેશો બહુ વ્યાવહારિક છે. એક સ્વામીજીએ કહ્યું હતું, રામકૃષ્ણ કથામૃત મેડિકલ સ્ટોર જેવું છે, ઘણી દવાઓ છે, પોતાને લગતી દવા ઉપાડીને ખાઈ લો. તેમાં સંન્યાસીઓને ઉપદેશ છે, ગૃહસ્થોને ઉપદેશ છે. મહિલા ભક્તો માટે ઉપદેશ છે, પરિવ્રાજકો માટે ઉપદેશ, નૈષ્ઠિક બ્રહ્મચારીઓ માટે ઉપદેશ, વાનપ્રસ્થીઓ માટે ઉપદેશ આપેલા છે. તમારે પહેલા જોવું પડે કે મારા માટેનો ઉપદેશ કયો છે! આમાં કયો ઉપદેશ મારા માટે ઉપયોગી છે? સંન્યાસીના કઠણ આદર્શ હોય અને ગૃહસ્થ ભક્ત તે પાલન કરવાની કોશિશ કરે તો તેના જીવનમાં તકલીફ અને સંન્યાસી જો ગૃહસ્થ જીવનનો આદર્શ પાલન કરવાની કોશિશ કરે તો તેને તકલીફ. શ્રીઠાકુરના સંન્યાસી શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી એક જગ્યાએ કહે છે : ‘હું તમને એક વાક્યમાં બ્રહ્મજ્ઞાન આપી દઉં કે રોજ કથામૃત વાંચજો.’ જો તમે કથામૃત ન વાંચો તો Life is something less than what is should be. Life is not complete. કથામૃત વાંચવું બહુ અગત્યનું છે. શ્રીઠાકુરના ઉપદેશો-જીવનચરિત્ર જો ન વાંચ્યા હો તો એકવાર વાંચજો, જો વાંચ્યા હોય તો ફરી ફરીને વાંચજો. સ્વાદુ, સ્વાદુ, પદે પદે, જેટલી વાર વાંચો એટલી વાર નવું નવું જાણવા મળે.

Total Views: 125

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.