પુસ્તક પરિચય

આનંદધામના પથ પર: પ્રથમ ભાગ, પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ (૧૯૯૧): શિવાનંદ વાણી (બંગાળી)નો અનુવાદ: મૂળ બંગાળીમાં સંકલન: સ્વામી અપૂર્વાનંદ, અનુવાદકો: શ્રીમતી શાંતિબહેન દીઘે, શ્રીમતી સુમોહાબહેન મેઢ તથા ડૉ. કમલકાંત.

ભગવાનને પામવાનો માર્ગ સ૨ળ નથી પણ ખૂબ દુષ્કર છે એમ અનેક જગ્યાએ અનેક વાર કહેવાયું છે: ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા, દુર્ગં પથસ્તત્ કવયો વદન્તિ – એમ ‘કઠોપનિષદ’માં કહેવાયું છે. જે લોકો એ માર્ગે જતા નથી પણ તીરે ઊભા તમાશો જુએ છે તેમને માટે એ સાચું છે. પરંતુ, જે મહાત્માઓ એ માર્ગે ચડી ગયા છે તેમને માટે એ ખાંડાની ધાર સુંવાળાં ફૂલોનો રાજમાર્ગ બની જાય છે. આનંદધામે લઈ જતો એ પથ પણ એમને માટે આનંદપથ જ છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ (રાજકોટ) તરફથી ૧૯૯૧માં પ્રકાશિત ‘આનંદધામના પથ પર’ એ નાનકડા પુસ્તકનો પ્રથમ ભાગ હાથ આવ્યો ત્યારથી મનમાં બીજો ભાગ વાંચવાનો લોભ જાગ્યો અને એમ વિચાર્યું કે બેઉ ભાગની પ્રસાદી ‘જ્યોત’ના વાચકોને સાથે વહેંચવી. પરંતુ બે વરસ વીતી ગયાં ત્યાં સુધી બીજો ભાગ હાથ આવ્યો નથી અને આ અમૃતનો આસ્વાદ કરાવવાનું વધારે મોડું કરવું ઠીક જણાતું નથી. તેથી આ પરિચય કાર્ય હાથ ધર્યું છે. પૂજ્ય સ્વામી શિવાનંદજી (૧૮૫૪-૧૯૩૪) ઠાકુરના પટ્ટશિષ્યોમાંના એક, શ્રીરામકૃષ્ણ મઠની વિધિસરની સ્થાપના પૂર્વેથી મઠમાં રહેનાર, મઠ-મિશનના દ્વિતીય પરમાધ્યક્ષ, અનેકોને દીક્ષા આપનારનું, આ નાનકડું પુસ્તક આપણે અંતર ખોલી વાંચીએ તો, આપણો હાથ ઝાલી આપણને ઠાકુરને ચરણપદ્મે લઈ જાય છે.

ઑક્ટોબર ૧૯૧૮થી ઑગસ્ટ ૧૯૨૯ સુધીમાં અગ્યાર વર્ષોમાંના, સળંગસૂત્રતા વિનાના ભાસતા તૂટક તૂટક ૫૦ પ્રસંગો આ નાના ગ્રંથમાં નિરૂપાયા છે. પરંતુ, માળાના મણકાઓને જોડતા સૂત્રની જેમ મહાપુરુષ મહારાજના નામથી સ્વામી વિવેકાનંદે જેમને ઓળખાવ્યા હતા તે, સ્વામી શિવાનંદજી, આ ગ્રંથને સળંગસૂત્રતા અર્પે છે. જુદે જુદે સમયે જુદા જુદા ભક્તો સાથે કરેલા વાર્તાલાપોમાં સ્વામી શિવાનંદજીની ઠાકુર અને શ્રીમાની અપાર શ્રદ્ધાનાં દર્શન આપણને થાય છે. એમને પ્રશ્ન પૂછનારને એઓ ઠાકુરના નામનો જપ કરવાનું, એમને શરણે જવાનું, એમને ચીંધેલે માર્ગે જવાનું કહે છે.

સ્વામી વિવેકાનંદ, સ્વામી બ્રહ્માનંદ જેવા પોતાનાથી નાનેરા અને સમર્થ સાથીઓ ચાલી ગયા પછી મનમાં વિષાદ ઠાંસીને અને ઠાકુરની કૃપાથી શાંતિનો અંચળો ઓઢીને એમણે મઠના સંન્યાસીઓને અને સંસારીઓને જે અમૂલ્ય બોધ આપ્યો છે તે જ આ આનંદધામનો પથ છે. ખૂબ તપસ્યાથી, દેહદમનથી અને શારીરિક કષ્ટથી દેહ નબળો પડી ગયો હોવા છતાં અને ઊતરતી અવસ્થાએ દમ જેવી વ્યાધિથી પીડાતા રહેતા હોવા છતાં એમના અંતરમાં ઝમકતી અમૃતવાણી અહીં સંઘરાઈ છે. એમની એ વાણીમાં શ્રીરામકૃષ્ણની વાણીનો પડઘો છે, નહીં, શ્રીરામકૃષ્ણ જ જાણે એમની મારફત વાતો કરી રહ્યા છે. આપણાં અંતઃકરણને નિર્મળ કરી એ વાણી ઝીલવા પ્રયત્ન કરીએ. આપણે વિવિધ કૃપાનો લાભ પામીશું

આ અદ્દભુત ગ્રંથનો બીજો ભાગ તુરંત પ્રસિદ્ધ થાય એવી પ્રાર્થના કરીએ.

– દુષ્યંત પંડ્યા

સાભાર સ્વીકાર

સુંદરકાંડ: વિનાયકરાય મનસુખલાલ પોટા, પ્રકાશકઃ કુન્તાસ્મૃતિ સત્સંગ પરિવાર, કુન્તાસ્મૃતિ, બાબાજીપુરા, વડોદરા, પૃ. ૨૫૮, કિંમત રૂ. ૪૦

માનસસાર: અનુવાદક અને પ્રકાશક: વિલાસરાય હ. વૈષ્ણવ, ‘સુગંધ’, ૬૫ (નોર્થ), હરિનગર સોસાયટી, ગોત્રીરોડ, વડોદરા ૩૯૦૦૦૭, પૃ. ૨૦૦, કિંમત રૂ. ૨૫

પીય મગન હોઈ: હરેશ ધોળકિયા, વિક્રેતા: અક્ષરભારતી, ૫, રાજગુલાબ શોપીંગ સેન્ટર, વાણિયાવાડ, ભુજ- કચ્છ ૩૭૦ ૦૦૧, પૃ. ૩૨, કિંમત રૂ. ૫

શ્રી સત્યનારાયણદેવની કથા: આર. એમ. ઠક્કર, પ્રકાશક: સૌ. શાંતાબહેન રમણલાલ ઠક્કર, ‘પાર્વતી’, ૪૯, જયેશ સોસાયટી, ફતેહગંજ, વડોદરા ૩૯૦૦૦૨, પૃ. ૨૪, કિંમત રૂ. ૩.૫૦ પૈસા

નિત્યસાથી ગીતાજી: પ્રકાશક: સુશીલાબહેન ઓચ્છવલાલ ગાંધી, સદ્ગુરુ સેવા પરિવાર, ૨૩૬, સંતરામનગર, નડિયાદ ૩૮૭૦૦૧, પૃ. ૩૨, કિંમત દર્શાવેલ નથી.

Total Views: 263

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.