(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્ય સ્વામી ત્રિગુણાતીતાનંદજીએ ‘ઉદ્‌બોધન’ માસિક પત્રિકામાં – પ્રથમ વર્ષ ૧૮મી સંખ્યા – મૂળ બંગાળીમાં ‘આનંદમયીર આગમન’ લખેલ લેખનો સ્વામી સર્વસ્થાનંદ, બ્ર. અમરચૈતન્ય અને શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ દુર્ગાષ્ટમીના તહેવારો નિમિત્તે અહીં પ્રસ્તુત છે. – સં.)

શ્રીમા જગદંબા આપણને જોવા ફરીથી પધારે છે. પોતાનાં વહાલાં સંતાનોની નિકટ તેઓ સ્નેહઝરણું લઈને પધારી રહ્યાં છે. એ આગમનનું સ્મરણ જ હૃદયને આનંદ સભર બનાવી દે છે. આપણી મા કેવી દયામય! કેવી સ્નેહમય! પ્રતિવર્ષ આપણને જોયા વિના તેઓ રહી શકતાં નથી. પોતાનાં સંતાનોને વધુ દિવસ સુધી જોયા વિના તેઓ રહી શકે ખરાં? એટલે માનાં નયન સજલ રહે છે. સ્નેહમયી મામાં સ્નેહનું ઝરણું વહેતું ન હોત તો આપણાં જેવાં બધાં શુષ્ક, અસ્ફૂટ, સંતાનોની ભીતર આટલો બધો સ્નેહનો ઉદ્રેક તેઓ કરાવી શકે ખરાં? મા નિકટ આવતાં જ એમનો અવિરત ધારાએ વહેતો સ્નેહ પામીને જ તો આપણે બીજાં સૌને થોડી ઘણી પણ સ્નેહદૃષ્ટિએ જોતાં શીખીએ છીએ.

માને આપણે અનાયાસે ભૂલી જઈએ એમાં કોઈ નવું આશ્ચર્ય નથી, પણ મા પોતાનાં સંતાનોને ભૂલતી નથી. સંતાન એટલે શું, એ બધું મા જાણે છે. સંતાનોને મન મા એટલે શું, એ કદાચ તેઓ ન પણ જાણતાં હોય! માના કેવા ને કેટલા ગુણ! કેટલો મહિમા! જો આ બધું આપણે જાણતા હોત તો આપણા સૌની આજે આ દશા હોત ખરી? પોતાનાં સંતાનોને ગર્ભમાં રાખે છે, રક્ષે છે, જન્મ આપે છે. ગમે તેમ કરીને પણ તેને માનવ બનાવે છે. સંતાન એટલે શું, એ મા પૂરેપૂરું જાણે છે. સંતાનોને જોયાં વિના ન રહી શકવાથી મા વારંવાર સંતાનોને જોવા આવે છે! આવીને અપાર સ્નેહથી કેટકેટલાં શ્રદ્ધા, ભક્તિ, પ્રેમભાવ આપણી ભીતર રેડી જાય છે. અહા! માનો કેવો અપાર સ્નેહ! કેવી અદ્‌ભુત ક્ષમાશીલતા! એનો એકાદ કણ પણ મળી જાય તો એક દિવસ માટે પણ ‘હું માનું સંતાન છું’ એવી તૃપ્તિ મને થઈ જાય.

આપણાં માને તમે તીણી આંખે નીરખ્યાં છે ખરાં? માનાં નેત્રો કેવાં સ્નેહનીરથી છે છલોછલ! કેવાં આનંદસભર છે મા! એની બાજુમાં ઊભા રહેવાથી દેહ-મન-હૃદય સમગ્ર એક અવનવા આનંદથી સભર ભરાઈ જાય. મા આવશે એટલે શત શત લોકો કેટલા બધા આનંદનો અનુભવ કરશે! માનાં દર્શનાર્થે કેટલા બધા લોકો પોતાનાં કામકાજ છોડીને દેશદેશાંતરથી ચાલ્યા આવે છે. ‘માની પ્રતિમાની પૂજા કરીશ’ એવા ભાવથી કેટકેટલા લોકો કેવાં કેવાં પૂજાદ્રવ્યો દૂરસુદૂરથી સાચવી સંગ્રહીને લઈ આવ્યાં છે! આજે મા અમારા ઘરે પધારશે એટલે ઘર-આંગણાં કેવાં સ્વચ્છ-સુંદર બનાવ્યાં છે! લોકોએ કેવા નવા નવા શણગાર કર્યા છે! અરસપરસ કેવા સ્નેહપ્રેમના ઉમળકા પ્રગટે છે! કેવા કેવા આનંદ-ઉલ્લાસ થઈ રહ્યા છે! ઘરનાં કચરો-અળશ, મેલાં વસ્ત્રો દેહ-મનનો મેલ આ બધાં દૂર કર્યાં છે. દરિદ્ર, દીન, ધનવાન, શક્તિવાન, સૌ કોઈ એક સમાન આનંદથી મતવાલા બની જાય છે. માનો સ્નેહ તો જેટલો ધનિક પ્રત્યે એટલો જ સ્નેહભાવ દીનદરિદ્ર પ્રત્યે. ધનવાનની યાચના જેમ મા સાંભળે છે, તેમ મા દરિદ્રની પ્રાર્થના પણ સાંભળે છે. માને કાને ગરીબો કહે છે: ‘મા, ફરીથી અમારાં ઘરમાં પધારજો!’ મા તો જાણે છે : ‘મારાં દીનગરીબ સંતાનોનું મારા સિવાય બીજું કોઈ નથી! એટલે જ વરસ પૂરું થાય ન થાય ત્યાં તો પોતાનાં દરિદ્ર સંતાનો સમક્ષ હાજર! ગરીબ પાસે ખાવાનું યે નથી, છતાંય માની એમના પર એવી કૃપા કે પૂજાકાળે માની પૂજા સંપન્ન કરવામાં ક્યાંય મણા ન રહે. માનાં ઉન્નત સંતાનો કહે: ‘આપણી મા આવી નાની હોય; મા તો સર્વવ્યાપી! તેમનું આગમન, આવાહન કે વિસર્જન વળી શું? એમની વળી ભાત-કેળાથી પૂજા અર્ચના શી?’ પરંતુ આપણું મન આટલું ઉન્નત થતું નથી.

આપણી મા સર્વ કંઈ બની શકે. તે સાકાર થઈ શકે, નિરાકાર પણ થઈ શકે. એ સિવાય તેઓ શું શું થઈ શકે એ તમે જાણો છો? તેઓ તો અનંત છે; એમનાં ગુણમાહાત્મ્ય અનંત છે. એમનું રૂપ પણ અનંત છે. તેઓ ભક્ત વત્સલ છે અને તેમની કરુણા અપાર છે. સંતાન જે જે રૂપે તેમને પામીને આનંદ પામે તે જ રૂપે તેમની સમક્ષ તેઓ પ્રકાશિત થાય છે. જો એમની કૃપા ન થાય તો આપણા જેવા ભક્તોની શી વિસાત કે એમના અસીમ, અનંત સ્વરૂપને એક ક્ષણ માટે પણ સમજી શકીએ! આપણે મોટા થઈશું, આપણી બુદ્ધિ સંમાર્જિત થશે, હૃદય જ્યારે દર્પણ જેવું નિર્મળ થશે ત્યારે માનો ઉચ્ચ-અવાઙ્‌ગમનસગોચર ભાવની ધારણા કરવામાં આટલી ક્ષતિ નહિ થાય. પણ અત્યારે આપણે તો અતિશિશુ છીએ. અત્યારથી જ આપણા સ્વચક્ષુએ માને જેટલા પ્રમાણમાં નીરખીએ તેટલા પ્રમાણમાં માની છબિ આપણાં હૃદયમાં અંકિત થાય. તેટલા જ મામાં રહેલા ગુણ, માનો ભાવ અંતરમાં ઊંડા ને ઊંડા ઊતરતા જશે. બાલ્યકાળમાં જે કંઈ આપણે કરીએ, સાંભળીએ તે બધું સહજભાવે હૃદયંગમ બની શકે. એ સમયે અનંત, અસીમ ઇત્યાદિ ઉચ્ચ ભાવને સમજવો ઘણો કઠિન છે; એને સમજવો અસંભવ છે, એમ કહેવામાં કોઈ અત્યુક્તિ નથી. એક બાજુએ વિવિધ પ્રકારના પાર્થિવ અનિત્યભાવના સંસ્કારો હૃદયમાં બદ્ધમૂળ બની જાય છે. મોટાં થતાં જોવા મળે છે કે આપણા મનની ભીતર આવા કેટલા બધા મેલ-સંસ્કાર ભેગા થઈ જાય છે કે તેને સ્વચ્છનિર્મળ કરવું પણ દુષ્કર બની જાય છે. આંખ મીંચીને ધ્યાન કરવા બેસું તો એક પ્રકારનો અંધકાર જોઉં છું. મોટો થયો છતાં પણ શ્રદ્ધા-ભક્તિની બાબતમાં તો હજુ બાળક જ છું. એટલું જ નહિ એ નિર્મળબુદ્ધિની બાલ્યાવસ્થા કરતાં પણ અધમ થઈ ગયો છું. વળી બાળકની જેમ મા કહીને કોઈ વસ્તુને જોવા, સ્પર્શવાનો આરંભ કર્યો તો અનેક દુ:ખકષ્ટ પછી થોડીઘણી ઉન્નતિનું ભાન થવા લાગ્યું. આ જ રીતે ક્રમશ: સમજાયું કે માની મૂર્તિપૂજા પણ દુર્બળને માટે કેટલી બધી સહાય રૂપ નીવડે! અલ્પમાં કેટલું મોટું ફળ પ્રાપ્ત થાય!

આપણી મા એ કેવળ મૃણ્મયી – માટીની કે ઢીંગલી જેવી મા નહિ. આપણી મા તો સાંભળે છે અને આપણી મનોવાંછા પૂરી કરે છે આ સાંભળ્યું હતું પણ હવે તો દૃઢ શ્રદ્ધા બેસી ગઈ છે. આપણી મા તો સર્વમંગલા, અંતર્યામિની, સર્વશક્તિમતી, સર્વશક્તિસ્વરૂપા છે. એક સાધકે ગાયું છે: ‘આમાર મા જદિ કાલો હોતો તબે કિ ડાકિતામ એતો; જાર કાલો તાર કાલો શ્યામા, આમાર સે જે ભાલો, જદિ કાલો, તબે કેનો હૃદિપદ્મ કરે આલો.’ – ‘આપણી મા જો કાળી હોય તો હું શાને એને બોલાવું; જે કાળી છે એ જ મારી મા શ્યામા, મને તે લાગે અતિ વહાલી, જો એ કાળી હોય તો હૃદયપદ્મને કેમ કરી કરે ઉજ્જ્વળ.’ માને આતુરતાથી બોલાવીને, માને ભાવે પૂજીને, આપણાં હૃદય પૂર્ણ બને છે, આ સત્યનો અસ્વીકાર કેમ કરવો? મા પાસે આપણે જેટલા વધુ આંતરિક ભાવે આપણી ઇચ્છા પ્રગટ કરીએ એને તે પૂર્ણ કરે છે, આ વાતમાં શ્રદ્ધા કેમ ન રાખવી? ‘હે મન, તું જાણતું નથી કે પરમ કારણ એવી શ્યામા એ કોઈ માત્ર તરુણી નથી.’ આ મા કંઈ કહેવાની જ મા છે કે જેને તેને મા કહીને હું બોલાવું?

દેવી ઉપનિષદમાં કહ્યું છે: ‘ૐ સર્વે વૈ દેવા દેવીં ઉપતસ્થુ: કાસિ ત્વં મહાદેવીતિ । સાબ્રવિત્‌ અહં બ્રહ્મસ્વરૂપિણી મત્ત: પ્રકૃતિપુરુષાત્મકમ્‌ જગત્‌ । શૂન્યં ચાશૂન્યં ચ ॥ અહમાનંદાનાનંદૌ । અહં વિજ્ઞાનાવિજ્ઞાને । અહં બ્રહ્માબ્રહ્મણી વેદિતવ્યે । બધા દેવોએ દુર્ગાદેવી પાસે જઈને નમ્રતાપૂર્વક પૂછ્યું: ‘હે મહાદેવી! તમે કોણ છો?’ દેવીએ કહ્યું: હું બ્રહ્મસ્વરૂપિણી છું. મારામાંથી જ પ્રકૃતિ – પુરુષાત્મક સદ્રૂપ (અશૂન્ય) અને અસત્‌ રૂપ (શૂન્ય) જગત નિષ્પન્ન થયું છે.હું આનંદ અને અનાનંદરૂપ છું. હું વિજ્ઞાન તથા અવિજ્ઞાનરૂપ છું. જાણવા યોગ્ય એવા બ્રહ્મ અને બ્રહ્મણી પણ હું છું. વેદના દેવીસુક્તમાં દેવીએ કહ્યું છે : 

‘અહં રાષ્ટ્રી સંગમની વસૂનાં ચિકિતુષી પ્રથમા યજ્ઞિયાનામ્‌ । તાં મા દેવા વ્યદધુ: પૂરુત્રા ભૂરિસ્થાત્રાં ભૂર્યાવેશયન્તીમ્‌ । મયા સો અન્નમત્તિ યો વિપશ્યતિ ય: પ્રાણિતિ ય  શ્રૃણોત્યુક્તમ્‌ । અમન્તવો માં ત ઉપક્ષિયન્તિ શ્રુધિ શ્રુત શ્રદ્ધિવં તે વદામિ । અહં સુવે પિતરમસ્ય મૂર્ધન્‌ મમ યોનિરપ્સ્વંત: સમુદ્રે । તતો વિતિષ્ટે ભુવનાનુ વિશ્વોતામૂં દ્યાં વર્ષ્મણોપ સ્પૃશામિ.. ભુવનાનિવિશ્વા: ॥’

હું જ જગદીશ્વરી, હું દિવ્યનિધિનો ભંડાર છું. હું બધાની મનોકામના પૂર્ણ કરું છું. બધા અર્ચનીય દેવગણોની વચ્ચે હું જ શ્રેષ્ઠ છું. હું સર્વ સ્થળે વસું છું. હું દરેક દેહમાં રહું છું. દેવગણો જે કંઈ કરે છે તે મારી જ ઉપાસના કરે છે.  બધાની અંદર મારી શક્તિથી જ આહાર આદિ કરી શકે છે; જોઈ શકે, સાંભળી શકે; મારી શક્તિ દ્વારા બધાં પ્રાણ ધારણ કરીને રહે છે. મને જે ન માને તેનો ક્ષય થાય છે. હું કારણ નું પણ કારણ છું. પરમાત્મામાંથી ઉત્પન્ન થયેલ વિશ્વબ્રહ્માસ્તરે તમામ પદાર્થોમાં ચૈતન્ય એવં માયા રૂપે હું પ્રવેશેલી છું.

બહવૃચોપનિષદ કહે છે: ‘તસ્યા એવ બ્રહ્મા અજીજનત્‌, વિષ્ણુરજીજનત્‌, રુદ્રો અજીજનત્‌ । સર્વમ્‌ અજીજનત્‌, સર્વમ્‌ શાક્તમ્‌ અજીજનત્‌ । અર્થાત્‌ બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર મહેશ્વરાદિ બધા શક્તિથી જ ઉત્પન્ન થયા છે.  આ શક્તિ નિરાકાર અને સર્વવ્યાપી હોવા છતાં પણ ભક્તોના કલ્યાણ માટે સાકારરૂપ ધારણ કરે છે.  સામવેદીય કેનોપનિષદમાં કહ્યું છે : ‘સ તસ્મિન્નૈવ આકાશે સ્ત્રિયમાજગામ બહુશોભમાનામૂમાં હૈમવતીં’ – ‘એ જ બ્રહ્મ બહુ શોભાયમાન સ્ત્રીમૂર્તિ ધારણ કરીને ‘ઉમા-હૈમવતી’ રૂપે તેમની સમક્ષ આવિર્ભૂત થયાં.’

મેધસ ઋષિ સુરથ રાજાને કહે છે: ‘નિત્યેવ સા જગન્મૂર્તિસ્તયા સર્વમિદં તતં તથાપિ ઉત્સમુત્પતિર્બહુધા શ્રયતાં મમ । દેવાનાં કાર્યસિદ્ધ્યર્થં આવિર્ભવતિ સા યદા ઉત્પન્નેતિ તદા લોકે સા નિત્યા નિત્ય અપિ અભિધીયતે ॥’ 

એ જ જગન્મૂર્તિ સ્વરૂપ, સર્વવ્યાપી મહામાયા, જન્માદિ રહિત અને નિત્ય હોવા છતાં ભક્તગણની કાર્યસિદ્ધિ માટે વચ્ચે વચ્ચે આવિર્ભૂત થાય છે. જ્યારે આવી રીતે આવિર્ભૂત થાય ત્યારે તે નિત્ય હોવા છતાં તેને ‘ઉત્પન્ન’ કે ‘અવતાર’ કહે છે.

શિશુ પોતાનાં ગર્ભદાત્રીને મા કહીને બોલાવે છે. ‘મા’ એટલે શું, તેનો અર્થ સમજીને શું શિશુ એમ કહીને બોલાવે છે? ‘મા’ એમ કહીને બોલાવવું જોઈએ એટલે જ એમ બોલે છે. મોટા સાદે મા કહીને બોલાવે, માની પાસે જઈને માના ખોળામાં બેસે ત્યારે શિશુ એક પ્રકારની શાંતિ મેળવે છે; એટલે જ શિશુ ‘મા’ એમ કહીને બોલાવે છે. જ્યારે મોટો થાય ત્યારે ‘મા’ એટલે શું એ ક્રમશ: થોડું થોડું કરીને સમજવા માંડે છે. આવી જ રીતે અમે પણ શરૂઆતમાં દસભૂજાવાળી આનંદમયીને ‘મા’ કહીને બોલાવતા, એ વખતે અમે એનો મહિમા એટલો બધો સમજતા ન હતા. જ્યારે થોડા મોટા થયા ત્યારે સાંભળ્યું કે આ જ મા છે દુર્ગા મા, એ જ મા છે ભગવતી ઈશ્વરી. માને નમન કરવાં જોઈએ, માની પૂજા કરવી જોઈએ.

થોડાક વધુ મોટા થયા પછી ત્યારે જાણવા મળ્યું કે એ જ દસભૂજાળી આનંદમયી મા આપણાં દુ:ખકષ્ટ હરે છે. વિપત્તિમાંથી આપણને બચાવે છે. અંતરના ભાવે બોલાવીએ તો આપણી વાતો પણ સાંભળે. અત્યારે થોડું જ્ઞાન થયું છે – એ જ દસભૂજાળી દુર્ગા વિશે આટલું સમજ્યો છું: ‘કખોન કિ રંગે થાકો મા શ્યામા સુધાતરંગિણી, સાધકેરિ વાંછાપૂર્ણ કરો નાના રૂપધારિણી; કભુ કમલેર કમલે નાચો મા પૂર્ણબ્રહ્મ સનાતની.’ – ‘ક્યારે ક્યા ભાવે રહો મા, શ્યામા સુધાતરંગિણી, સાધકોની વાંછા પૂરે વિવિધ રૂપ ધરીને, ક્યારેક હૃદયકમળે નાચો મા પૂર્ણબ્રહ્મ સનાતની.’ હું જ્યારે વધુ વૃદ્ધ થઈશ ત્યારે આવી ઉપલબ્ધિ પામીશ :

‘જે અવધિ જાર અભિસંધિ હોય, સે અવધિ સે પરબ્રહ્મ કોય; તત્પરે તુરીય અનિર્વચનીય, સકલિ મા તૂમિ ત્રિલોક વ્યાપિની.’ – ‘જેવી જેની સંપ્રજ્ઞા એવી એની પરમબ્રહ્મની વ્યાખ્યા; પછી આવે તુરીય અનિર્વચનીય, સકલે મા તું જ ત્રિલોકવ્યાપિની.’

આપણી મા બીજાની નજરે માટીની મા હોઈ શકે, ભક્તની નજરે તો ‘સચ્ચિદાનંદમયી, ચિદ્‌ઘનમૂર્તિ’. મા સર્વવ્યાપી છે – શૂન્યમાં પણ વસે, મનુષ્યની ભીતર પણ રહેલ, વૃક્ષોની ભીતર પણ ખરી, ઈંટ-કાષ્ટમાં પણ ખરી. એ તો રેતીના સૂક્ષ્મ કણમાંય વસનારી. અમારી એટલી પ્રબળ શ્રદ્ધા કે અમારા હાથે ઘડાયેલ પ્રતિમામાં પણ આનંદમયી મા – ચિન્મયી મા – મૃણ્મયી મા ન હોય એવું ક્યારેય ન બની શકે. આપણી જો ભક્તિ હોય, શ્રદ્ધા હોય જો આપણે હૃદયપૂર્વક આંતરિક ભાવે માને બોલાવીએ, પ્રાણપૂર્વક મા પાસે વિલાપ કરીએ, મા માટે ખરેખર આપણા પ્રાણ ધલવલે, માને ન જોવાથી મહાઅશાંતિનો અનુભવ થાય – જાણે કે પ્રાણ હમણાં જ નીકળી જશે એવી અવસ્થા થઈ જાય, ત્યારે નિશ્ચય જાણજો કે મા આવશે ને આવશે જ. આ માટીની મૂર્તિમાં પણ પધારશે. જ્યાં જ્યાં બોલાવું ત્યાં ત્યાં મા આવવાનાં જ. ગમે તેમ કરીને પણ આપણું આ ક્ષુદ્રમન એને જાણશે જ. આવી રીતે તેઓ આપણી સન્મુખ આવશે. મા સત્યમાં છે, મા નિત્યમાં છે. મા સાચે જ અંતર્યામી છે, સાચે જ ભક્તવત્સલ છે, ખરેખર સ્નેહમયી જનની છે. શિશુ (સાધક) પ્રાણમનથી માને પોકારશે તો મા આવશે અને આવશે જ, એમાં કોઈ સંદેહ-શંકા નથી. મા સર્વશક્તિમતી છે, આપણે પામર હોવા છતાં પણ મા આપણી સન્મુખ પ્રગટ થશે ને થશે જ. 

‘એસો મા, એસો મા ઓ હૃદયરમા પરાણપુતલી ગો; હૃદયઆસને એકવાર હોઉ મા આસીન, નિરખી તુમાય ગો; જન્માવધિ તવો મુખપાને ચેયે, આમી ધરી એ જીવન જે જાતના સયે (તાતો જાનો ગો); એકવાર હૃદયકમળ વિકાસ કરીએ પ્રકાશ તાહે આનંદમયી ગો.’

આવો મા, આવો મા, હે હૃદયરમા પ્રાણપુતલી આવો; હૃદયઆસને એકવાર બિરાજો મા, અમે નિહાળીએ સતત તમને; જન્મ પછીથી કેટકેટલી યંત્રણાઓ પણ સહી (એ તો તમે જાણો છો); એકવાર અમારા હૃદયકમળનો વિકાસ કરો, પ્રકાશિત કરો, આનંદમયી મા.

Total Views: 338

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.