(સ્વામી સુનિર્મલાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે.)

સુંદર ઉઘાન. તેની સુંદરતામાં ઉમેરો કરતાં કેટલાંય રંગબેરંગી પતંગિયાં અહીં-તહીં ઊડી રહ્યાં છે. પણ એક નાનું એવું પતંગિયાનું બચ્ચું – ઉદાસ થઈને એક છોડવાના પાંદડા ૫૨ બેઠેલું છે. અને વિચારે છે: ‘અહા! તે વળી મારી મા હોઈ શકે ખરી? તેની કેવી સુંદર પાંખો છે! અને પેલાં વિશાળકાય પક્ષીઓની માફક ઊડે છે. જ્યારે હું… અહીં એક ગંદી વેલ પર હંમેશાંની જેમ. પેલાં બચ્ચાંની મા પોતાનાં બચ્ચાં પાસે બેસીને તેને સાંત્વના આપે છે: “બેટા, દુ:ખી ન થા, બધું જ પરિવર્તનશીલ છે. તું પણ એક દિવસ મારી જેમ સુંદર થઈ જઈશ!” પણ બાળકીને આથી સંતોષ ન થયો; ‘ઓહ, આ મોટી મોટી પીળી સુંદર પાંખો અને લાંબી મૂછ મને ક્યારે મળશે!’ બચ્ચાંએ ઉદાસ થતાં પૂછ્યું. મંદ મંદ હસી, પોતાની પીળી સુંદર પાંખો ફેલાવીને મા કહે છે: ‘બેટા, આ સુંદરતા તારી અંદર જ વિદ્યમાન છે. સમય આવ્યે તને પણ સુંદર પાંખો ફૂટશે અને તું પણ એક સુંદર પતંગિયાનું રૂપ ધારણ કરશે.”

મનુષ્યની તરફ જુઓ. આ પૃથ્વીની શરૂઆતમાં મનુષ્યની અવસ્થા પ્રાણીઓથી કંઈ સાવ અલગ ન હતી. પોતાની આસપાસની થોડી જમીન વિશે જ તે જાણતો હતો. તેના પગ તેનાં વાહન હતાં. તેનાં વસ્ત્રો, વૃક્ષોનાં છાલ-પાંદડાં જ હતાં; અને નાના નાના પથ્થરો તેનાં હથિયાર હતાં.

આજે મનુષ્ય આ પૃથ્વીનો શાસનકર્તા છે. હવે તેને અગણિત વિષયોનું જ્ઞાન થયું છે. તેણે આજે પોતાની તેમજ પોતાનું સહ અસ્તિત્વ કરનારાં પ્રાણીઓ વિશે લખીને પુસ્તકાલયો ભરી દીધેલાં છે. તે આજે જાતજાતની વાનગીઓ આરોગે છે, અને ભાતભાતનાં કપડાંઓ પહેરે છે. રાતોરાત તે દુનિયાના એક ખૂણેથી બીજે ખૂણે ઊડી જઈ શકે છે, એટલું જ નહીં તે ચંદ્ર પર પહોંચ્યો છે અને બીજા ગ્રહો પર પણ પગલાં પાડવાની તૈયારીમાં છે. અગણિત અસાધ્ય ગણાતા એવા રોગોનો ઉપચાર કેમ કરવો તે આજે તેના હાથમાં છે, હૃદયની વાઢ-કાપ અને અરે, તેની અદલાબદલી સુધ્ધાં તે કરી શકે છે! પળભરમાં અંત આણી શકે તેવાં હથિયારોથી આજે તે સુસજ્જ છે, અને ખરેખર મનુષ્ય જ આ પૃથ્વીનો સમ્રાટ છે.

પણ, પ્રાગૈતિહાસિક અને આજના મનુષ્ય – બંનેના જીવનમાં એક સામ્ય જોવા મળે છે તે – છે આનંદની ખોજ. મનુષ્ય ત્યારે પણ સુખ – આનંદની ખોજમાં હતો અને આજે પણ છે.

આખરે મનુષ્ય આનંદ મેળવવા માટે કેમ તલસે છે? સ્વયં આનંદસ્વરૂપ ભગવાને મનુષ્યને પોતાની જ પ્રતિમૂર્તિરૂપ બનાવ્યો છે. શ્રીમદ્ ભાગવતમાં આ સંબંધમાં એક મહત્ત્વપૂર્ણ શ્લોક છે. ભગવાનના વિશ્વરૂપનો મહિમા દર્શાવતું આ પુરાણ કહે છે કે ‘અધો લોક તે તેના (શ્રી ભગવાનના) પગ છે, સ્વર્ગ એનું વૃક્ષ છે, ઊર્ધ્વલોક તેનાં મસ્તક અને ગળું છે. દેવતાઓ તેના હાથ છે, ગંધર્વો તેના કાન છે, આકાશ તેની અક્ષિકાઓ અને સૂર્ય-ચંદ્ર તેની દૃષ્ટિ છે’ આવા વિશ્વરૂપ પ્રભુનું નિવાસસ્થાન તે વળી કયું હશે? આ પ્રશ્ન સહેજે થાય. આનો ઉત્તર આપતાં શ્રીમદ્ ભાગવત કહે છે: ‘મનુજો નિવાસઃ’ મનુષ્ય એ જ ભગવાનનું નિવાસ સ્થાન છે. આનંદમય શ્રી ભગવાન તેના હૃદયમાં વિરાજે છે. શ્રીરામકૃષ્ણના શબ્દોમાં: ભક્તનું હૃદય જાણે કે ભગવાનનું દીવાનખાનું છે અને એ જ તેનું કારણ, રહસ્ય છે કે મનુષ્ય સર્વદા આનંદ મેળવવા માટે તલસતો હોય છે. પણ પેલા બહુચર્ચિત કસ્તુરી મૃગની માફક કે જે કસ્તુરીની મીઠી સુગંધને ઘાસના પૂળાઓમાં ખોળે છે, મનુષ્ય પણ આનંદની વ્યર્થ તલાશ દુન્યવી વસ્તુઓમાં જ કરે છે.

દુર્ભાગ્યે, આ પૃથ્વીના સમ્રાટ એવા મનુષ્યને બંને ભૂમિકા ભજવવી પડે છે. મનુષ્ય આ દુનિયાનો સમ્રાટ તો છે. સાથે સાથે દાસ પણ છે. આસપાસ નજર ફેલાવીને જુઓ, કેવી કેવી તુચ્છ વસ્તુઓનું દાસત્વ મનુષ્યે સ્વીકાર્યું છે! તે કોઈ બીજાનો ગુલામ છે અથવા તો તે પોતાની જાતનો જ ગુલામ છે! થોડાક ચાંદીના ટુકડાઓ તેને મોહાંધ બનાવવા માટે ઘણા છે; જમીનનો નાનો ટુકડો તેને પાગલ કરી શકે છે. તુચ્છ એવી વસ્તુઓ માટે તે હાહાકાર કરે છે. વિજ્ઞાની, ભણેલ-ગણેલ અથવા ગમે તેટલા શ્રીમંત હોઈએ, મોટાં ભાગનાં આપણે તો રોતાં – અસહાય બાળક જેવાં જ છીએ અને આવી દુઃખદાયી અવસ્થાને આપણે ‘આનંદ’ સમજીએ છીએ! રાજસી ઠાઠ-માઠવાળી એક નૌકા કે જે પોતાની શાહી મુસાફરીની શરૂઆત શાંત સમુદ્રમાં કરવાની હતી, તે હવે તોફાની સમુદ્રને પાર કરતી માત્ર એક કાગળની હોડી બની રહી છે. અને વિડંબના તો એ છે કે આપણે સહુ વિશ્વાસપૂર્વક આને જ ‘આનંદ’ માનીએ છીએ. મનુષ્યની એક અપૂર્વ વ્યાખ્યા કરતાં શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે: ‘દુ:ખે ચ સુખમાનિનઃ’ અર્થાત્ દુઃખને જ સુખ માનનારો (મનુષ્ય).

પણ ભગવાન તો ભક્તને ચાહે છે. સંપૂર્ણ મનુષ્યજાતિને ભગવાને સ્વયં, મનુષ્યરૂપી અવતાર ગ્રહણ કરીને એક અદ્વિતીય વરદાન આપેલું છે. આવી રીતે ઘણીવાર ભગવાન અવતર્યા છે અને આપણી વચ્ચે રહ્યા પણ છે. તેમણે પોતાના સંદેશવાહકો પણ મોકલ્યા છે. પોતાનાં જીવન અને સંદેશ દ્વારા ભગવાન અને તેમના સંદેશ-વાહકોએ આપણને બતાવી આપ્યું છે કે ખરો આનંદ અથવા બ્રહ્માનંદ મેળવી શકાય છે. અને એમણે સચ્ચિદાનંદની પ્રાપ્તિ કરેલી છે. એટલું જ નહીં, સમાજ તેમજ અન્ય મુમુક્ષુઓ માટે પણ તેઓ દીવાદાંડીરૂપ બની રહ્યા છે. તેમણે ચીંધેલા માર્ગ અનુસાર, સચ્ચિદાનંદની પ્રાપ્તિનો સ૨ળતમ ઉપાય છે – ભગવદ્ભક્તિ, ભગવત્પ્રેમ. ભગવાનને પોતાના આત્મ- સ્વરૂપ જાણીને પ્રેમ ક૨વો જોઈએ. આથી સાધારણ મનુષ્યરૂપનું પરિવર્તન, દિવ્યસ્વરૂપમાં થાય છે – પેલા અબોધ પતંગિયાનાં બચ્ચાંમાંથી મોટી પીળી પાંખોવાળાં સુંદર પતંગિયાની જેમ જ.

Total Views: 389

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.