સંસારત્યાગી સાધુ તો હરિનું નામ લે જ. એને તો બીજું કામ નહિ. એ જો ઈશ્વર-ચિંતન કરે તો એ કાંઈ નવાઈની વાત નથી. ઊલટો એ જો ઈશ્વરચિંતન ન કરે, એ જો ભગવાનનું નામ ન લે, તો લોકો તેની નિંદા કરે.

પણ સંસારી માણસ જો હરિ-નામ લે તો તેની બહાદુરી કહેવાય. જુઓ, જનક રાજા ખૂબ બહાદુર. તે બે તલવાર ફેરવતા, એક જ્ઞાનની અને એક કર્મની. એક બાજુ પૂર્ણ બ્રહ્મજ્ઞાન અને બીજી બાજુએ સંસારનાં કામકાજ કરે. વંઠેલી સ્ત્રી ઘર-સંસારનું બધું કામ કાળજીપૂર્વક કરે, પણ નિરંતર પોતાના જારનું ચિંતન કર્યા કરે.

સાધુ-સંગની હમેશાં જરૂર છે. સાધુ ઈશ્વરની સાથે ઓળખાણ કરાવી આપે. વળી ભગવાં શું કરવા? એકાદું પહેરી લીધું એટલે થયું? (હાસ્ય). એક જણ કહેતો હતો કે ચંડી છોડીને થયો ઢોલી. પહેલાં દેવીનાં કીર્તન કરતો, હવે ઢોલ વગાડે છે.

વૈરાગ્ય ત્રણ ચાર પ્રકારનો. સંસારની બળતરાથી હેરાન થઈને ભગવાં લૂગડાં પહેરી લીધાં હોય. એ વૈરાગ્ય ઝાઝા દિવસ ટકે નહિ. કાં તો નોકરી ધંધો ન હોય, એટલે ભગવાં પહેરીને કાશી ચાલ્યો જાય. ત્રણ મહિના પછી ઘેર કાગળ આવે કે મને એક નોકરી જડી ગઈ છે, થોડા દિવસમાં ઘેર આવીશ, તમે કોઈ ચિંતા કરશો નહિ. તેમજ વળી બધુંય હોય, કોઈ જાતનો અભાવ નહિ, છતાં કંઈ ગમે નહિ, એકલો એકલો ભગવાનને માટે રડે. એ વૈરાગ્ય સાચો વૈરાગ્ય.ખોટું કાંઈ સારું નહિ. ખોટો ભેખ પણ સારો નહિ. ભેખના જેવું જો મન હોય તો ક્રમે સર્વનાશ થાય. ખોટું બોલતાં બોલતાં કે કરતાં કરતાં ધીમે ધીમે ભય નીકળી જાય. તેના કરતાં ધોળાં લૂગડાં સારાં. મનમાં આસક્તિ, વચ્ચે વચ્ચે વળી પતન થાય છે અને બહાર ભગવાં ! અતિ ભયંકર !

ભક્તને માટે એવો વેશ લેવો પણ સારો નહિ. એવી બધી બાબતોમાં મન બહુ વખત સુધી રાખવાથી હાનિ થાય. મન જાણે કે ધોબીનું ધોયેલું કપડું. જે રંગમાં બોળો તે રંગનું થઈ જાય. ખોટામાં ઘણા વખત સુધી નાખી રાખીએ તો ખોટાનો રંગ ચડી જાય.

નરેન્દ્ર, રાખાલ વગેરે આ બધા છોકરાઓ નિત્ય-સિદ્ધ. તેઓ જન્મેજન્મે ઈશ્વરના ભક્ત. ઘણા માણસોને તો ખૂબ સાધ્ય-સાધના કરે ત્યારે જરાક ભક્તિ આવે. પણ આમને તો જન્મથી જ ઈશ્વર ઉપર પ્રેમ, જાણે કે પાતાળ ફોડીને પ્રકટ થયેલા મહાદેવ, સ્થાપિત શિવલિંગ નહિ.

નિત્યસિદ્ધોનો વર્ગ જ જુદો. બધાં પક્ષીની ચાંચ વળેલી ન હોય. આ લોકો ક્યારેય સંસારમાં આસક્ત થાય નહિ, જેમ કે પ્રહ્‌લાદ. સાધારણ લોકો સાધના કરે, ઈશ્વર-ભક્તિયે કરે, પાછા સંસારમાંય આસક્ત થાય, કામ-કાંચનમાંય મોહી પડે. માખી જેમ ફૂલ ઉપર બેસે, મીઠાઈ ઉપર બેસે, તેમજ વિષ્ટા ઉપર પણ બેસે !

નિત્ય-સિદ્ધ જાણે કે મધમાખી, કેવળ ફૂલ ઉપર બેસીને મધ ચૂસે. નિત્ય-સિદ્ધ હરિ-રસ પીએ, વિષયરસ તરફ જાય નહિ. સાધ્ય-સાધના કરી કરીને જે ભક્તિ આવે, એવી ભક્તિ આ લોકોની નહિ. આટલા જપ, આટલાં ધ્યાન કરવાનાં, આટલા ઉપચારે પૂજા કરવાની એ બધી વિધિવાળી ભક્તિ.            (શ્રીરામકૃષ્ણ કથામૃત, 1.183-86)

Total Views: 408

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.