આ જીવન અલ્પકાલીન છે, સંસારના મોજશોખ ક્ષણિક છે. પણ જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના તો જીવતા કરતાં મરેલા વિશેષ છે. દયાની ભાવનાથી કોઈનું ભલું કરવું એ સારું છે, પરંતુ ઈશ્વરનાં સ્વરૂપ સમજીને સર્વ જીવોની સેવા કરવી એ વધુ સારું છે.

દાન કરવાની તક મળે તે આપણું સદ્ભાગ્ય છે; એ રીતે જ આપણો વિકાસ થાય છે. ગરીબ માણસોને દુ :ખ પડે છે એટલા માટે કે તેને દાન આપવાથી દાન આપનારને મદદ થાય; દાન આપનારે નીચા નમીને દાન લેનારનો આભાર માનવો જોઈએ…..દરેકની પાછળ રહેલા ઈશ્વરને જુઓ અને તે દાન ઈશ્વરને આપો.

હું વારંવાર જન્મ ધારણ કરવા અને હજારો યાતનાઓ ભોગવવા ઇચ્છું છું. અને જે એકમાં જ મને શ્રદ્ધા છે એવા સર્વ જીવોની – સમષ્ટિરૂપ ઈશ્વરની પૂજા કરી શકું અને સૌથી વિશેષ તો સર્વ જાતિઓ અને સર્વ જીવો- દુષ્ટોમાં, દુ :ખીઓમાં અને દરિદ્રોમાં રહેલો એવો મારો ઈશ્વર એ મારી વિશેષ પૂજાનો વિષય છે.

દુનિયાને પ્રકાશ કોણ આપશે ? ભૂતકાળમાં આત્મભોગ તે ‘કાયદો’ હતો, અને અફસોસ કે યુગો સુધી તે રહેવાનો જ. ‘બહુજન હિતાય બહુજન સુખાય’ દુનિયાના વીરોમાંયે શૂરવીર ને શ્રેષ્ઠમાંયે સર્વ શ્રેષ્ઠ લોકોએ પોતાનું બલિદાન આપવું પડશે. અનંત પ્રેમ અને અમાપ દયાવાળા સેંકડો બુદ્ધોની (દુનિયા માટે) જરૂર છે.

વીરતાભર્યાં વચનો અને એથીયે વધુ વીરતાભર્યાં કાર્યોની જ આપણે જરૂર છે. જાગો, ઓ મહાનુભાવો ! જાગો, દુનિયા દુ :ખમાં બળી રહી છે, તમારાથી સૂઈ રહેવાય કે ? ચાલો, સૂતેલા દેવો જ્યાં સુધી જાગે નહીં, જ્યાં સુધી અંદર રહેલો દેવ જવાબ ના આપે, ત્યાં સુધી પોકાર પાડ્યા જ કરો. જીવનમાં બીજું વધારે છે શું ? એથી વિશેષ શું ?

તમને તમારા જાતિભાઈઓ પ્રતિ પ્રેમ છે ? ઈશ્વરને શોધવા તમારે ક્યાં બીજે જવું છે ? શું આ બધા દરિદ્ર, દુ :ખી ને દુર્બળ મનુષ્યો પોતે જ ઈશ્વર નથી ? પહેલાં એમની સૌની પૂજા શા માટે ન કરવી ? ગંગાકિનારે કૂવો ખોદવા શા માટે જવું ? (સ્વામી વિવેકાનંદની અભયવાણી, પૃ. ૨૧૩-૧૪)

Total Views: 521

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.