સામાન્ય રીતે કહીએ તો યોગના ત્રણ પ્રકાર : જ્ઞાન-યોગ, કર્મ-યોગ અને ભક્તિ-યોગ.

‘જ્ઞાન-યોગ: જ્ઞાની બ્રહ્મને જાણવા માટે ‘નેતિ નેતિ’ એમ વિચાર કરે; બ્રહ્મ સત્ય જગત મિથ્યા, એવો વિચાર કરે, સત્ અસત્ નો વિચાર કરે. જ્યાં એ વિચારનો અંત આવે, ત્યાં સમાધિ થાય અને બ્રહ્મ-જ્ઞાનની પ્રાપ્તિ થાય.

‘કર્મ-યોગ : કર્મ દ્વારા ઈશ્વરમાં મન રાખવું. એટલે કે જે તમે શીખવો છો તે. અનાસક્ત થઈને પ્રાણાયામ, ધ્યાન, ધારણા વગેરે કરવારૂપી કર્મ-યોગ. જો સંસારી માણસ અનાસક્ત થઈને ઈશ્વરને ફળ સમર્પણ કરી, તેમના પ્રત્યે ભક્તિ રાખીને સંસારનાં કર્મો કરે તો એ પણ કર્મ-યોગ. ઈશ્વરને ફળ સમર્પણ કરીને પૂજા, જપ વગેરે કર્મો કરવાનું નામ પણ કર્મ-યોગ. ઈશ્વર-પ્રાપ્તિ એ જ કર્મ-યોગનો ઉદ્દેશ.

‘ભક્તિ-યોગ : ઈશ્વરનું નામ, ગુણ-ગાન, કીર્તન એ બધું કરીને ઈશ્વરમાં મન રાખવું. કલિયુગને માટે ભક્તિ-યોગ એ સહેલો માર્ગ. ભક્તિ-યોગ જ યુગધર્મ.

‘કર્મ-યોગ બહુ કઠણ. પ્રથમ તો, અગાઉ કહ્યું તેમ, સમય જ ક્યાં છે ? શાસ્ત્રમાં જે બધાં કર્મો કરવાનું કહ્યું છે તેનો સમય ક્યાં છે ? એક તો કલિયુગમાં આયુષ્ય ટૂંકાં, તેમાં વળી અનાસક્ત થઈને, ફળેચ્છા રાખ્યા વગર કર્મ કરવાં બહુ જ કઠણ. ઈશ્વર-પ્રાપ્તિ કર્યા વિના પૂરેપૂરા અનાસક્ત થઈ શકાય નહિ. તમને તો ખબરે ન હોય, પણ કોણ જાણે ક્યાંથી આસક્તિ આવી પડે !

‘જ્ઞાન-યોગ પણ આ યુગમાં બહુ કઠણ. એક તો જીવનનો આધાર અન્ન ઉપર, તેમાં આયુષ્ય ટૂંકાં, વળી દેહભાન કોઈ રીતે જાય નહિ; દેહભાન ન જાય ત્યાં સુધી જ્ઞાન કોઈ રીતે થાય નહિ. જ્ઞાની કહે કે હું જ બ્રહ્મ. હું શરીર નહિ. હું ભૂખ, તરસ, રોગ, શોક, જન્મ, મૃત્યુ, સુખ, દુ:ખ એ બધાંથી પર. જો રોગ, શોક, સુખ, દુ:ખ એ બધાંનું ભાન રહે તો તમે જ્ઞાની કેમ કરીને ગણાઓ? આ બાજુ કાંટાથી હાથ વીંધાયો હોય, લોહી દડદડ પડતું હોય, વેદના પણ ખૂબ થતી હોય અને છતાં કહેવું કે હાથમાં ક્યાં વાગ્યું છે, મને શું થયું છે ?

‘એટલે આ યુગને માટે ભક્તિ-યોગ. એથી બીજા માર્ગાે કરતાં સહેલાઈથી ઈશ્વરની પાસે પહોંચી શકાય. જ્ઞાન-યોગ અથવા કર્મ-યોગ અને બીજા માર્ગાેથી પણ ઈશ્વરની પાસે જઈ શકાય ખરું, પણ એ બધા માર્ગાે બહુ કઠણ.

‘ભક્તિ-યોગ યુગધર્મ. એનો અર્થ એવો નથી કે ભક્ત એક જગાએ જવાનો અને જ્ઞાની કે કર્મ-યોગી બીજી જગાએ ! એનો અર્થ એ કે જેને બ્રહ્મ-જ્ઞાનની ઇચ્છા હોય, તે જો ભક્તિ-માર્ગે જાય તો તે પણ એ જ જ્ઞાન પ્રાપ્ત કરે. ભક્ત-વત્સલ ભગવાન ઇચ્છા માત્રથી બ્રહ્મ-જ્ઞાન આપી શકે.

Total Views: 446

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.