‘જેની જેવી પૂંજી, તે પ્રમાણે તે ચીજની કિંમત કરી શકે. એક શેઠિયાએ પોતાના મુનીમને કહ્યું કે તું આ હીરો બજારમાં લઈ જા; જુદા જુદા માણસો પાસે તેની કિંમત કરાવીને મને કહેજે કે કોણ શો ભાવ આપે છે.

પહેલાં રીંગણાવાળા કાછિયા પાસે લઈ જજે. એ પ્રમાણે મુનીમ હીરો બજારમાં લઈ ગયો ને કાછિયાને બતાવ્યો. તેણે હીરાને આમતેમ ફેરવી કરીને કહ્યું કે ‘ભાઈ, આનાં નવ શેર રીંગણાં આપું !’

મુનીમ કહે કે ‘અલ્યા ! જરા વધુ દે. કંઈ નહિ તોય દશ શેર આપ !’ તેણે કહ્યું, ‘મેં બજાર ભાવ કરતાં વધુ બોલી નાખ્યું છે; એટલામાં તમારે પોસાય તો આપી જાઓ.’ એટલે મુનીમ હસતો હસતો હીરો પાછો લઈને શેઠની પાસે ગયો અને કહ્યું કે ‘શેઠ, રીંગણાંવાળો નવશેર રીંગણાં કરતાં વધુ એક પણ રીંગણું આપવા રાજી નથી. એ કહે છે કે એમાંય મેં બજારભાવ કરતાં વધુ બોલી નાખ્યું છે !’

શેઠ હસીને બોલ્યા, ‘વારુ, હવે કાપડિયાની પાસે લઈ જા. કાછિયો તો રીંગણાં લઈને વેચે; એ વળી કેટલુંક સમજે ? કાપડિયાની પૂંજી વધુ હોય; જોઈએ, એ શું કહે છે.’ મુનીમ હીરાને કાપડિયાની પાસે લઈ જઈને કહે છે કે ‘શેઠ, આ રાખવું છે ? શું આપશો બોલો ?’

કાપડિયો કહે કે ‘હા, નંગ છે સારું મજાનું, ઘરેણામાં બેસાડી શકાય. હું એના નવસો રૂપિયા આપું.’

મુનીમે કહ્યું કે ‘શેઠ એથી જરાક વધુ ઉપર ચડો તો હું આપી દઉં, ઓછામાં ઓછા હજાર તો આપો !’ એટલે કાપડિયો બોલ્યો કે ‘ભાઈ, હવે વધુ બોલશો મા. બજારભાવ કરતાં મેં વધારે બોલી દીધું છે. નવસો ઉપર એક રૂપિયોય વધુ નહિ.’

મુનીમ વળી પાછો હીરો શેઠની પાસે લઈ જઈને હસતો હસતો કહેવા લાગ્યો કે ‘શેઠ, કાપડિઓ કહે છે કે નવસો રૂપિયા કરતાં વધુ એક રૂપિયોય આપી શકું નહિ. વધુમાં એ કહેવા લાગ્યો કે મેં બજારભાવ કરતાં વધુ બોલી નાખ્યું છે.’ એટલે શેઠ હસતાં હસતાં કહે છે કે ‘હવે ઝવેરીની પાસે જાઓ, એ શું કહે છે એ જોઈએ.’

મુનીમ ઝવેરીની પાસે લઈ ગયો. ઝવેરી હીરો હાથમાં લઈને જરા જોતાંની સાથે એકદમ બોલી ઊઠ્યો : ‘આના રૂપિયા એક લાખ આપું !’

(શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંત કથાઓ – પૃ.૧પ૧)

Total Views: 309

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.