મેં દયાળુ પરમેશ્વરમાં શ્રદ્ધા ગુમાવી નથી અને કોઈ દિવસ ગુમાવવાનો પણ નથી; શાસ્ત્રોમાં મારી શ્રદ્ધા અચળ છે. પરંતુ ઈશ્વરની ઇચ્છાથી મારા જીવનનાં છેલ્લાં છ-સાત વર્ષો બધી જાતની અડચણ સામે સતત સંગ્રામથી ભરેલાં રહ્યાંં છે. આદર્શ શાસ્ત્રના જ્ઞાનનો લાભ મને મળ્યો છે. મેં આદર્શ ગુરુશ્રીનાં દર્શન પણ કર્યાં છે. છતાં કોઈપણ બાબત સાથે છેવટ સુધી ચાલી શક્તો નથી એ જ મારું ઊંડું દુ :ખ છે.
ખાસ કરીને કલકત્તાની નજીક રહેવાથી તો આમાં સફળતા મેળવવાની હું કંઈ શક્યતા જોતો નથી. કલકત્તામાં મારાં મા તથા બે ભાઈઓ રહે છે; હું સૌથી મોટો છું; બીજો ભાઈ વિનયનના પ્રથમ વર્ષની પરીક્ષાની તૈયારી કરે છે, જ્યારે ત્રીજો નાનો છે. પહેલાં તો તેમનું સારું ચાલ્યું જતું, પરંતુ મારા પિતાના મૃત્યુ પછી તેમને બહુ જ મુશ્કેલી છે. કોઈ કોઈ વખત તો ઉપવાસ પણ કરવા પડે છે ! આ બધા ઉપરાંત તેમની અસહાયતાનો લાભ લઈને કેટલાંક સગાંવહાલાંઓએ તેમને પોતાના બાપદાદાના ઘરમાંથી હાંકી કાઢ્યાં હતાં. જો કે આમાંનો થોડો ભાગ વડી અદાલતમાં દાવો કરવાથી તેમને પાછો મળી ગયો છે. પરંતુ અદાલતે જવાના અચૂક પરિણામરૂપે તેઓ હવે નિરાધાર બની ગયાં છે.
કલકત્તાની નજીક રહેવાથી મારે તેમની વિપત્તિ જોવી પડે છે અને રજોગુણ પ્રબળ બનતાં મારો અહં મારે કંઈક કાર્યમાં ઝંપલાવવું એવી ઇચ્છાનું સ્વરૂપ લે છે. આવી ક્ષણોમાં મારા મનમાં તુમુલ યુદ્ધ જામે છે અને તેથી જ મેં લખેલું કે મારા મનની સ્થિતિ ભયંકર છે. હવે તેમના દાવાનો અંત આવ્યો છે. તેથી આ બધું પતાવવા માટે થોડા દિવસ કલકત્તામાં રહીને આ સ્થાનની કાયમને માટે વિદાય લઉં તેવા આશીર્વાદ આપશો.
आपूर्यमाणमचलप्रतिष्ठम् समुद्रमापः प्रविशन्ति यद्वत्।
तद्वत्कामा यं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी।।
– શ્રીમદ્ ભગવદ્ગીતા, ૨-૭૦
(જેમ નદીઓ સમુદ્રમાં પ્રવેશ કરે છે છતાં સમુદ્ર છલકાતો નથી અને અવિચલિત રહે છે, તેવી જ રીતે બધી ઇચ્છાઓ જેની અંદર પ્રવેશ કરીને પણ જેને ચલાયમાન કરી શક્તી નથી તે જ શાંતિ પામે છે, વાસનાઓને સેવનાર નહીં.)
સર્વોચ્ચ દિવ્ય શક્તિ વડે મારું હૃદય શક્તિમાન બને અને માયાનાં સર્વ સ્વરૂપો મારાથી દૂર ફેંકાઈ જાય તેવા આશીર્વાદ આપજો, કારણ કે ‘ઈશુનું અનુસરણ’ (Imitation of Christ) નામના પુસ્તકમાં કહ્યું છે તેમ ‘અમે દુ :ખની વરણી કરી છે, પ્રભુ ! તેં જ અમારા પર તે નાખેલ છે એટલે મૃત્યુ સુધી અમે તેને સહન કરી શકીએ તેવું બળ આપજે.’ અસ્તુ.
(સ્વા.વિ. ગ્રંથમાળા : ભાગ ૬ : ૬૯-૭૦ પત્રોમાંથી)
Your Content Goes Here




