તમને ગમતા વિષય પર જો હું સુંદર ભાષણ આપું તો હું જે કહું તેના પર તમારું ચિત્ત એકાગ્ર થઈ જાય, તમારાં મનને હુું તમારી ઉપરવટ થઈને પણ તમારી બહાર ખેંચી લઉં છું, અને તેને તે બાબત પર ચોંટાડી રાખું છું. આમ આપણી અનિચ્છા છતાં આપણું ધ્યાન ખેંચાઈ રહે છે, આપણાં મન વિવિધ વસ્તુઓ પર કેન્દ્રિત થાય છે; અને આપણે તેમ થતું અટકાવી શકતા નથી.

હવે એક પ્રશ્ન એ છે કે આ એકાગ્રતાને વિકસાવી શકાય, અને શું આપણે તેના સ્વામી બની શકીએ? યોગીઓ કહે છે, ‘હા’. તેઓ કહે છે કે આપણે મન પર સંપૂર્ણ કાબૂ મેળવી શકીએ. એકાગ્રતાની શક્તિનો વિકાસ કરવામાં નૈતિક બાજુએ એક ભય છે; ભય એ છે કે મનને એક વસ્તુ પર એકાગ્ર કર્યા પછી આપણી મરજી મુજબ તેને તેમાંથી અલગ પાડી દઈ શકાતું નથી. આ અવસ્થા બહુ દુ:ખદાયક નીવડે છે. અલગ થવાની શક્તિ ન હોવાને લીધે જ આપણાં લગભગ તમામ દુ:ખો ઊભાં થાય છે. તેથી એકાગ્રતાની શક્તિ સાથે જ અલગ થવાની શક્તિ પણ કેળવવી જોઈએ. આપણે મનને એક જ વસ્તુ પર પૂરેપૂરું કેન્દ્રિત કરતાં શીખવું જોઈએ એટલું જ નહિ, પણ એક ક્ષણમાં જ તેને તેનાથી વેગળું કરી દઈને બીજી કોઈ વસ્તુ પર પણ લગાડતાં આપણને આવડવું જોઈએ. તેને સલામત બનાવવા માટે આ બન્ને શક્તિઓને સાથે વિકસાવવી જોઈએ.

આ છે મનનો પદ્ધતિસરનો વિકાસ.મારા મત પ્રમાણે કેળવણીનો સાર મનની એકાગ્રતા જ છે, હકીકતો  એકઠી કરવી તે નહિ. જો મારે મારું શિક્ષણ ફરીથી લેવાનું હોય, અને એ બાબતમાં મારે કશું કહેવાનું હોય, તો હું તો હકીકતોનો મુદ્દલ અભ્યાસ ન કરું  હું તો એકાગ્રતા અને અલિપ્તતાની શક્તિ જ કેળવું અને પછી સંપૂર્ણ સજ્જ થયેલા મનરૂપી સાધન વડે ઇચ્છા મુજબની હકીકતો એકઠી કરું. બાલ્યાવસ્થામાં જ એકાગ્રતાની તેમ જ અલિપ્તતાની શક્તિ સાથોસાથ જ કેળવવી જોઈએ.

મારો વિકાસ બધો વખત એકતરફી જ થયો છે. મેં એકાગ્રતા કેળવી પરંતુ મનને સ્વેચ્છાપૂર્વક અલિપ્ત રાખવાની શક્તિ કેળવ્યા વિના. મારા જીવનમાં તીવ્રમાં તીવ્ર દુ:ખ આને લીધે જ આવ્યું છે. હવે મારામાં અલિપ્ત રહેવાની શક્તિ આવી છે, પણ તે મારે પાછળની જિંદગીમાં શીખવી પડી હતી.

વસ્તુઓ પર આપણે આપણાં મનને યોજવાં જોઈએ; વસ્તુઓ આપણાં મનને તેમના તરફ ખેંચે તેવું ન થવું જોઈએ. સામાન્યત: એકાગ્ર બનવાની આપણને ફરજ પડે છે. જુદી જુદી વસ્તુઓમાં રહેલા, અને જેનો આપણે પ્રતિકાર કરી ન શકીએ તેવા આકર્ષણને લઈને આપણાં મનને તેમના પર એકાગ્ર થવાની ફરજ પડે છે. મનને કાબૂમાં રાખવા માટે, આપણે જ્યાં ઇચ્છીએ ત્યાં જ તેને લગાડવા માટે ખાસ તાલીમની જરૂર હોય છે; બીજી કોઈ રીતે તે થઈ શકે નહિ. ધર્મની સાધનામાં મન પરનો કાબૂ સંપૂર્ણ રીતે આવશ્યક છે. આ સાધનામાં આપણે મનને તેના પોતાના પર લગાડવું પડે છે.

મનને તાલીમ આપવાના પહેલા પગલાની શરૂઆત પ્રાણાયામથી કરવાની છે. નિયમિત પ્રાણાયામ શરીરને સંવાદી સ્થિતિમાં લાવે છે, અને ત્યારે મનને હાથમાં લેવું સહેલું બને છે. પ્રાણાયામનો અભ્યાસ કરવામાં ધ્યાનમાં લેવાની પહેલી બાબત છે આસન, અથવા બેસવાની રીત. જે સ્થિતિમાં માણસ સહેલાઈથી બેસી શકે તે તેનું યોગ્ય આસન કહેવાય. કરોડરજ્જુ મુક્ત રાખીને શરીરનું વજન પાંસળીઓ પર ટેકવવું જોઈએ. મનને કૃત્રિમ યુક્તિપ્રયુક્તિઓ વડે કાબૂમાં લેવાનો યત્ન ન કરશો; આ બાબતમાં ફક્ત સાદો પ્રાણાયામ જ જરૂરી છે. મનની એકાગ્રતા પ્રાપ્ત કરવા સારુ ઘણી કઠિન તપશ્ચર્યા કરવી એ ભૂલ છે.

(‘સ્વા.વિવે.ગ્રં.સં.’ પૃ.૧૪૪-૪૫)

Total Views: 119

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.