(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના બારમા પરમાધ્યક્ષ હતા. (૧૯૮૯ થી ૧૯૯૮) અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ હતા. (૧૯૪૫ થી ૧૯૬૬) તેઓશ્રીની મહાસમાધિ બાદ સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજે 8 ડિસેમ્બર, 1998ના રોજ કલકત્તામાં સ્મૃતિસભામાં આપેલ ભાષણનો ડૉ. મુન્નીબહેન માંડવિયાએ કરેલ ગુજરાતી સારાંશ અત્રે પ્રસ્તુત છે. અનુવાદિકા કૃષિ યુનિવર્સિટીનાં બાયોકેમેસ્ટ્રીનાં નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. તેઓ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા તથા સાહિત્યિક પ્રવૃત્તિ સાથે વર્ષોથી સંકળાયેલાં છે. – સં)
મેં ઈ.સ. 1923માં પહેલી વાર પૂજનીય ભૂતેશાનંદજી મહારાજનાં દર્શન કર્યાં હતાં. તે વર્ષે મેં કોલેજમાં પ્રવેશ કરેલ હતો તથા દર શનિવારે હું બેલુર મઠ જતો. મઠમાં સ્વામીજીના શિષ્ય બ્રહ્મચારી જ્ઞાન મહારાજ હતા. તેમના પ્રતિ અમને લોકોને વિશેષ આકર્ષણ હતું. અને જ્યારે મઠમાં જતા ત્યારે તેઓ અમને જુદી જુદી જવાબદારી સોંપતા અને બીજા સાધુઓ સાથે પરિચય કરાવતા.
તેઓ પૂછતા, “અમુકની સાથે તમારે પરિચય છે?” જો ‘ના’માં જવાબ મળે તો કહેતા, “અરે, આ શું? તેમની સાથે તમારો પરિચય નથી?” ખાસ કરીને બે વ્યક્તિઓનો તેમણે મારી સાથે પરિચય કરાવી આપ્યો હતો, તેમાંથી એક હતા સ્વામી ભૂતેશાનંદજી મહારાજ અને બીજા હતા નલિની મહારાજ. જ્ઞાન મહારાજે કહી દીધું હતું, “તું આ બંને પાસે જજે.”
તેથી આ બંને વ્યક્તિઓે સાથે મારે ખૂબ પરિચય હતો અને તેઓ મને ખૂબ પ્રેમ કરતા. તે સમયે સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સ્વામી થયા નહોતા, બ્રહ્મચારી હતા અને અમે તેમને વિજય મહારાજ કહીને બોલાવતા.
મેં એવું સાંભળ્યું હતું કે ભૂતેશાનંદજી એક બુદ્ધિશાળી વિદ્યાર્થી હતા. તેથી તે માટે મને બહુ કુતૂહલ થતું હતું. તેમની પાસે કક્ષમાં જઈને ઘણી વાતો કરતો. તેમની પાસે એક ડાયરી હતી, જેમાં તેમણે ઘણું લખેલ હતું.
એક વખત તેમની ડાયરી લઈને હું વાંચવા લાગ્યો. તેઓ ક્યાંક બહાર ગયા હતા. કક્ષમાં આવતાંની સાથે તેમણે મને ડાયરી વાંચતો જોયો તથા મારી ટીકા કરીને કહ્યું, “છિ: કોઈની ડાયરી લઈને વંચાય?” મારી આંખોમાં જાણે આંસુ આવી ગયાં. મેં તે જ ક્ષણે ડાયરી મૂકી દીધી. મને એક મોટો પાઠ ભણવા મળ્યો.
સ્વામી શુદ્ધાનંદજી તે સમયમાં મઠમાં શાસ્ત્ર ભણાવતા. છાત્રોમાં અગ્રગણ્ય હતા સ્વામી ભૂતેશાનંદજી. તેમની પાસે પુસ્તક રહેતું. તેઓ વાંચતા જાય અને શુદ્ધાનંદજી અર્થ સમજાવી વિવેચન કરતા જાય. વાંચતી વખતે જો તેઓ અટકી જાય અથવા કોઈ શબ્દનું ઉચ્ચારણ બરાબર ન કરે તો શુદ્ધાનંદજી સમજી જતા કે શબ્દનો અર્થ જાણતા નથી. તેથી તે શબ્દની વ્યુત્પત્તિ કેવી રીતે થઈ તે બાબત પૂછતા. મને યાદ છે કે એક વખત શુદ્ધાનંદજીએ આ રીતે કોઈ શબ્દની વ્યુત્પત્તિ અંગે પૂછ્યું.
ભૂતેશાનંદજીએ મજાકમાં ધીરેથી કહ્યું, “ક્યાંકથી થઈ હતી.” તેથી સ્વામી શુદ્ધાનંદજી ખીજાઈને બોલ્યા, “આંખમાં ધૂળ નાખી છે? આવી રીતે શીખશો? જાઓ પુસ્તકાલયમાં અને ત્યાંથી શબ્દકોષ અને પાણિનિ વ્યાકરણ લઈ આવો.”
જ્યાં સુધી શબ્દકોષ લઈ આવ્યા નહીં ત્યાં સુધી બધા ચૂપચાપ બેસી રહ્યા. પુસ્તક આવ્યું, વાંચવામાં આવ્યું તથા તે શબ્દનું વિવેચન થયું. તેમાં અડધો કલાક કે વધારે સમય નીકળી ગયો. પણ ભણાવવાની-શીખવવાની પદ્ધતિ જોઈને હું મુગ્ધ થઈ ગયો. આ રીતે તેઓ શાસ્ત્ર ભણાવતા, ખાસ કરીને સ્વામી ભૂતેશાનંદજીને.
એક વખત તેઓ (ભૂતેશાનંદજી) કોલેજમાં ભાષણ આપવા ગયા. વિષય મને યાદ નથી. ઊઠીને પહેલાં જ તેઓ બોલ્યા, “હું પ્રવર્તક છું. હું વધારે કંઈ જાણતો નથી. તેથી મારી પાસેથી જ્ઞાન સંપાદિત વક્તૃતાની આશા ન રાખતા.” હું તે સમયે પ્રવર્તક શબ્દનો અર્થ જાણતો નહોતો. ત્યાર પછી તેઓ ધીરે ધીરે બોલ્યા. તેમની બોલવાની રીત મને બહુ પસંદ આવી.
Your Content Goes Here




