(બા.ભ.બોરકર, ‘ચાદૃવેલ’, સંપાદક: કુસુમગ્રજ, ગો.મ. કુલકર્ણી કોન્ટીનેન્ટલ પ્રકાશન, પૂણે, ૧૯૭૨, બીજી આવૃત્તિ, ૧૯૯૪, પૃ.૮૧)
પ્રાર્થના એ શબ્દ બોલતાં સાયંકાળનો સમય, તુલસીક્યારે રાખેલો દીવડો, પ્રભુના મંદિરમાં આરતીમાં જલતી દિવ્ય જ્યોતિ, પશુપક્ષી, વૃક્ષવેલી બધા પર નિરવતા સાથે પ્રસરતી અંધારાની કાળી ઓઢણી – આવાં દૃશ્યો આપણાં મન સમક્ષ આવતાં રહે છે. વળી આપણને આપણાં મનશ્ચક્ષુ સમક્ષ, આંખ મીંચીને, હાથ જોડીને શ્લોક કે ભજન ગણગણતી એકાદ મા કે દાદીમા તરી આવે છે. આવું એકાદ દૃશ્ય આપણા આજના અત્યંત આધુનિક કાળમાં જોવા તો મળે પણ એ દુર્લભ બનતું જાય છે.
ઈમેઈલ, ચેટિંગ, ફેસબૂક, વગેરે સામુહિક માહિતી પ્રસારનાં સાધનો દ્વારા ઝડપથી માહિતીનું આદાન-પ્રદાન થઈ શકે છે. એને લીધે આખું જગત જાણે કે એક વિશ્વગ્રામ બની ગયું છે. એક ક્લીક કરતાંની સાથે જ નેટવર્ક દ્વારા સંવાદ સહજ-સરળ બની ગયો છે. દૂરસુદૂર રહેતા લોકો પણ સાવ નિકટ હોય એવો આભાસ થાય છે. પણ પ્રત્યક્ષ સહવાસ કે સંવાદની અનુભૂતિ થતી નથી. ભલે આ સંવાદો સહજ-સરળ બની ગયા હોય પણ મનુષ્યના મનમાં રહેલું અધૂરાપણું ભરાતું નથી. બધાને આ બાબતનો ખ્યાલ છે જ. એટલે જ એમણે પોતાના નિકટના મૈત્રી સંબંધો ટકાવી રાખવા માટે સતત પ્રયત્ન કરવો પડે છે.
આવી પરિસ્થિતિમાં આવશ્યકતા ઊભી થાય છે, મનને, વિચારને અને કાર્યને ઉન્નત કરવા માટે એક આદર્શ અને આદર્શજીવનની. એનું કારણ એ છે કે બુદ્ધિના વિલાસ માટે જે તત્ત્વચિંતન ઊભું થયું છે એમાંથી વ્યવહારુ બનાવવા કે આચરણમાં ઊતારવા માટે શું લેવું એ સામાન્ય માણસની સામે ઊભો થતો પ્રશ્ન છે. ચિરંતન તત્ત્વને પકડીને જીવાતું કોઈ એક આવું આદર્શ જીવન આપણને મળી રહે તો આપણને જીવન જીવવા માટે એક નૈતિક વૈચારિક બળ મળી રહે છે. ભારતની પ્રાચીન પરંપરામાંથી જે જ્ઞાન આવ્યું છે તે અમર્ત્ય છે, એમ શા માટે કહેવાય છે? એ પણ આપણને ધીમે ધીમે ક્રમશ: સમજાતું જાય છે. આ હેતુ સાથે જો આપણે શ્રીમા સારદાદેવીના જીવનનો અભ્યાસ કરીએ તો વ્યક્તિગત કક્ષાએથી ધીમે ધીમે વૈશ્વિક કક્ષાએ જઈ રહ્યા છીએ એવો અનુભવ થયા વગર રહેશે નહિ.
પ્રાર્થના જ સંકલ્પના છે એવો અનુભવ આપણને જેમના જીવનમાંથી જોવા મળે છે એવાં શ્રીમા સારદાદેવીના જીવન વિશે થોડું ચિંતન આપણે કરીએ. શ્રીરામકૃષ્ણદેવનાં સહધર્મિણી, મનસ્વિની, પ્રજ્ઞા અને શાંતિ પારમિતા એવું એમનું એક રૂપ છે. વળી બીજી બાજુએ આપણે જોઈએ તો સ્નેહ, પ્રેમ, કરુણાનું મૂર્તિમંત રૂપ અને જે અયોગ્ય હોય એની સામે સ્થિર, અચલ ઊભેલ અડગ શિલા સમાન! પણ બીજા બધા લોકો માટે સહજગમ્યરૂપ છે ‘મા’. ‘મા’ બનવું એટલે અખંડ પ્રાર્થના, અખંડ શુભચિંતન, કારણ,
પ્રાર્થના છે એ,
જે પ્રાણના બીજને ભેદે,
જે આરોહણ કરતી રહે,
હરિયાળી, શીતલ અને અગ્નિશીખા સમી,
સતત-સહજ, અસીમ ઊર્ધ્વગતિને શોધનાર,
એ પ્રાણને સ્પર્શતાં જ,
એક માનવ બની જાય એક અવધૂત અશ્વત્થ..
પ્રાર્થનાનો પ્રસાદ બનીને એવું દિસે,
કાજળ કાળી મેસ વિહોણી
જલતી જ્યોતિ.
Your Content Goes Here




