૧૧મી મે, ‘૯૮, બુદ્ધપૂર્ણિમાના પાવનકારી દિવસે સવારે ૭ વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર, પ્રાર્થના, અધ્યાત્મ ભક્તિભાવભર્યાં ગીત-ગાન સાથે શ્રીરામકૃષ્ણસંઘના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના વરદ્ હસ્તે કિશનપુર (દહેરાદૂન)માં નવા બંધાયેલા મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો. શ્રીરામકૃષ્ણદેવની પૂરા કદની આરસ-પ્રતિમાના અનાવરણ અને પ્રતિષ્ઠાપનની પવિત્ર પરાકાષ્ઠાના મહોત્સવને ૧૬૩ જેટલા સંન્યાસીઓ – બ્રહ્મચારીઓ અને સેંકડો ભાવિકજનોની ઉપસ્થિતિએ ભવ્યાતિભવ્ય બનાવ્યો. ભવ્ય મંદિર, ભીતરની શ્રીરામકૃષ્ણદેવની પ્રતિમા, ચિત્તાકર્ષક શિવાલિક હારમાળા – પશ્ચાદ્ભૂને સમાનતા – સંવાદિતા અને ઐકયના પરમાનંદ ભર્યા આધ્યાત્મિક આદર્શમાં ઢાળી દે છે.

પ્રાતઃ મંગલ આરતી પછી શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ જૂના પૂજા મંદિરથી નૂતન મંદિર સુધી શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા અને સ્વામીજીની છબિઓની પાલખીઓ સાથેની શોભાયાત્રામાં નીકળ્યા. વિશેષતઃ રામકૃષ્ણ આશ્રમ, કિશનપુરના બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી શ્રીક્ષમાનંદજી મહારાજ અને સામાન્યતઃ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ-ધારાને વરેલા ભક્તજનોની આ શુભાકાંક્ષા શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના વરદ્ હસ્તે થયેલ આ નૂતન રામકૃષ્ણ-મંદિરના સમર્પણ વિધિ અને શ્રી ઠાકુરની આરસ-પ્રતિમાની પ્રાણ-પ્રતિષ્ઠા સાથે આજે પૂર્ણ થઈ.

આ પહેલાં ૯મે-’૯૮ના રોજ દહેરાદૂનની ‘શિવાજી ધર્મશાળા’માંથી શહેરની મધ્યમાં આવેલા ‘પરેડ મેદાન’ – સુધી એક અનન્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું. આ રેલી- શોભાયાત્રામાં આ વિસ્તારના સેંકડો અગ્રગણ્ય નાગરિકો, ભારતમાંથી આ પ્રસંગે આવેલા ભક્તજનોએ ભાગ લીધો હતો. ભવ્ય અને મનોહર રીતે શણગારેલા શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના ફ્લૉટ્સ સૌ કોઈનું આકર્ષણ બન્યા હતા. શીખધર્મોના શબદ કીર્તન અને મુસ્લિમોની કવ્વાલીઓએ સર્વધર્મ સમભાવનું વાતાવરણ ખડું કરી દીધું હતું. શોભાયાત્રાના અંતે ઉમટેલા બધા ભક્તજનોને શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે સંબોધ્યા હતા.

રવિવાર, ૧૦મી મેની સવારે અલાહાબાદ આશ્રમના વડા, શ્રીમત્ સ્વામી નિખિલાત્માનંદજીએ ‘શ્રીરામ થી શ્રીરામકૃષ્ણ’- એ વિશે પોતાનું મનનીય પ્રવચન આપ્યું હતું. આ પ્રવચનમાં એમણે ઈશ્વ૨નું અવતારરૂપે અવતરણ અને સમગ્ર માનવસમૂહનાં યોગક્ષેમ માટે એમણે કરેલી દિવ્યલીલાનું ભાવપૂર્ણ શૈલીમાં વર્ણન કર્યું હતું. ત્યારબાદ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે નૂતન મંદિરના પ્રાંગણમાં શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ ભાવ-ધારા આંદોલનના કાયમી પ્રદર્શન અને પુસ્તક વેચાણ કેન્દ્રનું ઉદ્‌ઘાટન કર્યું હતું. પેઈન્ટિગ્ઝ, ફોટો-છબિ, સૂક્તિઓ દ્વારા શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ ભાવઆંદોલનનો સાચો ખ્યાલ સારી રીતે આ પ્રદર્શન દ્વારા મળે છે. આ ભાવ આંદોલનના એક ભાગરૂપે રામકૃષ્ણ – મઠ – મિશન અને શારદામઠ અને રામકૃષ્ણ શારદા મિશનની પ્રવૃત્તિઓનું નિરૂપણ કરતી અનેક તકતીઓ અને ફોટો-છબિઓ પણ આ પ્રદર્શનની નોંધનીય બાબત છે.

૧૦મી મે-’૯૮ની સાંજે બેલુરમઠના શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી અને રામકૃષ્ણ મઠ-વારાણસીના શ્રીમત્ સ્વામી વ્યોમાનંદજીએ “શ્રી શ્રીમા શારદાદેવીનું વૈશ્વિક માતૃત્વ” વિશે પ્રવચનો આપ્યાં હતાં. સ્વામી સુહિતાનંદજીએ જણાવ્યું હતું કે શ્રી શ્રીમા શારદાદેવી માત્ર ગણ્યાગાંઠ્યા સંન્યાસી શિષ્યો કે ભક્તોની માતા ન હતાં, તેઓ તો હતાં ‘સર્વજનની’-‘વિશ્વજનની’. સ્વામી વ્યોમાનંદજીએ પ્રવચનમાં પોતાના વ્યક્તિગત પ્રસંગો રજૂ કરીને, જયરામવાટીમાં એક પાંચ વર્ષનો નાનો બાળક અને પશ્ચિમનો ભાવુકજન કેવી રીતે શ્રી શ્રીમામાં દિવ્યતાનું દર્શન કરી શક્યા- એ વાત સમજાવી હતી.

૧૧મી મેના રોજ રાયપુર આશ્રમના વડા શ્રીમંત્ સ્વામી સત્યરૂપાનંદજીએ ‘શ્રીરામકૃષ્ણનું દિવ્ય જીવન અને તેમનો સંદેશ’- વિશેના પ્રવચનમાં સામાન્ય સાધક અને અવતાર પુરુષ વચ્ચેનો ભેદ બહુ સારી રીતે સમજાવ્યો. આધ્યાત્મિક અનુભૂતિઓ દ્વારા એક સાધક કે આચાર્ય માત્ર અલ્પ સંખ્યામાં લોકોનું ક્ષેમકલ્યાણ સાધી શકે. જ્યારે સાક્ષાત્ ઈશ્વરનો અવતાર તો સમગ્ર વિશ્વના માનવ સમુદાયનાં યોગોક્ષેમ સાધી શકે છે. ૧૯મી સદીમાં અવતરેલા શ્રીરામકૃષ્ણદેવ માનવને આધ્યાત્મિક જાગૃતિના ઉચ્ચસ્તરે લઈ જનારા એક અવતાર પુરુષ હતા. શ્રીમત્ સ્વામી ભજનાનંદજીએ “દિવ્ય અવતારનાં વિવિધ પાસાં અને સાધકો માટે તેમનું મહત્ત્વ”- એ વિશે પોતાના પ્રવચનમાં વાત કરી હતી. સાંજની સભાના મુખ્ય મહેમાન અલાહાબાદ હાઈકોર્ટના સન્માનનીય ન્યાયમૂર્તિ શ્રી પલક બસુએ કહ્યું કે શ્રીરામકૃષ્ણનું જીવન એ જ સંદેશ છે. એમણે આપેલા ઉપદેશના આદર્શોને એમણે જીવનમાં જીવી બતાવ્યા છે.

પોતાના અધ્યક્ષીય વક્તવ્યમાં શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે કહ્યું : “આપણી આધ્યાત્મિકતાની સંકલ્પનાઓને નવી દિશા અને ગહનતા બક્ષવા શ્રીરામકૃષ્ણદેવ અવતર્યા હતા. વેદાન્ત સંદેશ માત્ર શાસ્ત્રોમાં- ગ્રંથોમાં જ ન રહેવા પામે પણ એનું જીવનમાં આચરણ થવું જોઈએ- એ વાત એમણે આપણને સમજાવી. માનવ પણ દિવ્ય પ્રભુનો અંશ છે એટલે માનવની પૂજા, એની સેવા થવી જોઈએ. આપણી પૂજા માત્ર મંદિર પૂરતી કે થોડાં વિધિ- વિધાનો કે કર્મકાંડો પૂરતી ન હોવી જોઈએ. શ્રીરામકૃષ્ણે ભારપૂર્વક કહ્યું હતું કે માનવની સેવા અને તેનું સન્માન અત્યંત વિનમ્રભાવે કરવાં જોઈએ. આજના ભૌતિકવાદી, ઐહિક સુખવાદના યુગના લોકો માટે એમનો આ વિશેષ અને વિશિષ્ટ સંદેશ છે. સ્વામીજીએ કહ્યું કે ભૌતિક વિકાસ જરૂરી છે પણ એ જ આપણું લક્ષ્ય નથી. આપણે એક બીજો આદર્શ આધ્યાત્મિક અનુભૂતિનો આદર્શ કેળવવો રહ્યો, સાધવો રહ્યો. અને આપણે આ આદર્શ સાધીશું તો આપણને સમજાશે કે આપણે સૌ અમૃતનાં સંતાન છીએ, શાશ્વતનાં સંતાન છીએ. આ ગહન સત્યની ઉદ્ઘોષણા દ્વારા સ્વામીજીએ શિકાગોની ધર્મપરિષદને હેરતમાં નાખી દીધી અને પશ્ચિમના જગત પર વિજય – આધ્યાત્મિક વિજય – હાંસલ કર્યો. હમણાં થોડા સમય પહેલાં કિશનપુરમાં સમર્પિત થયેલું શ્રીરામકૃષ્ણદેવનું આ નૂતન મંદિર આપણને આ ગહન સત્યની સદૈવ યાદ અપાવતું રહેશે.”

કાર્યક્રમના અંતે આ મંદિરના નિર્માણકાર્યમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ભાવિકજનોને મોમૅન્ટૉઝ આપવામાં આવ્યા હતા.

રામકૃષ્ણ મિશનના શતાબ્દી મહોત્સવ (૧૮૯૭– ૧૯૯૭)ના ઉપલક્ષ્યમાં યોજાયેલ ૧૨મી મે-૯૮ની વિશેષ સભામાં સ્વામી આત્મપ્રિયાનંદજીએ ‘રામકૃષ્ણ મિશનના દૃષ્ટિકોણ’ વિશે અને સ્વામી શશાંકાનંદજીએ – ‘છેલ્લાં ૧૦૦વર્ષમાં મિશનનું વિશ્વને પ્રદાન’ – એ વિશે પોતાનાં વક્તવ્યો આપ્યાં હતાં. સભાના અધ્યક્ષ સ્થાનેથી બોલતાં  શ્રીમત્ સ્વામી પ્રભાનંદજીએ કહ્યું કે, ચિંતનશક્તિના ક્ષેત્રમાં મિશનની ઉપલબ્ધિ ઘણી મોટી છે, પરન્તુ એની પરિપૂર્તિ માટે હજુ ઘણું ઘણું કરવાનું બાકી છે. એમણે સ્વામી વિવેકાનંદે પ્રબોધેલા પથને બધા બરાબર ચોકસાઈપૂર્વક અનુસરે છે કે કેમ એનું આત્મમંથન – – અંતરનિરીક્ષણ ક૨વા સૌ કોઈને હાકલ કરી હતી. એમણે સેવાના આદર્શને વ્યક્તિગત ઉન્નતિ માટે અને સમાજના સામુદાયિક યોગક્ષેમ માટે અત્યંત અગત્યનો ગણાવ્યો હતો. આજે સમાજના અનેક સ્તરે હતાશા-નિરાશાના આસારો જણાય છે. પણ ભૂગર્ભમાંના બોગદા પાછળે ય પ્રકાશ છે એવો રચનાત્મક વિધેયાત્મક દૃષ્ટિકોણ આપણે રાખવો જોઈએ. આ દેખાતા ગ્લાનિ – તમસ્‌ભર્યા વાતાવરણમાં રામકૃષ્ણ ભાવધારા આપણા માટે એક ઉજ્જવલ પ્રકાશ છે.

શ્રીરામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હીના સેક્રેટરી અને નૂતન મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગોકુલાનંદજીએ અને રામકૃષ્ણ મિશન-આશ્રમ કિશનપુર (દેહરાદૂન)ના અધ્યક્ષ સ્વામી આત્મવિદાનંદજીએ બ્રહ્મલીન સ્વામી ક્ષમાનંદજીએ આ મંદિરના નિર્માણ માટે કરેલ મહાન કાર્ય અને સેવાને બિરદાવ્યા હતા.

આ મહોત્સવના ઉપલક્ષ્યમાં શાસ્ત્રીય કંઠ્ય સંગીત અને વાદ્યસંગીતના કાર્યક્રમો યોજાયા હતા. શ્રીરામકૃષ્ણદેવના પ્રત્યક્ષ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજ અને સ્વામી વિવેકાનંદજી સાથેના ૧૮૯૦ના સુભગ મિલનની સ્મૃતિ રૂપે રાજપુરના બૌરી શિવ – મંદિરમાં એક તક્તીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ૧૭મે ૧૯૯૮ના રોજ અનાથ અને માંદા લોકોને ભોજન આપીને ‘નારાયણ સેવા’ના સેવાકાર્ય સાથે આ મહોત્સવ પૂર્ણ થયો.

અનુવાદક : શ્રી મનસુખભાઈ મહેતા

Total Views: 192

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.