૧૧૯. આપણે ‘હું’નો વિચાર કરીશું તો, ઊંડા ઊતરતાં જણાશે કે, અહંકાર નિર્દેશનો એ કેવળ એક શબ્દ છે. પણ એને ખંખેરવો ખૂબ કઠણ છે. એટલે આપણે કહેવું જોઈએ, ‘રે, દુષ્ટ અહં! તું કોઈ રીતે પણ જવાનો નથી તો, ઈશ્વરનો દાસ થઈને રહે.’ ‘હું ઈશ્વરનો દાસ’ એમ માનનાર ‘અહં’ તે ‘પાકો અહં’.
૧૨૦. શંકરાચાર્યનો એક શિષ્ય હતો. ઘણા લાંબા વખતથી એ ગુરુની સેવા કરતો હોવા છતાં, ગુરુ એને કંઈ ઉપદેશ દેતા ન હતા. એક વાર શંકરાચાર્ય એકલા બેઠા હતા ત્યારે, પાછળથી કોઈના આવવાનાં પગલાં એમને સંભળાયાં. એટલે એમણે પૂછ્યું, ‘કોણ છે?’ શિષ્યે કહ્યું, ‘હું છું.’ એટલે આચાર્ય બોલ્યા, ‘આ ‘હું’ તને આટલો વહાલો હોય તો, એને અનંત સુધી વિસ્તાર ને કાં, એનો સદંતર ત્યાગ કર.’
૧૨૧. આ હું-પણાને તમે તજી શકો એમ નથી એમ તમને લાગે તો, એને દાસ અહંકાર તરીકે રાખો. ‘હું ઈશ્વરનો દાસ છું, હું એનો ભક્ત છું.’ આ ચિંતનમાં કેંદ્રિત અહંથી બહુ ડરવાનું નથી. મીઠાઈ ખાવાથી અમ્લતા પેદા થાય પણ સાકર એમાં અપવાદ છે. દાસ અહંકાર, ભક્તનો અહંકાર, બાળકનો અહંકાર-આ દરેક પાણીની સપાટી ઉપર લાકડીથી દોરેલી લીટી જેવો છે; એ લાંબું ટકતો નથી.
૧૧૨. બીજી મીઠાઈની જેમ ગાંગડા સાકરની કોઈ ખરાબ અસર નથી હોતી તેમ, પોતાને ઈશ્વરનો દાસ કે ભક્ત માનનાર ‘પાકા’ અહંની, ‘કાચા’ અહંની માફક, કોઈ ખરાબ અસર થતી નથી. ઉલટ પક્ષે, એ ઈશ્વર ભણી લઈ જાય છે અને, માણસે ભક્તિયોગને પંથે કરેલી પ્રગતિ સૂચવે છે.
૧૨૩. ‘દાસ-અહં’ વાળી વ્યક્તિની લાગણીઓ અને આવેગોનું સ્વરૂપ કેવું હોય છે? એનો ભાવ પાકો અને સંનિષ્ઠ હોય તો, એની અગાઉની લાગણીઓ અને આવેગોનું માત્ર દેખાવનું રૂપ રહે છે. ‘દાસ-અહં’કે ‘ભક્ત-અહં’ રહે તોય, ઈશ્વરનો સાક્ષાત્કાર કરનાર કોઈનું બૂરું કરી શકતો નથી. વ્યક્તિત્વનો ડંખ એનામાંથી દૂર થઈ જાય છે. પારસમણિના સ્પર્શે લોઢાની તલવાર સોનાની થઈ જાય છે. પહેલાંનો આકાર એ જાળવી રાખે છે પણ કોઈને ઇજા નથી પહોંચાડતી.
૧૨૪. તમારે ગર્વ કરવો હોય તો, તમે ઈશ્વરના દાસ છો, ભક્ત છો એનો ગર્વ કરો. મોટાં માણસોનો સ્વભાવ બાળક જેવો હોય છે. ઈશ્વર પાસે તેઓ હંમેશાં બાળક જ હોય છે; એટલે તેઓ ગર્વથી મુક્ત હોય છે. એમની બધી શક્તિ ઈશ્વરી છે, તેમની પોતાની નથી. એ ઈશ્વરી છે ને ઈશ્વર પાસેથી આવે છે.
૧૨૫. ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જ બધું થાય છે એવો વિશ્વાસ જેને છે તે, જાતને ઈશ્વરના હાથનું સાધન જ સમજે છે. પછી એ આ જીવનમાં જ બધાં બંધનથી મુક્ત છે. ‘હે પ્રભુ, તું તારું કાર્ય કરે છે’ પણ માણસ કહે છે, ‘હું કરું છું.’
૧૨૬. ‘હું જાણું છું,’ કે ‘હું નથી જાણતો.’ એમ જ્યાં સુધી માણસ કહે ત્યાં સુધી, વ્યક્તિત્વનો બોધ રહે છે, મારી ભવતારિણી મા કહે છે, ‘તારામાંના સંપૂર્ણ અહંને મેં ભૂંસી નાખ્યો છે એટલે તો તું નિર્વિકલ્પ સમાધિ પામી શકે છે.’ ત્યાં સુધી મારી સામે અને મારામાં ‘હું-પણું’ છે.
૧૨૭. પોતાની નિમ્ન પ્રકૃતિની સાથે ખૂબ સંઘર્ષના વ્યાપાર પછી અને આત્મજ્ઞાન ભણી લઈ જતી તીવ્ર આધ્યાત્મિક સાધના પછી મનુષ્યને સમાધિ દશા પ્રાપ્ત થાય છે. પછી પોતાનાં બધાં વળગણો સાથે અહંકાર દૂર થાય છે. પણ સમાધિ દશાને પામવી બહુ કઠિન છે. અહંકારનું જોર ઘણું છે. એટલે તો આપણે ફરી ફરી આ સંસારમાં જન્મ લઈએ છીએ.
૧૨૮. ઈશ્વર દર્શનની કૃપા નથી થઈ, પોતાનામાં રહેલી હલકી ધાતુ પારસને સ્પર્શે સોનું નથી બની ત્યાં સુધી, કર્તાપણાનો ભ્રમ રહેવાનો. આ ભ્રમ દૂર ન થાય ત્યાં સુધી, ‘આ સાચું ને પેલું નઠારું કામ મેં કર્યું છે,’ એ ભેદબુદ્ધિ રહેવાની. માયા એટલે જ ભેદબુદ્ધિ અને, એને આધારે તો સંસાર ચાલે છે. માણસને સત્પથે લઈ જાય તે, દિવ્યશક્તિના સત્ત્વગુણથી સભર, વિદ્યામાયાનું શરણ લેનાર ઈશ્વરને પામે છે. આ દેહધારી સ્વરૂપમાં પણ જે ઈશ્વરને જ સાચો કર્તા અને પોતે જાતે કશું કરવા શક્તિમાન નથી એમ જાણે છે તે જ ખરો મુક્ત છે.
(- ‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’માંથી સાભાર)
Your Content Goes Here




