કોઈ ઈસાઈ રહસ્યવાદીએ કહ્યું છે કે ક્રૂસ અહંને નષ્ટ કરવાનું પ્રતીક છે. જો આપણે ‘।’ આરપાર રેખા દોરીએ તો તે ક્રૂસનું ચિહ્ન + બને છે. ગીતા (૩.૨૭)માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે :
પ્રકૃતે: ક્રિયમાણાનિ ગુણૈ: કર્માણિ સર્વશ: ।
અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે ॥
વાસ્તવમાં બધાં કર્મ સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો દ્વારા થાય છે. આમ હોવા છતાં પણ જેનું ચિત્ત અહંકારથી વિમૂઢ બની રહ્યું છે તે વ્યક્તિ એમ સમજે છે કે હું જ કર્તા છું.
હવે અહંકાર એ અજ્ઞાનતાનું બીજું રૂપ છે. જન્મ એવં મૃત્યુના ચક્ર માટે એ જવાબદાર છે. આ વાતનું શંકરાચાર્યે વિવેકચૂડામણિ (૨૯૮)માં આ પ્રમાણે કહ્યું છે:
સન્ત્યન્યે પ્રતિબંધા: પુંસ: સંસારહેતવો દૃષ્ટા: ।
તેષામેવં મૂલમ્ પ્રથમવિકારો ભવત્યહંકાર: ॥
પુરુષને આ સંસારબંધનની પ્રાપ્તિના કારણ રૂપ પણ અનેક પ્રતિબંધ છે. પરંતુ એ બધાનું મૂળ પ્રથમ વિકાર અહંકાર જ છે. કારણ કે અન્ય બીજા બધા અનાત્મભાવોનો પ્રાદુર્ભાવ એમાંથી જ થાય છે.
જેમણે ઈશ્વરાનુભૂતિ કરી છે એવા બધા મહાત્માઓએ વારંવાર કહ્યું છે કે વ્યક્તિએ મિથ્યાભિમાન ત્યજી દેવું જોઈએ. અહંકારને કારણે જ આપણી બુદ્ધિ મોહિત થઈ જાય છે તથા એમાં ‘હું’ની પ્રવૃત્તિ અવતરે છે. બીજા શબ્દોમાં આપણી બધી સમસ્યાઓ ‘અહં’ કે ‘અહંકાર’ની પ્રવૃત્તિમાં જોવા મળે છે. તર્ક શાસ્ત્રની ભાષામાં એને આમ કહી શકાય: એક ધારણા છે, જેે પ્રસ્તાવનાની અસત્યતા કહેવાય છે. (Falsity of the premise) એટલે ધારો કે એમ કહીએ કે બધા દાર્શનિક પાગલ છે. ઈમ્મૈનુઅલ કેંટ એક દાર્શનિક હતા, એટલે તેઓ પાગલ હતા. આ વિધાનને સરળતાથી પડકારી શકાય. એમાં મુખ્ય ધારણા એ છે કે બધા દાર્શનિક પાગલ છે એ અસત્ય છે. એટલે આપણું પરિણામ પણ અસત્ય છે. એને તર્કશાસ્ત્રમાં મુખ્ય પ્રસ્તાવનાની અસત્યતા (Falsity of the major premise) દ્વારા નિષ્પ્રભાવી બનાવી દીધું છે.
વર્તમાન સંદર્ભમાં આ વાતને પ્રયુક્ત કરવા માટે આપણે એટલો ભેદ કરીએ છીએ જેમ કે ‘હું અમુક છું, અમુક વ્યક્તિનો પુત્ર છું, આ વિશેષ પરિવારમાં જન્મ્યો છું. હું આ ધર્મનો અનુયાયી છું અને હું આ ભાષા બોલું છું. હું ઇજનેર છું, હું ગૃહસ્વામી છું, હું વિદ્યાર્થી છું, હું ડોક્ટર છું’ વગેરે વગેરે. આ બધા અસત્ય નિષ્કર્ષ છે. કારણ કે એ બધા નિષ્કર્ષ પ્રસ્તાવનાની અસત્યતાથી પ્રભાવિત છે. આપણે પોતાની મૂળ દિવ્ય સત્તાને ભૂલી જઈએ છીએ. એ જ આપણું સત્ય સ્વરૂપ છે. આપણે મિથ્યા અહંમાં પડીને દુ:ખ કષ્ટ વેઠીએ છીએ. જો આપણે ઈશ્વરની અનુભૂતિ ઇચ્છીએ તો આ મિથ્યા અહં ‘હું’ને પૂર્ણતયા સમાપ્ત કરી દેવો પડે. જ્યાં સુધી આવું નહિ કરીએ ત્યાં સુધી વ્યક્તિને પોતાની સાચી પ્રકૃતિની અનુભૂતિ નહિ થાય. આ મિથ્યા અહંની સમસ્યાને શંકરાચાર્યે વિવેકચૂડામણિ (૨૯૯)માં આ રીતે વર્ણવી છે:
યાવત્ સ્યાત્ સ્વસ્ય સંબંધોઽહંકારણ દુરાત્મના ।
તાવન્ન લેશમાત્રાપિ મુક્તિ વાર્તા વિલક્ષણા ॥
જ્યાં સુધી આ દુરાત્મા અહંકાર સાથે આત્માનો સંબંધ છે ત્યાં સુધી મુક્તિ જેવી વિલક્ષણ વાતની લેશમાત્ર પણ આશા રાખવી ન જોઈએ.
જ્યાં સુધી આપણે આ ઘૃણાસ્પદ અહંથી કોઈ પણ સંબંધ રાખીશું ત્યાં સુધી મુક્તિની થોડી વાત પણ સંભવ નથી. શા માટે? જ્યાં સુધી આપણે ‘અહંના સ્તર’ પર જીવીએ છીએ ત્યાં સુધી આપણને નામ, પરિવાર, ધન, જ્ઞાન, આદિ અનેક પ્રકારની મનોવૃત્તિઓથી મુક્તિ મળી શકતી નથી. એકવાર પણ જો અહંના આ તત્ત્વને જીતી લીધું તો પછી જેને લીધે ચિત્ત ભ્રમ થવાથી આપણે પીડાઈએ છીએ તેવી અનેક પ્રકારની ઉપાધિઓ મટી જશે અને આપણે પરબ્રહ્મને પ્રાપ્ત કરીશું.
અહીં અહંકારને દુરાત્મા કે દુષ્ટ કહ્યો છે. આપણી સાધારણ મનોવૃત્તિ કેવી છે? કાં તો હું કર્તા છું કે ભોક્તા છું. આ અહં કે અહંકારની અભિવ્યક્તિ સિવાય બીજું કંઈ નથી. આ મનોવૃત્તિઓને સમાપ્ત કરી દેવી પડે. જો એકવાર આપણે આ જૂઠા અહંમાં ફસાઈ જઈએ તો શું થાય? આપણે શરીર, બુદ્ધિ, મન તેમજ બધી ઇન્દ્રિયો સુધી સીમિત બની જઈશું. પરિણામે અજ્ઞાનને કારણે આપણે વિભિન્ન પ્રકારનાં દુ:ખો તેમજ અપૂર્ણતાઓને પોતાની જાત પર રોપીએ છીએ અને એ બધાં દુ:ખકષ્ટ વેઠીએ છીએ. હું વિચારું છું: ‘મને દેહ મળ્યો છે, હું જન્મ્યો હતો, મને આ કષ્ટદાયી રોગ છે, માનસિક રૂપે હું નિરાશ અને અત્યંત દુ:ખી છું. હું વિષાદથી ઘેરાયેલો છું.’ પરંતુ આ બધી વાતો અધમ એવા ‘અહં’ને કારણે છે. પરંતુ જ્યારે આ ‘દુષ્ટ અહં’ની સીમાઓ આપણે પાર કરી જઈએ છીએ તથા કોઈ પણ રીતે જીવનના ઉચ્ચતર આયામો સુધી પહોંચી જઈએ છીએ ત્યારે આપણા પર આરોપિત ઉપાધિઓ પણ ચાલી જાય છે. જ્યાં સુધી આવું નહિ થાય ત્યાં સુધી આપણે મોહિત થવાના જ. આપણે ખોટું કેમ વિચારીએ છીએ? કારણ કે મન અને શરીરનું ખામીભર્યું તાદાત્મ્ય જ એનું કારણ છે. આપણે વિચારીએ છીએ કે આપણે મર્ત્ય છીએ અને આપણી ભીતર એટલી ખામીઓ છે. તેમજ આપણે અનંત કષ્ટદુ:ખ વેઠીએ છીએ. આ કારણે જીવન કષ્ટમય બની જાય છે. આ બધી પ્રસ્તાવનાની અસત્યતામાં શોધી શકાય છે. એટલે ભગવદ્ગીતાના અધ્યાય ૧૩.૮માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે :
ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમનહંકાર એવ ચ ।
જન્મમૃત્યુજરાવ્યાધિદુ:ખદોષાનુદર્શનમ્ ॥
ઇન્દ્રિયોના વિષય પ્રત્યે વૈરાગ્ય એટલે આસક્તિનો અભાવ તથા અહંકારશૂન્યતા, જન્મમૃત્યુજરાવ્યાધિનાં દુ:ખોમાં દોષોને વારંવાર જોવા.
અર્જુનને આ બધા દુષ્પ્રભાવો પર વિચાર કરવાની સલાહ અપાઈ. પરંતુ આ જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ આપણા શરીર સાથે સંબંધ છે. આપણે એના દુષ્પ્રભાવ પ્રત્યે નિરંતર વિચાર કરતાં રહેવું જોઈએ અને આમ કરીને આપણે ‘ન તો હું કર્તા છું કે ન ભોક્તા. મારા જીવનમાં મારા ઉચ્ચ આયામો છે.’ એવી પ્રવૃત્તિઓ વિકસિત કરવી જોઈએ. એટલે આપણે સંપૂર્ણ અહંકારશૂન્યતાનો અભ્યાસ કરવો જોઈએ. એનો અર્થ એ છે કે જો આપણે પરમ લક્ષ્ય પ્રાપ્ત કરવા ઇચ્છતા હોઈએ તો આપણે અહંકારથી મુક્ત થવું પડશે. અને એકવાર જો અહંકારથી મુક્ત થઈ જઈએ તો શું થાય? વિવેકચૂડામણિ (૩૦૬) માં આવો નિષ્કર્ષ આપ્યો છે:
સદૈક રૂપસ્ય ચિદાત્મનો વિભોર આનન્દ મૂર્તેરનવદ્યકીર્તે: ।
નૈવાન્યથા ક્વાપ્યવિકારિણસ્તે વિનાહમધ્યાસ-મમુષ્ય સંસૃતિ: ॥
આ અહંકારરૂપી અધ્યાસ વિના તમે સર્વદા એક રૂપ ચિદાત્મા વ્યાપક આનંદ સ્વરૂપ, પરમકીર્તિ અને અવિકારી આત્માને બીજા કોઈ પણ પ્રકારનાં સંસાર બંધનો આવતાં નથી.
એકવાર જો આપણે અહંની સીમાને ઉલ્લંઘીએ તો આપણને આ જીવનમાં પોતાના વાસ્તવિક મૂળ સ્વરૂપની અનુભૂતિ થાય છે. એ સ્વરૂપ નિત્ય, શુદ્ધ-બુદ્ધ, મુક્ત તથા આનંદ સ્વરૂપ છે. જો આપણે પરમ લક્ષ્યને પ્રાપ્ત કરવા ઇચ્છતા હોઈએ તો આપણે સાધનોનું ધ્યાન રાખવું પડશે. આ સાધનોમાંથી મોટા ભાગનાની વિવેચના આ પહેલાં આપણે કરી ચૂક્યા છીએ. હવે આપણે એક એવા મહત્ત્વપૂર્ણ સાધન અર્થાત્ અહંકારશૂન્યતા વિશે ચર્ચા કરીશું.
આ મહત્ત્વની વાતની આગળ ચર્ચા કરતાં અહીં વિવેકચૂડામણિના શ્લોક ૩૦૭માં શંકરાચાર્યે કહેલ સૂક્તિનું ઉદાહરણ આપવું ઉપયુક્ત રહેશે :
તસ્માદહંકારભિમં શત્રું ભોક્તુર્ગલે કંટકવત્ પ્રતીતમ્ ।
વિચ્છિદ્ય વિજ્ઞાનમહાસિનાસ્ફુટં ભુઙ્ક્ષ્વાત્મ સામ્રાજ્યસુખં યથેષ્ટમ્ ॥
એટલે હે વિદ્વાન! ભોજન કરનારા પુરુષના ગળામાં કાંટાની જેમ ખટકતા આ અહંકાર રૂપી પોતાના શત્રુને વિજ્ઞાન રૂપી મહાખડગથી બરાબર વેંતરી નાખીને આત્મ સામ્રાજ્યના સુખનો યથેષ્ટ ભોગવટો કરો.
અહકારશૂન્યતા જ લક્ષ્ય પ્રત્યે દોરી જાય છે એ વાતનો જ બધાએ સ્વીકાર કર્યો છે. એટલે આ અહંકાર આપણો ભયંકર શત્રુ છે એ હંમેશાં યાદ રાખવું જોઈએ. જ્યાં સુધી આ ગળામાં રહેલા કાંટા જેવા અહંકારનો આપણે નાશ ન કરી દઈએ ત્યાં સુધી આપણે પરમલક્ષ્યની પ્રાપ્તિ કરી શકતા નથી. ધારો કે આપણે ભોજન લઈએ છીએ, તે સમયે ગમે તે રીતે એક કાંટો ગળામાં અટકી જાય છે, તો શું થાય? આપણે ખાઈ શકતા નથી કે ભોજન ગમે તેટલું ભલેને સ્વાદિષ્ટ હોય તોય એનો સ્વાદ કે આનંદ માણી શકતા નથી. એમ કેમ બને છે? કારણ કે આપણા ગળામાં કાંટો છે. એનો ઉપચાર શું? ગમે તે રીતે આ કાંટાને કાઢવો પડશે. ક્યારેક તો એ કાંટાને કાઢવા માટે એટલું બધું દુ:ખ થાય છે કે એ વ્યક્તિએ કાન-નાક-ગળાના ચિકિત્સક પાસે જવું પડે, એવુંય કરવું પડે. એનું કારણ એ છે કે રોગી ખાઈ શકતો નથી અને ભોજનનો આનંદ પણ મળતો નથી. આવી રીતે આપણે અહંભાવના આ શત્રુનો નાશ કરી દેવાનો છે. અન્યથા આપણે આત્મીય આનંદ પ્રાપ્ત નહિ કરી શકીએ. જેમ છરી કે ચીપીયાની મદદથી ગળામાંથી કાંટો ખેંચી કઢાય છે અને તેને લીધે આપણે ભોજનનું રસાસ્વાદ કરી શકીએ છીએ એવી જ રીતે આત્માના સામ્રાજ્યનો આનંદ મેળવવા માટે જ્ઞાન રૂપી તલવારથી અહંભાવને દૂર કરવો પડશે.
અહંની વ્યાખ્યા કરતાં શ્રી વિજયકૃષ્ણ ગોસ્વામી તથા શ્રીરામકૃષ્ણ વચ્ચે થયેલા વાર્તાલાપનું વર્ણન કરવું અહીં ઉપયોગી નીવડશે. વિજયે પૂછ્યું: ‘મહાશય, આપણે આ રીતે બદ્ધ છીએ એવું કેમ છે? આપણે ઈશ્વરાનુભૂતિ નથી કરી શકતા એવું કેમ બને છે?’ શ્રીરામકૃષ્ણે ઉત્તરમાં કહ્યું: ‘જ્યારે અહં મરી જાય છે ત્યારે જ બધી ઝંઝટ ખતમ થઈ જાય છે.’ અહંનો વિનાશ આવશ્યક છે. અહં નષ્ટ થતાં બધાં દુ:ખ નાશ પામે છે. એના પછી શ્રીરામકૃષ્ણે કહ્યું: ‘ઈશ્વરની કૃપાથી જો મનુષ્ય તે કર્તા નથી તથા ભોક્તા પણ નથી, તે કેવળ નિમિત્ત માત્ર છે એવું સમજી લે તો તે તરત જીવન્મુક્ત બની જાય છે. શરીરમાં રહેવા છતાં પણ તે મુક્ત છે.’ આ શબ્દો આપણા બધા માટે આશ્વાસન રૂપ છે. અહીં શ્રીરામકૃષ્ણે એવું નથી કહ્યું કે કેવળ સંન્યાસી જ જીવન્મુક્ત બની શકે છે. કોઈ વ્યક્તિ ઈશ્વરની કૃપાથી જો ‘તે કર્તા નથી’ એવો અનુભવ કરવા લાગે તો તે જીવન્મુક્ત થઈ જાય. આ શરીરમાં રહેવા છતાં પણ તે મુક્ત છે એનો અર્થ એ છે કે મનુષ્યે પોતાના મિથ્યા અહંકારનો ત્યાગ કરવો જોઈએ; તો જ આ સંભવ છે. આ વાતને પ્રમાણિત કરવા માટે શ્રીરામકૃષ્ણે એક ઉદાહરણ આપ્યું છે. એમણે કહ્યું કે શ્રીરામ લક્ષ્મણથી કેવળ અઢીહાથ દૂર ઊભા હતા. પરંતુ લક્ષ્મણ એમને જોઈ શકતા ન હતા. કારણ કે એ બંનેની વચ્ચે સીતા ઊભાં હતાં. એટલે શ્રીરામકૃષ્ણે કહ્યું: ‘લક્ષ્મણની જીવ સાથે તથા સીતાની માયા સાથે તુલના કરી શકાય.’ મનુષ્ય અહં અને માયાના અવરોધને કારણે ઈશ્વરને જોઈ શકતો નથી. જીવને બ્રહ્મથી અલગ કરી દેનાર કેવળ અહં છે. એકવાર જો અહં દૂર થઈ જાય તો જીવ એવો અનુભવ કરવા લાગે છે કે જીવ બીજું કંઈ નથી પરંતુ સચ્ચિદાનંદનું રૂપ છે. જો કે માયા અને અહં દ્વારા અનેક ઉપાધિઓ ઊભી થઈ છે એટલે જીવ ‘તે સચ્ચિદાનંદ છે’ એવો અનુભવ કરી શકતો નથી.
અહીં એક વધુ મહત્ત્વપૂર્ણ વાત કહેવાની છે. ધારો કે ઈશ્વરની કૃપાથી કે સાધના દ્વારા આપણે ‘હું કર્તા છું, હું અમુક છું’ આ અહંને નિર્મૂળ કરવામાં સફળ થઈએ છીએ, તો પણ એ અહંની ભાવના પુન: જાગ્રત થઈ શકે છે. એટલે શંકરાચાર્યે વિવેકચૂડામણિ ૩૦૯માં કહ્યું છે:
સમૂલકૃત્તોઽપિ મહાનહં પુન: વ્યુલ્લેખિત: સ્યાદ્યાદિ ચેતસા ક્ષણમ્ ।
સંજીવ્ય વિક્ષેપશતં કરોતિ, નભશ્વતા પ્રાવૃષિ વારિદો યથા ॥
આ પ્રબળ અહંકારને જડમૂળથી ઉખેડી નાખીએ તો પણ એક ક્ષણમાત્રને ચિત્તનો સંપર્ક પ્રાપ્ત કરી લેવાથી એ પુન: પ્રગટ થાય છે અને વર્ષાકાળે પવન સાથે જોડાયેલ મેઘની જેમ સેંકડો ઉત્પાત ઊભા કરે છે.
‘આ અહંને નષ્ટ કરી દીધો હતો તો ફરી પાછો જીવિત કેમ થઈ ગયો?’ એવો પ્રશ્ન આપ પૂછી શકો છો. આ કાર્ય મૃત વ્યક્તિ પર અમૃત છાંટીને જીવિત કરવા જેવું છે. ઈંદ્રિય વિષયો વિશે ચિંતન જ એનું કારણ છે. ભલે આપણે કોઈ ને કોઈ રીતે આ દુષ્ટ અહંને જીતી લીધો હોય અને એના પર કાબૂ મેળવી લીધો હોય છતાં પણ આપણે આ ઇન્દ્રિય વિષયોનું ચિંતન ન કરવું જોઈએ. જો આપણે પોતાના મનને વિષયોનું ચિંતન કરવા દઈશું તો આપણા બધા અશુભ સંસ્કાર પુન: જીવિત થઈ જશે. ધારો કે એક સૂકું મોટા લીંબુંનું ઝાડ છે, જો આપણે એને પાણી પાઈશું તો એ સૂકા વૃક્ષમાં પણ ફૂલ ખીલી ઊઠશે. એ રીતે આધ્યાત્મિક જીવનમાં કંઈક ઉન્નતિ કરવાની સાથે વિષય સંસ્કાર ભલે શિથિલ બની જાય છતાં પણ આ અહંની ભાવના આપણને ફરી પાછા નીચે ન ઉતારી દે એ વિશે સચેત રહેવું જોઈએ. અત્યંત સામાન્ય તુચ્છ વસ્તુ પ્રત્યે પણ થોડી આસક્તિ પણ આપણા પતનનું કારણ બની શકે છે. તેમજ આપણને અનંત બંધનમાં નાખી શકે છે. એનાથી બચવા માટે પ્રત્યેક વ્યક્તિએ સદૈવ સચેત અને સતર્ક રહેવું જોઈએ. આંતરિક અને બાહ્ય એવા બધા પ્રકારનો ત્યાગ કરનાર એક સંન્યાસી હતા. એમની પાસે કેવળ એક લંગોટી હતી. એને આ લંગોટી પ્રત્યે ઘણી મોટી આસક્તિ હતી. એ આસક્તિને કારણે તે જંગલમાં કયા કામ માટે આવ્યો હતો, એ ભૂલી ગયો? આ લંગોટીને ઉંદરથી બચાવવા માટે એણે વિચાર્યું કે એક બિલાડી પાળવી જોઈએ. એટલે તે એક બિલાડી લઈ આવ્યો. પરંતુ હવે બિલાડીને ખવડાવે શું? એને દૂધ આપવું પડે. એટલે એણે વિચાર્યું કે હવે મારે એક ગાય લેવી જોઈએ અને એણે ગાય પણ ખરીદી લીધી. આ ગાયની રક્ષા કોણ કરે? એ પ્રશ્ન ઊભો થયો. એણે વિચાર્યું: ‘મારે લગ્ન કરી લેવાં જોઈએ.’ એટલે એણે લગ્ન કરી લીધાં અને બાળકો પણ જન્મ્યાં. આ રીતે વિષયચિંતન કોઈ પણ સાધકના પતનનું કારણ બની શકે છે.
જે લોકો સત્યના સાચા જિજ્ઞાસુ હોય છે અને પોતાની દૈવી પ્રકૃતિની અનુભૂતિ કરવા ઇચ્છે છે એમણે જે મનનું પતન નોતરે એવી કોઈ પણ ઇચ્છાને પ્રોત્સાહન આપવું ન જોઈએ. શ્રીકૃષ્ણે ભગવદ્ગીતા (૨.૬૨-૬૩)માં મનુષ્યના ઈશ્વરત્વમાંથી પતનનાં કારણોનું વિશ્લેષણ આ રીતે કર્યું છે:
ધ્યાયતો વિષયાન્ પુંસ: સઙ્ગસ્તેષૂપજાયતે ।
સઙગાત્સંજાયતે કામ: કામાત્ક્રોધોઽભિજાયતે ॥
ક્રોધાદ્ ભવતિ સમ્મોહ: સમ્મોહાત્સ્મૃતિ વિભ્રમ: ।
સ્મૃતિભ્રંશાદ્ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ ॥
વિષયોનું ચિંતન કરનારા પુરુષની એ વિષયોમાં આસક્તિ ઉત્પન્ન થાય છે, આસક્તિથી કામના જન્મે છે. કામના (વિઘ્ન આવવાથી) માંથી ક્રોધ ઉદ્ભવે છે, ક્રોધમાંથી સંમોહ – મૂઢભાવ ઉત્પન્ન થાય છે. સંમોહમાંથી સ્મૃતિવિભ્રમ ઉદ્ભવે છે. સ્મૃતિભ્રષ્ટ થવાથી (વિવેક) બુદ્ધિ નાશ પામે છે. બુદ્ધિ નાશ પામતાં મનુષ્ય નાશ પામે છે, અર્થાત્ પુરુષાર્થ અયોગ્ય બની જાય છે.
જો મનુષ્ય વિષયોનું ચિંતન કરતો રહે તો શું થાય? તે એ વિષયોમાં આસક્ત બને છે. આસક્તિમાંથી ઇચ્છા ઉદ્ભવે છે અને જો ઇચ્છાની પૂર્તિ ન થાય તો ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધમાંથી મોહ તથા મોહમાંથી સ્મૃતિભ્રષ્ટ થઈ જાય છે. એને લીધે વિવેક નાશ પામે છે અને અંતે મનુષ્યનો નાશ થાય છે. વિવેક ચૂડામણિના એક શ્લોકમાં કહ્યું છે કે વિવેકની તલવારથી જ આપણે આ ભવસાગરને પાર કરવા સમર્થ બની શકીએ. એટલે જો આપણે વિવેક ગુમાવી દઈશું તો મુક્તિની કોઈ આશા નથી.
શંકરાચાર્યે વિવેક ચૂડામણિ (૩૨૬-૨૮-૨૯)માં અત્યંત સ્પષ્ટ રીતે ચિત્તની અધોમુખી વૃત્તિનું વર્ણન કર્યું છે:
વિષયેષ્વાવિશચ્ચેત: સંકપયતિ તદ્ગુણાન્ ।
સમ્યક્ સંકલ્પનાત્ કામ: કામાત્ પુંસ: પ્રવર્તનમ્ ॥
તત: સ્વરૂપ વિભ્રંશો વિભ્રષ્ટસ્તુ પયત્યધ: ।
પતિતસ્ય વિના નાશં પુનર્નારોહ ઇક્ષ્યતે ।
સંકલ્પ વર્જયેત્તસ્માત્ સર્વાનર્થસ્ય કારણમ્ ॥
વિષયોમાં લાગેલું ચિત્ત એમના ગુણોનું ચિંતન કરે છે. વળી, નિરંતર ચિંતન કરવાથી એ વિષયોની કામના જાગ્રત થાય છે. કામનાથી પુરુષની વિષયોમાં પ્રવૃત્તિ થઈ જાય છે.
વિષયોની પ્રવૃત્તિથી મનુષ્ય આત્મ સ્વરૂપમાંથી પતિત થાય છે અને જે એક વાર સ્વરૂપથી પતિત થયો તેનું નિરંતર અધ:પતન થતું રહે છે. સાથે ને સાથે પતિત પુરુષના નાશ સિવાય પુનરુત્થાન તો ક્યારેય જોવા મળતું નથી.
એટલે જેમ કોઈ રોગગ્રસ્ત વ્યક્તિ અપથ્ય ભોજનનો ત્યાગ કરી દે છે તેમ સંપૂર્ણ અનર્થોના કારણરૂપ સંકલ્પનો ત્યાગ કરવો જોઈએ.
અહીં એક વાત મહત્ત્વપૂર્ણ છે. ઈંદ્રિય વિષય આપણા મન પર પોતાનો પ્રભાવ તો પાડવાના જ. આપણે આ સંસારમાં હરવું ફરવું પડે છે. આપણે પોતાની આંખ બંધ રાખી શકતા નથી તેમજ બધી ઈંદ્રિયોને પણ આપણે બંધ રાખી શકતા નથી. સ્વભાવત: આપણે આ સંસારમાં રહેવું પડશે તથા વિભિન્ન પ્રકારના પ્રભાવ આપણા મન પર પડવાના. પરંતુ જ્યારે આપણામાં આ ઈંદ્રિય વિષયોને પામવાની ઇચ્છા પ્રબળ બની જાય છે ત્યારે સમસ્યા ઊભી થાય છે. શ્રીરામકૃષ્ણના શિષ્ય સ્વામી તુરીયાનંદજીએ કેટલાય મહત્ત્વના પત્રો લખ્યા છે. એક પત્રમાં એમણે પોતાના ભક્તને સલાહ સૂચન આપતાં લખ્યું: ‘પોતાના મનના બારણા પર પ્રવેશ નિષેધ એવું લખવું. વિભિન્ન પ્રકારના વિષય પ્રભાવ આવશે, એમને આવવા દો. હું એ બધાને માલિકની જેમ મળીશ. દાસની જેમ નહિ.’ જ્યારે આપણે ભિન્ન ભિન્ન પ્રકારના ઈંદ્રિય વિષયોનાં આકર્ષણ તેમજ સંમોહનના શિકાર બની જઈએ છીએ ત્યારે સમસ્યાનો પ્રારંભ થાય છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે જો કોઈ વિષય આપણા મનમાં આવે તો એ કંઈ ખરાબ વાત નથી; પરંતુ જો મન એને ચાહવા લાગે તથા એની પાછળ ભાગતું ફરે તો સમસ્યા આરંભાય છે. એટલે જો આપણા મનમાં વિષય સંસ્કાર ઉદિત થાય તો આપણે એમને આપણી જાત પર સવાર થવા દેવા ન જોઈએ. મનુષ્ય પોતે પોતાનો સ્વામી છે. આમ હોવા છતાં પણ જો મનુષ્યમાં ઇચ્છાશક્તિ ન હોય અથવા ઇચ્છાશક્તિનો અભાવ હોય તો મનુષ્ય બાહ્ય જગતનાં સંમોહનોનો શિકાર બની શકે છે. જો કોઈ સ્વયંને બાહ્ય જગતના શિકાર બનાવી દે તો શું થાય? તે બાહ્ય જગતનો દાસ બની જાય છે. તે પોતાના મૂળ સ્વરૂપને ભૂલી જાય છે અને પોતાના આદર્શથી વિમુખ બને છે. જો આવું થાય તો ભાગ્યે જ એને પોતાના પુનરુત્થાનનો અવસર મળે. એટલે આપણે ઘણું સાવધાન રહેવું જોઈએ. આપણે એ દૃઢ નિશ્ચય હોવો જોઈએ કે આપણે પોતાના આ જીવનમાં જ પરમલક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે અને દિવ્ય આનંદમાં લીન બનવાનું છે. આપણે આપણા પોતાના સાચા સ્વરૂપને શોધવાનું છે. આ બાહ્ય જગતે આપણને કેટલાય પૂર્વ જન્મોમાં છેતર્યા છે. આપણે પૂર્ણ નિશ્ચય કરી લેવો જોઈએ કે હવે આ બાહ્ય જગતને આપણે છેતરવાનો બીજો કોઈ વધુ અવસર આપવો નથી. આપણે સત્-અસત્ વિચાર કરવાનો અભ્યાસ કરવો જોઈએ. જો આપણે એવું નહિ કરીએ તો આપણું પતન થતું જશે. વિવેક ચૂડામણિ (૩૦૭)માં કહેવામાં આવ્યું છે :
અત: પ્રમાદાન્ન પરોઽસ્તિ મૃત્યુ: વિવેકિનો બ્રહ્મવિદ: સમાધૌ ।
સમાહિત: સિદ્ધિમુપૈતિ સમ્યક્ સમાહિતાત્મા ભવ સાવધાન: ॥
એટલે વિવેકી અને બ્રહ્મવેત્તા પુરુષ માટે સમાધિમાં પ્રમાદ કરવો એનાથી વધારે કોઈ બીજું મોટું મૃત્યુ નથી. સમાહિત પુરુષ જ પૂર્ણ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. એટલે સાવધાનીપૂર્વક ચિત્તને સમાહિત – સ્થિર કરો.
એનો ઉપચાર શું છે? પતનથી બચવા આપણે ઈંદ્રિય સુખ તરફ ભાગનારી અને આ અનિષ્ટના મૂળના કારણ રૂપ મનની એ બધી પ્રવૃત્તિઓને નકારવી પડશે. ધારો કે કોઈ માણસ રોગગ્રસ્ત છે અને કોઈ દાક્તરને બોલાવવામાં આવ્યા છે. દાક્તર આવીને રોગીને કહે છે કે તમારે અમુક અમુક ચીજવસ્તુ ન ખાવી જોઈએ. જો તમે મારી સલાહ માનશો તો જલદી સાજા થઈ જશો. એવી રીતે જો આપણે સાંસારિકતા નામના રોગથી બચવા માગતા હોઈએ તો આપણે વર્જિત ભોજન જેવા ઈંદ્રિય વિષયોનો ત્યાગ કરવો પડશે. જો આપણે સાંસારિકતા પર વિજય મેળવવા માગતા હોઈએ તો આપે બધા ઈંદ્રિય વિચારોથી ઉપર ઊઠીને એ બધા વિચારોને નિરસ્ત કરવા પડશે. ઈંદ્રિયગત વિચારોની પાછળ કોણ દોડે છે? ઈંદ્રિય સુખોની પાછળ દોડવાથી એમનું પતન નિશ્ચિત છે એવું જાણવા છતાં તેઓ એવું કેમ કરે છે? આપણે આત્મનિયંત્રણ કરી શકતા નથી અને મનને સંસારની જૂઠી વસ્તુઓના ચિંતન કરવાની અનુમતિ આપીએ છીએ. આવું કેમ બને છે? શંકરાચાર્યે વિવેકચૂડામણિ (૩૧૧)માં તેનો ઉત્તર આપ્યો છે :
દેહાત્મના સંસ્થિત એવ કામી વિલક્ષણ: કામયિતા કથં સ્યાત્ ।
અર્તોઽર્થસંધાનપરત્વમેવ ભેદપ્રસક્ત્યા ભવબન્ધહેતુ: ॥
જે પુરુષ દેહાત્મ બુદ્ધિમાં સ્થિર છે તે જ કામનાવાળો હોય છે. જેને દેહ સાથે સંબંધ નથી તે વિલક્ષણ આત્મા કેવી રીતે સકામ બની શકે? એટલે ભેદ-આસક્તિનું કારણ હોવાથી વિષયચિંતનમાં મંડ્યા રહેવું એ જ સંસારબંધનનું મુખ્ય કારણ છે.
અહીં એક ફોર્મ્યુલા છે. હું અહીં ફરીથી ઉપર્યુક્ત પ્રશ્નનો સંદર્ભ આપવા માગું છું: ‘આપણે ઈંદ્રિય સુખોની પાછળ દોડીએ છીએ એવું કેમ બને છે? આ પ્રશ્નનો ઉત્તર આ છે : ‘આપણા પોતાના શરીર સાથે તાદાત્મ્યને કારણે.’ જે વ્યક્તિ પોતાના શરીર સાથે ઐક્ય સ્થાપિત કરી લે છે તે ઈંદ્રિય સુખો માટેની લાલસા સ્વાભાવિક છે. પરંતુ જેઓ આ પ્રકારના શારીરિક સંબંધથી રહિત છે તે ઈંદ્રિય સુખોની પાછળ નહિ દોડે એટલે ઈંદ્રિય વિષયોમાં અભિરુચિ રાખવી એ જ બંધનનું કારણ છે અને આ ભેદ પ્રસક્તિ દ્વૈધ અવસ્થાના ભેદની ભાવનાના કારણ છે. અનેકતાના બોધનો અર્થ વિષયોના વિશ્વનું નિરંતર ચિંતન છે. સત્ય શું છે? કેવળ આત્મા જ સ્થાયી છે. એ જ સત્ય છે. કેવળ બ્રહ્મ જ સત્ય છે અને આપણે બધા બ્રહ્મ છીએ. અને પોતાની જાતને નીચલા સ્તરે અધ: પતિત કરીએ છીએ તેમજ પોતાના શરીર અને મનની સાથે એકીકરણ સ્થાપીએ છીએ. પછી તો વાસનાઓ ઉત્પન્ન થાય એ સ્વાભાવિક વાત છે. એ ઉપરાંત આપણા બાહ્ય જગત સાથેના ઐક્ય એ જ બાહ્ય જગતને સત્ય માનવાને લીધે આપણને અનેકતા દેખાય એ સંભવ છે. પરંતુ સત્ય તો અસ્તિત્વની એકતા છે. સંપૂર્ણ બ્રહ્માંડમાં બ્રહ્મ જ વ્યાપ્ત છે. જો આપણે આ અસ્તિત્વની એકતામાં સ્થાપિત રહીએ તો માનવ જીવનના લક્ષ્યની પ્રાપ્તિ થઈ જાય. અથવા એમ કહીએ કે આપણે પરમાનંદના સાગરમાં તરીશું. બધા મહાપુરુષો આનું પ્રમાણ છે તથા આપણે એ વિશે કોઈ અવિશ્વાસ કે સંદેહ રાખવો ન જોઈએ.
અહીં એક સૂક્ષ્મ દાર્શનિક સત્ય છે. કામનો અર્થ વાસના છે. કોણ કામી છે? જેમાં વાસનાઓ છે તે કામી. એક અમુક વ્યક્તિ ‘હું શરીર છું’ એ વિચારમાં સદૈવ લીન રહે છે. જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિમાં ‘હું શરીર છું’ એવી ભાવના રહેશે ત્યાં સુધી ઈંદ્રિય સુખો માટે શારીરિક લાલસા રહેવાની જ. અને એ વ્યક્તિ સ્પષ્ટ રૂપે નિર્લજ્જ કામુક વ્યક્તિ બની જાય છે. આ પ્રકારની વ્યક્તિ શરીરને કેવળ શરીર જ માને છે. એની વિરુદ્ધ સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘આ મિથ્યા એકીકરણને ત્યજી દો, આત્મા જે અત્યારે તમને શરીર જણાય છે તેને આત્મા જ સમજો.’ કોઈ પણ માનવ જે ક્ષણે આવો અનુભવ કરી લે છે તે મુક્ત બની જાય છે. એનાથી આપણને ઘણી મોટી આશા બંધાય છે. પરમ સત્યની પ્રાપ્તિ માટે આપણે સેંકડો વર્ષ સુધી અથવા અન્ય જન્મ સુધી પણ રાહ જોવી નહિ પડે. કેટલાક દાર્શનિક પોસ્ટમાર્ટમ અનુભૂતિની વાત કરે છે. એમાં અમને રસ નથી. પ્રશ્ન એ છે કે એ દિવ્ય અનુભૂતિ આ જીવન તથા આ દેહમાં જ સંભવ છે કે નહિ? શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ તથા અન્ય મહાપુરુષોએ આપણને આશ્વાસન આપ્યું છે: ‘હા, એ સંભવ છે. જો આપણે સાધનો તરફ ધ્યાન દઈએ તો. જો આપણે સાધનો પ્રત્યે ધ્યાન દઈશું તો સાધ્ય સ્વયં પોતાનું ધ્યાન રાખશે.’
Your Content Goes Here




