(બેલુડ મઠનો આરંભ થયા પછીના ત્યાંના સાધુજીવનનાં શરૂઆતનાં વર્ષો બહુ આકરાં હતાં અને માનવીની સહિષ્ણુતાની તેમાં કપરી કસોટી થતી. રામકૃષ્ણ મઠ અને મિશનના આદરણીય અધ્યક્ષ મહારાજ એ યાતનાઓમાંથી થોડીકની યાદ પોતાની લાક્ષણિક હાસ્યરસિક શૈલીમાં તાજી કરે છે. પરંતુ આપણને બરાબર ઠસાવે છે કે આરંભના એ દિવસો આધ્યાત્મિક આનંદથી ભરપૂર હતા.)
બેલુડ મઠનાં જૂના કાળનાં સંસ્મરણોનો આપને સૌને લાભ આપું એમ મને કહેવામાં આવ્યું છે. એ દિવસોમાં (વીસીના દાયકાના આરંભના ગાળામાં) બેલુડ મઠનો દેખાવ આજે છે તેના કરતાં ઘણો જુદો હતો. એ દિવસોમાં નદી કાંઠે ઘાટ ન હતો. એ કાળે શ્રીરામકૃષ્ણનું મોટું મંદિર કે પૂજ્ય શ્રી મા કે સ્વામીજીનાં નાનાં મંદિરોય ન હતાં. રહેણાક જગ્યા મર્યાદિત હતી. એ જગ્યા આરોગ્યપ્રદ જરાય ન હતી. મૅલૅરિયાના વાયરા સહજ હતા અને દર વ૨સે વ૨સાદ વીત્યે મૅલૅરિયાના દર્દીઓની સંખ્યા મોટી રહેતી. વરસોવરસ આમ બનતું અને નજીકમાં કોઈ સારો દાક્તર ન હતો કે, મઠમાં દાખલ થતાં વેંત આજે તમે જે મોટું દવાખાનું જુઓ છો તે પણ ન હતું. એક કહેવાતું દવાખાનું હતું ને એમાં કેટલાંક જાણીતા મિક્ષ્ચરો રખાતાં; એ કવાથો દેનારાઓ તબીબી વિજ્ઞાન ક્યાં ભણ્યા હતા તે હું જાણતો નથી! તો, એ દિવસોમાં મઠના સ્વાસ્થ્યનું પાસું આવું હતું. હવે ભોજનની વાત કરું. શિરામણમાં અમને લગભગ કંઈ જ ન મળતું. હું ‘લગભગ’ એ માટે કહું છું કે અમને કશુંક પ્રવાહી મળતું જેને ચા કહેતા. પરંતુ એ ચા જુવાનિયાઓની મર્યાદા બહારનો હતો. મમરા પણ હતા. ઘાસતેલનો ડબ્બો ભરીને મમરા મઠને મળતા ને ત્યાં જ બધું પૂરું થઈ જતું. અમને દરેકને સિગરેટનો એક ડબ્બો (એ જમાનામાં સિગરેટો ડબ્બામાં વેચાતી અને એક ડબ્બો મમરાનું માપિયું હતો) મમરા મળતા. અમારા હિસાબનીશ હતા તે સ્વામી સામે બેઠા હોય અને પૂછેઃ “ભાઈ, તમને આખો ડબ્બો મમરા મળ્યા ને?” “આખો” એટલે છલછલતો નહીં! જેમને ભાગે સવારના કામની જવાબદારી હોય અને તેથી જેઓ સમયસર ન પહોંચી શકે તેમને ભાગે ખાલી ડબ્બો જોવાનું આવતું! નાસ્તાની સ્થિતિ આવી હતી. અમારું બપો૨નું ભોજન ખરાબ ન હતું. અમને પૂરતું ખાવાનું મળતું – ભાત અને શાકભાજી.
અમને તાવ હોય તો અમને સાબુદાણાની કાંજી આપવામાં આવતી. સમૂહ રસોડા માટે આજે વપરાય છે તેવા એક મોટા વાસણમાં સાબુદાણાની એ વાનગી તૈયા૨ ક૨વામાં આવતી. દૂધના બેએક ગ્લાસ તેમાં નાખ્યા હોય.
નમતે બપોરે, અમને ચાને નામે ઓળખાતું પ્રવાહી મળતું. બહુ થોડાને ભાગે એ આવતું અને બાકીનાઓને ભાગે પુષ્કળ ખુલ્લી હવા હતી! એ દિવસોમાં પીવાના પાણીનોયે ત્રાસ હતો. અમે મઠમાં પ્રવેશ પામ્યા તે પહેલાં (અર્થાત્, ૧૯૨૦ પહેલાં) પીવાનું પાણી ગંગાને સામે કાંઠેથી લાવવું પડતું. સાધુઓ હોડીઓમાં તે લાવતા. મઠમાં પીવાના પાણીની કોઈ સગવડ ન હતી. નાનાં નાનાં પુકુરો (તળાવો) હતાં પરંતુ, એ પાણી પીવા માટે વા૫રી શકાતું નહીં. વાળુમાં પાછું બપોરના ભાગનું જ પુનરાવર્તન થતું. કોઈ વાર થોડું દૂધ આવતું. એ કોને મળે એ પ્રશ્ન રહેતો. એક નાના ગ્લાસમાં દૂધ અપાતું. કારણ, ત્યાં રહેતા સાધુઓના દશમા ભાગના માટેય એટલુ દૂધ પૂરતું ન હતું એ સ્થિતિને હું સુખદ નહીં કહું. પરંતુ ખોરાક પૂરતી તે કાળે તે સ્થિતિ હતી.
અમારા સદ્ભાગ્યે, એ અતિસંયમનો પૂરો બદલો અમારા આદરણીય વડીલોના સત્સંગથી પ્રાપ્ત થતા આનંદથી અમને મળી રહેતો. આ સુવિધાઓની અછતની અમને સામાન્ય રીતે બહુ ખોટ ન સાલતી. આ અગવડોને અમે સ્વીકારી લીધી હતી કારણ કે અમે અમારાં ઘરબાર છોડીને આવ્યા હતા અને થોડી પીડા હોય એ સમજી શકાય તેમ હતું. આથી આ તકલીફોનો કોઈને વાંધો ન હતો.
કામની વાત કરીએ તો, આજે છે તેમ ઘણા ચાકરો ન હતા, એમની સંખ્યા એકદમ ઓછી હતી અને એ લોકો રસોડામાં રસોઈ કરતા અને વાસણ માંજતા. અમારી થાળીઓ એ લોકો ન ઉટકતા. બાકીનું કામ અમારે જાતે કરવું પડતું. અને મૅલૅરિયાના વારંવારના હુમલાઓ છતાં એ બધાં કામ માટે અમારી પાસે પૂરતાં શક્તિ અને સમય હતાં. દરેક કામ માટે નદીમાંથી પાણી સારવું પડતું, પાણીનાં (ફલશનાં) જાજરૂઓ નામનાં હતાં. અમે આટલા બધા હતા અને એમની સંખ્યા હતી પાંચની, અને ત્યાંયે અમારે પાણી સારી જવું પડતું, પાણીની એક મોટી ટાંકી હતી અને પાણી ભરેલી ડોલો સારીને અમારે એ ભરવી પડતી.
અમારે બગીચામાં કામ કરવું પડતું ને તે માટેનું પાણી પણ નદીમાંથી સારવું પડતું. મંદિરના કોઠાર આગળ એક મોટી કોઠી રહેતી ને બધાં સફાઈ કાર્ય માટે તે ભરેલી રાખવી પડતી. ભક્તો પ્રસાદ લેવા આવતા ત્યારે, પોતાના હાથ ધોવા માટે તેઓ આ પાણીનો ઉપયોગ કરતા. આસપાસમાં ક્યાંય નળ ન હતો.
આજે તમે બધે જ વીજળીના દીવા અને પંખાઓ જુઓ છો. પરંતુ, એ દિવસોમાં ત્યાં વીજળી ન હતી. એવી સગવડોનો અમે સ્વપ્નમાં પણ વિચાર ન કરી શકતા. હકીકતે, અમને વીજળીના દીવાની અને પંખાની ઍલર્જી હતી. અમને એ વસ્તુઓ ગમતી જ નહીં એટલે એમની ઊણપ માટે કોઈ ફરિયાદ ન કરતું. અહીં અમે સ્વેચ્છાથી આવ્યા હતા; આવી પરિસ્થિતિ હોવાની તે અમે જાણતા હતા. એટલે કોઈ ફરિયાદ કરતું નહીં.
પલંગો કંઈ ઘણા ન હતા; ને ગાંદલાંયે ઘણાં ન હતાં. સ્વામીજી (સ્વામી વિવેકાનંદ)ના મંદિરની આગળના ભાગમાં પ્રેમાનંદ સ્મારકનો પહેલો મજલો ત્યારે બંધાયો હતો. એ અમને થોડો સહાયરૂપ થતો. ભોંયતળિયે દવાખાનું હતું. એક ઓરડામાં દવાનો સામાન રહેતો; બીજામાં દાક્તર અને કમ્પાઉંડર બેસતા અને ત્રીજો સામાન્ય વપરાશનો હતો. એ ઓરડામાં માત્ર બે જ આસન હતાં. તમને નવાઈ લાગશે પરંતુ, મઠમાં એક નાનકડા ખંડમાં ત્રણ ચાર સાધુઓ સાથે રહેતા. એમાંના એક હતા સ્વામી શુદ્ધાનંદ૧, વયમાં સૌથી વડા. સીડી પાસેની ખોલીમાં પાંચ સાધુઓ રહેતા.
જ્ઞાન મહારાજના ઓરડાની સામેના બીજા ખંડમાં ચાર સાધુઓનો સમાવેશ થતો. એમાંના એક ઓરડામાં (સ્વામીજીના બ્રહ્મચારી શિષ્ય) જ્ઞાન મહારાજની હાજરી સતત રહેતી એટલે, એ જ્ઞાનમહારાજનો ઓરડો કહેવાતો. એમ અમે રહેતા. આ રીતે ગોઠવાયા પછી જો કોઈ વાર વધારે સ્વામીઓ આવી ચડે તો, તેઓ મુલાકાતીઓના ખંડમાં રહેતા. ત્યાં એક ચટાઈ પાથરી દેવામાં આવતી અને એની ૫૨ સાધુઓ આરામથી પડ્યા રહેતા. સૌ માટે એક મોટી મચ્છરદાની રહેતી. એમાંથી લોકો આવ જા કરતા તે સાથે મચ્છરોને પણ આવવાની છૂટ રહેતી.
પ્રત્યેક મામૂલી ખરીદી માટે બાલી કે કલકત્તા સુધી લોકોને ઓછામાં ઓછું એક માઈલ ચાલવું પડતું. થોડો સમય હું મંદિરના ભંડારમાં કામ કરતો હતો. શ્રીરામકૃષ્ણને ધ૨વાનાં ફળ કલકત્તેથી લાવવાં પડતાં. આખી વાટ ટોપલી ઊંચકીને ચાલવું પડતું અને એ વજન કંઈ ઓછું ન હતું. કલકત્તાથી સ્ટીમર ઘાટ સુધી એ વજન ઊંચકવું પડતું. સારે નસીબે એ દિવસોમાં બેલુડ અને કલકત્તા વચ્ચે સ્ટીમરો ચાલતી. કલકત્તે નહીં તો બાલી કે સાલકિયા અમારે જવું પડતું અને નબળા માલથી ચલાવી લેવું પડતું.
મઠ વિસ્તારની ચોમેર પાણીનાં ખાબોચિયાંવાળી અને ભેજવાળી જમીન હતી. એમાં ઘાસ ઊગી નીકળતું. સાપના ડરથી ધોળે દહાડેયે કોઈ ત્યાં જવાની હિંમત ન કરતું. જમીન જરાય સમથળ ન હતી. અમારા કેટલાંક વર્ષોના વસવાટ પછી જ એ સમથળ ક૨વામાં આવી અને ત્યાં શાકભાજી વાવવામાં આવ્યાં. અમારી પાસે થોડી ગાયો હતી. એમાંની સૌથી મોટી હતી તેને વશમાં રાખવી અઘરી હતી. સામાન્યપણે એ એમને ઢીંકે ન ચડાવતી પણ, કોઈક વાર તેમ નહીં કરે તેની કંઈ ખાતરી ન હતી. વળી એ તદ્દન વસૂકી ગયેલી હતી. એકાદ બે સારી ગાયો જે દૂધ આપતી તે પ્રસાદમાં વપરાતું અને વધે તે વૃદ્ધ અને માંદા સંતોના ઉપયોગમાં લેવાતું.
અમારામાંથી કેટલાકને અભ્યાસની રુચિ હતી. દિવસ આખો ખૂબ કામ રહેતું. રાત્રે જ અમારાથી અભ્યાસ કરી શકાય તેમ હતું. પણ એ માટે દીવાબત્તી ક્યાં હતાં? ત્રણ ચાર ફાનસો હતાં ખરાં પણ, અંગત વપરાશ માટે એ ફાજલ પાડી શકાતાં નહીં. મઠના મકાનની ગંગા તરફની બાજુએ એક ફાનસ લટકાવવામાં આવતું. કોઈને જાજરૂ જવું હોય તો એ ફાનસની મદદ લેવાતી. સ્વામીજીના ખંડમાં જવાની સીડી ૫૨ બીજો એક દીવો રખાતો. પરંતુ, સીડી ૫૨થી કોઈ ગબડી ન પડે એ માટે એની ત્યાં જરૂર હતી. એક વરિષ્ઠ સાધુ, સ્વામી ઓમકારાનંદ૨ – જેઓ હાલ દિવંગત છે – તે ખૂબ અભ્યાસી હતા. એમને દીવાની ખૂબ જરૂર રહેતી પણ, એમને એ પ્રાપ્ય ન હતો. એટલે મંદિરમાં વપરાતી મીણબત્તીઓના ટુકડા તેઓ એકઠા કરતા. વાપરી ન શકાય તેવા એ ટુકડાઓનો તેઓ કસ કાઢતા. આમ છતાં, કોઈને આ વિશે કશી ફરિયાદ ન હતી. આ હાડમારીઓ હોવા છતાંયે અભ્યાસુ વૃત્તિવાળા કેટલાક સંતો હતા. જે સગવડો હતી તેનો સારામાં સારો ઉપયોગ કરવાનું અમને વડીલો શીખવતા. સંસ્કૃતના એક સારા પંડિત હતા. એમના ગયા પછી એમની બરનું બીજું કોઈ અમને મળ્યું નહીં. અમારે માટે એ એક જ વિશિષ્ટ સગવડ હતી. સ્વામી શુદ્ધાનંદ ખૂબ દયાળુ હતા અને બધી અડચણો છતાં અમને અભ્યાસ માટે પ્રોત્સાહન આપતા. એમની પાસે શીખવાનું સદ્ભાગ્ય અમને સાંપડ્યું હતું. આમ, સગવડો ઓછી હોવા છતાં, અભ્યાસ માટે ખૂબ પ્રોત્સાહન હતું.
હવે ચિત્રની ઉજળી બાજું હું રજૂ કરું છું. વહેલે પરોઢિયે, એટલે કે ચાર વાગ્યે, મંદિર ઉઘડે ત્યારે, મહાપુરુષજી મહારાજ૩ જાતે પોતાનું આસન લઈને પગથિયાં ચડે અને ત્યાં ધ્યાનમાં બેસે. અમે પણ એમની સાથે બેસતા. સાડા પાંચ થાય ત્યાં સુધી તેઓ ઊઠે નહીં. અમે પણ એ રીતે ધ્યાન કરતા. એ ધ્યાન કોઈ અમારી ઉપર લાદતું નહીં. અમને એ ગમતું ને તેયે મહાપુરુષ મહારાજના સાન્નિધ્યમાં. બીજે ક્યાંય ન લાધે તેવું, અસાધારણ આધ્યાત્મિક વાતાવરણ અમને પ્રાપ્ત થતું. અમને એ સ્વાભાવિક રીતે ગમતું. જેમને વહેલી સવારની કામગીરી સોંપાયેલી હોય તે વહેલા ચાલી જતા અને બીજાઓ ચાનો ઘંટ વાગે ત્યાં સુધી ધ્યાનમાં બેસતા. એ ઘંટ અમને અમારા કામની યાદ આપતો; અમારામાંથી મોટા ભાગના માટે તેનો બીજો અર્થ ન હતો. અમારે કામે લાગતાં પહેલાં અમે સૌ મહાપુરુષ મહારાજના ખંડમાં જઈ તેમને વંદના કરતા. એઓ ત્યાં બેઠા હોય અને અમે એક પછી જઈએ. અવારનવાર તેઓ કંઈક વાતચીત કરે; કોઈ માંદું હોય તો તેના ખબરઅંતર પૂછે, ચીંધાયેલું કામ થયું કે નહીં તે પૂછે, ઈત્યાદિ. ભંડાર સંભાળનાર સાધુને પૂછાય કે આજે શ્રીરામકૃષ્ણને નૈવેદ્યમાં શું ધરાશે? ભંડારી ઉત્તર વાળે તો, કોઈક વાર, મહાપુરુષ મહારાજ તેમાં કંઈ ફેરફાર સૂચવે. આ રીતે પૂજ્ય મહાપુરુષ મહારાજ દરેક વિભાગ સંભાળતા. સાધુ એમને પ્રણામ કરવા આવતા ત્યારે તેમની પાસેથી જે તે વિભાગની માહિતી મેળવતા. એક દાક્ત૨ હતા. એમને દર્દીઓની હાલત વિશે મહાપુરુષ મહારાજ પૂછતા. પડોશમાંના દર્દીઓની હાલત વિશે પણ તેઓ દાક્તરને પૂછતા. કારણ, પડોશમાં કોઈ માંદું પડ્યું તો, એ લોકો માટે સા૨વા૨ની બીજી સહાય ન હતી. સાધુઓ માટે બધી અછત હતી તે જમાનામાં, ચાલુ મિક્ષચરોના બાટલાનું મઠનું દવાખાનું એ સૌ માટે તબીબી સારવારનું આશ્રયસ્થાન હતું. દવાખાનાના દાક્તર કરુણાહૃદયી હતા. ગમે તેમ કરીને એ લોકસેવાને તેઓ પહોંચી વળતા.
અમારા પ્રણામ સ્વીકાર્યા પછી મહાપુરુષ મહારાજ થોડું ટહેલવા જતા. આજે છે તેટલું વિશાળ કમ્પાઉન્ડ તે કાળે ન હતું. નદી તરફની શેરી આગળ જૂનો ઝાંપો આવેલો હતો ત્યાં સુધી તેની હદ હતી. ઝાંપા પાસે એક ટાંકો હતો અને એની બાજુમાં, ગાયની ગમાણ હતી. મહાપુરુષ મહારાજ ગાયોને હાથ પસવારતા અને એમની દેખભાળ કરનાર સંન્યાસી કે બ્રહ્મચારી સાથે થોડી વાત કરતા. મહાપુરુષ મહારાજને ગાયો ખૂબ પ્રિય હતી અને એમનું રખવાળું કરનારા પણ એમને પ્રિય હતા. પછી તેઓ બગીચામાં જતા. એ બાગ પણ ત્યારે નાનો હતો. ત્યાર બાદ તેઓ મઠના કાર્યાલય આગળના પ્રાંગણમાં આવતા અને ત્યાં બેસી શાક સમારતા લોકો ૫૨ નજર કરતા. પછી તેઓ પોતાના ખંડમાં પાછા જતા ત્યારે, એમની નિકટથી સેવા કરવાની તક મને સાંપડતી. એ તક નિયમિતપણે મળતી નહીં. પરંતુ મળતી ત્યારે દાક્તરી સલાહ મુજબ હું એમને માલિશ કરતો. આવા પ્રસંગોએ એમની સાથે અંગત વાત કરવાની તક મને સાંપડતી.
એક દિવસની વાત તમને કરું. એ દિવસોમાં મહાપુરુષ મહારાજને અમે સતત ધ્યાનમાં જ જોતા. દિવસના આરંભથી ચાલુ થયેલી એમની ધ્યાનદશા લગભગ આખો દિવસ ચાલુ રહેતી. ચાલતા હોય ત્યારે ધ્યાનમાં હોય અને, બેઠા હોય ત્યારે પણ ધ્યાનાવસ્થિત જ હોય. એ એક દહાડે, પ્રાંગણમાં ટહેલતાં ટહેલતાં તેઓ સ્થિર ઊભા રહી ગયા. આંખો વિસ્ફારિત હતી. અમારામાંના એક સ્વામી આવ્યા અને મહાપુરુષ મહારાજને ચરણે નમ્યા. બરાબર એ જ ઘડીએ મહાપુરુષ મહારાજે આગળ ચાલવા માંડ્યું. પગ આગળ અડચણ હતી, તેઓ ગડથોલિયું ખાઈ ગયા અને તેમનું કાંડું મોચવાઈ ગયું. પેલા સ્વામીને ઠપકો આપીને તેઓ પોતાના ઓરડામાં પાછા આવ્યા. ત્યાં હું એમને હાથે માલિશ કરવા લાગ્યો. તેઓ કહેઃ “એ સાધુને હું વઢ્યો. પણ એનો વાંક ન હતો. એને કેમ ખબર પડે કે તે વેળા હું કશું જ જોતો ન હતો? આંખો તદ્દન ઉઘાડી અને છતાંય કશું જ જોતા ન હતા! એ અવસ્થા હતી તેમની અને કલાકો સુધી ઘ્યાનમાં બેઠા પછીયે આપણને એવી અનુભૂતિ થતી નથી. આવી ઘટનાઓ અવારનવા૨ બનતી અને અમારા કામની ઘંટી અમને માનસિક અને આધ્યાત્મિક રીતે સજાગ રાખતી.
મઠમાં મહાપુરુષ મહારાજનો જબ્બર આધ્યાત્મિક પ્રભાવ હતો, મઠમાં કેન્દ્રસ્થાને તેઓ હતા. તેઓ શાસ્ત્રોના અઘ્યયન માટે અમને હંમેશાં ઉત્તેજન આપતા. સ્વામી શુદ્ધાનંદ પાસે અમે ‘બૃહદારણ્યક ઉપનિષદ્’નું અધ્યયન આરંભ્યું ત્યારે, મહાપુરુષ મહારાજ પોતે અમારી સાથે આવીને બેસતા. તેઓ પોતાની સાથે ઉપનિષદોનો એક સેટ લાવતા. અમારામાંના એક હોય તેમજ તેઓ આવીને બેસતા. પરિણામે અમને મૂંઝવણ થતી. એમને આનો ખ્યાલ આવ્યો એટલે, થોડા દિવસ પછી તેમણે વર્ગમાં આવવું બંધ કર્યું; પરંતુ વર્ગમાં અમે શું ભણ્યા તેનો અહેવાલ આપવા અમારે રોજ તેમની પાસે જવું પડતું. આમ દૈનિક પાઠનું રોજ તેમની પાસે પુનરાવર્તન કરવું પડતું. સામાન્ય રીતે એ કાર્ય સ્વામી ઓમકારાનંદ કરતા અને, તેઓ ન હોય ત્યારે હું તેમ કરતો. એટલે, એમના ઓરડામાં જતાં પહેલાં મારે બધું મનમાં તાજું કરી ત્યાં રજૂ કરવું પડતું. આમ, અમારી વચ્ચે એવો પ્રેમાળ સંબંધ હતો કે એમની સમક્ષ જતાં અમને હામ રહેતી. મેં કહ્યા પ્રમાણે, અમને તાલીમ આપતા ગુરુ જેમ તેઓ કદી વર્તતા નહીં, અમને ખબર ન પડે એ રીતે અમને તાલીમ અપાતી. અમને પોતે કેળવતા હોય એમ જેમને કદીય લાગતું નહીં તેવા પુરુષ પાસેથી અમને તે મળતી. એને માટે કોઈ મુક૨૨ તાસ ન હતો. મેળવના૨ના ભાગ્ય ૫૨ એ અવલંબતું. દાખલા તરીકે, ત્યાં લાંબા ગાળાઓ સુધી રહેવાનું સૌભાગ્ય મને સાંપડ્યું હતું. બધાં કેન્દ્રોમાં કાર્યકર્તાઓની અછત પ્રવર્તતી. કોઈ વાર અમને રાહત કાર્યોના કેન્દ્રોમાં મોકલવામાં આવતા અને તે અગાઉથી કશી જાણ કર્યા વિના. ૧૯૨૬માં શું બન્યું એ તમને કહ્યા વિના નથી રહી શકતો. મિદનાપુરમાં રાહતનું કાર્ય શરૂ ક૨વાનું હતું. તૈયાર થવા માટે અમને અર્ધો કલાક આપવામાં આવ્યો. પહેલાંમાં પહેલી ગાડી અમે પકડી શકીએ એ માટે અમારે અર્ધા કલાકમાં નીકળવાનું હતું; નહીં તો અમે ગાડી ચૂકી જઈએ. એ અર્ધા કલાકમાં અમારે નહાવાનું હતું, ખાવાનું હતું અને સામાન બાંધી સ્ટેશને ય પહોંચવાનું હતું. અમને સ્ટેશને લઈ જવા માટે વાહનો ન હતાં. એ શોખનો વિચારેય શક્ય ન હતો. અમે જેમ તેમ કરી સ્ટેશને સમયસર પહોંચી ગયા. અને મહિનાઓ સુધી અમે રાહત કાર્યોમાં રોકાયેલા રહ્યા. કોઈ પણ સમયે, કોઈ તાકીદની જરૂર ઊભી થાય ત્યારે, અમારામાંથી થોડાક, ખાસ કરીને મારે અને આજે નથી તે એક બીજા ભાઈને, ખાડો પૂરવો પડતો. અમારે બે માટે આ વિશેષ સારું હતું કારણ કે, એમ માનવામાં આવતું કે અમારી પાસે ખાસ કંઈ કામ ન હતું – એ ધોરણોને આધારે ‘ખાસ કંઈ કામ’ ન હતું. અમારા કામનો બોજો અમને ઘણો લાગતો પણ બીજી રીતે એ અમને હરકતરૂપ ન હતું. અમારા સ્વાધ્યાય માટે અમને ક્યારે સમય મળતો? બપોરના ભોજન પછી થોડો આરામ અને, તે પછી, લગભગ મારી જ વયના કેટલાક બ્રહ્મચારીઓ સાથે મારે થોડું વાચન કરવાનું રહેતું. એમના બિસ્તરમાંથી મારે એમને ઉઠાડવા પડતા અને તેમને ભેગા કરી તેમની સાથે હું ગીતા કે એવો બીજો કોઈ ગ્રંથ વાંચતો. પછી અમે સ્વાધ્યાય કરતા. અઘ્યયન માટે બપોર પછી અમને અઢી કલાક મળતા. ત્રણ વાગ્યે મુલાકાતીઓના ખંડમાં સૌને માટે વાચનનો કાર્યક્રમ રહેતો અને કોઈક વા૨ અંતે ચર્ચા થતી. એ દિવસોમાં ધ્યાન ઉપર વિશેષ ભાર દેવાતો. સંધ્યા આરતી પછી ભોગ સુધી અમે ધ્યાનમાં બેસતા. પછી જો સમય અને પ્રકાશ હોય તો, અમે વાંચી શકતા. સુગ્રથિત કુટુંબના સભ્યોની જેમ, અમે સૌ એકબીજાની ખૂબ નિકટ હતા.૪
ભાષાંતર: શ્રી દુષ્યંત પંડ્યા
(‘પ્રબુદ્ધ ભારત’ (સપ્ટેમ્બર ’૯૨)માંથી સાભાર)
૧ તેઓ સ્વામી વિવેકાનંદના શિષ્ય હતા અને પછીથી, તેઓ મઠ અને મિશનના પાંચમા અધ્યક્ષ બન્યા હતા.
૨ પાછળથી તેઓ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ બન્યા હતા.
૩ શ્રીરામકૃષ્ણના નિજી શિષ્ય, સ્વામી શિવાનંદજી તે કાળે રામકૃષ્ણ મઠ અને મિશનના અધ્યક્ષ હતા તે.
૪ બેલુડ મઠમાં અજમાયશીઓના તાલીમ કેન્દ્રમાં, ૧૯૭૭ના મેમાં, તે સમયે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ, આદરણીય શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે આપેલા વાર્તાલાપને આધારે આ લેખ તૈયાર ક૨વામાં આવ્યો છે
Your Content Goes Here




