આધ્યાત્મિકતા અને વેપાર-ઉદ્યોગ
ધંધો કે વેપારવાણિજ્ય અને આધ્યાત્મિકતાને સાથે જોડવા વિશે ઘણા લોકો સંશય સેવતા હોય છે. કેટલાક લોકો વેપાર-ધંધામાં ભાવાત્મક અભિગમ ધરાવે છે અને આધ્યાત્મિકતા વિશે સંશય રાખે છે. તેઓ કહે છે: ‘જો તમે આધ્યાત્મિકતાને વરેલા હો તો ધંધા-વેપારમાં તમે એક બીજાને મહાત કરી દો એવી સ્પર્ધા ન કરી શકો, એ નૈતિક જીવન માટે ખરેખર હાનિકારક બની જાય છે.’ વળી કેટલાક લોકો આધ્યાત્મિકતા પ્રત્યે ભાવાત્મક દૃષ્ટિકોણ ધરાવતા હોય છે અને વેપાર-ધંધા પર એની અસર વિશે થોડા સંશયવાદી હોય છે. તેઓ કહે છે : ‘વેપાર, ધંધા કે ઉદ્યોગમાં દાખવેલી લોભવૃત્તિ કે અતિપરિગ્રહ વૃત્તિ ખરેખર માણસને પથભ્રષ્ટ કરે છે. એને નૈતિકતાથી કે આધ્યાત્મિકતાથી દૂર ખેંચી જાય છે. એટલે કે ઉદ્યોગ ધંધામાં રાખેલી અતિપરિગ્રહ વૃત્તિ અંતે તો નુકશાન કરે છે. એ નુકશાન પોતાનું અને બીજાનું પણ હોય છે. એટલે આધ્યાત્મિકતાના ભાવને વેપાર ધંધા સાથે જોડવો અશક્ય છે.’
પોતાના વેપારધંધામાં આધ્યાત્મિકતાને જાગ્રતપણે આધારભૂમિકા તરીકે લઈને કોઈ પણ ઉદ્યોગપતિ સફળ સંચાલન કરી શકે કે સફળતાનાં શિખરો સર કરી શકે?
વેપાર ધંધાની પ્રણાલી પ્રમાણે ચાલતા ઉદ્યોગ ધંધાના ધ્યેય સામાન્ય રીતે આર્થિક ઉપાર્જન પર કેન્દ્રિત હોય છે કે ઉત્પાદિત વસ્તુઓમાંથી એમને કેટલો મોટો નફો મળે છે એના તરફ એનું ધ્યાન કેન્દ્રિત હોય છે. એટલે કે આ બધા ઉદ્યોગધંધા નાણાકેન્દ્રિત અને નફા કેન્દ્રિત હોય છે. વિશ્વભરના આધ્યાત્મિક પ્રણાલીના શાસ્ત્રગ્રંથોમાં કે અનુભૂતિપૂર્ણ જીવન જીવી ગયેલા સંતો અને પયગંબરોના જીવનમાં દૃષ્ટિ કરીએ તો આપણને સ્પષ્ટપણે જણાશે કે સમાજ અને લોકો માટે કરેલી નિ:સ્વાર્થ ભાવની સેવા અને દરેકે દરેક વ્યક્તિની આધ્યાત્મિક ઉન્નતિ એ માનવજીવનનું મહત્તમ કાર્ય છે અને એ જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે પ્રશ્ન એ થાય : આધ્યાત્મિકતાને કે નીતિસદાચારનાં મૂલ્યોને ઉદ્યોગધંધાના ધ્યેય સાથે જોડીને એમને પ્રમુખસ્થાન આપી શકાય? વળી આપણા ઉદ્યોગધંધા એ આધારભૂમિકા પર ઉત્ક્રાંત થઈ શકે અને આબાદ કે સમૃદ્ધ થઈ શકે ખરા? સાથે ને સાથે નીતિસદાચાર અને આધ્યાત્મિક મૂલ્યો પર આધાર રાખીને ચાલનારા ઉદ્યોગપતિઓ કે વેપાર સંસ્થાઓના વડાઓના કોઈ ઉદાહરણ છે ખરાં?
આવાં તો ઘણાં ઉદાહરણો જોવા મળે છે. પોતાનાં ઉદ્દેશ્યો, ગુણવત્તા અને નૈતિક લાક્ષણિકતામાં મહત્ત્વના સૂચક અને નજરે જોઈ શકાય તેવા ભેદભાવ આધ્યાત્મિક કે નૈતિક ભૂમિકા સાથે ચાલનારા વેપાર-ધંધાવાળામાં જોવા મળે છે. એનો આધાર એમની જાતિ, સંપ્રદાય, ધર્મ કે પોતાનો મૂળ દેશપ્રદેશ પણ હોઈ શકે. વળી જે પ્રકારની સંસ્થા (કુટુંબની માલિકીની હોય કે જાહેર ક્ષેત્રની) હોય એના આધારે આવી સદાચાર કે નીતિમત્તાની વિભાવનાવાળા ઉદ્યોગપતિઓનું આચરણ અને એની કાર્યપ્રક્રિયા અલગ અલગ હોવાની. સાથે ને સાથે જ્યાં આવાં સંસ્થાનો કામ કરે છે એ સમાજની સાંસ્કૃતિક પ્રણાલીઓ પર પણ એનો આધાર હોય છે.
આવું બધું હોવા છતાં પણ તેઓ પાયાનાં નીતિ સદાચાર તથા આધ્યાત્મિક સિદ્ધાંતોમાં સહમત હોય છે અને તે આ પ્રમાણે છે :
* સૌ પહેલાં તો આપણે બધા ચૈતન્ય સ્વરૂપ છીએ. એટલે કે આપણી વચ્ચે કોઈ ભેદભાવ નથી. આપણું અસ્તિત્વ માત્ર દેહ પર આધારિત નથી પણ એનાથી પર એટલે કે આત્મા-પરમાત્મા લક્ષી છે.
* સમગ્ર માનવ પ્રજાનું હાર્દ દિવ્યતામાં રહેલું છે. પૂર્ણ માનવ બનવું એટલે આધ્યાત્મિક બનવું એવો અર્થ થાય છે.
* કોઈ પણ કાર્ય કે વેપારધંધો એ આધ્યાત્મિક ઉન્નતિનાં સાધનો છે.
* કોઈ પણ ક્ષેત્રનું નેતૃત્વ એ એવી સદાચાર નીતિ અને આધ્યાત્મિકતાની પ્રવૃત્તિ છે કે જે સમાજના યોગક્ષેમ માટે હાથ ધરી શકાય.
‘વીસા’ના સ્થાપક ડિ-હોક કહે છે: ‘આપણે સમયના એવા કાલબિંદુએ છીએ કે જ્યાં ચારસો વર્ષ જૂનો યુગ અસ્ત પામી રહ્યો છે અને બીજો યુગ ઉદ્ભવવા માટે મથી રહ્યો છે, એ છે સંસ્કૃતિઓનું પરિવર્તન, વિજ્ઞાન અને સંસ્થાનો વિશ્વે અનુભવી છે તેના કરતાં પણ વધારે મહાન બની છે.’
૧૯૯૯ના અંતે ‘ગેલપ’ નામની સંસ્થાએ અમેરિકામાં ધર્મ વિશે લોકોનો મતાભિપ્રાય માગ્યો અને એમને જાણવા મળ્યું કે ૯૫% અમેરિકનો ઈશ્વર એટલે કે વૈશ્વિક ચેતનામાં માને છે. એમાંથી ૭૮% લોકોને પોતાના જીવનમાં આધ્યાત્મિક વિકાસની કે અનુભૂતિની આવશ્યકતા જણાઈ છે. ૧૯૯૪ કરતાં આ આંકડો ૨૦% જેટલો ઊંચો છે. આ લોકોમાંથી ૫૧% લોકો એવું કહે છે કે આપણું આધુનિક જીવન એટલું બધું પ્રવૃત્તિમય અને ગતિશીલતાવાળું બની ગયું છે કે જેને લીધે આપણે ઈશ્વરને માટે પ્રાર્થના કરવાનો કે એના દ્વારા આનંદ મેળવવાનો સમય કાઢી શકતા નથી. વાસ્તવિકતા તો એ છે કે એમને એમ કરવું ગમે પણ ખરું. એટલે આ મોટો લોકાભિપ્રાય એવું દર્શાવે છે કે અમેરિકામાં લોકો વૈશ્વિક ચૈતન્ય કે ઈશ્વરમાં માને છે ખરા અને પોતે ક્યારેય પોતાના જીવનમાં ન અનુભવેલ એવા આ આધ્યાત્મિક કે ચેતનાના વિકાસની આવશ્યકતાને ઝંખે છે પણ ખરા. ખાટલે મોટી ખોટ છે- ચોથો પાયો નથી. ચોથો પાયો એની અતિપ્રવૃત્તિશીલતાએ ખૂંચવી લીધો છે. એ લોકો પોતાના સ્વકીય વિકાસમાં, ભૌતિક વિકાસમાં એટલા બધા રચ્યાપચ્યા રહે છે કે આ ચૈતન્યના વિકાસનું કાર્ય કરી શકતા નથી.
જેકબ્સન નામના બીજા એક વિદ્વાને નોટ્રેડેમ યુનિવર્સિટીના અધ્યક્ષ અને નાટોના રાજદૂતની સાથે બીજા વિલક્ષણ નેતાઓની એક ટુકડી દ્વારા કેટલાક લોકોનું નિરીક્ષણ, અન્વેષણ અને પૃથક્કરણ કર્યું હતું. આ લોકોને પરિવર્તનશીલ નેતૃત્વમાં વિશ્વાસ હતો. આવા લોકોને કામધંધો, રોજગાર કે કાર્યક્ષેત્ર તો મળી ગયાં પણ સાથે ને સાથે એમને એમણે એક શ્રદ્ધા-વિશ્વાસ, સર્જનશીલતા, કટિબદ્ધતા અને નૈતિક સદાચારવાળું વર્તન પણ ઊભું કર્યું. આ અભ્યાસનું તારણ એ નીકળ્યું કે આ પરિવર્તનશીલ નેતૃત્વવાળા લોકોમાંથી જેમની જેમની રૂબરૂ મુલાકાત લીધી અને એમની સાથે ચર્ચા વિચારણા કરી ત્યારે ૭૨% લોકોએ પોતપોતાની આધ્યાત્મિક પ્રણાલીઓ અને એના મહત્ત્વ વિશે સ્પષ્ટપણે અને ભારપૂર્વક કહ્યું હતું. જેમની સાથે આ રૂબરૂ મુલાકાત થઈ એમાંથી ૭૭% લોકોએ પોતાની એક ઉદ્યોગધંધા કે કાર્યક્ષેત્રના અધિનાયક રૂપેના કાર્ય અને આધ્યાત્મિકતા વચ્ચે ઘણો પ્રબળ સંબંધ છે એવી વાત કરી હતી. આમાંના ૫૯% લોકો એ વાત સાથે સંપૂર્ણપણે સહમત થયા હતા કે કોઈ પણ વેપારધંધા કે ઉદ્યોગ સંસ્થાનોના કાર્યસ્થળે સંસ્થાકીય તંદુરસ્તી જાળવવા અને ઉદ્યોગની ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ કરવા કે એને એમને એમ જાળવી રાખવા માટે આધ્યાત્મિકતા આવશ્યક છે.
આધ્યાત્મિકતા અને વેપારધંધા વિશે પ્રસિદ્ધ થયેલ અનેક પુસ્તકોમાં ચૈતન્યની જાગૃતિ કે આધ્યાત્મિકતાનું જાગરણ વેપારધંધામાં કેવી રીતે કરી શકાય એના વિચારો પ્રગટ થાય છે. આવાં પુસ્તકોના પ્રકાશકો એમ દર્શાવે છે કે ‘બુક્સ ઓન સ્પિરિચ્યુઆલીટી એટ વર્ક – કાર્યમાં આધ્યાત્મિક ભાવના વિશેનાં પુસ્તકો’ એ આજના ગ્રંથ નિર્માણ અને પ્રકાશનના કાર્યમાં સૌથી વધારે ઝડપથી વિકસતી બાબત છે. હમણાં હમણાં આવાં શીર્ષકવાળાં પુસ્તકોનું પ્રકાશન ઘણા વિપુલ પ્રમાણમાં થયું છે : ‘રી અવેકનિંગ એ સ્પિરિટ એટ વર્ક – કાર્યમાં ચેતનાની પુન: જાગૃતિ’, ‘ધ સોલ એટ વર્ક – કાર્યમાં આત્માને લગાડો’, ‘ધ સોલ ઓફ એ બિઝનેસ – ઉદ્યોગ ધંધાનો આત્મા’, ‘મેનેજિંગ વીથ વિઝડમ ઓફ લવ – પ્રેમના જ્ઞાનને કામે લગાડો’, ‘સ્પિરિટ એટ વર્ક – કાર્ય કરતી વખતે ચેતના’, ‘સ્ટરિંગ ધ સોલ એટ વર્ક – કાર્ય માટે આત્માને ઉત્તેજો’, ‘ધ કોર્પોરેટ મિસ્ટિક – સંસ્થાગત ગૂઢ કે અધ્યાત્મ વિદ્યા’, ‘લિડિંગ કોન્શિયસ્લી – ચેતના સાથે નેતૃત્વ કરો’, ‘રિ ડિસ્કવરિંગ ધ સોલ ઓફ બિઝનેસ – ઉદ્યોગ ધંધાના આત્માનું પુન: શોધન’, ‘ધ ન્યુ બોટમ લાઈન – નવી આધારભૂમિકાઓ’ અને ‘સ્પિરિચ્યુઆલિટી, એથિક્સ એન્ડ મેનેજમેન્ટ – આધ્યાત્મિકતા, નીતિસદાચારનાં મૂલ્યો અને વ્યવસ્થાપન’.
વિદ્યાકીય વિશ્વમાં એવા પ્રબળ સંકેતો જોવા મળે છે કે ‘વેપાર ઉદ્યોગ અને આધ્યાત્મિકતા વચ્ચે ઘણો નિકટનો સંબંધ છે’ એ વિશેની જાગૃતિમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. વ્યવસ્થાપન અને સંસ્થાકીય વર્તનભાવનું શિક્ષણ આપતી એકેડેમી ઓફ મેનેજમેન્ટના અધ્યાપકોએ ‘મેનેજમેન્ટ, સ્પિરિચ્યુઆલિટી એન્ડ રિલિજીયન – વ્યવસ્થાપન, આધ્યાત્મિકતા અને ધર્મ’ વિશેના એક સમૂહમાં ખાસ રસ દાખવ્યો છે અને એને બહાલી પણ આપી છે. ૨૦૦૧ સુધીમાં અમેરિકામાં આધ્યાત્મિકતા અને વ્યવસ્થાપન કે ઉદ્યોગ ધંધામાં આધ્યાત્મિકતા સાથે સંબંધ ધરાવતા અભ્યાસ ક્રમોવાળી ૫૦ યુનિવર્સિટી હતી. આપણા દેશ ભારતમાં કોલકાતા, લખનૌ અને બેંગલોરનાં આઈ.આઈ.એમ. કેન્દ્રોમાં આધ્યાત્મિકતાને પાયામાં રાખીને ચાલતા અભ્યાસ ક્રમો છે. સંપૂર્ણપણે આધ્યાત્મિક ભૂમિકાને વરેલી વ્યવસ્થાપન શાળા-વિદ્યાશાખાઓ પણ ઘણી છે. વળી, ભારતનાં આધ્યાત્મિક મૂલ્યો કે ભારતીય સંસ્કૃતિ પ્રણાલી પ્રમાણે ચાલતા ઉદ્યોગ, ધંધા કે વ્યવસ્થાપન તંત્રની આધારશિલા કેવી રીતે બની શકે એ વિશે પણ લોકોનાં રસરુચિ વધવાં માંડ્યાં છે. સાથે ને સાથે આ બધું વૈશ્વિક ઉદ્યોગ, ધંધા કે વ્યવસ્થાપન તંત્રના વ્યવહારમાં પણ એનું પ્રદાન કેવું હોઈ શકે એ વિશે રુચિવલણ બંધાવાં માંડ્યાં છે. અમેરિકાના ‘કોર્પોરેટ લિડરશિપ ડેવેલપમેન્ટ’ પર કાર્ય કરતા અને ખાનગી વિદ્યાકીય શાખા જેને આપણે યુનિવર્સિટી પણ ન કહી શકીએ, એ આજનું સર્જનાત્મક નેતૃત્વનું સુપ્રસિદ્ધ કેન્દ્ર બની ગઈ છે. અત્યારે તે દર વર્ષે ‘ફોર્ચ્યુન થાઉઝન્ડ કોર્પોરેશન્સ – ભાવિ વિકાસની ક્ષમતા ધરાવતી વિશ્વના ૧૦૦૦ શ્રેષ્ઠ ઉદ્યોગોમાંથી વ્યવસ્થાપકો, પ્રબંધકો કે મુખ્ય કાર્યસંવાહકો માટે નેતૃત્વમાં આધ્યાત્મિકતા વિશે શિબિર અને ચર્ચા સભાનું આયોજન કરે છે. આજનું વિશ્વ અને એમાંય વિશેષ કરીને ઉદ્યોગ ધંધાના જગત પર ચાર વૈશ્વિક વિષયવસ્તુનું આધિપત્ય છે અને એ છે –
(૧) વૈશ્વિક સ્પર્ધા : મોટા ભાગનાં ઔદ્યોગિક સંસ્થાનો કે કંપનીઓ સદીઓ જૂના ‘સૌથી સબળ ટકી રહે છે’ ના ખોટા ખ્યાલને વળગીને ચાલે છે. જો કે આજે એમાં નાનું એવું પરિવર્તન આવ્યું છે, તે છે ‘જો આપણે સંયુક્ત રીતે કામ કરીશું તો સૌથી વધારે ટકી શકે એવા અને સૌથી વધારે સુયોગ્ય જોડાણ તરીકે ટકી શકીશું.’
(૨) વૈશ્વિક સ્વાર્થવૃત્તિ : કોઈ પણ ઔદ્યોગિક સંસ્થાન કે કંપની ચલાવવી એટલે વધુ ને વધુ સંપત્તિ, સમૃદ્ધિ ઊભી કરવી અને વધુ ને વધુ નાણા રળવા.
(૩) વૈશ્વિક ખરીદશક્તિ : આ ભાવના સાથે ચાલીને આપણે આપણી અસીમ ઇચ્છાઓની પૂર્તિ માટે સીમિત સંસાધનો પાછળ દોડ મારીએ છીએ.
(૪) વૈશ્વિક માનસિક તાણ : ‘તમારી ભૌતિક સુખાકારીની પાછળની દોડમાં કંઈ છોડવું નહિ’ કે કાર્ય કરતી વખતે ‘કોઈ પણ કાર્ય કરવામાં કોઈ પણ બાબતનો પીછો કરવાનું છોડવું નહિ’, આવાં જીવનસૂત્રો સાથે માનસિક તાણને ઊભું કરવાનો જ પ્રયત્ન કરીએ છીએ.
એટલે કે અસંતુલિત બનવાની એક ભાવના કે વૃત્તિ આવી ગઈ છે. જીવન એટલું બધું ગતિશીલ બની ગયું છે, જો કે એમાં લોકોને સંતોષની આવશ્યકતા લાગતી નથી. જે તે ચીજવસ્તુઓ કે પરિસ્થિતિઓ જ્યાં છે તેના સંદર્ભમાં આપણે કેવી રીતે એને ઝડપથી પરિવર્તિત કરી નાખીએ એ નિરર્થક ખ્યાલ અને ભાવમાં આપણે જકડાઈ ગયા છીએ.
૧૯૯૯માં હેબિટેટ કેન્દ્રમાં પૌલ હોરેન નામના એક મનોવૈજ્ઞાનિક અને લેખકે આ શબ્દો ઉચ્ચાર્યા હતા: ‘આપણે ઊંચાં ઊંચાં મકાનો ધરાવીએ છીએ, પણ પિત્તો તો જલદી ગુમાવીએ છીએ અને જુસ્સો ઓછો રાખીએ છીએ. આપણા રસ્તાઓ તો છે વિશાળ અને વિશાળ; પણ આપણા દૃષ્ટિકોણ સંકુચિત અને સંકુચિત બનતા જાય છે. આપણે વિદ્યાકીય ઉપાધિઓ તો ઘણી ધરાવીએ છીએ પણ ઓછું સામાન્ય જ્ઞાનભાન રાખીએ છીએ. જ્ઞાન ગુમાનનાં ગાસડાં ઘણાં પણ નિર્ણયાત્મકતા ઓછી અને ઓછી. આપણે વધુ ને વધુ નિષ્ણાતો ધરાવીએ છીએ અને વધુ ને વધુ સમસ્યાઓ ઊભી કરીએ છીએ. દવાઓના પણ મસમોટા ઢગલા કરીએ છીએ પણ તંદુરસ્તી-સુખાકારીનું પ્રમાણ ઓછું ને ઓછું રહે છે. અરે! આપણે બહારના અવકાશને તો જીતી લીધા છે પણ ભીતરની દુનિયાને નહિ. આપણે વધુ ને વધુ મસમોટી વસ્તુઓ સર્જી છે પણ વધુ સારી વસ્તુ નહિ. અરે! આપણે આપણી હવાનેય ચોક્ખી કરી નાખી પણ આપણા આત્માને કરી દીધો પ્રદૂષિત. અરે! આપણે અણુ-પરમાણુને પણ અલગ કરી નાખ્યા પણ આપણા ગ્રહ-પૂર્વગ્રહને છોડી ન શક્યા.
એમના આ દૃષ્ટિબિંદુને ૧૯૯૭માં યુનોની પૂર્વ માહિતી પૂરું સમર્થન કરે છે. યુરોપિયનો અને અમેરિકનોએ સાથે મળીને કોસ્મેટિક અને સુગંધી દૃવ્યો તેમજ કૂતરાને મનગમતાં ખોરાક માટે વધુ ખર્ચ કર્યો છે અને આ ધરતી પરના બધા લોકોનાં પોષક આહાર, પાયાની તંદુરસ્તીની બાબતો અને લોકોને તંદુરસ્ત બનાવવામાં ઓછું ધન વાપર્યું છે. જો આ ખર્ચ એક વર્ષ માટે બંધ કરવામાં આવે તો આખા વિશ્વના લોકોના સાર્વત્રિક પોષણયુક્ત આહાર અને તંદુરસ્તી માટે એક વર્ષ સુધી ચાલે તેટલું ધન મળી રહે. આ બંને દેશોમાં નશીલા પદાર્થો પાછળ થતો ખર્ચ એક વર્ષ માટે બંધ થાય તો લોકોના સાર્વત્રિક પોષણયુક્ત આહાર અને તંદુરસ્તી માટે દસગણું ધન મળી રહે. એવી જ રીતે લશ્કરી ખર્ચમાં એક વર્ષ કરકસર થાય તો લોકોની સુખાકારીમાં વીસગણો વધારો થઈ શકે. આ વિશ્વમાં માનવસંસાધનોનો અભાવ નથી, પરંતુ સાચો અભાવ છે-ઇચ્છાશક્તિ, સંવેદના સાથેની સમજણ અને કરુણા -ભાવનો.
જીવનમાં સમતુલન કેવી રીતે લાવવું એ વિશેના પ્રાચીન ભારતીય સંસ્કૃતિના ઋષિઓના શિક્ષણ અને ઉપદેશ તરફ નજર નાખીએ તો આધ્યાત્મિકતા અને વેપાર-ધંધા ઉદ્યોગ વચ્ચેના ભાવાત્મક સંબંધ વિશેની વધતી જતી માગમાં આધુનિક વિશ્વે ઓછી પ્રગતિ કરી છે એમ કહી શકાય. એ ઋષિઓની વાણી પ્રમાણે જીવનમાં ચાર ધ્યેય આપણે પ્રાપ્ત કરવાના છે. આ ચાર ધ્યેય છે : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.
ધર્મ : ધર્મ એટલે સર્જન સાથે સમભાવ અને સર્વસંવાદી જીવન જીવવું.
અર્થ : અર્થ એટલે ધનસંપત્તિ મેળવવી કે સમૃદ્ધિ ઊભી કરવી.
કામ : કામ એટલે પોતાની ઇચ્છાઓને સંતોષવી. દા.ત. કુટુંબ હોવું, ઘરનું ઘર હોવું, કોઈ ચોક્કસ કામધંધો હોવો વગેરે.
મોક્ષ : મોક્ષ એટલે આધ્યાત્મિકતાની સંપૂર્ણ પૂર્તિ કરવી કે પૂર્ણપણે આધ્યાત્મિક સંતોષ અનુભવવો.
આજની આ દુનિયામાં આપણે સૌ ધનસમૃદ્ધિ ને ઊભાં કરવામાં અને આપણી ઇચ્છાઓને સંતોષવા તરફ ધ્યાન કેન્દ્રિત કરીને બેઠા છીએ. આમ કરવામાં પણ આપણે સમભાવ અને સંવાદિતાથી જીવન જીવવાના આદર્શનો અને આધ્યાત્મિકતાની પરિપૂર્તિનો ભોગ આપીએ છીએ.
હાર્વર્ડ યુનિવર્સિટીએ કંપનીઓ વિશેના કરેલા એક અભ્યાસના તારણમાં એવું જોવા મળે છે કે જે કંપનીઓ પોતાના ગ્રાહકો, સમાજ, પર્યાવરણ અને પોતાના દેશની પ્રજાઓ પ્રત્યે પૂરતું ધ્યાન આપીને પોતાની જવાબદારીઓ નિભાવે છે, તેવી કંપનીઓ માત્ર અને માત્ર પોતાની ધનસંપતિ વધારવામાં કે પોતાના શેરધારકોની સંપતિ વધારાવામાં ધ્યાન કેન્દ્રિત કરનારી કંપનીઓ કરતા ચાર ગણો વિકાસ સાધે છે અને રોજગારી આપવામાં આઠ ગણી પ્રગતિ સાધે છે.
Your Content Goes Here




