રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હીના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગોકુલાનંદજી મહારાજે આપેલાં વ્યાખ્યાનો ‘Some Guidelines to Inner Life’ નામે અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયાં છે. આ પુસ્તકનું પહેલું પ્રકરણ ઓગસ્ટ થી ઓક્ટોબર – ૨૦૦૨ના અંકોમાં આવી ગયું છે. હવે પછીના ભાગનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો તેનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.
જો કે આપણે આપણા વાસ્તવિક નિવાસ સ્થાને પાછા ફરવા માટે પોતાના અંતરાત્માનો પોકાર સાંભળી લીધો હોય તો પણ આ બાહ્ય જગતનાં આકર્ષણો કંઈક એવા વિચિત્ર છે કે અંતરાત્માનો આ પોકાર આ હાટ બજારના નિરંતર કોલાહલમાં ડૂબી જાય છે. પરંતુ જે લોકો આ પોકાર સાંભળવાનો સતત પ્રયાસ કરે છે એમને અંતર્નિહિત સત્યની એક ક્ષણવારની ઝલક મળી રહે છે, અને ત્યારે કેટલીક ક્ષણો માટે બાહ્ય જગતનો કોલાહલ થોડો ઘણો શાંત થઈ જાય છે. જ્યારે આવું બને છે ત્યારે થોડીઘણી ક્ષણો માટે પણ આપણે બાહ્યજગતનાં આકર્ષણોને આપણા પર સવાર થવા દેતા નથી. એવી ક્ષણોમાં મનુષ્યને આવો અનુભવ થાય છે : ‘હું આ સંસાર-બજારમાં કેટલાક સોનામહોર, સિક્કા ખોળું છું જ્યારે મારા વાસ્તવિક આવાસમાં એક વિપુલ ધનરાશિ મારી રાહ જોઈ રહ્યું છે.’ પરંતુ વિડંબના તો એ છે કે દુર્ભાગ્યવશ મનુષ્ય બાહ્યજગતના કેટલાંક સિક્કાઓમાં એટલો બધો આસક્ત બની જાય છે કે તે પોતાની ભીતર નિરંતર ડોકિયું કરવાનો યે પ્રયાસ કરતો નથી. પરંતુ જે લોકો ગંભીર પ્રકૃતિના છે તેઓ આવું ચિંતન કરે છે : ‘સાંસારિક આકર્ષણ તો અત્યાર સુધી ઘણું થયું, હવે મારે ગંભીર બનવું જોઈએ, હવે મારે એ બધાથી ઉપર ઊઠીને મારી ભીતર જ રહેલી છે પેલી આધ્યાત્મિક સંપત્તિને પ્રાપ્ત કરવાની છે. કેવળ આ ઉપલબ્ધિથી મનુષ્ય અમરત્વ મેળવે છે અને તેને સ્થાયી શાંતિ અને સુખ સાંપડે છે. એટલે મનુષ્ય ગંભીર બને છે ત્યારે બાહ્ય જગતનાં આકર્ષણોથી વિમુખ થવાનો પ્રયાસ કરતાં કરતાં તે નિયમિત રૂપે આત્મવિશ્લેષણ તથા આત્મનિરીક્ષણમાં મંડી રહે છે.
વિવેકની સહાયતાથી આપણને કેટલીક હદ સુધી પોતાના મૂળ સ્વરૂપને ઓળખવામાં સફળતા સાંપડે છે અને એ વિવેકને પરિણામે મનુષ્યને ‘હું જ બ્રહ્મ છું (અહં બ્રહ્માસ્મિ, તત્ ત્વમસિ)’ અથવા ‘કેવળ આત્મા જ ચિરસ્થાયી છે’ આ પરમ સત્યનું જ્ઞાન થાય છે; અત્યાર સુધી આપણે આ વાત જાણી ચૂક્યાં છીએ.આપણા આ સંસારમાં દૃશ્યમાન માત્ર એક છલ છે, માયા છે અને આપણું ધ્યેય છે પરમલક્ષ્યની પ્રાપ્તિ. એ ધ્યેયને કેમ પ્રાપ્ત કરવું? આપણે માયાના આવરણને તોડવું પડશે અને આ પરિવર્તનશીલ સાંસારિક દૃશ્યમાન વસ્તુની નીચે છુપાયેલા અંત:સ્તરનું જે સત્ય છે એવા બ્રહ્મને આપણે શોધવો પડશે. આમ કહેવું સરળ છે પણ એ પરમ લક્ષ્ય સુધી પહોંચવું અત્યંત કઠિન છે.
આ પથની અડચણો કઈ કઈ છે? મુખ્ય અડચણો છે: એક તો આત્મા સાથે જેને સંબંધ નથી એવી બાબતો પ્રત્યેની આપણી આસક્તિ. શ્રીરામકૃષ્ણ મઠ, દિલ્હીના ભક્ત સંમેલનમાં આધ્યાત્મિક શિબિરનો કાર્યક્રમ સવારથી સાંજ સુધી યોજાતો રહે છે. જેમાં સંચાલિત ધ્યાન (??) પણ હોય છે. આ સંચાલિત ધ્યાનમાં એવું સૂચન કરવામાં આવે છે કે આપણે પોતાની જાતને આત્મા સાથે સંબંધિત ન હોય એવી બધી વસ્તુઓથી વિરક્ત કરી લઈએ. કારણ કે આપણે આત્મા સાથે સંબંધિત ન હોય તેવી વસ્તુઓ પ્રત્યે આસક્ત બનીએ છીએ. એટલે આપણને આ બ્રહ્માંડમાં છુપાયેલા સત્યને પ્રાપ્ત કરવામાં ઘણી મુશ્કેલી પડે છે. ઉદાહરણ રૂપે આપણે એક દાગીનાની પેટી ખરીદીએ. પેટી એક ધારક પેટી છે અને એ પેટીની અંદર એક અમૂલ્ય રત્ન છે. કેટલાક એવા પણ હોઈ શકે કે જેમને આ પેટીની ભીતર શું છે એ વાતની જિજ્ઞાસા પણ ન થાય. કોઈક એવો ય મૂર્ખ હોઈ શકે કે તે માત્ર પેટીના બાહ્ય સ્વરૂપ પ્રત્યે એટલો બધો આકર્ષાઈ જાય કે એને પેટીની ભીતર રહેલ રત્નનું જ્ઞાન જ ન થાય. હવે ચાલો આપણે આ શરીરને જોઈએ. આ શરીર એક ધારક પેટી છે. અવિદ્યા (અજ્ઞાન)ને લીધે આપણે એટલા વિમૂઢ છીએ, ખરેખર તો ખામીઓથી ભરેલા છીએ કે આ શરીરમનરૂપી સંયુક્ત ધારક પ્રત્યે મોહિત થઈ જઈએ છીએ અને આ ધારકની અંદર રહેલ વાસ્તવિક વસ્તુને શોધવા પણ નથી ઇચ્છતા. જો આ શરીરમનરૂપી સંયુક્ત ધારકની તુલના પેલી દાગીનાની પેટી સાથે કરવામાં આવે તો પેટીની ભીતર રહેલું રત્ન એ આપણું મૂળ સ્વરૂપ છે, એ આત્મા છે, તે શુદ્ધ ચૈતન્ય છે. હવે આપણે જ્યારે આ રત્નનું મૂલ્ય સમજી શકીશું ત્યારે આ આભૂષણની પેટી (શરીર)થી મુક્ત થવાનું ઇચ્છીશું. જ્યાં સુધી તેની ભીતર રહેલું રત્ન તેને ન મળી જાય ત્યાં સુધી મનુષ્ય માટે આ આભૂષણપેટી મૂલ્યવાન રહે છે. એકવાર એને રત્ન સાંપડી જાય તો પછી આભૂષણ પેટીને ફેંકી શકે છે. પરંતુ મૂર્ખતાને લીધે આપણે આ દેહ પ્રત્યે એટલા મોહિત છીએ કે આપણે આપણી ભીતર રહેલા આત્માની પ્રાપ્તિ પણ કરવા નથી ઇચ્છતા. આત્માને પૂર્ણ રૂપે ભૂલી જઈએ છીએ અને શરીરમનરૂપી સંયુક્ત ધારકના બાહ્ય સ્વરૂપ પ્રત્યે આપણી અત્યંત એવં મૂર્ખતાપૂર્ણ આસક્તિને કારણે આવું થાય છે.
આપણે આધ્યાત્મિક વ્યાખ્યાન સાંભળીએ છીએ અને ધાર્મિક ગ્રંથો વાંચીએ છીએ. આ બધાથી આપણને થોડો લાભ તો થાય છે પરંતુ દુર્ભાગ્ય તો એ છે કે કાલાંતરે આ બાહ્ય જગતનાં વિભિન્ન પ્રલોભનોને લીધે આપણે આ લાભને ગુમાવી દઈએ છીએ. આપણી આ સ્થિતિની વ્યાખ્યા આ ઉદાહરણથી સ્પષ્ટ કરી શકાય : તળાવમાં કેટલાંક ઘાસપાન ઊગે છે. પાણીની સપાટીને ઢાંકી રાખતાં આ ઘાસપાનની નીચેનું પાણી પારદર્શી અને નિર્મળ હોય છે. આત્મજ્ઞાન રૂપી નિર્મળ જળને પ્રાપ્ત કરવા માટે જ આપણે આધ્યાત્મિક પ્રવચનો સાંભળીએ છીએ. પરંતુ જેવા આપણે ક્રમશ: પોતપોતાના નિવાસે પાછા ફરીને એ જ કોલાહલભરી નિરસ દિનચર્યામાં મગ્ન રહીએ છીએ કે તરત આપણે એવા પ્રલોભનોથી ઘેરાઈ જઈએ છીએ કે તરત જ ઘાસપાન ફરીથી ઊગી જાય છે અને જળની સપાટીને ઢાંકી દે છે. આ ઘાસપાન મનના દ્વારને અવરુદ્ધ કરે છે.
આનું સમાધાન શું? આપણે આ બાહ્યજગતના પ્રભાવ પ્રત્યે ઉદાસિન રહેવું જોઈએ. તેનું તાત્પર્ય એ છે કે આપણે બધા પ્રત્યેના દૈનિક સંબંધોને આધ્યાત્મિક રૂપ આપવું જોઈએ. જેમકે શ્રીરામકૃષ્ણના શિષ્ય સ્વામી તુરીયાનંદજી કહે છે કે સત્યના જિજ્ઞાસુનું સંપૂર્ણ જીવન નિરંતર ચાલતી સાધના બનવું જોઈએ. આપણે બાહ્ય જગતના પ્રભાવનો વિનાશ કરવા માટે નિરંતર ઈશ્વરનું સ્મરણ કરવાનો અભ્યાસ કરતાં રહેવું જોઈએ. જો કે આપણે એમ કરવાનો નિશ્ચય તો કરીએ છીએ પરંતુ બહુધા આપણે પોતાના પ્રયાસોમાં નિષ્ફળ રહીએ છીએ. આપણે નિષ્ફળ શા માટે થઈએ છીએ? એ માટે સ્વામી વિવેકાનંદને સાંભળો: ‘આપણે શરીર છીએ એ સૌથી મોટું અસત્ય કે જૂઠાણું છે, પાર્થિવ પ્રેમ દેહથી ઉત્પન્ન થાય છે.’ અને આપણે આ દેહને પૂર્ણત: સત્ય માનીએ છીએ. એનો અર્થ એ થયો કે આપણે ધારક (દેહ)ને એટલું મહત્ત્વ આપીએ છીએ કે આ ધારકની અંદર શું છે એ જાણવાની ચિંતા પણ નથી કરતા અને આપણે આપણી પ્રવૃત્તિઓ અને આપણા દેહના ઉપાસક બની જઈએ છીએ. આમ જુઓ તો ભગવાન શ્રીરામકૃષ્ણની દિવ્ય સ્વરૂપા પત્ની શારદાદેવીએ કોઈ ઔપચારિક શિક્ષણ મેળવ્યું ન હતું છતાં પણ તેઓ સરસ્વતી અને જ્ઞાનદાયિની હતાં – વિવેક અને જ્ઞાનદા બન્યાં. શ્રીરામકૃષ્ણ એમના વિશે કંઈક એવું જ કહ્યા કરતા. એક પ્રસંગે શ્રીશારદાદેવીએ કહ્યું: ‘શરીરમાં શું છે? એ તો રાખમાં પરિવર્તિત થઈ જશે અને આ નાશવંત દેહનું મૂલ્ય છે કેવળ દોઢશેર રાખ.’ આ જ ભાવમાં બંગાળના મહાન રહસ્યવાદી કવિ રજનીકાંત આમ કહે છે : ‘અત્યાર સુધી હું આ દેહ પ્રત્યે અત્યંત મોહિત છું અને હું જ દેહ છું એ વિચારથી અભિભૂત છું.’
આપણા અસ્તિત્વની પ્રત્યેક ક્ષણ શરીર, શરીર અને કેવળ શરીરના જ વિચારથી જ પૂરી થાય છે. આ સિવાય બીજું કાંઈ નથી, પરંતુ જ્યાં સુધી આ શરીર ચેતનાથી મુક્ત નથી થતું ત્યાં સુધી આત્મપ્રાપ્તિ સંભવ નથી, આ છે એનો સારાંશ. હવે આપણે પરમલક્ષ્યની પ્રાપ્તિ માટે કેટલાક અત્યંત મહત્ત્વના દિશાનિર્દેશો વિશે વિચાર કરીએ. આપણો ઉદ્દેશ્ય ઈશ્વર કે પોતાની દિવ્યસત્તાની પ્રાપ્તિ કરવાનો છે. આ હેતુ માટે આપણને કેટલાક દિશાનિર્દેશોની આવશ્યકતા છે. આપણે સ્વયંનું અસ્વયં સાથે તાદાત્મ્ય સ્થાપિત કરવાનું છોડી દેવું જોઈએ, એવો એક દિશાનિર્દેશ છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘અવૈયક્તિકને વૈયક્તિકમાં જોવો એ જ સત્ય છે, પરંતુ અજ્ઞાનવશ આપણે વૈયક્તિકને અવૈયક્તિકમાં જોઈએ છીએ.’ આ કથનની વ્યાખ્યામાં સત્ય શું છે? સત્ય અવૈયક્તિક છે, એ આત્મા છે, એ શુદ્ધ ચૈતન્ય છે જે શરીરમનના સંયુક્ત સંકુલથી ઉપર છે. આપણે ‘સ્વયં’ને ‘અસ્વયં’થી અર્થાત્ આત્મા સાથે અસંબંધિત હોય એ બધાંથી પૂર્ણ રૂપે અલગ કરી લેવું પડશે. કારણ કે આમ ન કરી શકીએ તો આપણે અનેક જન્મોની અનંત યંત્રણા ભોગવવી પડે છે.
આ સંદર્ભમાં મગર અને શિયાળની એક મનોરંજક કથાનું વર્ણન કરવું યોગ્ય રહેશે : શિયાળ એક અત્યંત ચતુર અને કપટી પશુ છે. એકવાર એવું બન્યું કે એક મગર અને શિયાળ એક બીજાના સંપર્કમાં આવ્યા અને બંને વચ્ચે વાતચીત થઈ. શિયાળે મગરને કહ્યું: ‘અરે ભાઈ, માનવ ઘણો મહાન અને શક્તિશાળી છે, કારણ કે તે જમીનને ખેડીને ભિન્ન ભિન્ન પાક લે છે. એટલે આપણે પણ કંઈક કરવું જોઈએ. શું આપણે પણ જમીનને ખેડીને ધાન ઉત્પન્ન કરીશું?’ મગરે આ વિચાર સાથે સહમત થઈને કહ્યું: ‘મિત્ર, આપણે પણ કંઈક પાક પકવવો જોઈએ, એ વાત સાથે હું સહમત છું.’ અને પાક પણ તૈયાર થયો. ઊભા પાકના ભાગલા પાડતી વખતે શિયાળે મગરને કહ્યું: ‘ભાઈ, આ ઊભા પાકમાંથી કયો ભાગ તમે લેવા માગો છો?’ મગર અજ્ઞાની હતો અને શિયાળ જેવો ચાલાક ન હતો. એણે કહ્યું: ‘ભાઈ, હું તો આ ઊભા પાકના મૂળિયાવાળો ભાગ લઈશ અને ઉપરનો નહિ લઉં.’ શિયાળ તો મગરના આ જવાબથી ખૂબ પ્રસન્ન થાય એ સ્વાભાવિક હતું. એને તો પૂરેપૂરું અનાજ મળી ગયું અને મગરને મળ્યો ચારો. સમય વીતતાં શિયાળે ફરી કહ્યું: ‘મિત્ર, આ વખતે પણ આપણે શેરડી વાવીએ.’ એ બંનેએ શેરડીનું વાવેતર કર્યું. શિયાળે ફરીથી મગરને પૂછ્યું: ‘તમે આ ઊભા પાકનો કયો ભાગ લેવા ઇચ્છો છો?’ આ વખતે મગરે વિચાર કર્યો : ‘ગયે વખતે મેં પાકના મૂળિયા માગ્યા તો આ વખતે આ શેરડીના પાકનો ઉપરનો ભાગ માગું.’ પછીથી એને ભાન થયું કે આ વખતે પણ પોતાની પસંદગી ખોટી હતી. એણે એ પણ જોયું કે એના મિત્ર શિયાળે એની ભૂલનું ભાન ન કરાવ્યું અને એણે દગો દીધો. એટલે મગરે શિયાળને પૂછ્યું: ‘ભાઈ, બંને વખત તમે સાચો નિર્ણય લીધો અને મેં ખોટી પસંદગી કરી એમ કેમ બન્યું?’ આ સાંભળીને શિયાળે જવાબ આપ્યો: ‘આ બધું મારી ઉત્તમ બુદ્ધિને કારણે થયું.’ ‘ઉત્તમ બુદ્ધિ’ એ શબ્દો ધ્યાનમાં રાખો. એટલે મગરે વિચાર્યું: ‘વારુ, હું તો વૃદ્ધ છું મારે એક દિવસ મરવું પડશે. મારે નાના બાળ બચ્ચાં છે એમનું પાલનપોષણ યોગ્ય રીતે થવું જોઈએ અને એમને પણ ઉત્તમ બુદ્ધિ મળવી જોઈએ.’ આમ વિચારીને એણે પોતાના નાના બચ્ચાને શિયાળ પાસે મોકલવાનો નિર્ણય કર્યો અને એમને મોકલી પણ દીધા. સમય પસાર થયો પણ બચ્ચા પાછા ન આવ્યા. એના નાના નાના બચ્ચાનું શું થયું એ જાણવા બચ્ચાની મા ખૂબ ઉત્સુક થાય એ સ્વાભાવિક છે. એટલે એણે પોતાના દુ:ખની વાત પતિ પાસે વ્યક્ત કરી. પરંતુ પતિએ કહ્યું: ‘ચિંતા ન કર, તે આપણા મિત્ર પાસે સુરક્ષિત છે. તે આપણી સાથે વિશ્વાસઘાત નહિ કરે. ઘણો સમય પસાર થયો પણ બચ્ચા ઘરે ન આવ્યા. એટલે માદા મગરે પોતાના પતિ પાસે બચ્ચાને પાછા લાવવા માટે આગ્રહભરી વિનંતી કરી. કથાનો અંત આવો છે કે જ્યારે પેલો મગર બચ્ચાને પાછા લાવવાના ઉદ્દેશથી ગયો પણ એને ત્યાં શિયાળ મળ્યું જ નહિ. એ તો આનંદથી તળાવમાં તરતું હતું અને મગરના આગમનનો એને ખ્યાલેય ન આવ્યો. ત્યાં ક્યાંય નાના બચ્ચાંનું નામ નિશાન ન હતું. પિતામગરે વિચાર્યું કે સંભવ છે કે આ શિયાળ એમને ખાઈ ગયું છે. ગમે તેમ કરીને મગરે પૂછ્યું: ‘મારા બચ્ચા ક્યાં?’ કોઈ જવાબ ન મળ્યો. એટલે મગર અત્યંત ગુસ્સે થયો અને કહ્યું: ‘હવે હું વધારે રાહ જોવાનો નથી. શું તને એટલી તો ખબર છે ને કે હું એક મગર છું અને તું માત્ર એક શિયાળ જ. હવે હું તને ખાઈ જાઉં છું.’ મગરે શિયાળનો એક ટાંટિયો પકડ્યો એટલે શિયાળે મગરને કહ્યું: ‘વારુ, તું મને સ્પર્શી નહિ શકે. તમે માત્ર મારો એક પગ પકડ્યો છે.’ પિતા મગર વધુ ગુસ્સે થયો અને એણે શિયાળનું પેટ પકડી લીધું. શિયાળે કહ્યું: ‘અરે, તમે તો માત્ર મારું પેટ પકડ્યું છે. તમે મને સ્પર્શી નહિ શકો, અને તમે મને મારી પણ નહિ શકો.’ આ કથામાંથી આ બોધપાઠ મળે છે : જો આપણે સ્વયંનું અસ્વયં સાથે તાદાત્મ્ય સ્થાપિત ન કરીએ, જો આપણે પોતાના અંશોને અંશ જ સમજીએ એટલે કે અસ્વયંને કેવળ અસ્વયં જ માનીએ તો આપણે ઘટનાઓના સંસારથી ભ્રમિત થઈશું નહિ. મૂળત: આપણે અનશ્વર છીએ, અવિનાશી આત્મા છીએ, નિત્યમુક્ત છીએ. અનાત્માના ક્ષેત્રની કોઈ વસ્તુથી આપણે પ્રભાવિત ન થઈ શકીએ. એટલે આ તથ્ય અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આપણે આત્મા વિશે જ ચિંતન કરવું જોઈએ અને સ્વામીજીના શબ્દોમાં કહીએ તો : ‘આ પ્રત્યેક આત્માનું કર્તવ્ય છે કે જેવો વ્યવહાર તેઓ દેવદેવીઓ સાથે રાખે છે, તેવો વ્યવહાર તે બીજા આત્માઓ પ્રત્યે રાખે, એમને વિશે એવું જ વિચારે.’
Your Content Goes Here




