(બેલુર મઠ : રવિવાર, ૧૦ જુલાઈ, ૧૯૨૭)
આજે રવિવાર છે. શ્રીમહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ)ના ખંડમાં ભક્તોની ભીડ છે. બારીસાલથી આવેલા ઉપદેશપ્રાર્થી ભક્ત નરનારીનું વૃંદ ઉપસ્થિત છે. એક વૃદ્ધ સજ્જને એમના પ્રતિનિધિ તરીકે કહ્યું : ‘મહારાજ, અમને કંઈક ઉપદેશ આપો! અમે સંસારી લોકો છીએ, અહોરાત્ર સંસારના ત્રિવિધ તાપમાં બળીએ છીએ. આપ આશીર્વાદ આપો કે જીવનમાં શાંતિ મળે.’
શ્રીમહાપુરુષ મહારાજ વૃદ્ધ સજ્જનનો આગ્રહ જોઈને ખૂબ કરુણામય સ્વરે બોલ્યા : ‘ઉપદેશ શું આપું, ભાઈ ? અમારો તો એક જ ઉપદેશ છે કે એમને, ભગવાનને ભૂલશો નહિ. આ જ મૂળ વાત છે. અમે બધા પણ અમલ કરવાનો યથાશક્તિ પ્રયત્ન કરીએ છીએ; બીજું કોઈ જિજ્ઞાસા કરે તો એ જ કહીએ- શ્રીભગવાનને ભૂલશો નહિ. તમે સંસારમાં રહ્યા છો. એમાં ખોટું શું છે? સંસાર વગરનું કોઈ છે ખરું ? પરંતુ શ્રીભગવાનનું સતત ચિંતન કરો. સંસારનું સમસ્ત કાર્ય કરો. પરંતુ એમાં દિવસને અંતે એક વાર પણ હૃદયપૂર્વક ભગવાનને પોકારો. સંસારનાં કામકાજ તો છે – એમને છોડવાનું તો હું કહેતો નથી; પરંતુ કામકાજની વચમાં તેમનું સ્મરણ મનન, એમની પાસે પ્રાર્થના, એમનાં નામ જપ, આ બધું કરવું. વૈષ્ણવગ્રંથોમાં છે : ‘હાથે કામ અને મુખે હરિનામ.’ એ વાત સાચી અને સારી. બધાં કામ કરતાં કરતાં શ્રીભગવાનનાં ગુણગાન ગાવાં. જેવી રીતે દરેક કાર્યને માટે ચોક્કસ સમય હોય છે અને હેતુ પણ હોય છે, તેવી જ રીતે શ્રીભગવાનનું સ્મરણ કરવાનો પણ ચોક્કસ સમય રાખવો. એ સમયે હજારો કામ કરતાં કરતાં પણ શ્રીભગવાનનું સ્મરણ કરવું. જે કંઈ કરો તે ખરા હૃદયપૂર્વક કરો. તેઓ તો અંતર્યામી છે. તેઓ હૃદયનો ભાવ જુએ છે. આ અત્યંત ગૂઢ વાત છે. આ સંસારમાં થોડીક પણ શાંતિથી રહેવા માટે આ જ એક માત્ર ઉપાય છે. એમાં જો ભૂલ થાય તો ગરબડ થવાનો સંભવ છે.’
એક સ્ત્રી ભક્ત : ‘મહારાજ, શા માટે અમે ભગવાનને ભૂલી જઈએ છીએ? કેમ અમારું મન એમના તરફ વળતું નથી ?’
શ્રીમહાપુરુષ મહારાજ : ‘મા, શા માટે ભૂલીને રહો છો ? એનું જ નામ માયા. માયાથી બદ્ધ છો, માટે જ એમને ભૂલી જાઓ છો, એટલે જ તમારું મન ભગવાનને ભૂલીને અનિત્ય વસ્તુઓમાં લિપ્ત થાય છે; જેવી રીતે વિષયો પ્રત્યે મોહ છે તેવો જ શું ભગવાન પ્રત્યે પ્રેમ છે ? આ સંસાર બે દિવસનો છે. તમારો દેહ, તમારાં સગાંવહાલાં કે જેને ‘હું અને મારાં’ સમજીને તેમની પાછળ પાછળ પાગલ થઈને ફરો છો એ બધું અનિત્ય છે, એ શું કહીને સમજાવવું પડશે? નજર સામે રોજ જુઓ છો કે આજે છે અને કાલે નથી; હમણાં છે, થોડી વાર પછી નથી; જન્મે છે અને મરે છે; હમણાં સુખ છે, બે દિવસ પછી દુ :ખ; તોપણ આ બધું લઈને જ તેમાં જ રચ્યાપચ્યા રહો છો.’
સ્ત્રી ભક્ત : ‘અમારો કેવી રીતે ઉદ્ધાર થશે ? કેવી રીતે આ માયામાંથી મુક્ત થઈએ ? આપ આશીર્વાદ આપો.’
શ્રીમહાપુરુષ મહારાજ : ‘આ સંસાર અનિત્ય છે એવું જ્ઞાન શ્રીભગવાનની કૃપા સિવાય થઈ શકે નહિ. એક માત્ર અનન્ય શરણાગતિ સિવાય આ માયાજાળ કાપવાનો બીજો કોઈ ઉપાય નથી. શ્રીભગવાન પોતે ગીતામાં કહે છે :
‘આ દૈવી માયા, જેણે જીવને મોહિત કરી રાખ્યા છે, તે ખરેખર જ દુસ્તર છે; આ માયાની જાળમાંથી બચવું ખરેખર જ અઘરું છે; પરંતુ જેઓ મને અનન્ય ભાવથી ભજે છે, તેઓ આ દૈવી માયાને પાર કરી શકે છે અને એના બંધનમાંથી મુક્તિ મેળવે છે.’ (ગીતા : ૭-૧૪)
અનન્ય ભાવથી શ્રીભગવાનને પોકાર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. તમે સંસારમાં રહ્યા છો, વિવિધ પ્રકારનાં કામકાજ હોય છે, તમને તો સાધન-ભજન કરવાનો સમય મળતો નથી. તમે એમના શરણાગત થઈને પડ્યા રહો અને ક્રંદન કરો. અશ્રુ સારો અને પ્રાર્થના કરો : ‘પ્રભુ ! દયા કરો, દયા કરો !’ અશ્રુથી મનનો મેલ ધોવાઈ જશે, ત્યારે શ્રીભગવાન સહસ્ર સૂર્યના તેજથી પ્રકાશિત થશે; ત્યારે અનુભવશો કે તેઓ હૃદયમાં જ વિરાજમાન છે. ખૂબ આક્રંદ કરવું અને વચમાં વચમાં સારાસારનો વિચાર કરવો. એકમાત્ર ભગવાન જ સત્ય છે અને સંસાર, જન્મ-મૃત્યુ, સુખદુ :ખ એ બધું અનિત્ય છે. આ પ્રમાણે વિચાર અને પ્રાર્થના કરતાં કરતાં શ્રીભગવાનની કૃપા થશે, સંસાર પ્રત્યે વિરક્તિ જન્મશે અને મન શ્રીભગવાન તરફ વળશે.’
સ્ત્રીભક્ત : ‘મહારાજ, આપ આશીર્વાદ આપો. આપની કૃપાથી જાણે કે આ સંસારસાગર તરી જઈએ.’
શ્રીમહાપુરુષ મહારાજ : ‘મા, અમારું તો આશીર્વાદ સિવાય બીજું કાંઈ નથી. લોકો આ સંસારસાગર પાર કરે એ જ તો અમારી ખરા હૃદયની ઇચ્છા છે. અમે તો એ જ ઇચ્છીએ છીએ. હું ખરા હૃદયથી પ્રાર્થના કરું છું કે તમને શ્રીભગવાન પ્રત્યે અનુરાગ થાય. વધારે શું કહું, મા?’
ભક્તવૃંદ સંતુષ્ટ હૃદયે શ્રીમહાપુરુષ મહારાજને ભક્તિપૂર્વક પ્રણામ કરી વિદાય થયું. થોડીક વાર પછી એક સેવક દૈનિક ટપાલ વાંચી સંભળાવતા હતા. એક ભક્તે ખૂબ દુ :ખિત થઈને પત્રમાં જણાવ્યું હતું કે પોતે શ્રીમહાપુરુષ મહારાજની કોઈપણ પ્રકારે સેવા કરી શકતા નથી. આ પત્ર સાંભળીને શ્રીમહાપુરુષ મહારાજે કહ્યું :
‘એમને જવાબમાં મારા ખૂબ-ખૂબ આશિષ સાથે જણાવો કે મારી શું સેવા કરવાની છે ? ઠાકુરની કૃપાથી અમને કોઈ પણ જાતનો અભાવ જણાતો નથી. મારી કોઈ સેવા કરવાની નથી. પરંતુ જો તે ઠાકુરને ખરા અંત :કરણપૂર્વક થોડું પણ પોકારે તો હું ખૂબ ખુશી થઈશ. એનાથી જ મને આનંદ થશે.’
એક ભક્ત : ‘મહારાજ, અમે તો સંસારમાં પૂરેપૂરા આસક્ત છીએ. સાધન-ભજન તો દૂરની વાત, તેમનું માત્ર સ્મરણ-મનન પણ કરી શક્તા નથી. અમારી શી ગતિ થશે?’
શ્રીમહાપુરુષ મહારાજ : ‘ભાઈ, સાધન-ભજન ના કરી શકો, પણ તેમનું નામ સ્મરણ, તેમનું ભજન-કીર્તન તો કરી શકો ? સંસાર તો તેમને અહોરાત્ર બાંધી રાખતો નથીને ? જો કશું પણ કરી ના શકો તો શું થશે ? જો તમે આ બધું ના કરી શકો તો તેમના પ્રત્યે હૃદયમાં એક આકર્ષણ ઊભું કરો. કોઈપણ ઉપાયે તેમના પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થવો જોઈએ. હૃદયમાં તેમના પ્રત્યેનું થોડુંક પણ આકર્ષણ ના હોય તો કેમ ચાલે ? જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી કશું પણ થાય નહિ.
ઠાકુર જેમ કહેતા : ‘જ્યાં સુધી બાળક ચૂસણી ચૂસ્યા કરે છે ત્યાં સુધી તે માને ભૂલીને રમ્યા કરે અને ત્યાં સુધી મા પણ ઘરનું આમતેમ કામ કર્યા કરે. પરંતુ જે ક્ષણે બાળક ચૂસણી ફેંકીને ‘મા, મા,’ કહીને રડવાનું શરૂ કરે કે તરત જ મા હાથમાંનું બધું કામકાજ ફેંકીને દોડતી બાળકને ખોળામાં લઈ લે.’ તમે પણ જ્યાં સુધી આ સંસારરૂપી ચૂસણી લઈને ઈશ્વરને ભૂલીને રહો, ત્યાં સુધી તેમનું દર્શન થાય નહિ. આવો દુર્લભ માનવજન્મ મેળવીને જો વેડફી નાખો તો ઘણું મોટું દુર્ભાગ્ય ! ઠાકુર પ્રાય : આ ઉપદેશાત્મક ભજન ગાતા (ભાવાર્થ) : ‘મન, તું ખેતીકામ જાણે નહિ અને આ માનવભૂમિ પડતર રહી જાય છે. તેં વાવ્યું હોત તો સોનું ઊગત, સોનું ! ઈશ્વરપ્રાપ્તિ થાત.’ આ જ ભજનમાં આગળ કહ્યું છે :
ભાવાર્થ : ‘હે મન, આજે કે સો વર્ષ પછી આ તો સરકાર (ઈશ્વર) દ્વારા જપ્ત થઈ જશે. જીવનનો અંત આવશે, હવે એકનિષ્ઠ બનીને જેટલી લણણી થાય તેટલી કરી લે.’ આ ગીતમાં એમના ઉપદેશનો સાર છે. તેથી જ તો ઠાકુર સંસારના બદ્ધજીવોના કલ્યાણ માટે આવાં ભજન ગાતા.’
ભક્ત : ‘અમે તો ઠાકુરને જરા પણ સમજી શકતા નથી. એના કરતાં તમારી પાસે આવીએ તો સારું લાગે છે, થોડા દિવસ ના જોઈએ તો મન આકુળવ્યાકુળ થાય છે. તેથી તો આવીએ છીએ. હરહંમેશ તમારી યાદ આવે છે, મળવાનું મન થાય છે. આ સિવાય બીજું કશું થતું નથી.’
શ્રીમહાપુરુષ મહારાજ : ‘અમે તો ઠાકુર સિવાય બીજુ કશું પણ જાણતા નથી; અંદર બહાર સર્વત્ર તેઓ જ વ્યાપી રહેલા છે. તેઓ અમારું સર્વસ્વ all in all છે. આ જ વાત મનમાં રાખવી કે અમે તેમનાં સંતાન છીએ, તેમના જ પદાશ્રિત છીએ. અમારું સ્મરણ એ એમનું જ સ્મરણ છે; ઠાકુરનું જ સ્મરણ છે. …
પ્રણામ તો કરવા, પરંતુ થોડું ધ્યાન પણ કરવું. ધ્યાનજપ માટે રાત્રિનો સમય ઉત્તમ. થોડા સમય માટે પણ પોતાને બધાં કામકાજથી નિવૃત્ત કરી દેવા જોઈએ. એ સમયે મનમાંથી બધા વિચારો ખંખેરીને કાઢી નાખવા જોઈએ. પોતે બધા વિષયોમાંથી અલિપ્ત થઈને આત્મલીન થવું. દિનાંતે એક વાર પણ આમ કરવું જ જોઈએ; ભલેને આ ધ્યાનજપ થોડી જ વાર માટે હોય. કામકાજ, સંસારનાં સુખદુ :ખ એ તો છે જ. પરંતુ, આ બધું અનિત્ય છે; બધું જ બે દિવસ માટે. સંસાર અનિત્ય છે આ જ વાત સાચી છે. બીજું કંઈ નહીં. તમે જે કરો છો એ ઘણું સારું કામ છે; છતાં એ કામમાંથી પણ મનને અલિપ્ત કરીને ભગવાનના શ્રીચરણકમલમાં અર્પણ કરવું, ત્યારે એક માત્ર પરમપિતા પરમેશ્વરના નિત્ય સત્ય મંગલમય રૂપમાં નિમગ્ન થઈને એકમાત્ર પ્રભુ જ ચિત્તાકાશમાં વ્યાપી રહે છે, જીવજગતના કોઈપણ વિચારો રહે નહીં. એટલે સુધી કે પોતાનો પણ વિચાર ન આવે અને પ્રાર્થના કરવી :
‘હે પ્રભુ ! મને શ્રદ્ધાભક્તિ આપો અને તમારી ભુવનમોહિની માયામાં મુગ્ધ ન કરો.’ અંત :કરણપૂર્વક આ જ પ્રાર્થના કરવી. એવું ધ્યાન કરવું કે તેમની સાથે એક થઈ જાઓ. અભેદભાવ. આ બધું તો કરવું જ જોઈએ. ફરીથી કહું છું, ભાઈ ! દિનાંતે થોડો સમય પણ એક વાર બધું જ ભૂલી જઈને તેમની સાથે એકાકાર થઈ જ જવું. શરૂ શરૂમાં કદાચ આ બધું મુશ્કેલભર્યું લાગે, એવું ય લાગે કે તમે આ કરી શકશો નહીં, પરંતુ પ્રયત્ન છોડશો નહીં. ખૂબ પ્રાર્થના કરો ત્યારે જ તેઓ મન-પ્રાણ શાંત કરશે, તેઓ કૃપા કરીને તમારા મનમાં બળ આપશે, તેમની સાથે એકલીન બનાવી દેશે. ધ્યાન કરતાં કરતાં મનની શાંતિ વધશે અને ત્યારે જ એ મનથી તમે લોકહિતનું કાર્ય સારી રીતે કરી શકશો. આટલું ચોક્કસ જાણજો કે આ જગત તેમનું છે. જીવ તેમનો છે. સૃષ્ટિ તેમણે જ રચી છે. તમે તેમના દાસ છો. એમની અમીદૃષ્ટિથી તમે આ સૃષ્ટિના જીવોની જેટલી સેવા કરો છો અથવા તેમની કૃપા દ્વારા બધું તમારાથી થાય તેટલી તમારી જાતને ધન્ય ગણજો. ભગવાનનું ધ્યાન કરતાં કરતાં અહમ્નો નાશ કરવો પડશે ત્યારે માત્ર તેઓ જ રહેશે. મનની આવી સ્થિતિ જ્યારે થાય, ત્યારે જ ખરેખર જનહિતનું કામ તમારા દ્વારા થઈ શકે.’
સ્થૂળ બુદ્ધિવાળા કહે, જેટલી વધારે સંખ્યામાં જપ થાય તે પ્રમાણે તેમની કૃપા થાય. તેઓ કંઈ સંખ્યા જુએ છે ? તેઓ તો જુએ છે મન. હૃદય તેમના તરફ કેટલું વળ્યું છે તે જ જુએ. જો ભાવ જામી જાય તો સંખ્યાની જરૂર નથી.
(સ્વામી અપૂર્વાનંદ દ્વારા સંકલિત પુસ્તક ‘આનંદધામના પથ પર’માંથી પૃષ્ઠ – ૮૫)
Your Content Goes Here





