સ્વામી તુરીયાનંદનો જન્મ ૩ જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ એક ધાર્મિક કુટુંબમાં થયો હતો. વેદાંતશાસ્ત્રોના વાંચને જગાડેલી આજન્મ-મુક્તિની ઝંખના એમને શ્રીરામકૃષ્ણ-ચરણ સમીપે લાવી. સૂક્ષ્મ આધ્યાત્મિક અંતર્દૃષ્ટિથી અને સર્વગ્રાહી પ્રેમથી શ્રીઠાકુરે તરત જ એમનું હૃદય જીતી લીધું. એમના રૂઢિચુસ્ત માનસિક ઘડતરે એમને કઠિન પરિવ્રાજક સંન્યાસી, તપસ્વી, શાસ્ત્રોના વાચક બનાવ્યા. તેઓ અમેરિકામાં સ્વામીજી સાથે ગયા અને ત્રણ વર્ષ સુધી કાર્ય કર્યું. કેલિફોર્નિયાનો શાંતિ-આશ્રમ વાસ્તવિક રીતે એમનું જ સર્જન છે. ભારતમાં પાછા ફરીને એમણે પોતાના મોટા ભાગના દિવસો તપશ્ચર્યા અને સંન્યાસીઓની યુવાપેઢીને તાલીમ આપવામાં ગાળ્યા હતા.
એમની તીવ્રવૈરાગ્ય-ભાવના, મા જગદંબામાં ગહન શ્રદ્ધા અને શાસ્ત્રગ્રંથોની ગૂંચવણો ઉકેલવાની સૂક્ષ્મ સમજે એમના સંપર્કસંબંધમાં આવનાર સૌ કોઈના મન પર અમીટ છાપ પાડી હતી. ૨૧ જુલાઈ, ૧૯૨૨ના રોજ એમણે પોતાના નશ્વર દેહનો ત્યાગ કર્યો.
અહીં સ્વામી રાઘવાનંદ દ્વારા લિપિબદ્ધ સ્વામી તુરીયાનંદના પ્રેરણાદાયી તેમજ આધ્યાત્મિકતાથી છલકતા વાર્તાલાપનું સંકલન પ્રસ્તુત છે.
૭ જૂન, ૧૯૧૫
સ્થાન : મોહનલાલ સહાનું ઘર, ચિલ્કાપેટા, અલમોડા
સ્વામી શિવાનંદ : હજાર સમાધિ અને ધ્યાન ભલે ને કેમ ન થાય, તેની સાથે (ઈશ્વર સાથે) પ્રીતિનો સંબંધ સતત બની રહે. એ સંબંધ તૂટે નહીં, અને સંબંધ તૂટે તો શરીર જાય.
સ્વામી તુરીયાનંદ : એ બોલવું જ પડે देहबुद्ध्या दासोऽहं जीव बुद्ध्या अंशोऽहं आत्मबुद्ध्या सोऽहम्. જે વ્યક્તિ ગળામાં કાકડાની વ્યથાથી બિલાડીના પગમાં પડે એ ભગવાનમાં માનશે નહીં?
શ્રીરામકૃષ્ણ કથામૃતનો પાઠ થાય છે.
સ્વામી તુરીયાનંદ : અહા! દક્ષિણેશ્વર જાણે કે કૈલાસ હતું. સવારથી લઈને બપોરના એક વાગ્યા સુધી ઠાકુરની પાસે અનવરત ભગવદ્ પ્રસંગ થાય છે, અને લોકો બેઠા છે. વાતાવરણમાં ઈશ્વર-પ્રસંગ સિવાય બીજી કોઈ વાત નથી. હસીમજાક થાય છે એ પણ ઈશ્વર-પ્રસંગ લઈને. એક વાત પૂરી થતાં જ એમને સમાધિ થાય છે. તેઓ કેવળ ભોજન પછી થોડો વિશ્રામ કરતા, એ પણ ટૂંક સમય માટે. એ સિવાય પૂરો સમય ઈશ્વર-પ્રસંગ. સંધ્યા સમયે કાલીમંદિરમાં જઈ માને દર્શન અને વ્યજન કરતા (ચામર ઝુલાવતા) અને ભાવાવસ્થામાં હોવાને કારણે ખૂબ નશો કર્યો હોય એમ ડોલતાં ડોલતાં પોતાના ઓરડે પાછા આવતા. જે લોકો સાધનભજન કરતા એમને ઠાકુર પૂછતા, ‘હાં રે, સવારે અને સંધ્યા સમયે શું નશો કર્યો હોય એવો અનુભવ થાય છે?’
રાત્રે તેમની નિદ્રા તો ગજબની! સૂવાના થોડા સમય પછી જ ઊઠી પડતા. જે ત્યાગી ભક્તો એમના ઓરડામાં રાત્રીવાસ કરતા એમને ‘ઓરે, આટલી નિંદર શેની? ઊઠ, ધ્યાન કર,’ બોલી ઉઠાડી દેતા. ત્યાર પછી ઠાકુર થોડું સૂતા અને વહેલી સવાર પડતાં જ ઊઠી જઈને મધુર કંઠે ભગવાનનું નામ કરતા. ત્યારે બધા જ નિદ્રાત્યાગ કરીને જપધ્યાન કરવામાં લાગી જતા. ઠાકુર વચમાં વચમાં કોઈની કમરને થોડીક સીધી કરીને અથવા ઊંચી કરીને બેસવાનો નિર્દેશ આપતા.
૧૦ જૂન, ૧૯૧૫
આત્મસાક્ષાત્કાર કરો. એના માટે you have to ascend the highest peak of renunciation તમારે ત્યાગના સર્વોચ્ચ શિખરે ઊઠવું પડશે.
૧૧ જૂન, ૧૯૧૫
ચિત્તને બધી બાહ્ય વસ્તુઓથી નિવૃત્ત કરવું શું સહજ છે? એ છે વીરનું કામ. બાહ્ય વસ્તુઓ તો માત્ર મનમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે છે અને જોર કરીને તમારું પતન કરવાનો પ્રયત્ન કરે છે. મનની ભીતરમાં કેટલું બધું છે – સ્તર ઉપર સ્તર. બહારથી આંખ અને કાન બંધ કરવાથી માત્ર શું થશે?
૧૩ જૂન, ૧૯૧૫
સ્વામી તુરીયાનંદ : (એક વ્યક્તિ) રાજયોગ વાંચીને ઝડપથી પૂરું કરી દેવા માગે છે. અમે તો એમાં પ્રાણ ઢાળી દીધો છે. બાળપણથી એ જ તો કરતા. તોપણ ક્યાં ચિત્તશુદ્ધિ થઈ? ક્યાં રાગ-દ્વેષ ગયા? तव दासः दासस्य दासः कुरू मां प्रभो. અભિમાન શું સારું? ખૂબ જ ખરાબ. अभिमानं सुरापानं મતિભ્રષ્ટ થઈ જાય. ઠાકુર કહેતા, નીચી જગ્યામાં બધું પાણી આવીને જમા થાય. એ જ પ્રમાણે ‘સૂનિચ’ – વિનમ્ર વ્યક્તિમાં બધા જ ગુણ પ્રકાશ પામે.
शुष्कं काष्ठं मूर्खवत् विद्यते न तु नमते. અહંકાર ધડ ઊંચું કરીને ફરે. જે steel (પોલાદ)ની જેમ elastic (લચીલું) હોવા છતાં ભાંગે નહીં એ જ strength (શક્તિ).
આ પ્રમાણે જે વ્યક્તિ compromising (સમાધાનવૃત્તિવાળી) હોય, જે અનેક લોકોની સાથે સંબંધ બનાવીને ચાલી શકે એ જ strong (શક્તિમાન). તેમની સાથે બની જાય તો ભય શેનો? સ્વામીજી કહેતા, ‘જો જન્મ્યા છો તો એક નિશાની રાખીને જાઓ.’ વરાહનગર મઠમાં સ્વામીજીએ કહેલું, ‘જોજે, આપણું નામ historyમાં (ઇતિહાસમાં) સુધ્ધાં લખાશે.’ આ સાંભળી યોગીન સ્વામી વગેરે ઠઠ્ઠા કરવા લાગ્યા. સ્વામીજીએ કહ્યું, ‘જા સાલા, પછી ખબર પડશે. હું વેદાંત બધાને convince કરાવી (સમજાવી) શકું છું. તમે ભલે ના સાંભળો, હું હરિજનવાસમાં જઈ બધાને સંભળાવીશ.’
પ્રચાર કરવા માટે કશુંક આપવાની ક્ષમતા હોવી જોઈએ. આ તો શાળામાં જઈને છોકરાઓને ભણાવવું કે પુસ્તક વંચાવવા જેવું નથી કે કશું આપવું ન પડે. એ માટે પહેલાં થોડો સંગ્રહ કરવો પડે, પછી પ્રચાર. ‘મેં થોડું રિપુ-દમન કર્યું છે’ બોલીને અહંકાર કરવો નહીં. એમ કરવાથી રિપુ તરત જ પાછા જાગી ઊઠે. બોલવું, ‘હે ભગવાન, એ બધાથી મારી રક્ષા કરો.’
‘ध्यान विघ्नानि’ (ધ્યાનમાં વિઘ્ન) ચાર છે. લય, વિક્ષેપ, કાષાય, અને રસાસ્વાદ. ‘લય’માં મન enters into તમસ (તમસમાં પ્રવેશ કરે) – સૂઈ પડે, consciousness (બાહ્ય જ્ઞાન) રહે નહીં. મોટા ભાગના લોકો આમાં જ અટકી પડે.
‘વિક્ષેપ’માં મન વિવિધ વિષયોમાં વિખેરાઈ જાય. ‘કાષાય’માં ધ્યાન પ્રત્યે અરુચિ થાય, કંટાળાજનક લાગે. ત્યારે પણ persist કરવું (હઠ કરીને ધ્યાનમાં ટકી રહેવું) – વારંવાર મનને ધ્યાનમાં પાછું વાળવું.
‘રસાસ્વાદ’માં ભગવાનના કોઈ એક સ્વરૂપમાં આનંદ મળે અને તેથી મન એ સ્વરૂપથી વધુ ઉપર ન ઊઠી શકે.
‘સમ’ એટલે equilibrium, balance of mind (મનની સામ્ય અવસ્થા) संप्राप्तं न चालयेत् (માંડૂક્ય કારિકા ૩.૪૪). જેટલા દિવસ શરીર રહે એટલા દિવસ રિપુ રહેશે. પણ ઈશ્વરની કૃપાથી તેઓ દબાઈને રહેશે, માથું ઉઠાવી શકશે નહીં.
Your Content Goes Here




