ચોર્યાશી લાખ યોનિમાંથી મનુષ્યની યોનિમાં જન્મ મળવો એ ઘણું ભાગ્યપ્રદ છે. મનુષ્ય જન્મ એવો છે જેમાં પ્રભુને પામી શકાય છે. પરમકૃપાળુ પરમાત્મા દરેકને પોતાના જેવા જ ભગવાન બનાવવા માગે છે એટલે કોઈ જીવ જ્યાં સુધી ભગવાન ન બને ત્યાં સુધી તેની જીવન-મરણની પ્રક્રિયાની આવન-જાવન ચાલુ જ રહે છે.

આપણે સૌ શ્રીરામકૃષ્ણદેવનાં સંતાન છીએ અને શ્રીરામકૃષ્ણદેવે કહ્યું કે જેનો છેલ્લો જન્મ હશે તે મારી પાસે આવશે, એટલે આપણા સૌનો આ છેલ્લો જન્મ છે, તે નિશ્ચિત છે.

શ્રીરામકૃષ્ણદેવના કહેવા પ્રમાણે જેમ વૈદ્યના ત્રણ પ્રકાર છે – મંદ, મધ્યમ અને ઉત્તમ. તેમ ભક્તિના પણ ત્રણ પ્રકાર છે. મંદ- થાય છે, સમય મળશે ત્યારે કરીશું, શું ઉતાવળ છે. મધ્યમ- થોડોક શ્રમ લઈને ભક્તિ કરે છે. અને ઉત્તમ- આ જન્મમાં તો ભગવાનનાં દર્શન કરવાં જ છે, તેવું રટણ લઈને બેસે તે ઉત્તમ સાધક.

આપણે સૌ સંસારી માણસો મંદ અથવા મધ્યમ સાધકમાં આવીએ. ઉત્તમમાં હોત તો સંસારી ન હોત. મધ્યમ સાધક થઈએ તો પણ આપણે શ્રીરામકૃષ્ણદેવને પ્રાપ્ત કરી શકીએ, રોમરોમમાં શ્રીરામકૃષ્ણદેવનાં દર્શન કરી શકીએ.

રોમરોમમાં શ્રીરામકૃષ્ણદેવનાં દર્શન કરવા માટે સતત નામ-જપની આદત શરીર અને મનને પાડવી જોઈએ. અજામિલ જેવા તો આ નિયમમાં અપવાદ છે કે ‘નારાયણ’નું નામ માત્ર એકવાર લેવાથી ભગવાન નારાયણ તેને બચાવવા આવે. એ માટે પૂર્વભવનાં પુણ્યનું ભાથું આ જન્મમાં સાથે હોવું જોઈએ. ગીતાના ૮માં અધ્યાયના ૫,૬,૭માં શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ભક્તને ખાતરી આપે છે –

અંતકાળે તજે દેહ મને જ રટતા રહી,
પામતા તે મને તેમાં લેશ સંશય છે નહીં.—

જે જે ભાવ સમરીને જે છોડી જાય શરીરને
તેને તે જ પામે સદા તે ભાવના ભર્યા.

સર્વકાળે મને સ્મરતાં મહાબાહો જરૂર તું
મન-બુદ્ધિ મને અર્પે નિ :શંક પામશે મને.

અંતકાળે રટણ શ્રીરામકૃષ્ણદેવનું કરવું હોય તો તેના નામસ્મરણમાં સતત એકાકાર થવું પડે, અગાઉના જન્મનાં સ્મરણ, પુણ્ય કર્મોનું ભાથું હોવું જોઈએ. આ જીવનમાં પણ એ નામજપની, ભક્તિની, સાધનાની પ્રક્રિયા આગળ ધપાવવી પડે. મનુષ્ય માટે આ જીવન દેખાય છે પરંતુ તે પહેલાં અને આ જીવન પછી પણ આત્માની મુસાફરી ચાલુ જ રહે છે જેમ કે લાંબા અંતરે જવું હોય તો બે ત્રણ બસ બદલીને જવું પડે તેવું, આ આત્માના પ્રવાસનું છે. સાધકે અંતકાળે ઠાકુરનાં દર્શન કરવાં હોય તો તેની તૈયારી નાની ઉંમરથી કરવી પડે. નામ-જપ, પૂજા-જાપ, દરિદ્રનારાયણ સેવા વગેરેનેે કારણે ઘડતર થતું જાય. આ પ્રક્રિયા માટે ભગવાનને યાદ કરવા માટે કોઈ પ્રકારનાં બંધન નથી. શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે તેમ :

ન દેશકાલ નિયમ શૌચાશૌચ વિનિર્ણય,
પરં સંકીર્તન દેવ રામ રામેતિ મુચ્યતે.

ન દેશ નિયમો રાજ્યાનુકાલ નિયમસ્તથા
વિદ્યતે નાત્ર સંદેહો વિષ્ણુનામાનુ કીર્તને.

પ્રભુના નામસ્મરણને કોઈ બંધન નડતાં નથી, તે દેશ અને કાળના નિયમોથી પર છે. એટલે કોઈપણ જગ્યાએ, કોઈપણ સમયે ભગવાનનું સ્મરણ કરી શકાય છે. તેના સ્મરણ માટે પવિત્ર કે અપવિત્ર અવસ્થાનું બંધન તેને નથી. ભગવાન તરફથી આટલી મુક્તિ હોવા છતાં માણસે તેને ધર્મનાં બંધનો બનાવી, નિયમો ઘડી સંકુચિતતા પેદા કરી છે.

શ્રીરામકૃષ્ણદેવ કહે છે તેમ છોડ નાનો હોય ત્યારે તેની આસપાસ વાડ કરી લેવી જોઈએ. છોડ મોટો થાય પછી હાથી બાંધો તોય વાંધો નહીં. એમ નાની ઉંમરથી સંસ્કારની પ્રબળતાને કારણે આપણા હૃદયમાં અંકુરિત શ્રીરામકૃષ્ણદેવના છોડની આસપાસ જપ-પૂજા-નામસ્મરણ, દરિદ્રનારાયણ સેવા વગેરેની વાડ કરવી જોઈએ, પછી સ્થિતિ ઊંચે જતાં અજપા-જપની સ્થિતિ આવતાં પૂજા-પાઠ આપોઆપ શ્રીરામકૃષ્ણદેવ છોડાવી દે. શ્રીરામકૃષ્ણદેવનાં નામસ્મરણની સતત સ્થિતિ પ્રાપ્ત થાય તો બેડો પાર થઈ જાય. જેમ જેમ જીવન વીતતું જાય તેમ તેમ તેનાં પરિણામો દેખાવા લાગે અને રોમેરોમમાં શ્રીરામકૃષ્ણદેવનો નાદ થવા લાગે, અનુભૂતિ થવા લાગે.

આપણે સૌ શ્રીરામકૃષ્ણદેવના ભક્તો તેમના સતત નામસ્મરણ જીવનનૈયાની દોરી તેમના હાથમાં સોંપી, તેમના ચરણમાં સ્થાન લઈશું તો તેઓ ભવસાગર પાર કરાવશે કારણ કે આપણે શ્રીરામકૃષ્ણદેવ વિના રહી શકવાના નથી કે શ્રીરામકૃષ્ણદેવ આપણા વગર રહી શકવાના નથી.

આપણી આ લાગણી શ્રીઅક્ષયકુમાર સેને પોતાના કાવ્યગ્રંથમાં સુપેરે વ્યક્ત કરી છે. શ્રીઅક્ષયકુમાર સેન કહે છે કે શ્રીરામકૃષ્ણદેવ આ ભવસાગર પાર ઉતારનારા ખેવૈયા છે, તેનું હું હૃદયપૂર્વક પૂજન કરું છું, એ મારા એવા મિત્ર છે જે મને આ સંસારમાંથી શોધીને મને મળે છે. હું જે ઇચ્છું છું, તે તત્ક્ષણ પૂર્ણ કરે છે. હું ભવસાગરમાં ભૂલો ન પડું તે માટે મારી પાછળ પાછળ ફરીને મારું ધ્યાન રાખે છે. શ્રીઅક્ષયકુમાર ગૂંચવાઈ છે કે હું તેમને ભજું છું કે તેઓ મને ભજે છે. તેઓ મને પોતાના પ્રાણ સમાન ગણે છે, આના જેવા મારા કોઈ મિત્ર આ જગતમાં નથી.

ખરેખર આપણી સ્થિતિ પણ શ્રીઅક્ષયકુમાર સેન જેવી થઈ શકે છે, જ્યારે રોમેરોમમાં શ્રીરામકૃષ્ણદેવનો નામજપ હોય ત્યારે.

Total Views: 479

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.