1. દરેક સંપ્રદાયને પોતાની સાધનપદ્ધતિ હોય છે. સાધક પોતાની સાધનપરંપરાનું અનુસરણ કરે તે ઇષ્ટ છે, પરંતુ સાંપ્રદાયિક જડતામાં બદ્ધ ન બની જાય તેવી કાળજી પણ રાખવી જોઈએ. દરેક સંપ્રદાયમાં કાળક્રમે સાં5્રદાયિક જડતા આવી જતી હોય છે. સંપ્રદાયમાં કશું ખોટું નથી, પરંતુ સાંપ્રદાયિક જડતા સાધકના આધ્યાત્મિક વિકાસમાં બાધારૂપ બની શકે છે. સાધક સત્યનો શોધક છે. જો કોઈ સંપ્રદાયની જડ-પરંપરા સત્યની શોધમાં બાધારૂપ બને તો તેનો ત્યાગ પણ ધર્મ બની જાય છે. સંપ્રદાય ભગવાનના મંદિરમાં પ્રવેશનું દ્વાર બને તે ઇષ્ટ છે, પરંતુ દીવાલ બની જાય તે ઇષ્ટ નથી.
  2. સાધકે સ્વાધ્યાય અને સત્સંગનું પરિશીલન કરતા રહેવું જોઈએ. સ્વાધ્યાય અને સત્સંગ સાક્ષાત્ સાધન નથી, પરંતુ સાધનામાં સહાય કરનારાં મૂલ્યવાન સહાયક સાધનો છે.

સ્વાધ્યાય એટલે ધાર્મિક-આધ્યાત્મિક ગ્રંથોનું પરિશીલન. સત્સંગ એટલે આધ્યાત્મિક પુરુષોનો સંગ, તેમની સાથે વાર્તાલાપ આદિ.

સ્વાધ્યાય અને સત્સંગથી ચાર પ્રકારની સહાય મળે છે : 1- અધ્યાત્મયાત્રા પર એકનિષ્ઠભાવે ચાલવાની પ્રેરણા મળે છે. 2- આધ્યાત્મિક સમજનો વિકાસ થાય છે. 3- શ્રદ્ધા બળવતી બને છે, શંકાનું નિરસન થાય છે. 4- સાધનામાં આવતાં વિઘ્નકારક વિરોધી પરિબળોથી બચી જવાય છે.

  1. લાંબા સમય સુધી સાધના કરવા છતાં આધ્યાત્મિક વિકાસ જોવા ન મળે તો સાધકે આત્મનિરીક્ષણ કરવું જોઈએ.

ઘડામાં પાણીની ધારા કરવામાં આવે છતાં ઘડો ભરાય જ નહિ તો તેનો અર્થ એમ કે ઘડામાં છિદ્ર છે. આમ હોય ત્યારે પહેલું કાર્ય ઘડાના છિદ્રને પૂરી દેવાનું છે. લાંબા સમય સુધી સાધના કરવા છતાં પરિણામ જોવા ન મળે તો સાધકે સમજવું જોઈએ કે તેના વ્યક્તિત્વમાં કોઈક પ્રકારનું એવું છિદ્ર અર્થાત્ ખામી છે કે જેને પરિણામે સાધના ફળતી નથી. આમ હોય તો પ્રથમ કાર્ય તે ખામીને દૂર કરવાનું છે. અથવા પોતાની સાધના જ ખામીયુક્ત હોય તો તેમાં પરિવર્તન કરવું જોઈએ. વર્ષો સુધી સાધનારત રહેનાર સાધુઓને તે જ ભૂમિકામાં જોઈને દુ:ખદ આશ્ચર્ય અનુભવાય છે અને કહેવાનું મન થાય છે, ‘અરે ! તમે વિચારો તો ખરા કે તમે વિકસો છો કે નહિ ? અરે ! તમે તપાસો તો ખરા કે તમારી વિકાસહીનતાનું કારણ શું છે ?’

આમ હોય ત્યારે સદ્ગુરુ કે અધિકારી વ્યક્તિનું માર્ગદર્શન પણ મેળવવું જોઈએ.

એક લઘુકથાનું સ્મરણ થાય છે.

એક પૂર્ણિમાની રાત્રે પાંચ મિત્રો સમુદ્રકિનારે ફરવા નીકળ્યા. કિનારે એક હોડી જોઈને તેમને સમુદ્રમાં સહેલગાહ કરવાની ઇચ્છા થઈ. બધા હોડીમાં બેઠા. હલેસાં મારવાનું શરૂ કર્યું. સવાર સુધી હલેસાં મારવાનું ચાલુ રાખ્યું. સૌને ખૂબ દૂર નીકળી ગયાનો ભ્રમ થયો. સવારે જોયું તો હોડી ત્યાંની ત્યાં જ હતી. આમ થવાનું કારણ શું ? હોડી જે દોરડાથી બાંધી હતી તે દોરડું છોડવાનું જ ભૂલી ગયા હતા.

આપણી અધ્યાત્મયાત્રા આવી ભ્રામક ન બને તેની કાળજી રાખવી જોઈએ. પોતાની જાતને અને પોતાની સાધનપદ્ધતિને તથા પોતાની વિકાસયાત્રાને સતત તપાસતાં રહેવું તે અધ્યાત્મયાત્રાનો અનિવાર્ય ભાગ છે.

  1. પ્રત્યેક સાધનપદ્ધતિનાં બે સ્વરૂપ હોય છે- બહિરંગ સાધન અને અંતરંગ સાધન. પૂજાપાઠ, યજ્ઞયાગ, આસન-પ્રાણાયામ, જપ આદિ બહિરંગ સાધન છે અને માનસજપ, ધારણા, ધ્યાન, આત્મચિંતન આદિ અંતરંગ સાધન છે. સાધકે બહિરંગ સાધન તરફથી ગતિ કરીને અંતરંગ સાધન તરફ ગતિ કરવાની છે. બહિરંગ સાધનના પર્યાપ્ત અનુષ્ઠાન વિના અંતરંગ સાધનમાં પ્રવેશ થતો નથી અને પ્રવેશ થાય તો તેમાં સ્થિરતાપૂર્વક સુપ્રતિષ્ઠિત થવાતું નથી. તેથી સાધકે કોઈક સ્વરૂપના બહિરંગ સાધનનું અનુષ્ઠાન કરવું જ જોઈએ. બહિરંગ સાધનની કૃતાર્થતા અંતરંગ સાધનનાં પ્રવેશ અને પ્રતિષ્ઠામાં છે. બહિરંગ સાધન જ્યારે અંતરંગ સાધનમાં પર્યવસાન પામે ત્યારે જ તે સફળ થયું ગણાય અને તે જ તેનો હેતુ છે. જો કોઈ સાધક અંતરંગ સાધન તરફ દૃષ્ટિ રાખ્યા વિના માત્ર બહિરંગ સાધનમાં જ રમમાણ રહે તો તેની સાધના વિવેકહીન સાધના છે. ખરેખર તો બહિરંગ સાધન તથા અતિરંગ સાધન અર્થાત્ સમગ્ર સાધના સાધ્યમાં પરિણમવી જોઈએ. સાધના માત્ર સાધના માટે નથી. તે સાધ્ય માટે છે. તેથી બહિરંગ સાધન અને અંતરંગ સાધનનો સુભગ સમન્વય થવો જોઈએ.

કોઈ પણ પ્રકારની સાધના માત્ર સાધના ખાતર નથી. સાધના સાધ્યની સિદ્ધિ માટે છે. સાધનપથ પર વિકસતાં વિકસતાં આખરે સાધ્યમાં પ્રતિષ્ઠિત થવું જોઈએ. બહિરંગ-અંતરંગ સાધનનો વિવેક અને સાધન-સાધ્યનો વિવેક જાળવીને અધ્યાત્મપથ પર ગતિ કરવી જોઈએ.

  1. અધ્યાત્મયાત્રા તો અનંતની યાત્રા છે. આ યાત્રા દરમિયાન સાધકને અનેકવિધ અનુભૂતિઓ થાય છે. કોઈ સાધક આ યાત્રા દરમિયાન વચ્ચે આવતી અનુભૂતિઓને જ અંતિમ અવસ્થા કે અંતિમ સાધ્ય માનીને બેસી જાય તો તે એક રીતે આધ્યાત્મિક આત્મહત્યા છે. રસ્તા પર આવતાં સીમાચિહ્નોને આખરી મુકામ માનીને ત્યાં રહી જવું અને તેને જ અધ્યાત્મયાત્રાની પૂર્ણાહુતિ માની લેવી તે આધ્યાત્મિક વિવેકહીનતા છે. રસ્તે આવતો મુકામ ગમે તેટલો રમણીય અને સુખપ્રદ હોય છતાં પણ ત્યાં અટકી જવું તે ઉચિત નથી જ.

અધ્યાત્મપથ પર આંશિક પ્રતીતિઓ આવે જ છે. આવી પ્રતીતિઓ સાધક પર થતી પરમાત્માની કૃપા છે. આવી પ્રતીતિઓથી સાધકનો ઉત્સાહ અને શ્રદ્ધા વૃદ્ધિ પામે તે ઉચિત છે, પરંતુ આવી આંશિક પ્રતીતિઓને પૂર્ણતાની ઉપલબ્ધિ માની શકાય નહિ. પ્રકાશની ઝલક અને પૂર્ણપ્રકાશની પ્રાપ્તિ, તે બન્ને એક નથી તેવો વિવેક સાધકે જાળવવો જોઈએ.

  1. ઘણા સાધકો, સાધુઓ પ્રારંભમાં સાધનપરાયણ જીવન જીવે છે પણ કોઈ ધર્મસેવા, ધર્મપ્રચાર, સંસ્થાસેવા, કથા, પ્રવચન આદિ કાર્યોમાં લાગી જાય છે અને યથાર્થ અધ્યાત્મ બાજુ પર રહી જાય છે. આમાંનું કશું મૂલત: ખોટું નથી, પરંતુ આમાંનું કશું યથાર્થ અધ્યાત્મ નથી. આમાંનું કશું અધ્યાત્મનો વિકલ્પ નથી. ઘણા સાધકો આવાં કાર્યોને જ સાધના માની લે છે. આવાં કાર્યો સત્કાર્યો છે, પરંતુ સાધના નથી. સાધકે તેને સાધનાના વિકલ્પો કે સાધના માનીને તેના રવાડે ચડવું નહીં. અધ્યાત્મપથ પર આવતાં આવાં સાત્ત્વિક પ્રલોભનોથી પણ સાધકે બચીને રહેવું જોઈએ.

ભગવત્પ્રાપ્તિ પરમ ધર્મ છે. સાધક માટે સાધના પ્રથમ કર્તવ્ય છે. તેના વિકલ્પે અન્ય કાર્યોનો સ્વીકાર કરી યથાર્થ અધ્યાત્મ અને યથાર્થ સાધનાનો ત્યાગ કરવો તે વિવેકહીનતા છે. સૂક્ષ્મદૃષ્ટિએ વિચારીએ તો તે પણ એક પ્રકારનું આધ્યાત્મિક પતન છે.

મારે ભગવાન જોઈએ છે, બીજું કશું નહિ; મારે યથાર્થ સાધનાનું પરિશીલન કરવું છે, ભ્રામક સાધનાનું નહિ- આવું મનોવલણ જ યથાર્થ આધ્યાત્મિક વલણ છે.

ધર્મપ્રચાર, સંસ્થાસેવા, સમાજસેવા- આવા રૂપાળા શબ્દોથી લોભાવું નહિ.                         (ક્રમશ:)

Total Views: 491

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.