(૫ અને ૬ ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ભક્તો સાથે વાર્તાલાપના પ્રસંગમાં પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા. આ વાર્તાલાપનો એક સારાંશ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે.)
પ્રશ્ન: ભગવાન શ્રીરામકૃષ્ણ આવ્યા છતાં આજે એક સો વર્ષ પછી પણ માનવજીવનમાં તેની અસર જોઈએ તેટલા પ્રમાણમાં દેખાતી નથી, તેનું કારણ શું હોઈ શકે?
આધ્યાત્મિક જીવન માટે ફક્ત થોડા માણસો આગ્રહ રાખી શકે અને જેઓ આગ્રહ રાખે છે તેમાંથી થોડાક કદાચ એ રસ્તે જવાનો પ્રયાસ કરે છે અને જેઓ પ્રયાસ કરે છે તેમાંથી પણ એકાદ ભાગ્યે જ લક્ષ્ય સુધી પહોંચી શકે છે. પ્રાચીન કાળથી આમ ચાલતું આવ્યું છે. ગીતાજીમાં કહ્યું છેઃ
मनुष्याणाम् सहस्रेषु कश्चित् यतति सिद्धये।
यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः॥
(ગીતા ૭.૩)
હજાર માણસોમાંથી કદાચ એકાદ જણ સિદ્ધિ પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે અને જેઓ પ્રયાસ કરતા હોય છે એમાંથી પણ એકાદ વ્યક્તિ લક્ષ્ય સુધી પહોંચી શકે છે. આ ગીતાજીની વાત તો કેટલાંય વર્ષ અગાઉની છે. આધ્યાત્મિક જીવન વિશે ઉપનિષદમાં પણ આમ જ કહેલું છે. ભગવાન રામચંદ્ર, ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન બુદ્ધ, કેટલાયે આવ્યા છે, છતાં આ જગત સ્વામીજીના કહેવા મુજબ જાણે કૂતરાની પૂછડી છે. એને તમે સીધી કરવા પ્રયાસ કરો તો ત્યારે તો એ સીઘી થાય છે, પણ છોડી દો તો ફરીથી વાંકી ને વાંકી થઈ જાય છે. એટલે તો ભગવાન અવાર-નવાર આવે છે, કે જેથી ફરી-ફરી જગતમાં સુધારો કરી શકે. નહિ તો ભગવાનને અવારનવાર અવતારરૂપે આવવાની જરૂર શી? ઉન્નતિ થઈ જશે એવી આશા નિરર્થક છે. છતાં, ભગવાને બધું નિરર્થક સમજીને આવવાનું બંધ કરી દીધું નથી, તે તો આવે જ છે અને જે લોકો પોતાના જીવનને સુધારવા પ્રયત્ન કરે છે એ લોકોને આવા ચરિત્રો પ્રોત્સાહન આપશે. માર્ગદર્શન કરાવશે. સત્ યુગમાં પણ અસુરોનો અભાવ ન હતો. ત્યાર પછી ત્રેતા, દ્વાપર એ બધા યુગમાં પણ અસુરો હતા. માત્ર કળિમાં જ અશુદ્ધિ છે, દુષ્ટ માણસો એમાં જ ઉત્પન્ન થાય છે એમ નથી. પ્રાચીન કાળથી ભગવાન અસુરોના વિનાશ માટે આવે છે એમ કહેવાય છે.
परित्राणाय साधूनाम् विनाशाय च दुष्कृताम्।
धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे।।
(ગીતા ૪.૮)
ગીતાજીમાં કહે છે કે, ભગવાન શ્રીકૃષ્ણ આવ્યા, દુષ્ટોના વિનાશ માટે અને સાધુઓના રક્ષણ માટે. ધર્મસંસ્થાપના માટે આવ્યા. હવે એ ક્યાં છે? શું દુનિયાનું રક્ષણ પૂરું થઈ ગયું છે? શું ધર્મનું રક્ષણ પૂરું થઈ ગયું છે? શું દુષ્કૃત્યોનો સાવ વિનાશ થઈ ચૂક્યો છે? શું સાધુઓની રક્ષા પણ સારી રીતે થઈ છે? આજે પણ માણસોને કેટલા પ્રકારની તકલીફો પડે છે? આજ નહીં, શરૂઆતથી જ આપણે જ્યાં સુધી આપણને ઇતિહાસ જાણવા મળે છે ત્યાં સુધી આવું જ છે. તો પછી શ્રી રામકૃષ્ણ ભગવાન આવ્યા એટલે દુનિયા સાવ બદલાઈ જશે એવું કાંઈ સંભવ છે? અને શ્રીરામકૃષ્ણ ભગવાન એ બાબતમાં શું કહે છે? કોઈ દિવસ શ્રીરામકૃષ્ણ ભગવાને એવું કહ્યું નથી કે આ દુનિયાને સુધારવા માટે હું કામ કરું છું. એમની દૃષ્ટિએ આ ભગવાનની લીલા છે. જો બધાય સંત બની જાય, બધાય ધાર્મિક બની જાય તો, દુનિયામાં ભગવાનની લીલા બંધ થઈ જશે. એમાં સારા અને નરસા બન્ને રહેશે. જો બધે જ ફક્ત પ્રકાશ હોય અને અંધારું બિલકુલ ન જ હોય તો પ્રકાશનો કંઈ અનુભવ ન થાય એટલે અંધકારની અને પ્રકાશની બન્નેની જરૂર છે. આવી રીતે દુનિયામાં સારા અને નરસા બન્નેનું સ્થાન છે.
સૃષ્ટિકર્તા ભગવાન બ્રહ્મા, એમનાં બે સંતાન છે: દેવો અને અસુરો. એમાં અસુરોની સંખ્યા વધારે છે અને દેવોની સંખ્યા ઓછી હોય છે. આમ સૃષ્ટિના આરંભથી દેવાસુર સંગ્રામ ચાલ્યા કરે છે. શ્રીરામકૃષ્ણ ભગવાન ઉપદેશમાં કહે છે કે રામચંદ્ર અવતર્યા હતા એની માહિતી માત્ર ૧૨ ઋષિઓને જ હતી. બીજા બધા માનતા કે એ તો દશરથના પુત્ર છે. આ વાત તો દેવોની બુદ્ધિમાં પણ આવે નહીં. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે:
अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम्।
परं भावमजानन्तो मम भूतमहेश्वरम्॥
(ગીતા ૯.૧૧)
માણસો પરમેશ્વરને સાધારણ માનવ માને છે. તેમના સાચા સ્વરૂપને ઓળખતા નથી. તો પછી ભગવાને આટલી બધી સંખ્યામાં અવતાર લીધા એનું કંઈ કાયમી ફળ છે ખરું? જગત અનિત્ય છે અને અવતારો પણ આવે છે અને જાય છે. એટલે જગતમાં કાયમને માટે સુધારો કોઈ કરી શકે નહીં. એ તો જાણે કે હતાશાની વાત છે. આમ હોય તો આપણા ભવિષ્યનું શું? ભવિષ્ય એ જ કે તેઓ (યુગાવતા૨) બૂમ પાડીને બોલાવે અને બે-ચાર ભક્તજનો એ અવાજ સાંભળે છે. તેમાં પણ અમુક એકાદ જણ રસ બતાવે. તો રામકૃષ્ણ દેવ આવીને જગત પલટાવી ગયા – એવું કંઈ સંભવિત નથી. શ્રીરામકૃષ્ણદેવ આવ્યા છે. એમનું જીવન આપણી પાસે છે અને એમાંથી અમુક માણસો પ્રેરણા પ્રાપ્ત કરે છે. અને બીજા રહી જાય છે તો પછી શું થશે? જેમ અગાઉ કહ્યું તેમ ભગવાન અવતાર લેતા જ રહેશે, હંમેશાં લેશે અને આ રીતે જગતમાં લીલા ચાલ્યા કરશે. માણસો સાંભળતા નથી કારણ કે મનુષ્યનાં મન શુદ્ધ નથી. બધા માણસોમાંના કેટલાક અસુર પ્રકૃતિના હોય છે અને દેવ પ્રકૃતિના ઓછા હોય, પણ આપણે શું કરવું છે? આપણા મનમાં જો કંઈ આ બાબતમાં રસ હોય તો આપણે આપણા જીવનને બદલાવીએ. જગતને બદલવા માટે જે પ્રયાસ કરે એના જીવનમાં દુઃખ જ હોય પણ જગતની તો એ સેવા જ કરી શકે. બધાયના રોગ મટાડવા માટે સારવાર કરે તો પણ બધાના રોગ થોડા મટી જાય? અને એટલા માટે કંઈ સા૨વા૨ બંધ કરી દેવાશે? પ્રયત્ન તો ચાલુ જ રાખવાનો હોય છે. જે લોકોને આગ્રહ હોય સાંભળવા માટે, તેમને તેઓ આગ્રહ કરીને સંભળાવે એમ શ્રીરામકૃષ્ણ ભગવાન કહેતા. દક્ષિણેશ્વરમાં એમનું છેલ્લું જીવન લગભગ એ રીતે જ વિત્યું. એવું શુચિભવ્ય જીવનચરિત્ર હતું ખરું. પણ જે લોકો તેમની સાથે દક્ષિણેશ્વરમાં રહેતા હતા, દિનરાત અવારનવાર પાડોશીઓ આવીને મળતા, એમાંથી કેટલાના જીવનને પ્રેરણા મળી? શ્રીરામકૃષ્ણદેવનાં શિષ્યમાંના એક સ્વામી શારદાનંદજી હતા. તેઓ એક દિવસ ભક્તો સાથે બેઠા હતા. અને મારા સદ્ભાગ્યે હું પણ ત્યાં હતો પણ ત્યારે નાનો હતો. એટલે છાનોમાનો બેઠો રહેતો. બીજાઓ જે કહે તે સાંભળતો હતો. એક ભક્ત આવ્યા. એમણે શારદાનંદજીને કહ્યું કે હું સાધુસંગ કરવા આવ્યો છું. તો શારદાનંદજીએ કહ્યું કે ભગવાન શ્રીરામકૃષ્ણ દેવ સ્વયં દક્ષિણેશ્વરમાં બિરાજતા હતા અને એમની પાસે પાડોશીઓ પણ અવારનવાર આવીને મળતા અને દક્ષિણેશ્વરના પૂજારીઓ, કર્મચારીઓ ત્યાં દિવસ રાત એમની સાથે રહેતા. પણ એ લોકોના જીવનમાં કાંઈ ઉન્નતિ થઈ હોય એવું દેખાતું નથી. સાક્ષાત્ અવતાર એમની સાથે હંમેશાં રહે છે, છતાં ઉન્નતિ કાંઈ દેખાતી નથી. એટલે સાધુસંગ એટલે સાધુઓની સમીપ રહેવું એ જ પર્યાપ્ત નથી. ભગવાન આવે અવતાર લઈને, એમની સાથે જ રહે છે. એમને દુશ્મનો ન હોય. ભગવાન શ્રીકૃષ્ણ આવ્યા ત્યાર પછી શિશુપાલ, જરાસંધ વગેરે હતા જ ને? પ્રાચીન કાળમાં જે શ્રીકૃષ્ણથી અગાઉ પણ જેમ મેં કહ્યું તેમ ઉપનિષદના યુગમાં પણ એવી સ્થિતિ હતી.
આપણે જો એમ ધારીએ કે દુનિયાને બદલાવી નાખીશું તો શ્રીરામકૃષ્ણ દેવ કહે છે કે એ તો અભિમાન કહેવાય. ભગવાન જો પોતે કરી શકે નહીં તે અમે ધારીએ તો અમે કરી શકીશું એવું કોઈ દિવસ હોય? છતાં એના માટે પ્રકૃતિ અનુસાર માણસે પ્રયાસ કરવો જ પડે. માણસને એમાંથી છૂટકો નથી. સંત માણસો સદા સૌનું કલ્યાણ કરતા રહેશે, અવતારો દુનિયાના ઉદ્ધાર માટે આવતા જ રહેશે અને બીજા દુષ્ટ પ્રકૃતિના માણસો એ ભગવાનના પ્રયાસને પણ નકામો કરવા માટેના પ્રયાસો કરતા જ રહેશે.
Your Content Goes Here




