આપણો આધ્યાત્મિક વારસો
આ ઈન્સ્ટિટયૂટ ઑફ કલ્ચરમાં અગાઉ આપેલાં પ્રવચનોને પ્રસંગે હું તમારી સમક્ષ આવ્યો છું તેના કરતાં આજે સાંજે જુદી રીતે આવું છું. એ પ્રસંગોએ હું અતિથિ હતો પણ હવે હું યજમાન છું અને, નવી દિલ્હીમાં તેર વરસ ગાળ્યા પછી અહીં કલકત્તે આવવામાં, અહીં, રામકૃષ્ણ મઠની આ અગત્યની શાખામાં મંત્રીપદે કામ કરવામાં હું ખૂબ આનંદ અનુભવું છું.
ઉપનિષદો અને ભગવદ્ગીતામાં સમાવિષ્ટ મહાન ભારતીય આધ્યાત્મિક સાહિત્યના અધ્યયનને લગતી વ્યાખ્યાનમાળાના આ પ્રથમ પ્રવચનનો વિષય આ ઈન્સ્ટિટયૂટની ભાવના સાથે પૂરી રીતે સુસંગત છે — ‘આપણો આધ્યાત્મિક વારસો.’ આ ઈન્સ્ટિટયૂટ પૂર્વ અને પશ્ચિમ બંનેનો, માનવજાતનો આધ્યાત્મિક વારસો આત્મસાત કરવા ચાહે છે. અને એ વારસાનો ભાગ ભારતનો સનાતન વારસો છે જે, સર્વશ: આધ્યાત્મિક છે. આ દેશના અમર સાહિત્યમાં ને તેમાંયે, ખાસ કરીને ઉપનિષદો અને ભગવદ્ગીતામાં મૂર્ત થયેલાં દર્શનોમાં કશુંક સનાતન તત્ત્વ છે. પ્રાચીન ભારતના દૃષ્ટાઓ, ઋષિઓ અને ચિંતકોનાં એ દર્શનો છે. માનવજાતના સાતમા ભાગને આવરી લેતા સાંસ્કૃતિક પ્રયોગમાં આ દર્શનો મૂર્ત થયાં છે. યુગ પછી યુગથી તે ઠેઠ આપણા પોતાના જમાના સુધીનું આ દર્શનનું સાતત્ય જગતના ઇતિહાસનું એક અસરકારક લક્ષણ છે. જગતના ઇતિહાસમાં બીજું બધું આવે ને જાય, ઉપનિષદોના ઋષિઓનાં આ દર્શનો ચિરકાળ રહેવાનાં છે.
આપણને જાણવા મળે છે કે, પૂર્વ અને પશ્ચિમ બંનેનાં, પુરુષો અને સ્ત્રીઓનાં હૃદયને ભારતના આ આધ્યાત્મિક વારસાનું વિષયવસ્તુ પ્રિય છે. વિવિધ દેશોના મારા પ્રવાસમાં, ભારતીય સનાતન વારસા પ્રત્યેના માનવ ચિત્તના આ સાર્વત્રિક પ્રતિભાવે મને ખૂબ પ્રભાવિત કર્યો છે. માનવચિત્તને આ ભારતીય સંદેશની અપીલ ભૂગોળ, ઇતિહાસ કે રાજકીય અને સામાજિક, બધી બાબતોથી પર જાય છે. બીજાં રાષ્ટ્રોની માફક પોતાની રાજકીય, સામાજિક, આર્થિક અને અન્ય મર્યાદાઓવાળો એક ભારત દેશ છે; પરંતુ, અમાપ વૈવિધ્ય અને વ્યાપવાળો, મનુષ્ય અને પ્રકૃતિમાં જે પરમ છે તે સત્યનો સાક્ષી, જગતને માનવભવ્યતા અને મહત્તાનો વારસો આપનાર બીજો ભારત પણ છે. અર્વાચીન જગતમાં મનુષ્યોના સામૂહિક અને વૈયક્તિક અસ્તિત્વનો સુઢ આધારસ્તંભ બની શકે તેવાં આ દર્શનો છે.
સ્વામી વિવેકાનંદનાં વચનોને પશ્ચિમમાં જે આશ્ચર્યજનક આવકાર સાંપડ્યો તે એકલદોકલ કે તરંગી ઘટના ન હતી. કેટલીય સદીઓથી આજનું જગત સાર્વત્રિક મૂલ્યોની ખોજ કરી રહ્યું છે. જ્યારે જ્યારે એમને ભારતના દાર્શનિક અને આધ્યાત્મિક વારસાને સાંભળવા કે સમજવાની તક મળે છે ત્યારે એને સામ્યવાદી દેશો સહિતની આખીયે દુનિયામાં પ્રતિસાદ દેતા, યુવાનો સહિતનાં અનેક લોકો છે એ મારો અનુભવ છે. ભારતના આ સંદેશ બાબતમાં કશું રૂઢિગત, કશું સ્વમતાગ્રહી કે કશું સાંપ્રદાયિક નથી કારણ, મનુષ્યના વિકાસની, એની પ્રગતિની, એની સર્વોત્તમ ઉત્કૃષ્ટતાની વાત એ કહે છે. આની તો દુનિયા વાટ જુએ છે. ચેકોસ્લોવેકિયામાં, લોકોએ મને કહ્યું હતું કે ધર્મ અને ફિલસૂફી વિશેનો એમનો વારસાગત ખ્યાલ તદ્દન જુદો હતો અને, મનુષ્યની સમગ્ર ઉત્કૃષ્ટતાના વિકાસને વેદાન્ત જે રીતે વ્યક્ત કરે છે. તેથી તેઓ ખૂબ અભિભૂત થયા હતા. આ વિચારમાં કશું સંકુચિત નથી; એ કોઈ ધાર્મિક, સામાજિક કે રાજકીય અભિવ્યક્તિ સાથે બદ્ધ નથી પણ, વૈશ્વિક અને માનવીય છે. આ વિચારોથી એ બધા ખૂબ અભિભૂત થયા હતા અને, તેમણે તરત જ પ્રતિભાવ આપ્યો હતો.
ભારતીય ચિન્તનના આ વારસા વિશે જગત એકદમ ઓછું જાણે છે તે મારો દુ:ખદ અનુભવ છે. હકીકતમાં કેવો અને કેટલો ખજાનો પોતાને વારસામાં મળ્યો છે તેનું ભારતમાં પણ લોકોને ભાન નથી. છતાં, આપણા આધ્યાત્મિક વારસાનો ઉલ્લેખ રાષ્ટ્રના ગૌરવ તરીકે, માત્ર રાષ્ટ્રીય વારસા તરીકે કરતા નથી. આપણે એની વાત કરીએ છીએ ત્યારે, માનવીનું માનવી તરીકેનું ગૌરવ વાતનું વિષયવસ્તુ બને છે. ભારતમાં માનવીએ કેટલીક મહત્તાઓ સિદ્ધ કરી છે, અનુભૂતિનાં ઊંચાં શિખરો એણે સર કર્યાં છે અને, સમગ્ર માનવજાત માટે તે વારસો મૂકી ગયા છે. એના પર આપણે કોપીરાઈટનો કોઈ દાવો કરતા નથી; માણસની એક સ્થળની મહાન સિદ્ધિઓ માણસની સાર્વત્રિક સિદ્ધિ છે. એવરેસ્ટ અને બીજાં શિખરો મનુષ્યે સર કર્યાં તે બદલ આજે આપણે ઘણું સાંભળીએ છીએ. સર્વોચ્ચ મહત્તાનાં અને અનુભૂતિનાં શિખરો ભારતે સર કર્યાં છે અને, સમગ્ર જગતને તેની આ ભેટ છે, તે એવી કે એ જરાય સંકુચિત નથી કે વાડાબંધીવાળી નથી પણ, જે માનવ ચિત્તની, માનવ ચિન્તનની અને માનવની સમગ્ર અનુભૂતિની ઉચ્ચતમ સિદ્ધિની વાત માંડે છે.
માનવ અનુભૂતિનો પડકાર
ઉત્ક્રાંતિની જે લાંબી રેખામાંથી જીવન પસાર થયું છે તેણે મનુષ્યને સૌન્દર્યની, શક્તિની, સત્તાની, મહત્તાની ઝાંખી કરાવી છે. આ સર્વને અભિવ્યક્તિની ઉચ્ચતમ કક્ષાએ ભારત લઈ ગયું છે. યુગો પૂર્વે ભારતે પ્રશ્ન કર્યો: ‘મનુષ્યની ઉચ્ચતમ ઉત્કૃષ્ટતા શી છે?’ આ પ્રશ્નને હલ કરવામાં ભારતે દાખવેલી ચોકસાઈ આંખે વળગે તેવી છે. જે ઉત્કૃષ્ટતાનો થોડો ઘણો અંશ માનવીનાં શૈશવમાં છે તેના ઉચ્ચતમ બિન્દુએ પહોંચવા માટે, દેહ, ઇન્દ્રિયો અને બીજી શક્તિઓનો વારસદાર માનવીએ હજી પહોંચવું બાકી છે. આ ઉચ્ચતમ ઉત્કૃષ્ટતાની સિદ્ધિ કેન્દ્રગામી જીવનયત્નની નીપજ છે; એ કેળવણી અને ધર્મનું મિશ્રણ છે. ઋષિઓ અને દાર્શનિકોની સર્જનાત્મક લઘુમતી દ્વારા ભારતે પોતાના સાંસ્કૃતિક ઈતિહાસમાં આ પ્રશ્ન ઘણો વહેલો હલ કર્યો હતો. એમની ખોજનાં પરિણામ આપણને એ અમર સાહિત્ય, ઉપનિષદોમાં સાંપડે છે. એ સાહિત્ય અમર છે કારણ કે, એનું વિષયવસ્તુ અમર છે. પોતાની ઇન્દ્રિયોની મર્યાદાની પાર જવામાં મનુષ્યની પરમ ઉત્કૃષ્ટતા રહેલી છે, એમ ઉપનિષદો કહે છે. આપણે ઘણી બધી વસ્તુઓની પાર ગયાં છીએ. આ મનો-દૈહિક સ્વરૂપમાં આપણે કેટલાક પશુ-વારસાની પાર નીકળી ગયાં છીએ પરંતુ, આ સિદ્ધિ છેલ્લી નથી કે સર્વોત્તમ સિદ્ધિ નથી. આજ માનવીની ટેક્નિકલ સિદ્ધિઓ પણ એની કુલ શક્તિઓની એક કોરનેય સ્પર્શતી નથી; આ બધી બૌદ્ધિક પ્રગતિઓ છતાં, પોતાના પાશવી વારસાનો ઘણો ભાગ એણે તજવાનો છે. ઉત્ક્રાંતિમાં એ ઘણી પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે પણ, એનામાં અને એના દ્વારા ઉત્ક્રાંતિએ ઘણી ઊંચાઈ સર કરવાની છે. પ્રવર્તમાન સ્થિતિ તો પસાર થતો તબક્કો છે; મનુષ્ય હજી મનુષ્ય બન્યો નથી; એણે પોતાની જાતથી જ ઊંચે ચડવાનું છે અને અભિવ્યક્તિનાં ઊંચેરાં શિખરો આંબવાનાં છે.
આ માનવ ઉત્ક્રાંતિનો પડકાર, ગહનતર કક્ષાની માનવ અનુભૂતિનો પડકાર, ઉપનિષદોએ ઝીલ્યો અને, ચિંતન તથા અનુભૂતિની ઊંચેરી ટૂકો સર કરવા એ આગળ વધ્યાં. મનુષ્યની સાચી મહત્તા પોતાના અમર દિવ્ય સ્વરૂપના સાક્ષાત્કારમાં રહેલી છે તેની ઝાંખી તેમણે આપણને કરાવી. ઉપનિષદોનું વિષયવસ્તુ આ છે. આ વિષયવસ્તુ તેમણે એક સમગ્ર સાંસ્કૃતિક પ્રયોગને આપ્યું છે કારણ, ભારતીય સંસ્કૃતિનું એ વિષયવસ્તુ બની ગયું. આપણા સમયમાં, આ વિષયવસ્તુનું દીપ્તિવંતું પ્રાગટ્ય શ્રીરામકૃષ્ણમાં થયું હતું. ઉપનિષદોથી શ્રીરામકૃષ્ણ સુધીનું એક સાતત્ય છે અને, જગતના ઈતિહાસનું એ સાતત્ય એક તેજસ્વી પાસું છે. ઐતિહાસિક અભિવ્યક્તિમાં કોઈ સંસ્કૃતિ સતત રહી શકે નહીં, સિવાય કે, સનાતન અને અવિનાશીનું દર્શન એણે પોતાનામાં જીવંત રાખ્યું હોય. અનુભૂતિના કાળમીંઢ પર એક સંસ્કૃતિ પોતાની ઈમારત ઊભી કરે, જીવનનાં મૂળને એ સંસ્કૃતિ જુએ અને સ્પર્શે ત્યારે જ, પોતાનાં એકતા અને સાતત્યને જાળવવામાં એ વિજયી બને ત્યારે જ એ દીવાદાંડી બની યુગ પછી યુગમાં મનુષ્ય જીવનને પ્રેરણારૂપ બને.
ભારતના ઈતિહાસને આપણે આ રીતે જોવાનો છે; ભારતે જીવનને અનેક બાજુઓએથી જોયું ચકાસ્યું છે. ઘણાં લોકોને એવો ખોટો ખ્યાલ છે કે ભારતીય ચિંતને મનુષ્યનો ખ્યાલ ધાર્મિક સાધક તરીકે, પરલોકના રહસ્યના શોધક તરીકે કે, જીવનપારનાં મૂલ્યોના શોધક તરીકે કર્યો છે. પણ આ સાચું નથી. વ્યક્તિગત કે સામૂહિક જીવનનાં બધાં પાસાંના ભારતીય રાષ્ટ્રે પ્રયોગો કર્યા હતા અને જીવનને વિકસાવ્યું હતું; એમાં સામાજિક સંસ્થાઓ, રાજ્યતંત્રો, ભૌતિક વિદ્યાઓ, કલાઓ, સાહિત્ય અને સુખી, આનંદદાયક જીવનના વિવિધ પ્રકાશનો સમાવેશ થાય છે. ભારતનો ઇતિહાસ દર્શાવે છે કે મોજમજાના જીવન ઉપર ભારની કમી ન હતી; દરેક દૃષ્ટિબિન્દુએથી નાગરિકનું જીવન સુખી થવું જોઈએ.
પણ આની સાથોસાથ, માનવી અને વિશ્વના બધા સાપેક્ષ ખ્યાલોના વાર્તિકથી આરંભાઈ ચિંતનનો એક નવો માર્ગ ખૂલ્યો અને, અનેક પાછળના એકના દર્શનમાં વિકસી અનેકમાં એકતા એક તે જ અનેકનાં દર્શનમાં પરાકાષ્ઠાએ પહોંચ્યો. સામાજિક ક્ષેત્રમાં થોડાક પ્રમાણમાં સલામતી અને કલ્યાણ સાધી લીધા પછી સમાજની સર્જનાત્મક મેધા આગળ વધવા લાગી અને વધારે ને વધારે તાત્ત્વિક પ્રશ્નો પૂછવા લાગી. આ મનો-સામાજિક વ્યક્તિ, મનો-દૈહિક પ્રાણી ઉત્ક્રાંતિનું છેલ્લું પગથિયું છે શું? કે, હજી વધારે આગળ વધી શકે તેમ છે? અલબત્ત, આ સવાલો બહુ થોડા, સર્જનાત્મક ચિંતન કરનારા લોકોને ઊઠ્યા હતા; આવું સાહસ ખેડવાની શક્તિ અને પ્રેરણા તેમની પાસે હતાં. તાત્ત્વિક સત્ત્વની ખોજમાં ભાગ લઈ શકે તેવા મેધાવી લોકો, કોઈ પણ સમાજમાં અલ્પસંખ્ય હોય છે; અને સામાજના કોઈ પણ સ્તરે તે સાંપડે. આપણે ઉપનિષદોનાં પૃષ્ઠો ફેરવીએ છીએ ત્યારે, એમના સર્જનાત્મક ચિંતકોમાં આપણને પુરુષો, સ્ત્રીઓ, બાળકો, બૌદ્ધિકો રાજાઓ અને સામાન્ય જનો જોવા મળે છે. આ ચિંતકો જે ખંતથી આ એક પ્રશ્ન પૂછે છે: ‘પૂર્ણતા શું છે?’ ‘માનવી ઉત્કૃષ્ટતાની સર્વોચ્ચ કક્ષા કઈ છે?’, એ આપણા ચિત્તમાં ચોટે છે. મનની વિશુદ્ધિ અને જીવનની શુચિતા આ ચિંતકોએ પ્રાપ્ત કરેલી હોઈ, આત્મસંયમ અને ધ્યાનમય જીવનશૈલી દ્વારા, તેઓ આ પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત કરી શક્યા હતા: અને સુન્દર શૈલીમાં, આકર્ષક સંવાદોમાં અને કાવ્યના ખંડોમાં તેમણે ભાવિ પેઢીઓને એ વારસો આપ્યો. આ બાબતે આ સાહિત્યને અમર કર્યું છે.
મનુષ્યનું સાચું સ્વરૂપ
પોતાના પુસ્તક ધ લાઈફ ઑફ રામકૃષ્ણ (છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૩)માં રોમા રોલાં લખે છે:
‘જે નરની મૂર્તિનું હું અહીં આવાહન કરું છું તે, ત્રીસ કરોડ લોકની બે હજાર વર્ષની આધ્યાત્કિ ફલશ્રુતિ હતા.’
શ્રીરામકૃષ્ણ (ઈ.સ. ૧૮૩૬-૧૮૮૬) સમાન પુરુષ આપણા જમાનામાં જન્મ્યા અને આવું ભવ્ય જીવન જીવ્યા તે કેવળ ભારતની આ આધ્યાત્મિક પરંપરાના સાતત્યને લઈને. યુગોથી વહેતી એ અવિરત સરિતા છે. આપણામાંથી ઘણાને કદાચ, આની જાણ નથી. કદાચ, આપણામાંના ઘણા એનો લાભ લઈ શક્યા નથી. કેટલાકને લાગે છે કે એ વસ્તુ વધારે પડતી ઊંચી છે પણ એને વિશે સાંભળનારા બધા આશ્ચર્યથી અને અહોભાવથી એની પ્રત્યે જોઈ રહે છે. ભગવદ્ગીતામાં (૨.૨૯) એક શ્લોક છે:
આશ્ચર્યવત્ પશ્યતિ કશ્ચિદેનં
આશ્ચર્યવત્ વદતિ તથૈવ ચાન્ય: ;
આશ્ચર્યવત્ ચૈનં શ્રુણોતિ
શ્રુત્વાપ્યેનં વેદ ન ચૈવ કશ્ચિત્ —
‘આત્માને કેટલાક આશ્ચર્યથી જુએ છે, એને વિશે કેટલાક આશ્ચર્યથી વાત કરે છે. કેટલાક એને વિશે આશ્ચર્યથી સાંભળે છે, પણ, આ સઘળું છતાં, મનુષ્યની સનાતન મહત્તા બહુ જ થોડા જાણી શકે છે!’
તો મનુષ્યની આ સનાતન મહત્તા; છે શું? એ એનું જન્મજાત દિવ્ય સ્વરૂપ છે, અજન્મા, અમર, શુદ્ધ અને પવિત્ર. માણસ દેહ નથી, ઇન્દ્રિયો નથી; સ્થલકાલના જગતમાં એની અભિવ્યક્તિનાં અને એના કર્મનાં એ સાધનો છે. દેહ અને મનનાં સાન્ત રૂપો દ્વારા પોતાની જાતને વ્યક્ત કરતું એ અનંત છે. માણસનું સત્ય સ્વરૂપ આ છે. આ કંઈ ફિલસૂફીની પરિકલ્પના નથી પણ, સિદ્ધ હકીકત છે. બધાં સંવેદનશીલ ચિત્તોને આ વિચારણાએ પ્રેરણા પૂરી પાડી છે. ઉપનિષદો રચાયાં ત્યારે તેણે માનવીઓને પ્રેરણા પૂરી પાડી હતી; એક હજાર વર્ષ પછી તેણે માનવીઓને પ્રેર્યા હતા; અને, આજે ત્રણ કે ચાર હજાર વર્ષો પછી પણ તે આપણને પ્રેરે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસની મહાન ઘટના કે, આજના જગતની સંપત્તિ અને સત્તા ઉપનિષદોના આ વિચારોના ઔચિત્યનું પાંખડુંયે હલાવી શકેલ નથી; એમણે તો એમાં વૃદ્ધિ કરી છે. જગત ચોક્કસપણે મનુષ્યના આધ્યાત્મિક વિકાસની જ ખોજ કરે છે; મનુષ્ય ચિત્ત પર બાઝેલ અસ્પંદતાને એ જ દૂર કરી શકશે. ‘ધન અને સત્તાના મોહમાં મનુષ્યચિત્ત મૂઢ બની ગયું છે.’ -પ્રમાદ્યન્તં વિત્તમોહેન મૂઢમ્ (કઠ ઉપનિષદ, ૨.૬). સતત બંધિયારપણું મૃત્યુ છે. એટલે, માણસ માટે આશાનો સંદેશ ઉપનિષદો પોતાના મહાન વિષય-વસ્તુ દ્વારા આપે છે: મનુષ્યે દ્રવ્ય મેળવવું જ જોઈએ; મનુષ્યે સત્તા મેળવવી જ જોઈએ; આ બધું મનુષ્ય પાસે ભલે હોય; પણ એમાંથી એક્કેયમાં તેણે જાત ગુમાવી દેવી જોઈએ નહીં. એ સાધનો છે, સાધ્ય નથી; અનુભૂતિનાં પડને ભેદી એ પોતાના દિવ્ય આત્માનો સાક્ષાત્કાર કરશે; એ સત્-ચિત્-આનંદ છે. આમ ઉપનિષદો આપણને સર્જનાત્મક જીવનરીતિ અને જીવનસિદ્ધિનો પંથ નિર્દેશે છે.
‘સર્જનાત્મક જીવનરીતિ’ સુંદર પ્રયોગ છે પણ, ‘સર્જનાત્મક’ એટલે શું? એકનું એક કાર્ય ફરી ફરી કરવું તે સર્જકતા નથી. દેહ, ઇન્દ્રિયો, જ્ઞાનતંતુઓનું તંત્ર, એમની પુન: પુન: ઉત્તેજનાઓ અને ગલીપચીઓ સર્જનાત્મક જીવનરીતિ નથી. કોઈને કોઈ કાળે, દેહમનની કેદની ભીંતો આપણે ભાંગવી પડશે. પછી જ આપણે સર્જકતાને પામી શકીશું અને, ઉપનિષદો આ સર્જકતા રજૂ કરે છે. તેથી જ ઉપનિષદો આજનાં નરનારીને પ્રેરી રહ્યાં છે.
અર્વાચીનોના બે પ્રકાર છે. પહેલો, અર્વાચીન સગવડોનો લાભ લે છે માટે તે બધા અર્વાચીન છે. ‘અર્વાચીન’ શબ્દનો એ ચાલુ અર્થ છે. પણ આ શબ્દનો બીજો, વધારે ઊંડેરો અર્થ છે. આ બીજા અર્થ પ્રમાણે, જે માનવી વિજ્ઞાન પર ઉછર્યો છે, જે ચિત્તનો જાગ્રત છે અને સત્યની રાહે ચાલે છે, જેની પાસે પ્રશ્નો પૂછવાની શક્તિ છે, જીસસ કહે છે તેમ, ‘શોધવા, પૂછવા અને ખટખટાવવાની શક્તિ છે’ તે અર્વાચીન છે. એ મનુષ્ય અર્વાચીન છે જે જિજ્ઞાસુ છે, જેની પાસે સત્યની ધગશ છે અને તર્કયુક્ત ખોજ કરવાની શક્તિ છે, જે બધી બાબતોને સ્વીકારી લેતો નથી; પણ વસ્તુના હાર્દે પહોંચવા જે સતત કોશિશ કરે છે તે મનુષ્ય અર્વાચીન છે. એનું અંતર સતત પૂછ્યા કરે છે: ‘પછી શું? પછી શું?’ ઉપનિષદોની ભાવના સાથે આવું મન નિકટતમ છે, કારણ ઉપનિષદોમાં પણ, આ જાગ્રતિની આબોહવા છે, સતત ખોજમાં રહેવાનું મનોવલણ છે, સત્ય માટે ઊંડી ધગશ છે, આગળ ધપવા માટે તીવ્ર ઈચ્છા છે અને, ભોળે ભાવે વસ્તુઓને સ્વીકારી લેવાની વૃત્તિ નથી. ઉપનિષદો અને અર્વાચીન ભાવના વચ્ચે નિકટતાનો નાતો તમને અહીં સાંપડે છે.
એટલે આજે આપણે જોઈએ છીએ કે, વૈજ્ઞાનિક વિચારકો, સત્યની ખોજમાં નિત્ય લાગી રહેનારાઓ, જીવનની અભિવ્યક્તિને ઊંચેરી કક્ષાએ લઈ જવા મથનારાઓ ઉપનિષદ સાહિત્યના સંસર્ગમાં આવે છે ત્યારે, તેઓ મોહિત થઈ જાય છે. ઉપનિષદોનો ઉલ્લેખ કરતાં સ્વામી વિવેકાનંદ (ઈ.સ. ૧૮૬૩-૧૯૦૨) કહે છે: (કમ્પ્લીટ વર્ક્સ, વૉ. ૩, ૮મી આવૃત્તિ, પૃ. ૧૧૦ પર):
‘માનવજાત ઉપર ભારતના સાહિત્યની થતી અસર દર્શાવવા માટેનો અંગ્રેજી ભાષામાં એક જ શબ્દ છે, ફેસિનેશન – આકર્ષણ.’
આ આકર્ષણનું એકમાત્ર કારણ એ છે કે, ચિત્તને એ ક્યાંક વધારે ઊંચે, વિશુદ્ધિએ, વધારે ભવ્યે લઈ જાય છે. ઉપનિષદો વધારે ઊંચે ને વધારે આગળ જવાનો શંખનાદ ફૂંકે છે. કઠ ઉપનિષદ (૩.૧૪)માં આપણે વાંચીએ છીએ: ઉત્તિષ્ઠત! જાગ્રત! પ્રાપ્ય વરાન્ નિબોધત! ‘ઊઠો! જાગો! અને મહાત્માઓ પાસે જઈ જ્ઞાન મેળવો!’
આત્માની પ્રબળ શક્તિ
વર્તમાન બંધિયારપણામાંથી આજના માનવીને આગળ લઈ જવા માટેનો એ શંખનાદ છે. અ બંધિયારપણાની ઘટના જગતના ઈતિહાસમાં ફરી ફરીને આવે છે. સાન્ત મૂલ્યોના કળણમાં અટવાઈ જઈ સંસ્કૃતિઓ કદીક અસ્પંદ – બંધિયાર – બની જાય છે; અને આનાથી મુક્ત થવાનો એક જ માર્ગ છે એમ ઈતિહાસ કહે છે; આવી કટોકટીઓમાંથી કોઈ રાજકીય પદ્ધતિ, સામાજિક તંત્ર, આર્થિક કે વિત્તીય હાથ- ચાલાકી માનવીને ઉગારી શકે નહીં; વધુમાં વધુ, એથી તત્કાલ શાંતિ લાગે; પણ કોઈ સંસ્કૃતિને એના બંધિયારપણામાંથી મુક્ત કરી એને સર્જનાત્મક ગતિ આપી શકે નહીં. આ રોગ આધ્યાત્મિક છે; એનું ઔષધ આધ્યાત્મિક ક્ષેત્રમાંથી જ સાંપડે. અસરકારક ઈલાજનો એક જ માર્ગ છે અને, તે છે, આપણા મનો-દૈહિક તંત્ર પર, મનો-સામાજિક તંત્ર પર અંતરાત્માની શક્તિનો પ્રભાવ પાડવાનો.
આ કાર્ય ભારતે ફરી ફરી કર્યું હતું. અચલ બની ગયેલી દુનિયાને ફરીથી ચાલતી કરવાની આત્માની આ શક્તિની સાબિતી ભારતીય ઈતિહાસમાં આપણને ફરી ફરી જોવા મળે છે. ઉદાહરણ તરીકે, ભગવદ્ગીતામાં (૪.૮) શ્રીકૃષ્ણ કહે છે: ‘ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે’ — ‘ધર્મ સ્થાપવાને માટે હું યુગે યુગે જન્મ લઉં છું.’ જીવન બંધિયાર થઈ એકદમ સાંકડા કુંડાળામાં ઘુમરાયા કરે છે ત્યારે, મનુષ્યમાં અને પ્રકૃતિમાં અંતર્નિહિત આત્મા પુન:જાગ્રત થાય છે અને સામાજિક પ્રક્રિયાને એક નવી ચેતના અર્પે છે, જે આત્મસાત કરવાની નવી શક્તિ વિકસાવે છે અને ગતિની નવી શક્તિ પ્રગટ કરે છે.
જગતને ચેતનવંતું બનાવવાની આત્માની શક્તિનું બીજું ઉદાહરણ બુદ્ધ (ઈ.પૂ.૫૬૩-૪૮૩)ના દૃષ્ટાન્તમાં અને શબ્દોમાં જોવા મળે છે. એ શ્રીકૃષ્ણ પછી આશરે એક હજાર વર્ષે આવ્યા હતા. પોતાને બોધ થયા પછી, સારનાથમાં આપેલા પોતાના પ્રથમ પ્રવચનમાં બુદ્ધે કહ્યું હતું કે, ‘મારું કાર્ય ધર્મચક્ર પ્રવર્તનનું છે.’ એમના આ પ્રવચનનું શીર્ષક જ ‘ધર્મચક્ર પ્રવર્તનસૂત્ર’ હતું. ધર્મની પરિકલ્પના ચક્ર તરીકે અને માનવ વ્યક્તિ કે સમુદાયનું જીવન એ પૈડાં પરના ગાડા તરીકે કરવામાં આવેલ છે. ગારાવાળા રસ્તામાં પૈડું ખૂંચી જાય અને, કોઈ ધીંગો, માણસ ખભો દઈ ધક્કો ન મારે ત્યાં સુધી એ ચાલે નહીં, કોઈ સમાજ કે વ્યક્તિ પણ નાની વસ્તુઓમાં અને દેહ-ઇંદ્રિયોના ક્ષુદ્ર ભોગોમાં આ રીતે ખૂંપી જાય એ શક્ય છે. પ્રાચીન રોમન સમાજનું પતન આ જ કારણે થયું એમ ઈતિહાસ જણાવે છે. અને, આપણા ઈતિહાસમાં પણ આવા ગાળાઓ આપણને જોવા મળે છે. મોજશોખોમાં ભાન ભૂલીને અને, જીવનનાં ઉચ્ચતર મૂલ્યોને વીસરી જઈને, સમાજ અસ્પંદ બની જાય છે અને નાશ નોતરે છે. એટલે પોતાના સારનાથના પ્રવચનમાં બુદ્ધે કહ્યું હતું: ‘ચાલો, આપણે પૈડાંને ખભો દઈએ અને એને ચાલતું કરીએ.’ ચક્રનો ખ્યાલ જ કશુંક ગતિમાન નિર્દેશે છે. બુદ્ધે કહ્યું હતું: ‘હું ધર્મચક્રના પ્રવર્તન માટે આવ્યો છું. શ્રીકૃષ્ણે કહ્યું હતું: ‘ધર્મની ઊર્જાને ગતિમાન કરવા હું આવ્યો છું.’ અને ભારતના ઈતિહાસમાં આ ફરી ફરી બનતું રહ્યું છે. આપણા કાળમાં શ્રીરામકૃષ્ણે શું કર્યું હતું? દેખીતી રીતે કશું જ નહીં. પોતાના જમાનાનાં રાજકીય અને સામાજિક આંદોલનોથી આઘે રહી એમણે શાંતિપૂર્ણ જીવન વીતાવ્યું હતું. પણ, પોતાના આંતરજીવનમાંથી એમણે જે શક્તિઓ ઉત્પન્ન કરી વહેતી મૂકી તેમણે, તેમની આસપાસનાં લોકોને અને આંદોલનોને અસર પહોંચાડી અને, આધુનિક જગતને પોતાને જ પરિવર્તિત કરવા પડકાર ફેંક્યો. આત્માના જીવનને તેના પૂરા ઊંડાણમાં અને વ્યાપમાં એ જીવ્યા અને, મનુષ્યના આધ્યાત્મિક જીવનનો અધિકાર દાખવ્યો. એમણે ધર્મનો સાચો હેતુ અને સાચું કાર્ય દર્શાવ્યાં અને, બધા ધર્મો વચ્ચેનો સંવાદ પ્રદર્શિત કર્યો અને, ધર્મને નામે લડવા ઝઘડવાની કશી જરૂર નથી એમ સમજાવ્યું. ધર્મને નામે લઢવાડ ધર્મની ઠેકડી ઉડાડે છે. પણ ધર્મ કંઈ ઠેકડી નથી. જીવનના ઉત્તમ સાહસ માટે એ માનવીને પ્રેરે છે; એ સાહસ પોતાની સાચી મુક્તિ પ્રાપ્ત કરવાનું છે, એ આત્માની મુક્તિ છે. શારીરિક અને સામાજિક દૃષ્ટિએ માનવી મુક્ત નથી; બાહ્ય આંતરિક પરિબળો માનવીનું નિયમન કરે છે. આપણી આધ્યાત્મિક પ્રકૃતિમાં મુક્તિ છે. એ આપણું સ્વરૂપ છે, અમર અને દૈવી અને આ જીવનમાં જ આપણે એ પ્રાપ્ત કરવી જોઈએ. આ જ સાચી પ્રગતિ છે, સાચો વિકાસ છે; આ જ સાચો ધર્મ છે. શ્રીરામકૃષ્ણ આ મહાન વિચાર જીવ્યા અને એને જીવતાં, એને એટલી શક્તિ બક્ષી કે બીજાં લોકોએ એ વિચાર ગ્રહણ કર્યો ત્યારે, એ શક્તિ પણ એમને સાંપડી. આ વિચારની સત્યતાની એમને ખાતરી થઈ હતી કારણ, શ્રીરામકૃષ્ણે એ સાચેસાચ જીવી બતાવ્યો હતો.
આ રીતે એક બંધિયાર સમાજ ગતિમાન થઈ આગળ ચાલતો થાય છે. તંદુરસ્ત દેહમાં લોહી વહે છે તેમ, રાજકીય દેહમાં આધ્યાત્મિક જીવનનું રુધિર વહેવું જોઈએ. એક મહાન ગુરુ આવે છે અને એમની સાથે મહાન શક્તિ, ઊર્જાનું એક નવું મોજું આવે છે. આપણે ફરી ચાલતાં થઈએ છીએ અને, બંધિયારપણું અદૃશ્ય થવા લાગે છે. માનવી ફરી વાર જીવનનાં ઊર્ધ્વતર મૂલ્યોની ખોજ કરવા લાગે છે. આવા મહાન ગુરુની પાછળ સર્જનાત્મક વ્યક્તિઓ આવે છે જે, ગહન પ્રશ્નો પૂછે છે અને, એમના ઉત્તરો શોધવા પોતે જ ખોજ કરે છે: મનુષ્યનું સાચું સ્વરૂપ શું છે? મનુષ્ય એને કેવી રીતે પામી શકે? મનુષ્યનું ભાગ્ય શું છે અને મનુષ્ય તે કેવી રીતે સિદ્ધ કરે? આધ્યાત્મિકતા શું થોડા ચૂંટેલા, બુદ્ધિશાળી માણસોનો જ અધિકાર છે? કે એ બધાનો અધિકાર છે?
ઉપનિષદો હિમ્મતપૂર્વક ઘોષણા કરે છે કે, આધ્યાત્મિકતા એ દરેક વ્યક્તિનો અધિકાર છે. આ દિવ્ય અને અમર આત્મા દરેક પુરુષ, સ્ત્રી અને બાળકનો અંતરાત્મા છે. મનુષ્યનું સાચું સ્વરૂપ એ છે. બધાં પ્રાણીઓનું પણ સાચું સ્વરૂપ એ છે પણ, પ્રાણીઓ એને પામી શકતાં નથી. મનુષ્યને મળેલા એના મનો-દૈહિક તંત્રની સહાયથી તથા પોતાની ઉત્ક્રાંતિ દરમિયાન એણે જાતે ઊભા કરેલા મનો -સામાજિક વાતાવરણની સહાયથી એ સત્યને પામવાની શક્તિ માત્ર મનુષ્ય પાસે જ છે. આ મહાન સાહસ માટે મનુષ્યને ખાસ સજ્જ કરવામાં આવ્યો છે. મનુષ્યને કેટલાક લાભ છે અને એ લાભનો ઉપયોગ કરવાનું એ શરૂ કરે છે ત્યારે, આધ્યાત્મિક જીવનની ઊંચેરી કક્ષાએ પહોંચવા એ સમર્થ થાય છે. ઉપનિષદો આપણને કહે છે કે, ધન અને સત્તા મનુષ્યની શ્રેષ્ઠ સિદ્ધિ નથી. ભૌતિક સમૃદ્ધિ અને સત્તા પાછળની મનુષ્યની દોટને ઉપનિષદો નિંદતાં નથી; મનુષ્યની કોઈ પણ મૂલ્યો પાછળની દોટને એ નિંદતાં નથી. ‘એમના કરતાં કંઈ વધારે સારું અને ચડિયાતું છે’, એમ માત્ર તેઓ કહે છે. આપણી અંદર રહેલા આ કશાક વધારે ચડિયાતા પદાર્થની પ્રાપ્તિ માટે આગળ જવા આપણને ઉપનિષદો સદા અનુરોધ કરે છે. પોતાની એક દૃષ્ટાંત કથામાં શ્રીરામકૃષ્ણ એક કઠિયારાની વાર્તા કરે છે. એક સાધુએ એને આગળ જવા કહ્યું હતું. આ સલાહને માની, આગળ વધતાં, કાળક્રમે એ સુખડના જંગલમાં, પછી રૂપાની ખાણ પાસે, પછી સોનાની ખાણ પાસે અને જંગલમાં હજી વધારે આગળ જતાં અંતે એને હીરાની ખાણ મળી અને ખૂબ પૈસાદાર થઈ ગયો. આ વાર્તા કરતાં શ્રીરામકૃષ્ણ કહેતા, ‘એટલે, હું કહું છું કે, જીવનને કોઈ પણ તબક્કે તમે હો, તમે તમારી જાતમાં જેમ ઊંડેરા જશો તેમ તમને વધારે ને વધારે પ્રાપ્તિ થશે.’
ક્રમશઃ
Your Content Goes Here




