ખ્રિસ્તી રહસ્યવાદના અને ઈરાનના ઈસ્લામ પહેલાંના કાળની આધ્યાત્મિક પરંપરાઓના સંપર્કથી ઈસ્લામના સૂફી આંદોલનનો ઉદ્ભવ થયો. એણે ઈસ્લામના શ્રુતિ તત્ત્વ પર ભાર મૂક્યો; એ તત્ત્વ ઈતિહાસથી પર છે, સનાતન આધ્યાત્મિક હાર્દ છે. આધ્યાત્મિક સાક્ષાત્કારના માર્ગ તરીકે અહીં ઈસ્લામ ખૂબ તેજસ્વી છે. એને મેસોપોટેમિયાની, ઈરાનની અને પછી, ભારતની ધરતી પર આવકાર મળ્યો; એ ધરતીમાં વેદાન્તની પ્રબળ અસર હેઠળ સૂફીવાદ આવ્યો. પણ બીજે બધે રૂઢિચુસ્ત ઈસ્લામ તરફથી એને જોરદાર વિરોધનો અને ત્રાસનો સામનો કરવો પડ્યો હતો; એ લોકો એના સ્મૃતિ તત્ત્વ પર, એની સંકુચિત રાજકીય-સામાજિક વિચારધારા પર અને, આપખુદ સુલતાનોએ અને નિષ્ઠુર લશ્કરી સાહસિકોએ માંડેલાં કાર્યો પર એ કેન્દ્રિત હતો. ઉચ્ચ નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોથી અપ્રેરિત સામાજિક – રાજકીય વિચારધારાઓ માણસોના અધમ સ્વરૂપને પોષે છે અને, એમાંથી સ્વાર્થ, અસહિષ્ણુતા, હિંસા અને યુદ્ધ જન્મે છે. માણસના આ અધમ સ્વરૂપને અંકુશમાં લઈ એનું નિયમન કરવું તે દરેક ધર્મનું પ્રથમ લક્ષ્ય છે. પણ એને બદલે, સામાજિક-રાજકીય વિચારધારાને ધર્મ પોતાની કક્ષાએ ઉઠાવે તેને બદલે, ધર્મને એ નીચલી કક્ષામાં લઈ જવામાં આવે છે . અને ધર્મ એની દાસી બની જાય છે. જીવંત રાજકારણ સાથેના એના નિકટના સંપર્કથી ઈસ્લામ આ ઘટનાનો ભોગ બન્યો અને, કૉન્સ્ટંટાઈન પછીના કાળમાં ખ્રિસ્તી ધર્મ પણ બન્યો. ઈસ્લામના ઑલિયાઓ, ખુદાના બંદાઓ અને આદમીજાતના ચાહકોની જીભ સીવી લેવામાં આવી અને અજ્ઞાની ઝનૂનીઓ યુદ્ધખોર વિજેતાઓ ઈસ્લામનો અવાજ બન્યા; એ સૌ બિન – ઈસ્લામી અને પૂરા દુન્યવી હતા, લૂંટ, સત્તા અને સુખની પાછળ પડેલા હતા અને, પોતાની સાંસારિક વૃત્તિઓને ઢાંકવા માટે તેમણે ઈસ્લામના નામનો ઉપયોગ અને દુરુપયોગ કર્યો.
ઈસ્લામના જન્મ પછીની પહેલી ચાર સદીમાં ભારતનો ઈસ્લામ સાથેનો સંપર્ક મુસ્લિમ આરબ વેપારીઓ અને મૌલવીઓ દ્વારા હતો. શાંતિભર્યા આપલેના વ્યવહાર દ્વારા પરસ્પરને લાભકારક આંતરધાર્મિક અને આંતરરાષ્ટ્રીય પ્રકારનો આ સામાન્ય તબક્કો હતો. આ ગાળા દરમિયાન જ ઈસ્લામ પોતાની સત્તાને અને કીર્તિને શિખરે પહોંચ્યો, આરબ રાષ્ટ્રીય ચિત્ત પણ એ કાળમાં ગ્રીકોરોમન, ઈરાનિયન અને ભારતીય સંસ્કૃતિઓમાંથી ગ્રહણ કરવાને અને તેમનું આતિથ્ય કરવાને તત્પર હતું.
પણ તે૨મી સદીના આરંભથી આ બધું બદલાયું. સામ્રાજ્ય સત્તાની પાછળ વિખવાદ અને રુશવત આવ્યાં અને, ભોળો રણવાસી આરબ મોજશોખથી કચરાઈ ગયો; અને એ સદીની મધ્યમાં શરૂ થયેલા મૉગોલ હુમલાઓએ આરબ ઈસ્લામની સત્તા નષ્ટ કરી. ઈસ્લામી વિદ્યા અને સંસ્કૃતિને ભયંકર ગ્રહણ લાગ્યું, જે સદીઓ સુધી ચાલુ રહ્યું . વિજેતાઓએ અને મધ્ય એશિયાનાં એ ધાડાંઓએ ઈસ્લામને અપનાવ્યો કે, પોતાનાં નિમ્ન સાંસ્કૃતિક ધોરણો અને હેતુઓ સાથે બંધ બેસતો કર્યો. બુદ્ધિ અને સત્યનો પ્રેમ પદભ્રષ્ટ કરાયાં ત્યારે, ‘કાનૂનનો શબ્દ’ વિજેતા બન્યો અને, પ્રત્યાઘાતી રૂઢિવાદે લશ્કરી ધાડપાડુઓ સાથે નાપાક હાથ મીલાવ્યા અને એમનાં હિંસક કૃત્યોને આશીર્વાદ આપી તેમને પાક જેહાદની પરંપરામાં ઠેરવ્યાં તથા તેમને મઝહબની મંજૂરીની મહોર મારી.
બારમી સદી પછીના કાળથી, ભારતે અનુભવેલો ઈસ્લામના સંપર્કનો આ બીજો તબક્કો હતો; ત્યારે, વીતેલી સદીઓમાં ધર્મે એક સંસ્કૃતિને પોષી હતી, રાજ્યતંત્રને ઉછેર્યું હતું અને, ભારતીય વિદ્યા અને શાણપણ પાસેથી મુક્તપણે પ્રાપ્ત કરીને વિજ્ઞાન અને માનવતાવાદનો જ્યોતિર્ધર બન્યો હતો. પહેલા તબક્કામાં આવ્યો હતો તેમ, ઈસ્લામ આ બીજા તબક્કામાં મિત્રભાવથી અને શાંતિપૂર્વક આવ્યો હોત તો, ભારતનો ઈતિહાસ અને ભારતીય ઈસ્લામનું સ્વરૂપ જુદાં જ હોત, માનવ ઈતિહાસનું આ એક નિર્ણાયક આમ -થયું-હોત છે. તો, હિંદુઓની જ્ઞાતિબદ્ધ સમાજ વ્યવસ્થાના શુદ્ધિકરણ માટે પોતાનો સમાનતાનો સામાજિક મંત્ર આપ્યો હોત. એની પાસેથી આપણા હિંદુ ધર્મે આનંદથી ગ્રહણ કર્યો હોત અને બદલામાં પોતાના ધર્મબંધુને પોતાનાં વેદાન્તી દૃષ્ટિબિન્દુ અને સહિષ્ણુતા આપ્યાં હોત પરંતુ, અજ્ઞાની રૂઢિવાદીઓ અને લશ્કરી વિજેતાઓ દ્વારા ઈસ્લામ એના સૌથી વિશેષ અસરકારક રૂપે આવ્યો એ હકીકતે હિંદુ ચિત્ત માટે ઈસ્લામને આંખનો કણો બનાવ્યો; ઈસ્લામના પ્રસારની આ રીતને નિત્શેએ ‘કૃત્યની અને વર્તનની હિંસા’ કહેલ છે. આંતર સાંસ્કૃતિક સંપર્કોનું એ એક દુઃખદ પ્રકરણ છે જેનાં ફળ માઠાં આવ્યાં છે પણ, એનું સ્વરૂપ જુદું હોત તો, માનવજાતનાં ધર્મ અને સંસ્કૃતિ માટે ફલદાયી થયું હોત.
આ બીજા તબક્કાએ, આમ, ભારતના ઈતિહાસમાં એક દુઃખદ પ્રકરણ લખ્યું છે જેની દૂરગામી માઠી અસરો આજના ભારતીય શાણપણને માટે ગંભીર પડકાર રૂપ છે. અને પોતાના ઔપનિષદિક વારસાની અગમબુદ્ધિ અને દૂરગામી દૃષ્ટિ સાથે, એ વારસાનાં બળ અને વેગ સાથે આ મહાભારત કાર્યનો સામનો ભારત કરી રહ્યું છે.
પ્રભુના અને માનવીના પ્રેમના, માનવસંબંધોમાં ન્યાય અને નેકીના, માનવ માનવ વચ્ચે સમાનતાના અને બીજા ધર્મો પ્રત્યે સહિષ્ણુતા અને આદરના બધા ઉદાત્ત વિચારો- ટૂંકમાં, ધર્મમાં વિકાસવાદી વલણોનાં ઉછેરકેન્દ્રો છે તે, ઈસ્લામનાં શ્રૌત પાસાંઓ રૂઢિજડતાઓ અને અસહિષ્ણુતાનાં મોજાંઓની હારમાળામાં ગરકાવ થઈ ગયાં. આ પ્રત્યાઘાતી ઈસ્લામનો ભોગ માત્ર હિન્દુઓ અને તેમના સંતો બન્યા તેટલું જ નહીં; પણ, પ્રગતિવાદી આધ્યાત્મિક દૃષ્ટિબિન્દુઓ ધરાવતા કે, તર્કસંગત સામાજિક-રાજકીય વિચારધારા અને કાર્યક્રમોને ટેકો આપતા પ્રેમાળ ઑલિયાઓ સહિતના મુસ્લિમો પણ દુશ્મનાવટના, ત્રાસના અને મૃત્યુના ભોગ બન્યા હતા. છતાંય, બે સંસ્કૃતિઓ વચ્ચે ઘણી આપલે અને પ્રતિફલન થયાં હતાં; અને એ ગાળામાં કાળે કાળે, ઈસ્લામમાં જડેલાં સનાતન અને સાર્વત્રિક મૂલ્યોનું વહન કરનારા રહસ્યવાદીઓ અને ઓલિયાઓ જાગ્યા હતા અને તેમણે ઈસ્લામના શ્રુતિ સ્વરૂપનું નિદર્શન પૂરું પાડ્યું હતું. એ કાળે આરંભના મોગલ રાજકર્તાઓ અને શેરશાહ જેવા રાજવીઓ કે સમ્રાટો પણ કદીક પ્રગટ્યા હતા. એમની રાજ્યનીતિ ભવિષ્યલક્ષી હતી. આવા ઑલિયાઓએ અને રાજવીઓએ વેદાન્તમાં વ્યક્ત થતા ભારતીય જ્ઞાનના સૌન્દર્ય અને ગહનતાનો પ્રતિસાદ હંમેશાં પાડ્યો છે.
મુસ્લિમ અસહિષ્ણુતાની વચ્ચે પણ હિંદુ સહિષ્ણુતા ચાલુ રહી કારણ, હિંદુ જીવનદૃષ્ટિ અને જીવનરીતિનો એક અવિભાજ્ય ભાગ એ બની ગઈ હતી; ઉપનિષદદીધા આધ્યાત્મિક દર્શનનો અને તાત્ત્વિક શ્રદ્ધાનો એ વારસો હતો. ભારતીય સહિષ્ણુતાની એક વિશિષ્ટતા એ છે કે એ ધાર્મિક શ્રદ્ધામાંથી જન્મી છે ત્યારે, આજના પાશ્ચાત્ય દેશોમાં ધર્મની ગ્લાનિમાંથી એ પરિણમી છે. આ ભારતીય દૃષ્ટિબિન્દુનું અન્વીક્ષણ કરતાં ડૉ. સ. રાધાકૃષ્ણન્ (ઈસ્ટર્ન રિલેજિયન્સ ઍણ્ડ વેસ્ટર્ન થોટ, પૃ. ૩૧માં) કહે છેઃ
‘અનંતના અવિનાશી તત્ત્વને શાન્ત મને આપેલી અંજલિ તે સહિષ્ણુતા છે.’
મુસ્લિમ અસહિષ્ણુતાની વચ્ચેની આ હિંદુ સહિષ્ણુતાની નોંધ મુસ્લિમ ઈતિહાસકારોએ પોતે પણ કરી છે. (એજન, પૃ. ૩૧૨માં) રાધાકૃષ્ણન્ મર્ટેના ડિસ્કવરીઝ એણ્ડ ટ્રાવેલ્સ ઈન ઈંડિયા (વૉ. ૨, પૃ. ૨૮) ૫૨થી અવતરણ ટાંકે છેઃ
(કાલિકટના) લોકો નાપાક છે; એટલે હું (અબ્દુલ રઝાક બેર્ની, મધ્ય પંદરમી સદી આસપાસનો ઈરાનનો એલચી) મારી જાતને શત્રુઓના દેશમાં માનું છું; કુરાનને નહીં માનનારને બધા મુસલમાનો તેમ માને છે. છતાં મારે સ્વીકારવું જોઈએ કે મારી પ્રત્યે બધા પૂરી સહિષ્ણુતાથી અને કૃપાથી પણ વર્તે છે; અમારી બે મસ્જિદો છે અને જાહેરમાં બંદગીની છૂટ છે.’
ઔરંબઝેબના રાજ્યના ઝનૂની મુસ્લિમ ઈતિહાસકાર કાફી ખાંને, દક્ષિણના હિંદુ રાજવી શિવાજીને અંજલિ આપતાં નોંધવું પડે છે કે હિંદુઓ અને મુસ્લિમો બંનેનો સમાન આદર કરતા, અને, બંનેનાં દેવસ્થાનોને સમાન ભાવે જોતાં, ભલે મોગલ શહેનશાહ ઔરંબઝેબની હિન્દુઓની વ્યવસ્થાબદ્ધ કનડગતનો પ્રાણથી વિરોધ કરતા હોય. આવી જ સંસ્કારી નીતિ અને વલણ પંજાબમાં આ શહેનશાહનાં અસહિષ્ણુતાના અને ત્રાસ સામે મક્કમ સામનો કરતાં દાખવ્યાં હતાં; પોતાની મુર્ખામીઓને લઈને ૧૭૦૭માં, પોતાની મૃત્યુવેળાએ એ શહેનશાહે પોતાની શહેનશાહતને તૂટી પડતાં જોઈ હતી. પોતાના ગ્રંથ ધ મિલિટરી સિસ્ટમ ઓફ ધ મરાઠાઝ (પૃ. ૧૮)માં ઈતિહાસકાર ઍસ.ઍમ.સૅમ કહે છેઃ
‘ભારતમાં ધાર્મિક અસહિષ્ણુતા જવલ્લેજ જોવા મળે છે અને, હિન્દુ સામ્રાજ્યની શિવાજીની કલ્પના ધાર્મિક કનડગતની ન હતી. પોતાના સૈન્યમાં એણે બિજાપુરથી નાસી છૂટેલા સાતસો પઠાણોની ભરતી કરી હતી, એના ઓછામાં ઓછા ત્રણ નૌસેનાપતિઓ મુસ્લિમો હતા અને, જેમ એ સંત તુકારામ અને રામદાસનો આદર કરતા હતા તેમજ મુસ્લિમ ઑલિયા શેખ મુહમ્મદનો કરતા. ‘મુસ્લિમ ઑલિયાઓની દરગાહોમાં દીવા અને પ્રસાદ ધરવા માટે તેમણે જાગીરોનાં ઈનામ આપ્યાં હતાં તથા, રાજ્ય તરફથી મસ્જિદોનો નિભાવ કરવામાં આવતો હતો.’ કોઈ નાસી જનારને મુસ્લિમ ઑલિયાએ આશરો આપ્યો તેની અદબ જાળવવામાં એ એક જ વાર નિષ્ફળ ગયા હતા પણ, મુસલમાનોના પાક ધર્મગ્રંથોના આદરમાં એ કદી ઊણા ઊતર્યા ન હતા. અને એમને ગાળોથી વધાવવામાં આનંદ માણનાર…કાફીખાં નાછૂટકે કબૂલે છે કે, ‘એમના અનુચરો લૂંટ ચલાવતા હોય ત્યારે, તેમણે મસ્જિદોને, પાક કુરાનને કે કોઈનીયે સ્ત્રી ૫૨ હાથ લગાડવો નહીં, એવો નિયમ બનાવ્યો હતો. એમને હાથે કદી પાક કુરાન આવી ચડતું તો, એનો તેઓ આદર કરતા અને, પોતાના કોઈ મુસલમાન અનુયાયીને તે આપી દેતા. એમના માણસો કોઈ મુસલમાન કે હિન્દુ અબળાઓને બાન પકડતા ત્યારે, તેઓ જાતે તેમની દેખભાળ રાખતા અને, એ સ્ત્રીઓનાં સગાંઓ આવી બાનની રકમ ચૂકવ્યે તેમને મુક્ત કરતા.” (એલિયટ ઍણ્ડ ડોસન, હિસ્ટરી ઑફ ઈંડિયા, વૉ.૨, પૃ. ૨૫૪, ૨૫૬, ૨૬૨ અને ૨૬૯).
આપણે જોયું તે પ્રમાણે, ઈસ્લામી અનુદારતા ઈસ્લામની નિજી પેદાશ નથી પણ, એના રૂઢિચૂસ્ત અર્થઘટનની, એના સંકુચિત અને પોતાના જ ચોકામાં રાચતા જાતિવાદ સાથે તથા, રાજકીય રાષ્ટ્રીયતાને ધર્મની સાથે સેળભેળ કરવામાં છે. ઈતિહાસ દર્શાવે છે તે પ્રમાણે, પ્રગતિશીલ વૈવિધ્યમાં પોતાના ઑલિયાઓનાં અને આમ લોકોનાં, રાજાઓનાં અને રજવાડાઓનાં જીવનમાં ઉત્તમોત્તમ સહિષ્ણુતાનાં દૃષ્ટાંતો દર્શાવ્યાં છે. આધુનિક જગતના પરિપ્રેક્ષ્યમાં, રૂઢિચુસ્ત ઈસ્લામનો ચહેરોમહોરો ક્યારેય આથમી ગયેલા જમાનાનો મુખવટો ધારણ કરે છે. ભારતીય વિચારણા અનુસાર, આ યુગ માટેનો ધર્મ, નવો ઈસ્લામિક યુગધર્મ ઘડવા મથતા પ્રગતિવાદી ઈસ્લામનો ચહેરોમહોરો પણ છે. કેટલાંક આરબ રાજ્યોમાં આ નવતર ઈસ્લામ લાખો લોકાનાં દિલ અને મન પરથી નહીં છટકી શકે. અગાઉ મુક્ત મનવાળા હિન્દુઓએ હિન્દુ ધર્મ ૫૨ ટીકાત્મક વિચારણાનોસવાર થાવા માંડ્યો છે. ઈસ્લામના આ બે પ્રકારો વચ્ચેનો સંઘર્ષ પ્રત્યાઘાતી અને પ્રગતિવાદી પરિબળો વચ્ચેના, જડ પશ્ચાદ્દર્શી અને સ્થિતિસ્થાપક ક્રાંતદર્શી વિચારસરણીઓ વચ્ચેનો સંઘર્ષ મૂળે છે, જૂનવાણી મત ઈસ્લામને પૂર્ણ અને આખરી સ્મૃતિ તરીકે, અલગાવવાદી અને બીજી સ્મૃતિઓ પ્રત્યે અસહિષ્ણુ બનીને જુએ છે ત્યારે, અન્ય મતધારકો ઈસ્લામના શ્રુતિ તત્ત્વ પર ભાર મૂકે છે અર્વાચીન વૈજ્ઞાનિક તથા, માનવતાવાદી વિચારસરણીને અપનાવે છે તેમજ, ઈસ્લામમાં જે સનાતન છે તેનો આજના જ્ઞાનની સાથે મેળ બેસાડી નવી ઈસ્લામિયા સ્મૃતિ રચવા મથામણ કરે છે.
અહીં તહીંનાં થોડાં વૃંદોને બાદ કરતાં, અર્વાચીન ભાતીય ઈસ્લામ આ સંઘર્ષના કોઈ ગંભીર સ્વરૂપથી બચી જવા પામ્યો છે કારણ કે, પોતાના સ્વાર્થ અને વહીવટને ટકાવવા ખાતર ભારતીય ઈસ્લામનાં બધાં પ્રત્યાઘાતી પરિબળોને બ્રિટિશ સરકારે ટેકો આપ્યો હતો અને ૧૯૪૭માંના દેશના વિભાજન પૂર્વે ઘેલછાભરી ઉથલપાથલ મચી હતી. પશ્ચાદ્દર્શી ઈસ્લામને આ વિષમ સંજોગોએ પોષણ આપ્યું હતું. અરબ ઈસ્લામ પર હલ્લો કર્યો તેમ, ભારતીય ઈસ્લામ પર પણ આ પ્રગતિવાદી અને રૂઢિવાદી પરિબળો વચ્ચેનો સંઘર્ષ હલ્લો કરવાનો જ છે. પાકિસ્તાનના ઉદ્ભવની વિશિષ્ટ પરિસ્થિતિને લઈને, ત્યાં એ સંઘર્ષનો અનુભવ મોડો થાય. વહેલું કે મોડું, ઈસ્લામ, ખ્રિસ્તી, કે હિંદુ, કોઈ પણ ધર્મ, એના અનુયાયીઓની યુવાન બુદ્ધિશાળી પેઢીનાં આજની વિચારણામાં ઉછરેલાં છોકરા છોકરીઓના જિજ્ઞાસુ અને અનેકવાર આદરહીન પ્રશ્નો અને વેધક દૃષ્ટિથી નહીં છટકી શકે. અગાઉ મુક્ત મનવાળા ખ્રિસ્તીઓએ ખ્રિસ્તી ધર્મ પર અને મુક્ત મનવાળા હિન્દુઓએ હિન્દુ ધર્મ પર ટીકાત્મક વિચારણાનો વેધક પ્રકાશ ફેંક્યો હતો તે રીતે, ચિંતનપ્રિય ભારતીય મુસ્લિમો પોતાની ધાર્મિક પરંપરાઓ પર ફેંકશે અને તેમાં શું કાલગ્રસ્ત છે અને શું આવશ્યક છે તે તારવી કાઢશે.
આ પુસ્તો જ્યારે બને ત્યારે, બેમાંથી એક પરિણામ આવે; પ્રોટેસ્ટંટ ખ્રિસ્તી ધર્મ માત્ર સામાજિક વિચારધારા બની ગયો તે રીતે, ધર્મના ગહન પરિમાણમાં શ્રદ્ધા અને દૃષ્ટિના અભાવને લઈને, ઈસ્લામનાં કાલગ્રસ્ત તત્ત્વોને સુધારીને તથા ઈસ્લામને પોતાને સુધારીને ધર્મનિરપેક્ષ બની, ઈસ્લામને માત્ર સામાજિક સુધારણાના કાર્યક્રમમાં ફેરવી એને કેવળ દુન્યવી વિચારધારા બનાવી દે; અથવા, ઈસ્લામમાં સનાતન અને સાર્વત્રિક મૂલ્યો જેમાં વધારે મુક્તિ અનુભવે, જર્જરિત થઈ ગયેલ બધા ધર્મદેશો અને સંપ્રદાયોના પથરાથી પોતાની આધ્યાત્મિક ભૂખ ભાંગવાને બદલે, ક્ષુધાતુર મુસ્લિમ યુવાનો ધર્મની સાચી ભાખરી પામે અને પોતાના બાંધવ ધર્મો સાથે જોડાય તેવા સ્વરૂપમાં સર્જનાત્મક પુનઃર્વ્યવસ્થાની પ્રક્રિયા માંડે.
તાત્ત્વિક વસ્તુની આ ખોજની અને અતાત્ત્વિકના ત્યાગની જૂની પરંપરા ઈસ્લામી આધ્યાત્મિકતામાં છે. (એસેન્શિયલ યુનિટી ઓફ રિલિજિયન્સ, ભારતીય વિદ્યા ભવન આ., ૧૯૬૦, પૃ. ૧૦૦)માં ડૉ. ભગવાનદાસ, મસ્નવીની નીચેની આપેલી પ્રખ્યાત આયતનો ઉલ્લેખ કરે છે; કુરાન પછી બીજા જ ક્રમની મનાતી એ પાક કિતાબમાં, મૌલાના જલાલુદ્દીન રૂમી સુંદર ફારસીમાં પોતાના કાર્યનો હેતુ આમ જણાવે છે;
મન ઝે કુરાન મગ્ઝ રા બર્દાસ્તામ્,
ઉસ્તુખાન્ પે સગાન્ અંદખાતમ્ –
‘કુરાનમાંથી મેં ગરભ લીધો છે.
અને સૂકાં હાડકાં કૂતરાને ફેંકી દીધાં છે.’
કુરાનને આમ કરવામાં આવશે ત્યારે, વ્યક્તિને લાગતા તેમજ, લગ્ન, વારસા ઈ. ને લગતા સામાજિક ઉસૂલો, અર્થાત્ ઈસ્લામનું સ્મૃતિ અંગ બૌદ્ધિક ચાળણીમાં નખાશે અનને તેમની જવાબદારી શાણપણપૂર્વક રાજકીય સંસ્થાઓને તથા વૈધાનિક સામાજિક કાનૂન પ્રક્રિયાને તથા લાગતા વળગતા રાષ્ટ્રની જાગ્રત સામાજિક ચેતનાઓને સોંપશે; એક તરફથી આવી સોંપણી થશે અને બીજી તરફથી આંતરરાષ્ટ્રીય સમાજની વિવિધ વૈધાનિક શાખાઓ પણ આ કાર્ય કરશે.
અહીં જણાવેલા બે માર્ગો એટલે કાં ધર્મની સંપ્રદાય નિરપેક્ષતા કાં માનવીના સંપ્રદાય નિરપેક્ષ જીવનનું આધ્યાત્મી કરણ. ધર્મમાં જડેલાં આધ્યાત્મિક સત્યોના સત્ત્વના રૂપમાં માણસના સંપ્રદાય નિરપેક્ષ જીવનને મૂકવાની સમકાલીન ઈચ્છા આથી સંતોષાશે.
બીજા દેશોમાં ઈસ્લામનો ભાવિ રાહ, આ બેમાંથી ગમે તે હોય, ભારતીય ઈસ્લામનો રાહ એની અંદરથી જ જાગતાં આધ્યાત્મિક પરિબળો વડે તેમજ, આધ્યાત્મિક પાયા તથા દિશાવાળી પુરાણી ભારતીય સંસ્કૃતિ વડે નિર્માતી ભારતની સમગ્ર સામાજિક પરિસ્થિતિ વડે નક્કી થશે. અને, ધર્મને લાગે વળગે છે ત્યાં લગી, આ પરિબળો ઉપનિષદોનાં બલપ્રદ, શુચિકર અને એકત્ર કરનાર દર્શનમાંથી ઉદ્ભવે છે. ઈસ્લામના અને હિન્દુધર્મના કેટલાય અભ્યાસીઓએ કહ્યું છે કે, ઈસ્લામનું આધ્યાત્મિક હાર્દ આ ફિલસૂફી અને દર્શન સાથે પુરેપુરું સુસંગત છે અને, ઈસ્લામની સામાજિક સમાનતા જેવી કેટલીક વ્યાવહારિક સિદ્ધિઓ હિન્દુધર્મની એવી સિદ્ધિઓ કરતાં ચડિયાતી છે. આ બે સગાં આધ્યાત્મિક પરિબળોના નિકટ આવવાથી, મુક્ત, સમાનતાવાદી અને આધ્યાત્મિકલક્ષી, પ્રગતિવાદી, અર્વાચીન ભારતીય સમાજની ઉત્ક્રાંતિ સધાશે એટલું જ નહીં પણ, ભારતીય આધ્યાત્મિક પ્રતિભાની છાપવાળા સ્પષ્ટપણે ભારતીય ઈસ્લામના વિકાસમાં એ પરિણમશે.
ભારતીય ઈસ્લામની પુનર્જાગૃતિનાં આંદોલનો રાજકીય પ્રેરણા અને ઉદ્દેશો હેઠળનાં, પાછળ જોનારાં અને કડવાં ફળ પેદા કરનારાં થયાં છે. ઈસ્લામની આધ્યાત્મિકતાનાં પરિબળોને અને, હિન્દુ તથા ખ્રિસ્તી આધ્યાત્મિકતા સાથેના એના નિકટના સંબંધોને કચડનારાં એ આંદોલનો રહ્યાં છે. પણ ભારતીય ઈસ્લામ આધુનિક અસરથી લાંબો સમય છટકી શકશે નહીં; વિસ્તરતા જતા આધુનિક શિક્ષણની અને, ભારતીય લોકશાહીમાં પ્રાપ્ત થતા મુક્ત વાતાવરણની પ્રેરણાહેઠળની આંતરિક હલચલ અને પરિપૃચ્છાની પ્રક્રિયામાંથી લાંબા સમય પહેલાં પ્રચાર થયે જ છૂટકો છે. ભારતના દરેક ધર્મને પોતાનાં પ્રખર અને ઉત્તમ તત્ત્વોને પ્રકાશમાં આણવાની ઉત્તમોત્તમ તક આ બે સંજોગો પૂરી પાડે છે. આ તકનો લાભ ભારતીય ઈસ્લામ લેશે ત્યારે, ખલીફોના કાળમાં, મધ્યપૂર્વના દેશોમાં, નવા વિચારો પચાવવાની જે શક્તિ ઈસ્લામે દાખવી હતી તે, ભાવિમાં જોનારી દૃષ્ટિ, ઈસ્લામ પ્રાપ્ત કરશે. અગાઉના એ કાળમાં પ્રાચીન શિષ્ટ ગ્રીક ચિંતન અને ઉચ્ચતર ઈસ્લામપૂર્વ ફારસી ચિંતનની અસર હેઠળ ઈસ્લામ આવ્યો હતો તેમ, આજે ઈસ્લામના વિકસિત ચિત્તને એ વેદાન્તના અને, રામકૃષ્ણ-વિવેકાનંદમાંથી એની ગતિશીલ અર્વાચીન અભિવ્યક્તિની ભુરકી હેઠળ તેને આણશે, પછી આજના યુગની માંગને અને એના વિકાસને તથા, એની પ્રગતિશાળી ભાવનાને અનુરૂપ આધ્યાત્મિક સ્વરૂપની વ્યાપક પુનર્જાગ્રતિ અને નવરચના એ અનુભવશે, ઉપનિષદોના પ્રકાશમાં કુરાનમાં નવાં ભાષ્ય અને નવાં અધ્યયનો ભારતીય ઈસ્લામ ભાળશે એમ આગાહી કરી શકાય. સ્વામી વિવેકાનંદ માનતા હતા કે, વેદાન્ત અને ઈસ્લામના આધ્યાત્મિક પ્રવાહોનો સંગમ ભારતીય પુનર્જાગ્રતિને કારણે નિર્માશે; બંને ધર્મોના મધ્યયુગના સંતોએ અને સામાન્ય માણસોએ આ બાબત ખૂબ ઝંખી હતી અને થોડી હાંસલ પણ કરી હતી.
ઉપનિષદો અને ભારતીય ધર્મનિરપેક્ષતા
આખી દુનિયામાં ક્રોસ અને ચંદ્રરેખા એકમેક સામે સતત ઝઘડતાં રહ્યાં છે. આજના ભારતના સંદર્ભમાં આમાં આમૂલ પરિવર્તન આવવાનું છે. ભારતીય ખ્રિસ્તી ધર્મ અને ભારતીય ઈસ્લામ પોતાની જાતનું આધ્યાત્મિક શોધન કરશે ત્યારે, તેઓ બંને વિશિષ્ટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિબળો તરીકે પ્રગટ થશે અને બંને પરસ્પર સાથે તેમજ જગતના બીજા ધર્મો સાથે સંવાદ સાધશે. ‘વેરવિખેર આધ્યાત્મિક પરિબળોનું સંગઠન’ એમ સ્વામી વિવેકાનન્દ જેનો ઉલ્લેખ કરે છે તે પ્રક્રિયાની પૂર્ણાહૂતિ ભારત સાધશે. ભારતનું રાજ્ય બંધારણ અને ભારતનું રાજ્ય સ્વતંત્રતાના આદર્શને ભાવપૂર્વક વરેલાં છે – વિચારની અને અંતઃકરણની સ્વતંત્રતા, પોતાની ઈચ્છાના ધર્મને અનુસરવાની સ્વતંત્રતા અને, ધર્મ વિના જીવવાની પણ સ્વતંત્રતા. ને વિકાસની એક અગત્યની શરત સ્વતંત્રતા છે એમ, સ્વામી વિવેકાનંદ કહે છે. ૧૮૯૬માં, લંડનમાં ‘પ્રેક્ટિકલ વેદાન્ત’ (વ્યવહારુ વેદાન્ત) પરની પોતાની વ્યાખ્યાનમાળામાં ભાવપૂર્વક બોલતાં સ્વામીજી કહે છેઃ (કમ્પ્લીટ વર્ક્સ, વૉ.૨, પૃ. ૩૩૬):
‘એટલે, આપણે બુદ્ધિને અનુસરવું જોઈએ અને, બુદ્ધિને અનુસરીને જે લોકો કોઈ માન્યતા પર નથી આવી શકતા તેમની પ્રત્યે સહાનુભૂતિ દાખવવી જોઈએ. કારણ, બુદ્ધિને અનુસરી માણસ નાસ્તિક થાય એ બીજાની આજ્ઞાથી અંધશ્રદ્ધાથી માનવા કરતાં બહેતર છે… આપણે જોઈએ છે પ્રગતિ, વિકાસ, સાક્ષાત્કાર, કોઈ સિદ્ધાન્તે માનવને ઊંચેરો નથી ચડાવ્યો. પોથીઓના ઢગલાથી આપણે વધારે પવિત્ર બની શકતા નથી. શક્તિ કેવળ સાક્ષાત્કારમાં છે અને એ આપણી અંદર જ રહેલો છે અને ચિંતનથી આવે છે. મનુષ્યોએ ચિંતન કરવું જોઈએ. માટીનું ઢેફું કદી વિચારી શકે નહીં. એ માત્ર માટી જ રહે. માનવી વિચારી કહે છે અને એમાં એ પશુઓથી જુદો પડે છે. હું બુદ્ધિમાં માનું છું અને, સત્તાનાં પૂરતાં અનિષ્ટો જોયા પછી, બુદ્ધિને અનુસરું છું કારણ, સત્તાના અતિરેકના દેશમાં હું જન્મ્યો છું.’
ભારતીય બંધારણે બક્ષેલાં અને રહેલાં સ્વાતંત્ર્યો ભારતીય પ્રજાજનોનાં ચિંતનને અને આપસુઝને પ્રેરી તેમના સર્વાંગી વિકાસની ખાતરી આપે છે. એ સ્વાતંત્ર્યો, માનવજાતિના સાતમા ભાગના માનવીય વિકાસની વિશાળ પ્રયોગશાળામાં ભારતનું પરિવર્તન કરવા માગે છે અને તે, સ્વતંત્રતા અને સમાનતાના અને માનવવ્યક્તિત્વની પવિત્રતાના પર્યાવરણમાં.
ભારતને સંપ્રદાય નિરપેક્ષ રાજ્ય જાહેર કરવાનો અર્થ આ છે. બંધારણ સભામાં દિલ્હીમાં મળેલા અને ૧૯૪૯માં બંધારણને મત આપનારા લોકોનો મોટો ભાગ ધાર્મિક માણસોનો હતો, અધાર્મિકોનો નહીં. ને છતાંય તેમણે પોતાના અતિધાર્મિક દેશ માટે ધર્મનિરપેક્ષ સિદ્ધાન્તો અને નીતિઓવાળું બંધારણ સ્વીકાર્યું. આનું મહત્ત્વ આપણે ઓછું આંકવું જોઈએ નહીં. ડૉ. રાધાકૃષ્ણનના શબ્દોમાં (રિકવરી ઓવ ફેય્થ, પૃ. ૨૦૨):
‘પરમાત્મામાં શ્રદ્ધા ભારતીય પરંપરાનો પાયાનો સિદ્ધાન્ત હોવા છતાં, ભારતીય રાજ્યતંત્ર કોઈ ધર્મની છાપ પોતાને કપાળે ચોડશે નહીં કે કોઈ એક ધર્મના અંકુશ હેઠળ રહેશે નહીં. ધાર્મિક તટસ્થતાના, સમજણના અને સહિષ્ણુતાના આ દૃષ્ટિબિન્દુએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જીવનમાં નિર્ણાયક ભાગ ભજવવાનો છે… ભારતીય રાજ્યતંત્રની આ ધાર્મિક તટસ્થતાને ધર્મ નિરપેક્ષતા કે નાસ્તિકતા સાથે ભેળવવાની ગેરસમજ કરવાની નથી. ધર્મનિરપેક્ષતાની અહીં અપાયેલી વ્યાખ્યા ભારતની પ્રાચીન ધર્મપરંપરા અનુસારની છે. વ્યક્તિના ગુણોને સામુદાયિક ચિત્તના દાસ બનાવીને નહીં પણ, પરસ્પર વચ્ચે સુમેળ સાધીને શ્રદ્ધાળુઓનું સખાવૃંદ ઊભું કરવાનો પ્રયત્ન એ કરે છે. આ ગતિશીલ સખ્યભાવ અનેકતામાં એકતાના સિદ્ધાન્ત ૫૨ રચાયેલો છે અને, એની એકની પાસે જ સર્જનાત્મકતા છે.’
જે ધર્મનિરપેક્ષ રાજ્યની ધારણા એ રીતે કરવામાં આવી છે કે, એ ધર્મોપેક્ષાને કે ધર્મ વિરુદ્ધની નાસ્તિકતાને વરેલું નથી પણ, તટસ્થતાપૂર્વક બધા ધર્મોને ઉત્તેજન આપે છે અને, મનુષ્યના પરિમાણમાં શ્રદ્ધા ધરાવે છે; ડૉ. રાધાકૃષ્ણને જણાવ્યા પ્રમાણે, એ ઘટના ‘નિર્ણાયક ભાગ ભજવવાની છે. એને વેદાન્તી રાજ્ય કહેવું વધારે યોગ્ય થશે કારણ કે એની પાછળ સહિષ્ણુ, સર્વ આવરી લેનારી ઔપનિષદિક પ્રેરણા છે. ભારત સહિત, પૂર્વમાં કે પશ્ચિમમાં, પ્રાચીન કે અર્વાચીન કાળમાં, આવું રાજ્ય કદી અસ્તિત્ત્વમાં ન હતું. ભારતીય ઈતિહાસમાં આપણે, અવશ્ય, કેટલાંક મહાન રાજ્યો જોઈએ છીએ જે સહિષ્ણુતાને અને આંતરધર્મ બંધુભાવનાને અર્પિત હતાં પણ, તેમની નિષ્ઠા એક ધર્મ પ્રત્યે હતી. બીજી બાજુએ, પાશ્ચત્ય દેશોના ઈતિહાસમાં બધા ધર્મો પ્રત્યે સમાન દૃષ્ટિ દાખવતાં રાજ્યો જોવા મળે છે; એ રાજ્યોને એમાંથી ધર્મમાં રાજકારણ સિવાય વધારે રસ ન હતો. રોમન સામ્રાજ્યની બાબતમાં આ વિશેષ સત્ય છે જેના વિવિધ સંપ્રદાયો અને ધર્મો, ગિબનની વક્રોક્તિ અનુસાર, ‘લોકો સમાન સત્ય માનતા, ફિલસુફો બધાને સરખા જૂઠા માનતા અને ન્યાયાધીશો તેમને સરખા ઉપયોગી માનતાઃ ભારતીય પરિકલ્પનાની નિકટ અમેરિકાનું યુનાય્ટેડ સ્ટેય્ટસ આવે છે; તેમાં રાજ્ય અને દેવળ વચ્ચેના ધર્મ પ્રત્યે સામાન્યપણે નિષ્ઠા સાથે લાગતુવળગતું નથી તેમજ તેની જાણકારીનો તેનો દાવો પણ નથી પણ, વ્યક્તિના વર્તનમાં તેની સામાજિક અભિવ્યક્તિ પૂરતી તેને નિસબત છે. આ આંતરદૃષ્ટિની ઉપસ્થિતિ અને મનુષ્યના બાહ્ય જીવન સાથે એની એકરૂપતા વેદાન્તને પૂર્ણ દર્શન બનાવે છે જેની પાસે જ્ઞવનને દૃઢતાથી અને સમગ્રપણે જોવાની હિમ્મત અને શક્તિ છે.
‘સીઝરનો ભાગ સીઝરને અને ભગવાનનો ભગવાનને આપો,’ એ નવા કરારની આજ્ઞા બહુમાં બહુ તો, કામ આપતો સિદ્ધાન્ત છે. એ માનવીને જેનો મેળ નથી મળતો એવા બે જગતનો નાગરિક બનાવે છે; એ બેમાંથી એક બીજાનું ક્ષેત્ર પચાવી પાડે કે બીજાથી પચાવી પડાય અને એને પરિણામે માનવપ્રગતિ અને માનવકલ્યાણ રુંધાઈ જાય. આ બંને બન્યાનો ઈતિહાસ છે. ઈશ્વર અને સીઝરના આ દ્વૈધીભાવ માટે ભૂતકાળમાં ગમે તે યોગ્ય કારણ હોય, જ્ઞાન અને પ્રગતિના અર્વાચીન યુગમાં એ તદ્દન અસંગત છે; બુદ્ધિની ઝીણી નજરમાંથી માનવ અનુભૂતિનું કોઈ પાસું છટકી શકતું નથી અને, માનવ સમાજોની આંતરરાષ્ટ્રીય એક સૂત્રતા બધી રહી છે. ‘સીઝર અને એનો ભાગ’ની ફિલસુફીને સમગ્ર અનુભૂતિની એકસુત્રિત ફિલસુફીમાં, મનુષ્ય અને પ્રકૃતિને એક જુર કરતા દર્શનમાં સમાવિષ્ટ કરવી જોઈએ. કર્મ અને ધ્યાન વચ્ચેની, કાર્ય અને પૂજા વચ્ચેની, સંપ્રદાય નિરપેક્ષ અને પવિત્ર વચ્ચેથી ખાઈ પૂરે તેવી ફિલસુફીની આપણને જરૂર છે. ગઈ સદીના અંતભાગમાં પૂર્વ અને પશ્ચિમમાં વિવેકાનંદે પ્રબોધેલું આ વેદાન્ત છે. વેદાન્તના સંયોજક દર્શનપર પ્રકાશ ફેંકતાં, ભગિની નિવેદિતા (કુ. માર્ગરેટ નોબલ) લખે છે (કંપ્લીટ વર્ક્સ ઓવ સ્વામી વિવેકાનંદની પ્રસ્તાવનાઃ અવર માસ્ટર એણ્ડ હિઝ મેસેજ– ‘અમારા ગુરુ અને એમનો સંદેશ’-વો.૧ પૃ. ૯):
‘અનેક અને એક મને જુદે જુદે સમયે અને જુદાં જુદાં વલણોથી જોયેલ એક જ સત્ય છે.’
આપણા ગુરુના જીવનનું આ મુકુટરૂહ મહત્ત્વ છે કારણ, અહીં એ માત્ર પૂર્વ અને પશ્ચિમનું જ નહીં, ભૂત અને ભાવિનું પણ મિલનસ્થાન થાય છે. અનેક અને એક એક જ સત્ય હોય તો, એક કેવળ ભક્તિના બધા પ્રકારો નથી પણ, કાર્યની બધી રીતિઓ, સંઘર્ષની બધી રીતિઓ અને ધર્મની બધી રીતિઓનો તેમાં સમાવેશ થાય છે ને આ બધા માર્ગો સાક્ષાત્કારના છે. હવે પછી ધાર્મિક અને ધર્મનિરપેક્ષ વચ્ચે કોઈ તફાવત નહીં. શ્રમ કરવો એટલે પ્રાર્થના કરવી. જીતવું એટલે ત્યાગવું. જીવન પોતે જ ધર્મ છે. પાસે હોવું અને પકડે રાખવું એ, ત્યજવું દૂર રાખવા જેટલું જ પવિત્ર શ્રદ્ધાનું કાર્ય છે. (ક્રમશઃ)
Your Content Goes Here




