સ્વામી વિવેકાનંદ વિશે રવીન્દ્રનાથ ઠાકુરે આમ કહ્યું છે (પ્રવાસી, વૉ. ૨૮, પૃ. ૨૮૬):

‘આધુનિક કાલે ભારતવર્ષ વિવેકાનન્દ ઈ એકટિ મહત્‌વાણી પ્રચાર કરે છિલેન, સેટિ કોનો આસારગત નાઈ. તિનિ દેશે૨ સકલકે ડેકે બોલેછિલેન, તોમાદેર સકલેરિ મધ્યે બ્રહ્મેર શક્તિ; દરિદ્રેર મધ્યે દેવતા તોમાદેર સેવા ચાન. કથાટિ યુવકેર સમગ્રભાવે જાગિયે છે. તાઈ એઈ વાણીરફલ દેસેર સેવા એ આજ વિચિત્રભાવે વિચિત્ર ત્યાગે ફલે છે. તાર વાણી માનુષે જખનિ સમ્માન દિયે છે, તખનિ શક્તિ દિયે છે.’ –

‘આધુનિક સમયમાં, ભારતવર્ષમાં, એકલા વિવેકાનંદે જ એવો સંદેશ આપ્યો છે જેમાં બાધા નિષેધ નથી; દેશના બધા લોકોને સંબોધીને તેમણે કહ્યું છેઃ તમારા સૌમાં બ્રહ્મની શક્તિ રહેલી છે. દરિદ્રોનાં હૃદયમાં રહેલો દેવ પોતાની સેવા માટે તમને પોકારી રહ્યો છે.’ આ ઉપદેશે યુવકોનાં ચિત્તને સમગ્રભાવે જગાડ્યાં છે. આથી તો દેશની સેવામાં આ સંદેશ અનેક રીતે અને અનેક રૂપે ફળ્યો છે. એમની વાણીએ મનુષ્યને જેટલું સન્માન બક્ષ્યું છે તેટલી શક્તિ બક્ષી છે.’

અને જેમને વિશે કાઝી નઝરુલ ઈસ્લામે ગાયું છેઃ

નવ ભારતે આનિલે તુમિ નવ વેદ,
મૂચે દિલે જાતિધર્મેર ભેદ;
જીવે ઈશ્વરે અભેદ આત્મા જાનાઈલે ઉચ્ચારી –

‘નવ ભારતમાં તમે નવીન વેદ આણ્યો અને, મનુષ્યની અંતર્ગત દિવ્યતાનો પોકાર કરીને જાતિધર્મના ભેદના ડાઘને તમે ધોઈ નાખ્યો.’

રોમાંરોલાં શ્રીરામકૃષ્ણને અને સ્વામી વિવેકાનંદને પોતર સેરાફિક્સ – ‘(સર્વોચ્ચ) દેવદૂત પિતા’ અને, જોવ ધ થણ્ડ૨૨ – ‘ગર્જના કરનાર (દેવ) જ્યુપિટર’ કહે છે; બધા ધર્મોના આધ્યાત્મિક સાધકો એમનો લાભ પ્રાપ્ત કરે છે.

ઉપનિષદો અને પાશ્ચાત્ય ખ્રિસ્તી ધર્મ

આધુનિક પડકારની અસર હેઠળ, પશ્ચિમમાં ખ્રિસ્તી ધર્મ અભૂતપૂર્વ ઉથલ પાથલ અને મૂંઝવણો અનુભવે છે, જેને પરિણામે, વિવિધ ખ્રિસ્તી સંપ્રદાયો પોતાનાં સાંપ્રદાયિક વૈશિષ્ટ્યો અને અતિશયતાઓમાં અનુસ્યૂત વૈશ્વિક આધ્યાત્મિક તત્ત્વની સંનિષ્ઠ શોધમાં લાગે છે અને, એમ કરીને, બધા ખ્રિસ્તી સંપ્રદાયોમાં એથી ઘડાઈ છે. આ ઉમદા ખોજની ફતેહનો પૂરો આધાર ખ્રિસ્તી ધર્મના શ્રુતિ અંશો ઉપર પૂરતો ભાર દેવામાં અને સ્મૃતિ અંશોને ઉવેખવામાં છે. લાગતાવળગતા સંપ્રદાયો આમ જ કરી રહ્યા છે અને તેનાં પરિણામો આશાસ્પદ છે. આ સ્વાસ્થ્યપ્રદ વિકાસમાં, બીજાં મિશ્ર પરિબળોમાંથી વેદાન્તનો ફાળો નોખો તારવવાનું મુશ્કેલ છે. આ સુધારાના હેતુનો આધાર અર્વાચીન વિજ્ઞાન અને ટૅકનોલોજીએ નિર્માણ કરેલી અનિવાર્ય પરિસ્થિતિઓ હોય તો, એની પ્રેરણા, એ દિશા એને, ૧૮૯૪ની, શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદને સાંપડેલ ગડગડાટભર્યા આવકારમાં શોધી શકાય છે. પોતાના એ યાદગાર પ્રવચનમાં (કંપ્લીટ વર્ક્સ, વૉ. ૧, પૃ. ૧૮ ૫૨) એમણે કહ્યું હતું :

‘તો, હિંદુને મન ધર્મોનું આખું વિશ્વ ભિન્ન ભિન્ન નરનારીઓના પહોંચવાના માર્ગો છે. મનુષ્યની ભૌતિક કક્ષામાંથી દરેક ધર્મ ઈશ્વર સ્વરૂપની ઉત્ક્રાંતિ સાધવા યત્ન કરે છે. અને એ જ ઈશ્વર તે સૌનો પ્રે૨ક છે. તો પછી આટલા બધા વિરોધી શા માટે?’

એ બધા આભાસી છે – એમ, હિંદુઓ કહે છે. એક જ સત્યને અનુકૂળ થવા મથતા સંજોગોમાંથી આ બધા વિરોધી જન્મે છે.

જુદા જુદા રંગબેરંગી કાચમાંથી આવતો એ એક જ પ્રકાશ છે. અને, અનુકૂળ થવાના હેતુ માટે આ નાના ભેદો આવશ્યક છે. પણ દરેકના હાર્દમાં એક જ સત્ શાસન કરે છે. પરમાત્માએ પોતાના કૃષ્ણાવતારમાં હિંદુઓને કહ્યું છે કેઃ ‘મોતીઓની માળામાં પરોવાયેલાં સૂત્રની જેમ દરેક ધર્મમાં હું રહેલો છું. તને જ્યાં અસાધારણ પવિત્રતા અને મનુષ્યને ઊર્ધ્વગામી તથા પવિત્ર કરતી અસાધારણ શક્તિ નજરે પડે તો જાણજે કે ત્યાં હું છું.’

શ્રુતિનાં લક્ષણો વિશે આના કરતાં વધારે સ્પષ્ટ અને વધારે સામર્થ્યશાળી વચન ધર્મોના આધ્યાત્મિક સત્ત્વના સ્વરૂપ અને વ્યાપ વિશે કદી ઉચ્ચારાયું નથી. અને, ભાવિનાં એંધાણ આપતાં, એ જ વ્યાખ્યાનમાં (એજન, પૃ. ૧૯ ૫૨) એમણે આગળ ચાલતાં કહ્યું હતું:

‘કદી વિશ્વધર્મ થવાનો હોય તો, એને સ્થલકાળનાં બંધનો નહીં હોય, જે ઈશ્વરને એ પ્રબોધશે તેના જેવો જ એ ધર્મ અનંત હશે. એનો સૂર્ય કૃષ્ણના અને ક્રાઈસ્ટના અનુયાયીઓ ઉપર, સંતો અને પાપીઓ ઉપર સરખો જ પ્રકાશશે; એ ધર્મ વૈદિક, બૌદ્ધ, ખ્રિસ્તી કે ઈસ્લામી જ નહીં રહે. પરંતુ, એ સર્વના સરવાળારૂપ હશે અને તે પછીયે, વિકાસને માટે અનંત જોગવાઈવાળો હશે; એ ઉદારહૃદયી હશે અને, એના અનન્ત બાહુમાં પશુ સમીપના નીચલામાં નીચલી કક્ષાના જંગલી મનુષ્યથી માંડી, મનુષ્યજાતથી ક્યાંય ઊંચેરા, ગુણોના શિખર સમા મનહૃદયવાળા સમાજને આંજી નાખતા સર્વોત્તમ મનુષ્યને સમાવી લેશે.’

એ પરિષદના અંતિમ સત્રને સંબોધતાં, અંતમાં, સ્વામીજી ભવિષ્યવાણી જેવા આ શબ્દો (એજન પૃ. ૨૦) બોલ્યા હતાઃ

‘આ વિશ્વધર્મ પરિષદે જગતને કંઈ ચીંધ્યું હોત તો તે આ છેઃ પવિત્રતા, શુચિતા અને દયા જગતના કોઈ એક ધર્મનો સુવાંગ ઈજારો નથી તે, તેણે પુરવાર કર્યું છે અને, દરેક ધર્મે સર્વોત્તમ ચારિત્ર્યવાળાં નરનારીઓ આપ્યાં છે. આ પુરાવો મોજુદ હોવા પામે તેમ કોઈ ઈચ્છતું હોય તો, મારા અંતઃકરણના ઊંડાણમાંથી હું તેની દયા ખાઉં છું; હું તેને કહું છું કે, દરેક ધર્મના ધ્વજ ઉ૫૨, વિરોધ છતાં લખાશે; ‘સંવાદિતા અને શાંતિ, વિસંવાદિતા નહીં.’

સ્વામી વિવેકાનંદના કથનો વિશે રોમારોલાં કહે છે (ધ લાઈફ ઑફ વિવેકાનંદ, પૃ. ૧૬૨) કે, ‘એમના શબ્દો મહાન સંગીત છે.’ અર્વાચીન જગતના લાખો લોકોને જે સંગીત અસ્ફુટ રૂપે સંભળાયું હતું, મનુષ્ય- એકતાનો અને સમાનતાનો જે રાગ હતો, માનવહૃદયમાં રહેલી દિવ્યતાનો જે સૂર હતો તેને સ્વામી વિવેકાનંદે સંગીતમાં મઢ્યો. ‘ધ લાઈફ ઓફ સ્વામી વિવેકાનંદ બાઈ હિઝ ઈસ્ટર્ન એણ્ડ વેસ્ટર્ન ડિસાય્‌પલ્સ—‘પૂર્વ અને પશ્ચિમના શિષ્યો લિખિત સ્વામી વિવેકાનંદ જીવનચરિત્ર’ અમેરિકાનાં એક અગ્રગણ્ય કવયિત્રી અને લેખિકા શ્રીમતી એલા વ્હીલ૨ વિલકો – નું એક અવતરણ ટાંકે છે; વિવેકાનંદ વિશેનાં પોતાનાં સંસ્મરણો એ તેમાં આપે છે. જરા લાંબું હોવા છતાં, પશ્ચિમના લોકોના ચિંતન પર વેદાન્તની અસરની ઝાંખી તેમાંથી સાંપડતી હોવાથી, આ સંદર્ભમાં અવતરણ આપવું ક્ષમ્ય છે.’

બાર વર્ષ અગાઉ એક સાંજે અચાનક મારા સાંભળવામાં આવ્યું કે, ભારતના એક દર્શનશાસ્ત્રના શિક્ષક, વિવેકાનંદ નામક એક માણસ, ન્યુયોર્કમાં, મારા ઘરની પછીની શેરીમાં એક સ્થળે વ્યાખ્યાન આપવાના હતા.

જિજ્ઞાસાથી અમે ત્યાં ગયાં અને, શ્રોતાગણમાં અમે દસ મિનિટ બેઠાં તે પૂર્વે, એટલા સૂક્ષ્મ, એટલા તો ચૈતન્યમય અને એટલા તો અદ્‌ભુત વાતાવરણમાં પહોંચી ગયાનું અમને લાગ્યું કે, વ્યાખ્યાનના અંત સુધી અમે આશ્ચર્યચકિત બનીને તથા જાણે કે શ્વાસ થંભાવીને બેઠાં.

એ પૂરું થયું અને નવા ધૈર્ય, નવી આશા, નવી શક્તિ અને નવી શ્રદ્ધા સાથે અમે બહાર નીકળ્યાં ત્યારે મારા પતિએ કહ્યું: ‘હું જેને શોધું છું તે ફિલસૂફી, ભગવાનનો તે ખ્યાલ, તે ધર્મ આ છે.’ ને પછી મહિનાઓ સુધી, પુરાણા ધર્મને સમજાવતા વિવેકાનંદને સાંભળવા અને સ્વામીજીના અદ્‌ભુત મનમાંથી ઝરતાં સત્યનાં રત્નો અને સહાયકતાના તથા શક્તિના વિચારોને સાંભળવા એ મારી સાથે આવ્યા. આર્થિક આફતોનો એ કાતિલ શિયાળો હતો. બેઠો ત્યારે પેટીઓ કાચી પડતી હતી, નાણાવાળા નિરાશાની ખાઈમાં ગરકતા હતા તેમજ, આખી દુનિયા ઊંધીચત્તી થતી દેખાતી હતી – એના જેવા સમય તરફ આપણે ફરી જઈ રહ્યાં છીએ. ચિંતા તથા ઉદ્વેગભરી નિદ્રાહીન રાતો પછી સ્વામીજીને સાંભળવા એ મારી સાથે આવે અને પછી, શિયાળાની વ્યથામાંથી બહાર આવી રસ્તે હસતાં ચાલતાં બોલેઃ ‘ઠીક છે બધું. ચિંતાનું કશું કારણ નથી.’ અને, આત્માની ઉન્નત દશામાં તેમજ વિસ્તૃત થયેલી દૃષ્ટિ સાથે, હું પણ મારે કામે તથા મા૨ી મજાઓ માણવા જઉં.

‘તનાવ અને દબાણના આ યુગમાં મનુષ્યો માટે કોઈ ફિલસૂફી આ કરી શકે અને, વધારામાં, ઈશ્વરમાં એમની શ્રદ્ધા દૃઢતર કરે તેમજ, પોતાનાં ભાંડુઓ માટે તેમની સહાનુભૂતિમાં વૃદ્ધિ કરે અને, હવે પછીના જન્મોના વિચારે તેમને નિશ્ચલ આનંદ આપે ત્યારે, એ ધર્મ સારો અને મહાન જ છે….

‘ભારતના તત્ત્વજ્ઞાનની મહત્તા આપણે જાણવી ઘટે. એ ધાર્મિક શાણપણથી આપણે આપણા સંકુચિત સંપ્રદાયોના વાડા વિસ્તારવા ઘટે. પરંતુ, પ્રગતિની આપણી અર્વાચીન ભાવનાથી એને રસવું ઘટે અને, માણસની જરૂરિયાતોને વ્યવહારુ દૃષ્ટિથી, પ્રેમથી અને ખંતથી તેમને લાગુ કરવાં ઘટે. આપણી પાસે એક સંદેશ લઈને સ્વામી વિવેકાનંદ આવ્યા હતા.. ‘તમને નવા ધર્મમાં વટલાવવા હું આવ્યો નથી.’ એ કહેતા, ‘તમે તમારા ધર્મને જ વળગી રહો. મેથડિસ્ટને હું વધારે સારો મેથડિસ્ટ, પ્રિસ્બીય્‌ટેરિયનને વધારે સારો પ્રિસ્બીય્‌ટેરિયન, યુનિટેરિયનને વધારે સારો યુનિટેરિયન બનાવવા ચાહું છું. હું તમને સત્ય જીવન શિખવવા ચાહું છું, તમારો આત્મગત પ્રકાશ પ્રગટ કરવા ચાહું છું’ એમણે એવો સંદેશ આપ્યો કે એથી વેપારી સુંદર થયો; છીછરી, સમાજમાં ઘૂમતી સ્ત્રી તેથી થંભી ગઈ અને વિચારવા લાગી; એણે કલાકારોને નૂતન પ્રેરણા અર્પી; એણે પત્ની અને માતાને, પતિ અને પિતાને, પોતાના ધર્મોની વિશાલતર અને પવિત્રતર સમજ આપી.’

સાંપ્રદાયિક એકતા ભણીનું ખ્રિસ્તી ધર્મનું પ્રવર્તમાન વલણ વેદાન્તી વલણને છતું કરે છે. તેનાં મૂળ ધર્મના બે હજાર વર્ષોના ઈતિહાસમાં, જોવા મળતાં નથી. એટલે, આ વલણનું ફલદાયિત્વ કેવળ આંતર-ખ્રિસ્તી એકતા પૂરતું મર્યાદિત નહીં રહેતાં, ખ્રિસ્તી અખ્રિસ્તી એકતાના પ્રયાસોમાં પણ જોવા મળે છે. અત્યાર સુધી છૂટી છૂટી કે, કેટલીક વાર એકબીજાની આમને સામને કાર્ય કરી, જગતના ધર્મોની આધ્યાત્મિક શક્તિઓ, પૂર્ણપણે ભાવાત્મક અને સહકારાત્મક થઈ, સંસારના કળણમાંથી માનવીને મુક્ત કરવામાં અને તેના પૂર્ણ આધ્યાત્મિક પરિમાણે પહોંચવામાં સહાયરૂપ બને એ માનવઈતિહાસની મહાન ઘટના થશે. મનુષ્યના ઉત્ક્રાંતિજન્ય વિકાસની આ સાચી દિશા છે; એની માવજત અને પ્રેરણા જગતના ધર્મોના આધ્યાત્મિક હાર્દમાંથી શોધવાનાં છે.

ઉપનિષદો અને ભારતીય ખ્રિસ્તી ધર્મ

ભારતમાં ખ્રિસ્તીધર્મ મૂળ ખ્રિસ્તીધર્મ સાથે જ લગભગ સમકક્ષ છે. ભારતીય ખ્રિસ્તી પરંપરા અનુસાર, ભારતને નૈઋત્યે આવેલા કેરળમાંના ખ્રિસ્તીઓનું મૂળ, ઈસુ ખ્રિસ્તના પોતાના અંતેવાસી શિષ્ય સંત ટોમસની ઈ.સ.ની પહેલી સદીમાંની મુલાકાતમાં મળે છે. ત્યારથી તે આજ લગી, ભારતમાં ખ્રિસ્તી ધર્મ તેમજ, લગભગ તે જ સમયે આવેલ યહુદી ધર્મ અને તેની આઠ સદી પછી આવેલો જરથોસ્તી ધર્મ, ત્રણેય, વૈદિક ઋષિઓના આધ્યાત્મિક દર્શનની પ્રેરણા હેઠળ રક્ષણ, આદર અને પોષણ પામ્યાં છે.

કેથલિક અને પ્રોટેસ્ટણ્ટ, બંને સ્વરૂપોના પાશ્ચાત્ય ખ્રિસ્તી ધર્મની ઘૂસણખોરી પાશ્ચાત્ય સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદના અખ્રિસ્તી નેજા હેઠળ સોળમી સદીથી થઈ છે. સર્વનો સ્વીકાર કરતા અને સહિષ્ણુ હિંદુ ધર્મ સાથે ચાર સદીઓ રહ્યા પછી, માન્યતાજડ અને અસહિષ્ણુ ખ્રિસ્તી ધર્મ પોતાનો આત્મા શોધવામાં અને પોતાનું ભારતીય લક્ષણ શોધવામાં સફળ બન્યો છે; અલબત્ત, એ ચારેય સદીઓ દરમિયાન સતત આપલે ચાલ્યા જ કરતી હતી. આથી ભારતીય ખ્રિસ્તી ધર્મને માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં પણ, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ, આધ્યાત્મિક બળ તરીકેનું ઉજ્જવળ ભાવિ સાંપડ્યું છે.

આજે ભારતમાં ખ્રિસ્તી ધર્મ વેદાન્તની અસર હેઠળ ચિંતનની ઉથલપાથલ અનુભવી રહ્યો છે; ધર્મના ક્ષેત્રમાં વેદાન્તની શાસ્ત્રીય પરિભાષા ખ્રિસ્તી ધર્મના ઉપદેશો અને ગ્રંથોમાંની રજૂઆત ૫૨ ધીમે ધીમે હલ્લો કરી રહી છે. આને પરિણામે, જે સંકુચિત માન્યતાઓ અને મંતવ્યો ખ્રિસ્તી ધર્મને એના સાથી ધર્મો સાથે તથા એના પોતાના સંપ્રદાયોમાં અંદરોઅંદર સતત સંઘર્ષમાં રાખતાં હતાં તે જડ સ્મૃતિ તત્ત્વોમાંથી ભારતીય ખ્રિસ્તી ધર્મ આસ્તે આસ્તે મુક્ત થતો જઈ, પોતાના શ્રુતિહાર્દમાંથી ઝરતી સંપૂર્ણપણે ભાવાત્મક આધ્યાત્મિક શક્તિમાંનાં પરિવર્તિત વેગથી ઔદ્યોગિક યુગમાં ધસી રહ્યો છે. તેના આધ્યાત્મિક પડકારોને ઝીલવા, સાથી ધર્મો સાથે ઉત્સુક થઈ રહેલ છે. ૧૯૧૪ જેટલા વહેલાં, ખ્રિસ્તી સામયિક ઈન્યિન ઈન્ટરપ્રીટરમાં આર. ગૉર્ડન મિલ્બર્નનો લખેલો, ક્રિશ્ચિયન વેદાન્તિઝમ નામના અર્થગર્ભ શીર્ષક વાળો લેખ પ્રસિદ્ધ થયો હતો (સ. રાધાકૃષ્ણને પોતાના ધ પ્રિન્સિપલ ઉપનિષદઝમાં અવતરણ આપ્યું છે, પૃ. ૧૯, ‘ઈંટ્રોડક્શન’, પાદટીપ)

‘ખ્રિસ્તી ધર્મને વેદાન્તની જરૂર છે. આને માટે દાખવવી જોઈએ તેની અર્ધી સમજ પણ અમે મિશનરીઓએ દાખવી નથી. આપણે આપણા ધર્મમાં પણ મુક્તપણે અને આનંદથી વિહાર કરી શકતા નથી કારણ, ખ્રિસ્તી ધર્મનાં અંતર્ગત પાસાંઓને વ્યક્ત કરવા માટે આપણી પાસે પૂરતા પર્યાયો અને રીતિઓ નથી. જેને આપણે વંશીય જૂના કરાર કહી શકીએ તેના બનેલા વેદાન્ત સાહિત્યના કેટલાક ગ્રંથો કે તેના કેટલાક ખંડોનો આદર ઘણું ઉપયોગી પગલું થશે. પછી ધર્મબોધ આપતી વેળા, નવા કરારના કેટલાક ખંડો સાથે, જૂના કરારના ખંડોના વિકલ્પ તરીકે આવા વંશીય જૂના કરારના ખંડોના વાચન માટે ધાર્મિક સત્તાની મંજૂરી મેળવી શકાય.’

‘ઈન્ડિયન સ્ટડિઝ’ના ધ ક્રિશ્ચિયન લિટરેચર સોસાયટી ઓફ ઈન્ડિયા’ એ ૧૯૨૬ જેટલા વહેલા પ્રસિદ્ધ કરેલા પોતાના પુસ્તક ‘ક્રિશ્ચિયાનિટી એઝ ભક્તિમાર્ગ’ની પ્રસ્તાવનામાં, ખ્યાતનામ ખ્રિસ્તી લેખક એ. જે. અપ્પાસામી, એમ.એ. (હાર્વર્ડ), ડી. ફિલ. (ઑકશન), લખે છેઃ

‘હવે પછીનાં વર્ષોમાં, ભારતીય વિચારધારા સાથે ખ્રિસ્તી ધર્મ શો અનુબંધ સાધશે અને આ દેશમાં જીવંત શક્તિ બનશે તે સમજવાના પ્રયત્નમાં, એ રહસ્યવાદી અનુભૂતિ પર વિશેષ ભાર મૂકશે એમ માનવા તરફ હું ઢળું છું.’

ભારતીય ખ્રિસ્તી ધર્મની પ્રતિભાની ભાવના સાથેના તેના સંબંધમાં ખ્રિસ્તી ધર્મને સમજાવવાની વાત આપણે કરીએ ત્યારે, આપણે એ યાદ રાખવાનું છે કે, ખૂબ જ વિભિન્ન એવાં દર્શનશાસ્ત્રોમાં, ધાર્મિક અનુભૂતિઓમાં અને ધર્મગ્રંથોમાં ભારતીય ધાર્મિક પ્રતિભા વ્યક્ત થયેલી છે. ખ્રિસ્તી ધર્મની સાચી ભાવના અને ભારતીય ધાર્મિક જીવનની ભાવના વચ્ચેનો સંબંધ જાતે સમજવા અને બીજાંઓને સમજાવવા આતુર ભારતીય ખ્રિસ્તીઓ પાસેનું તાકીદનું કાર્ય પસંદગીનું છે. આ હેતુ માટે કઈ ભારતીય ધર્મ૫રં૫રા સૌથી વિશેષ અનુકૂળ છે તે આપણે નક્કી કરવાનું છે. ભારતમાં ધાર્મિક વિચારણાના અનેક પ્રકારો હોઈ, ભારતને પરિચિત પરિભાષા અને ખ્યાલોમાં પોતાની ધાર્મિક અનુભૂતિને વ્યક્ત કરવાનું અનિવાર્ય પરિણામ ભારતીય ખ્રિસ્તીધર્મનો વિકાસ વિવિધ સ્વરૂપોમાં થવામાં આવશે.’

ઉપનિષદો અને ભારતીય ઈસ્લામ

ભૂતકાળમાં, ભારતીય ઈસ્લામ ઉપર ઉપનિષદોની અસ૨ બહુ ઘે૨ી થઈ નથી. ઈસ્લામની રહસ્યવાદી શાખા સૂફીવાદ ભલે ઉપનિષદોની ખૂબ ઋણી હોય, સમગ્રપણે ઈસ્લામ પોતાની એ શાખા પ્રત્યે તેમજ, બધા બિનઈસ્લામી ધર્મો પ્રત્યે, સામાન્ય રીતે વિરોધી રહેલ છે, અને ઉપનિષદોની અસરોથી અલિપ્ત રહેલ છે.

મહમ્મદ પયગંબર ખુદાના અને આદમીના મોટા ચાહક હતા. કુરાન એમના એ બેવડા પ્રેમથી છલકાય છે. અલ્-હજ હાફિઝ ઘૂલામ સ૨વ૨ના અંગ્રેજી અનુવાદની કેટલીક આયતો અહીં આપી છે.

નીચે આપેલી ત્રણ આયતો ખુદાનો મહિમા ગાય છે; વેદો અને ઉપનિષદોના અનેક શ્લોકોમાં એ દોહરાતી જોવા મળે છે. કુરાનની આરંભની આયતો અનન્ય આધ્યાત્મિક ભવ્યતા અને સૌન્દર્ય ધરાવે છેઃ

અલ્લાહ નામથી (આપણે આરંભ કરીએ છીએ.)
એ રહિમ છે (આરંભથી)
એ રહિમ છે (અંત સુધી).
અલ્લાહનો જય થાઓ,
એ બધી દુનિયાઓનો માલિક છે,
એ રહિમ છે (આરંભથી)
એ રહિમ છે (અંત સુધી).
અને જેઓ (કુરાનમાં) શ્રદ્ધા રાખે છે,
કયામતના દિનનો એ અધિષ્ઠાતા છે.
અમે તારી જ ચાકરી કરીએ છીએ
અને, અમે તારી જ મદદ માગીએ છીએ.
અમને સાચે રાહે તું દોર, તારી મહેર જેમની ઉપર ઊતરે તેમનો તે રાહ છે,
તારી ખફગી જેમની ૫૨ ઊતરે છે તેમનો નથી,
કે રાહ ભૂલેલાઓનો પણ નથી.
બીજા અધ્યાયની ૨૫૫મી આયતમાં આપણે અલ્લાહની શક્તિ અને મહત્તા વિશે વાંચીએ છીએ:
અલ્લાહ!
એના સિવાય બીજો કોઈ દેવ નથી.
સદાનો અમર,
સર્વને ધારણ કરનાર;
નિદ્રા એને કદી વશ કરી શકતી નથી,
એ કદી સૂતો નથી.
જે કંઈ સ્વર્ગમાં છે
અને જે કંઈ ધરતી પર છે
તે સઘળાનો, એ માલિક છે.
એની સત્તા વિના બીજો કોણ
એની સમક્ષ ઊભો રહી શકે?
એમની આગળ શું છે અને,
એમની પાછળ શું છે તે એ જાણે છે ;
એની ખુશી વિના
એના વિશેનું કશું જ્ઞાન એ પામી શકતા નથી;
અને એની સત્તા સ્વર્ગ અને પૃથ્વી પર વિસ્તરે છે;
એમના પાલનનો એને થાક લાગતો નથી.
અને એ છે
સૌથી ઉપર
સૌથી મહાન.
૩જા અધ્યાયની ૨૫મી આયત અલ્લાહનો મહિમા ગાય છેઃ
બોલ, ‘ઓ ખુદા, રાજ્યના ધણી,
તું જેને ચાહે તેને રાજ્ય આપે છે.
અને તું ચાહે ન તેની પાસેથી રાજ્ય છીનવી લે છે;
અને તું ચાહે છે તેને ઊંચે ચડાવે છે;
અને તું ચાહે છે તેને નીચે પછાડે છે;
બધું સારું તારે હાથ છે;
જે ચાહે તે કરવા તું શક્તિમાન છે.
મોક્ષ માત્ર મુસ્લિમોનો ઈજારો નથી એમ કુરાન ચોખ્ખું કહે છે. બીજા અધ્યાયની ૬૨મી આયત કહે છેઃ
અને જેઓ (કુરાનમાં) શ્રદ્ધા રાખે છે,
અને યહૂદીઓ,
અને સેબિયનો–
જે કોઈ અલ્લાહને માને છે
અને ભવિષ્યને માને છે
અને ભલું કરે છે
આવા સૌ માટે એમના દેવ એમની પર રહેમ કરે છે,
અને એમને કોઈથી ડરવાનું નહીં રહે,
તેમજ તેમને કદી આફત નહીં આવે.
કુરાન ભાર મૂકીને કહે છે કે, દિવ્ય કૃપા મેળવવાની એક જ શરત છે સારી જિંદગીની અને સારાં કાર્યોની, નહીં કે કોઈ ચોક્કસ ધર્મને અનુસરવાની (એજન, ૨,૧૭):
પૂર્વ કે પશ્ચિમ તરફ
તમારું માથું નમાવવાની કંઈ જરૂર નથી,
પણ અલ્લાહમાં માને તે સદ્ગુણી છે,
અને જે ભવિષ્યના દિવસમાં માને છે,
અને જે દૂત – આત્માઓમાં માને છે,
અને જે કિતાબમાં,
અને પયગંબરમાં માને છે,
અને, પોતાની દોલતને ચાહતાં છતાં,
પોતાનાં નિકટનાં સગાંને,
અને યતીમોને,
અને જરૂરતમંદોને,
અને વટેમાર્ગુને,
અને ભિખારીને,
અને ગુલામોને છોડાવવા માટે,
અને બંદગી કરનારને,
અને નક્કી કરેલાં દાન માટે આપે છે;
અને કરાર કર્યા હોય તેમનું પાલન કરે,
અને કઠણાઈના કાળમાં,
અને ઘા વાગે ત્યારે,
અને લડાઈને સમયે,
જે ખંત દાખવે;
આ બધાય સાચના રખવૈયા છે,
અને આ બધા આદરણીય છે.
બિન-મુસ્લિમો સાથેના પોતાના વ્યવહારમાં પયગમ્બરે સહિષ્ણુતા અને આદરનું એક ઉચ્ચ દષ્ટાંત પૂરું પાડ્યું હતું. અધ્યાય બીજાની રૂપકની આયત ધાર્મિક સહિષ્ણુતા અને બંધુતાનાં ગુણગાન ગાય છેઃ
ધર્મમાં કોઈ આગ્રહ હોઈ શકે નહીં,
જૂઠા પંથથી સત્યનો પંથ સ્પષ્ટ બતાવવામાં આવ્યો છે.
પછી જે ધર્મચ્યુતને નથી માનતો,
અને અલ્લાહને માને છે,
એણે હાથો બરાબર પકડ્યો છે;
પછી કશું તોડવાનું નથી;
અને અલ્લાહ સાંભળે છે, જાણે છે.
અધ્યાય ૪ની ૧૩૩મી આયત (તેમજ અધ્યાય પાંચની ૮મી આયત) અરસપરસના સંબંધોમાં ન્યાય અને નેકી ઉપર ભાર મૂકે છેઃ
અરે તમે જે શ્રદ્ધાવાન છો!
ન્યાયના પાલન દ્વારા થજો,
ખુદા માટે સાક્ષી થજો,
અને, ભલે, તમારી જ વિરુદ્ધ હોય,
કે તમારાં માતાપિતાની,
કે તમારાં સગાંઓની વિરુદ્ધ હોય,
એ રાય હોય કે રંક,
(તમારી પાસે છે તેના કરતાં) અલ્લાહ તેની નજીક છે;
માટે, (તમારી) હલકી ઈચ્છાઓને નહીં અનુસરો,
રખેને તમે ઈન્સાફ ન કરો.
અને તમે (પુરાવાઓ સાથે) ચેડાં કરો,
કે અળગા રહો,
તો, તમે શું કરો છો તે અલ્લાહ ચોક્કસ જાણે છે.

કુરાનની આ અને આવી આયતો સનાતન અને સાર્વત્રિક સત્યો પોકારે છે; ભારતીય આધ્યાત્મિક પરંપરાની પરિભાષામાં આ ઈસ્લામનાં શ્રુતિ તત્ત્વો છે. પ્રભુના પંથનો ઈસ્લામ આ છે. સમાજમાં જીવનના માર્ગ તરીકે ઈસ્લામનું એક બીજું પાસું પણ છે. એ એનું સ્મૃતિ પાસું છે જે, પોતાની પ્રજાને આરબ રાષ્ટ્ર તરીકે ઘડવા માટેનાં ચિંતનનું અને મૂલ્યોનું છે. આની અસર મર્યાદિત છે કારણ કે, એ ભાગ અંગત અને સામાજિક વ્યવહારના નીતિનિયમોથી ભરેલો છે – એ તત્ત્વો ધર્મનાં રાજકીય-સામાજિક તત્ત્વોનો બનેલો છે. આ બાબતો વિશે કોઈ ધર્મશાસ્ત્ર બધા કાળને માટે અને બધા લોકોને માટે નિયમો ઘડી શકે નહીં. જે કાયદાઓ સાતમી સદીમાં આરબો માટે હિતકારક હોય તે, ભારતવાસીઓ માટે, ઈન્ડોનેશિયાવાસીઓ માટે, યુરોપિયનો માટે કે અમેરિકનો માટે અને, આશ્ચર્યકારક રીતે, વીસમીસદીના આરબો માટે હિતકારક હોઈ નહીં શકે. આજના જમાનાની માંગને અનુલક્ષીને પ્રગતિવાદી આરબ રાષ્ટ્રો શાણપણપૂર્વક એમાં સુધારાવધારા કરી રહ્યાં છે.

પણ કુરાનનો આધ્યાત્મિક સંદેશ, માણસને અધ્યાત્મિક પ્રાપ્તિનો પંથ ચીંધતો તેનો સંદેશ, સનાતન અને વૈશ્વિક છે. વેગીલા સામાજિક પરિવર્તનોના કાળમાં, દરેક ધર્મને નવા અર્થઘટનની પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર છે; ટૉય્‌ન્બીના અગાઉ ઉલ્લેખિત શબ્દોમાં, એ ‘ઉપણવાની ક્રિયા’ છે. એમાં ધર્મના અર્થ પર ભાર દેવાનો છે અને શબ્દને ઉવેખવાનો છે, અર્થાત્, સનાતન ઉપર વિશેષ ઝોક અને ઐતિહાસિક ૫૨ ઓછો, જેથી, નવા યુગનો પડકાર ઝીલવા માટે એ નવું સ્વરૂપ ધારણ કરી શકે; કારણ, ન્યુ ટેસ્ટામેણ્ટ (નવો કરાર) કહે છે તે પ્રમાણે, ‘શબ્દ મારે છે, ભાવના જીવન બક્ષે છે.’ આમ ન કરવામાં આવે તો, ધર્મ જંતરડું બની જાય છે અને પોતાના અનુયાયીઓનાં વ્યક્તિત્વને મચડી નાખે છે.

(ક્રમશઃ)

Total Views: 411

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.