કેટલીક ઘટનાઓ અને કેટલીક વિભૂતિઓ અમૂલ્ય અને અતુલ્ય હોય છે. આ અમૂલ્ય એ છે કે જેનું મૂલ્ય દિનપ્રતિદિન વધતું જ જાય છે. સમય વીતતો જાય તેમ તે વિભૂતિ કાલાતીત પુરવાર થતી જાય. ભારત, મારો – તમારો – આપણો દેશ, આપણું રાષ્ટ્ર અનન્ય એટલે છે કે તે આવી વિરલતમ વિભૂતિઓથી સમૃદ્ધ છે.

વિશ્વભરના યુવાનોને આવતી સદીઓ સુધી જે અપ્રતિમ નેતૃત્વ પૂરું પાડી શકે તેવા સ્વામી વિવેકાનંદને ‘નરેન્દ્રમાંથી નરશ્રેષ્ઠ’ નિર્મિત કરનાર ગુરુદેવ ઠાકુર શ્રીરામકૃષ્ણ પરમહંસને આજના સંદર્ભમાં જીવી જોવાનો એક વિચાર આ લેખ દ્વારા કરવો છે. આ મૂલ્યાંકન નથી, ગુરુદેવ શ્રીઠાકુરના જીવનનું વિવેચન કે પરીક્ષણ કે મૂલ્યાંકન આપણા જેવા દુન્યવી જીવનાં ગજાં બહારની વાત છે… પણ કેટલાક અણસમજ લોકો જ્યારે પૂછે કે ૧૮૩૬માં જન્મ ધારણ કરનાર શ્રીરામકૃષ્ણદેવ શું આજે પણ યથાર્થ છે? ત્યારે નાસમજ લોકોને દિલમાં ઉતરે તેવો જવાબ આપવો આપણી નૈતિક ફરજ છે.

આધુનિક સમય એટલે આજનો સમય, નાવીન્યનો સમય, પ્રતિ ક્ષણ બદલાતી પળ સાથે દોડતો સમય. અને હા, આજના સમયને આજના પ્રશ્નો છે, આજની હતાશા છે, પ્રતિ પળ જવાબમાં મળતી નિરાશા છે.. ઉપલબ્ધ બધું છે, પણ પ્રાપ્ત સઘળું નથી. ગતિ અમાપ છે પણ દિશા નથી. માણસ ચોતરફ છે, પણ ચૈતન્ય નથી. ન કહી શકાય તેવો અજંપો છે. ભૌતિકતાના ઢગલા પર સવારી કરતો માણસ સલામતી માટે ભયભીત છે. આધુનિકતાનો ડગલો પહેરી અપ-ટુ-ડેટ યુવાન આત્મવિશ્વાસનો અભાવ અનુભવે છે. ઉચ્ચતમ ટકાવારી મેળવી શ્રેષ્ઠતમ શિક્ષણ મેળવી રહેલો વિદ્યાર્થી પણ પોતાના ભાવિ વિશે તનાવગ્રસ્ત છે… કેમ છે આવું? શું છે આ બધું? સુખ સગવડોથી છલકાતા વિશ્વમાં માણસને શાનો અભાવ કોરી ખાય છે? જીવવા માટે દોડતો જુવાનિયો જીવંત કેમ નથી? આ અને આવા પ્રશ્નોના ત્રણ જવાબો ઝટ દઈને મળે છે: 

(૧) આત્મ વિશ્વાસનો અભાવ

(૨) પ્રતિબદ્ધતા માટે પ્રમાદ અને

(૩) દિશાવિહીન દોડાદોડ…

આ છે આધુનિક સંદર્ભ. આ છે આજના સમયનાં સાચાં સ્પીડબ્રેકર્સ.. વિશ્વવંદ્ય વિભૂતિ એ છે જે આપણે હારી જઈએ ત્યારે આપણી આંગળી પ્રેમથી પકડે, ખભે મમતાભર્યો હાથ મૂકે અને આપણી સાથે હૂંફાળાં ડગલાં માંડે.

આધુનિક સંદર્ભના ત્રણ ફલિતાર્થોમાં શ્રીરામકૃષ્ણદેવ આપણી આંગળી પકડી આપણને દોડતા કરી શકે તેવું સામર્થ્ય ધરાવે છે, એ ફરી ફરી યાદ કરાવવાની આજે જરૂર છે. આત્મવિશ્વાસના અભાવને કારણે નાની વાતમાં પંખે લટકી જઈ આત્મહત્યા કરનાર યુવાનોને ઠાકુરના જીવનમાં ડોકિયું કરાવવાની આવશ્યકતા છે.

એક ગરીબ બ્રાહ્મણ દંપતીને ત્યાં જન્મ. વાતાવરણ રૂઢિચુસ્ત. માતા પિતા નિષ્ઠાવાન એટલે ત્યાગપૂર્ણ અને તપસ્યામય જીવે. લૌકિક કામધંધો કરવાની છૂટ નહીં અને ગમે તેની પાસેથી દાન લેવાની પણ મનાઈ! વિચારી જોઈએ કે આમાં બાળક ઉછરે કઈ રીતે? માતા પિતા ભારોભાર કરુણામય. પોતે ખૂબ જ ગરીબ છતાં કોઈ ગરીબ મનુષ્ય દેખાય તો તેને ખાવાનું આપીને પોતે ભૂખ્યાં રહે! બાલ્યાવસ્થામાં જ બાળકના પિતાનો દેહાંત થયો. બ્રાહ્મણનો દીકરો એટલે પાઠશાળામાં તો જવું જ પડે, કારણ જ્ઞાતિનાં બંધન અનુસાર તેણે વિદ્યોપાર્જનનું જ કામ કરવાનું! બાળકને પાઠશાળામાં ગોઠ્યું નહીં. તેને વિદ્વાનોના કોરા પુસ્તકિયા જ્ઞાનનાં ફળથી સર્જાતો વાદવિવાદ રુચ્યો નહીં, અને બાળકે નિર્ણય કર્યો કે ‘હવે હું પાઠશાળામાં બિલકુલ જઈશ નહીં.’ અભાવ વચ્ચે ઉછરી રહેલા બાળકનો આત્મવિશ્વાસ એટલો પ્રબળ કે પછીથી તે પાઠશાળાનું પગથિયું કદી ચઢ્યો નહીં. મોટા ભાઈ સાથે કોલકાતા પહોંચી એક મંદિરમાં પૂજારી તરીકેનું કામ સ્વીકાર્યું. (એ સમયમાં મંદિરમાં પૂજારી તરીકે નોકરી કરવી એ બ્રાહ્મણને માટે હલકું કામ ગણાતું હતું!) જે મંદિરમાં આ છોકરો પૂજા કરતો હતો, તેમાં ‘આનંદમયી જગન્માતા’ની એક મૂર્તિ હતી. સવાર સાંજ આ મૂર્તિની પૂજા કરવી પડતી હતી, તેમાંથી તેના મન પર એક વિચારે જબરી પકડ જમાવી કે: ‘શું આ મૂર્તિમાં માતાજી ખરેખર છે? આ સંસારમાં આનંદમયી જગન્માતા છે, એ શું સાચું છે? શું ખરેખર વિશ્વનો બધો વ્યવહાર તે જ ચલાવે છે કે પછી આ બધું સ્વપ્નવત્ મિથ્યા જ છે?’ આ વિચાર માત્ર ન હતો, આ તો હવે જીવનની મૂલત: શોધ હતી. નાનો છોકરો જીવનની આ પરમ શોધ માટે પ્રતિબદ્ધ થયો. પ્રતિદિન રડતાં રડતાં તેણે પેલી મૂર્તિને જ પૂછવાનું શરૂ કર્યું: ‘હે મા! તારું અસ્તિત્વ છે, એ વાત શું સાચી છે? તો પછી તું બોલતી કેમ નથી?’ સ્વાભાવિકપણે જ બાળકને કંઈ જવાબ ન મળ્યો કે સમાધાન પણ ન થયું… પાઠશાળા છોડતી વખતે આત્મવિશ્વાસે છોકરાને ટેકો કરેલો અને હવે મંદિરની પૂજા છોડવામાં આત્મવિશ્વાસ સાથે જીવન સત્યની ખોજ માટેની પ્રતિબદ્ધતા ભળી. મંદિરની પૂજા છોડી છોકરો ભાગ્યો જંગલમાં. ત્યાં જ પંચવટીમાં રહેવા લાગ્યો. ખાવાપીવાનું ભાન પણ ગુમાવીને તેણે માતાને અફાટ રુદને પ્રાર્થના કર્યે રાખી કે ‘જો તમે હો, તો મને દર્શન દો.’ તેમના એક સગાએ છોકરાને પરાણે મોઢામાં ખોરાક નાખ્યા કર્યો અને છોકરાએ યંત્રવત્ ગળી જવાનું કામ કર્યું. ધીમે ધીમે બધું છૂટ્યું. પ્રતિબદ્ધતા હવે ભીષ્મ પ્રતિજ્ઞા બની ગઈ. ધ્યેય-સાધનાના નિયમોનું સંપૂર્ણ પાલન. ધન-કામ વાસનાનો પૂર્ણપણે ત્યાગ. અને ત્યાગ જીવનપર્યંત, ક્ષણિક નહીં. શ્રીઠાકુરનો આત્મીય શિષ્ય વિવેકાનંદ સંકલ્પ પરીક્ષણ કરવા ઠાકુરના નિદ્રાધીન શરીરને જરાક સિક્કો અડાડે ત્યાં તો આખું શરીર જાણે કે લકવાગ્રસ્ત થઈ જાય!… આટલી પ્રબળતમ પ્રતિબદ્ધતાના ફળ સ્વરૂપે એ યુવકને કેટલાય મહિનાઓ પછી શાંતિ પ્રાપ્ત થવા લાગી. કારણ એ યુવકને વિવિધ પ્રકારનાં દર્શનો થવા લાગ્યાં, અદ્ભુત રૂપો દેખાવા લાગ્યાં અને પોતાના અંતરનાં અનેક રહસ્યો ઉઘડવા લાગ્યાં!…

આત્મવિશ્વાસ, પછી પ્રતિબદ્ધતા અને પછી સદિશ સઘન સતત પ્રયાસો! જીવનનાં આ ત્રણ પગથિયાં જે હોંશપૂર્વક ચઢે છે તેના પડદા પછી પડદા જાણે કે ખસી જાય છે, સાક્ષાત્ જગન્માતા તેના ગુરુસ્થાને બિરાજે છે અને બાળકને સત્યપ્રાપ્તિના સાધનની દીક્ષા આપે છે. શ્રીરામકૃષ્ણદેવ પણ દીક્ષિત થયા આ જ ત્રણ પગથિયાં ચઢીને, પછી પ્રશ્નો તો આવ્યા, સમસ્યાઓ તો સર્જાણી, મુશ્કેલીઓ તો મચી જ પડી પણ તેઓશ્રીને દરેક પ્રશ્નનો જવાબ મળ્યો, દરેક સમસ્યાનો ઉકેલ મળ્યો અને દરેક મુશ્કેલીમાંથી માર્ગ પણ મળ્યો. અહંકાર-ત્યાગની સાધના કરીને એ પરમસત્ય પ્રાપ્ત કર્યું કે: ‘હું કંઈ નથી; હે ઈશ્વર! તું જ સર્વ કાંઈ છે.’ કોઈ પણ સાધના કરવાનો વિચાર મનમાં ઊઠે કે તરત જ તેઓ એ સંબંધી બારીક શાબ્દિક વિવેચનામાં ઉતર્યા વગર એકદમ તેના આચરણમાં લાગી પડે. સિદ્ધાંતની વાતો શબ્દોમાં ના રહી ગઈ પણ તેનો અમલ કરી બતાવ્યો. મનુષ્ય માત્રમાં ભગવાન જોવા ઉપદેશ ન આપ્યો પણ પોતે ભંગીને ઘરે જઈ તેનું ઘર સાફ કરવા દેવાની રજા માંગી! આવું પાપ ન થઈ શકે એવું જ્યારે ભંગીઓએ કહ્યું, રામકૃષ્ણદેવ મધરાતે ભંગીઓ ઘસઘસાટ ઉંઘતા હતા ત્યારે તેના ઘરમાં ઘૂસી પોતાના માથાના લાંબા વાળની મદદથી બધી જગ્યા વાળવા લાગ્યા! કુટુંબીઓએ પરાણે લગ્ન કરી નાખ્યાં ત્યારે પોતાનાં પત્નીને પ્રાર્થના કરી પોતાના સંકલ્પ જણાવી તેમની આજ્ઞા માગી કે: ‘આપ કહો તો મારું જીવન આપને અર્પણ કરું અથવા આપનામાં જીવનભર જગન્માતાનાં દર્શન કરું!!’ સ્ત્રી સ્વીકાર કે નારી સમાનતાનાં ભાષણો નહીં, પણ પૂર્ણ સમર્પણ ભાવથી સ્ત્રીદાક્ષિણ્ય દાખવી ભારત વર્ષને શ્રીમા શારદાદેવીના આવિર્ભાવની ભેટ એ શ્રીરામકૃષ્ણદેવની આધુનિક ભારતને ઉત્તમોત્તમ પ્રસાદી છે.

‘પૂર્ણ આત્મવિશ્વાસ’. ‘અતૂટ શ્રદ્ધા.’ ‘શતશ: પ્રતિબદ્ધતા.’ ‘કલ્યાણદિશે ગતિ’… આ ચાર શબ્દ સમૂહોને શ્રીરામકૃષ્ણદેવનાં આધુનિક સંદર્ભના સ્વસ્તિક તરીકે પૂજી શકાય. આ સ્વસ્તિકની પૂજા એટલે શ્રીરામકૃષ્ણદેવના ચરણોમાં વંદન. આ સ્વસ્તિકને જીવનમાં ઉતારીએ એ જ આજનો સંદર્ભ, એ જ આજની તાતી આવશ્યકતા, એ જ આજના સમયની માંગ. શ્રીરામકૃષ્ણ કથામૃત વાંચી તેને આત્મસાત્ કરીએ તો પ્રત્યેક શબ્દે આપણને નવો માર્ગ મળે કે જે આપણી દ્વિધાને દીવામાં પલટી શકે. જીવનના પ્રત્યેક પ્રશ્નનું સમાધાન છે શ્રીરામકૃષ્ણદેવ પાસે, આપણે માત્ર તેમના રંગે રંગાઈ જવાનું છે. શ્રીઠાકુર એક પ્રસંગ વારંવાર કહેતા:

એક જણની પાસે એક રંગનું કૂંડું હતું. ઘણાય માણસો તેની પાસે કપડું રંગાવવા આવતા. એ માણસ પૂછતો કે તમારે કેવો રંગ કરવો છે? એક જણ એમ કહેતો કે ‘મારે લાલ રંગે રંગવું છે.’ તરત જ પેલો રંગારો કૂંડામાં કપડું બોળીને કહેતો, ‘આ લો તમારું લાલ રંગનું કપડું.’ બીજો વળી કહે કે ‘મારે પીળા રંગમાં રંગવું છે.’ તો તરત તે રંગારો એ જ કૂંડામાં કપડું બોળીને કહેતો કે ‘આ લો તમારો પીળો રંગ.’ વાદળી રંગમાં રંગાવાની કોઈની ઇચ્છા હોય તો પણ એ જ કૂંડામાં બોળીને કહેતો કે આ લો, તમારું વાદળી રંગનું કપડું. એ પ્રમાણે જે માણસ જે રંગમાં રંગાવા ઇચ્છતો તેનું કપડું એ જ રંગનું તે એકના એક કૂંડામાંથી રંગાઈને આવતું. એક જણ એ વિસ્મયકારક ઘટના જોઈ રહ્યો હતો. રંગારાએ તેને પૂછ્યું: ‘કેમ ભાઈ! તમારે ક્યા રંગમાં રંગવું છે?’ એટલે પેલાએ જવાબ આપ્યો કે ‘ભાઈ! તમે જે રંગે રંગાયા છો એ રંગ મને આપો!’ … આધુનિકતાનો લાલ, પીળો, વાદળી રંગ છોડીને આપણે શ્રીઠાકુરના રંગે રંગાવા તત્પર છીએ ખરા? જો હા, તો પછી આનંદ જ આનંદ. ન ભૂતો ન ભવિષ્યતિ!!

Total Views: 127

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.