શ્રીમા શારદાદેવીની ૧૪૪મી જન્મતિથિ (૧ જાન્યુઆરી) પ્રસંગે
શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા લીધી હતી. તેમના કેટલાક મહત્ત્વપૂર્ણ લેખો ‘The Spiritual Ideal For the Present Age’ નામના પુસ્તકમાં પ્રકાશિત થયા છે. તેમાંના થોડા લેખો ‘ભગવત્પ્રાપ્તિના પંથ’ અને ‘આધુનિક યુગમાં આધ્યાત્મિક આદર્શો’ નામના પુસ્તકોમાં, ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયા છે. તેમાંથી બીજા પુસ્તકના થોડા મહત્ત્વપૂર્ણ અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. -સં
આજે સમગ્ર જગતમાં સ્ત્રીઓના દૃષ્ટિબિંદુમાં મહાન પરિવર્તન આવી રહ્યું છે. સ્ત્રી અને પુરુષ એ બંને જાતિઓ ભિન્ન ભિન્ન સજ્જતાઓ ધરાવે છે; એટલે સામાજિક અને રાષ્ટ્રીય જીવનમાં એમને જુદાં જુદાં કાર્યો બજાવવાનાં હોય છે એવા પ્રાચીન મતનું ખંડન કરવાનો પ્રયત્ન પશ્ચિમની સ્ત્રીઓએ કર્યો છે. જીવનનાં તમામ ક્ષેત્રોમાં તેઓ પુરુષો સાથે સ્પર્ધામાં ઊતરી છે અને એમાં મહદંશે સફળ પણ થઈ છે. અલબત્ત, આ સ્પર્ધાથી તેઓ વધારે સુખી થઈ છે કે કેમ એ એક પ્રશ્ન છે ખરો! ભારતીય સ્ત્રીઓ પણ પોતાનો દૃષ્ટિકોણ બદલી રહી છે અને કેટલાક નોંધપાત્ર અપવાદો હોવા છતાંય જે અનેક સૈકાંઓથી એમનું મુખ્ય કાર્યક્ષેત્ર છે એવા ગૃહજીવનના ક્ષેત્ર પૂરતું જ – ગૃહ પૂરતું જ – જીવન વ્યતીત કરવામાં તેઓ સંતોષ માનતી નથી. વધુ વ્યાપક-વધુ સભર જીવન જીવવાની સ્વતંત્રતાનો દાવો તેઓ આગળ ધરે છે. સ્ત્રીઓનો આ વિદ્રોહ ઘણો સકારણ છે. આપણા સમાજમાં એમનું સ્થાન જેવું હોવું જોઈએ તેવું નથી અને એ કહેવાની જરૂર નથી કે રાષ્ટ્રજીવનનાં વિભિન્ન ક્ષેત્રોમાં તેઓ ભાગ લે એ આવકારદાયક છે. આમ છતાં, આ નવા સાહસના ઉત્સાહમાં આપણા દેશની સ્ત્રીઓએ એમના સર્વોત્તમ અંશને ગુમાવવો ન જોઈએ. આ વસ્તુ ઉપર – આપણા આ પ્રાચીન વારસા ઉપર – ભાર મૂકવા માટે જ દક્ષિણેશ્વરમાં મહાન લીલાનો પ્રારંભ થયો.
જીવનની મૂળભૂત એકતાનો અને આ એકતાની અનુભૂતિ એ જ પરમ શ્રેય તેમ જ સાચી આત્માભિવ્યક્તિ છે એ હકીકતનો સ્વીકાર કરવો એ ભારતીય સંસ્કૃતિનું હાર્દ છે. આ સત્યનો સ્વીકાર અને તેની અનુભૂતિ માટેનાં સાધનો – એ આપણી તમામ સામાજિક સંસ્થાઓનો પાયો છે. કંઈ કેટલાયે કાળ પહેલાં ભારતે જીવનના હેતુની સમજ પ્રાપ્ત કરી લીધી હતી અને આ ધ્યેયની પ્રાપ્તિની દૃષ્ટિએ સમાજનું ઘડતર કર્યું હતું. આ સમાજરચનામાં આ હકીકતની નોંધ લેવાનું ભારત ચૂક્યું નથી કે સ્ત્રીઓ અને પુરુષો આધ્યાત્મિક વિકાસની ભિન્ન ભિન્ન ભૂમિકાએ હોય છે અને તેથી તમામ ઉપર સર્વોચ્ચ આદર્શ લાદવાથી સમાજમાં ગોટાળો ઊભો થાય. આથી આધ્યાત્મિક દૃષ્ટિએ કાચા લોકોને થોડા આનંદપ્રમોદનો અવકાશ મળે એ હેતુથી ક્રમબદ્ધ શ્રેણીના પાયા ઉપર તેણે સમાજનું ચણતર કર્યું; પરંતુ સાથે સાથે તેણે એનો પણ ખ્યાલ રાખ્યો કે જીવનનું મૂળ ધ્યેય તેઓ વીસરી ન જાય. જીવનનું નિયમન એ રીતે થતું કે જીવનની જુદી જુદી અનુભૂતિઓ અને ભૂમિકાઓ દ્વારા સૌ લોકો પેલા અંતિમ ધ્યેય પ્રતિ આગળ ધપી શકે.
સંપૂર્ણતા પ્રતિ મનુષ્યની વિકાસયાત્રામાં લગ્નજીવન એ એક ભૂમિકા છે. આ અનુભવની પાર જવા માટે મનુષ્ય આ અનુભવમાંથી પસાર થવું પડે. લગ્ન એ કેવળ દેહના નહીં પરંતુ આત્માના યોગનું પ્રતીક છે. આ જ સત્ય લગ્નના બંધનને આટલું બધું પવિત્ર બનાવે છે. સ્થૂલ પ્રેમ એ તો મંદિરનું કેવળ બહારનું ચોગાન છે, સભામંડપ પણ નહીં; તો પછી ગર્ભગૃહની તો વાત જ શી? પરંતુ જ્યારે યોગ્ય રીતે તેનું નિયમન થાય, ત્યારે તે લોકોને સીધા દેવની સન્મુખ લાવી મૂકે છે. ઘણી મોટી સંખ્યાના લોકોની બાબતમાં આ સાચું છે, પરંતુ ઠાકુર અને શ્રીશારદાદેવીની બાબતમાં આપણે જોઈએ છીએ તે પ્રમાણે, કેટલીક એવી પવિત્ર વ્યક્તિઓ હોય છે કે જેમના માટે આરંભથી જ લગ્ન એ આત્માઓનો યોગ બની રહે છે અને જેમને મન અન્ય કોઈ મુદ્દાનો વિચાર પણ અપ્રસ્તુત હોય છે.
લોકોના આધ્યાત્મિક વિકાસની સાથે સાથે પ્રેમની એમની વિભાવના પણ વિકસતી જાય છે. પ્રેમ એ મનુષ્યની અંદર રહેલું એક પરિબળ છે અને સ્થૂળ ભૂમિકાએ એ પ્રજોત્પત્તિની ઝંખનાના રૂપમાં પ્રગટ થાય છે, પરંતુ જ્યારે ઉચ્ચતર આદર્શોથી તેનું નિયમન થાય, ત્યારે તે મનુષ્યને આધ્યાત્મિક પ્રકાશ તરફ દોરી જાય છે. લગ્નની કૃતાર્થતા સંયમ અને સેવામાં છે, ભોગસુખમાં નહીં. એનું ધ્યેય છે જીવનની સમૃદ્ધિ, ભોગપરાયણતા નહીં. જ્યારે એના ધ્યેય તરીકે ભોગવિલાસ ન હોય, ત્યારે એ ચારિત્ર્યનું ઘડતર કરે છે અને ઉચ્ચતર શ્રેયને અવકાશ આપે છે. હિન્દુ લગ્ન આ ઉચ્ચતર શ્રેયને મહત્ત્વ આપે છે અને લગ્નના રંગદર્શી ખ્યાલનો અસ્વીકાર કરે છે. સુખની નિષ્પત્તિ સાંસારિક જીવનમાંથી નહીં પરંતુ આ ઉચ્ચતર શ્રેયની સિદ્ધિમાંથી અને વિહિત કર્તવ્યોના પાલનમાંથી થાય છે.
પતિ અને પત્ની – એ જીવનમાં આધ્યાત્મિક સહભાગી છે, પરસ્પર પૂરક છે અને બંને આખરી ધ્યેય તરફ આગળ ધપે છે. જેવી રીતે સ્ત્રીને પૂર્ણ સહધર્મચારિણી બનવાનો આદેશ છે, તેવી રીતે પુરુષને પણ પૂર્ણ પતિ બનવાનો આદેશ છે. આ આદર્શ પૂર્વનિયત છે અને દંપતી તેને અનુરૂપ બને એવી તેમની પાસેથી અપેક્ષા રખાય છે. સીતા અથવા રામ જેવા થવું એ લગ્ન-જીવનનો આદર્શ છે અને એમાં પરિણીત યુગલની ક્ષતિઓનું બહુ મહત્ત્વ નથી, કારણ કે એમાં એકની નિષ્ફળતાને લીધે બીજો ભાગીદાર પણ આ આદર્શના સેવનમાંથી છટકી જાય એ હકીકત યોગ્ય ઠરે નહીં. પત્ની પતિમાં તત્ત્વની અનુભૂતિ કરવા માટે મથે છે, અને તેની રોજબરોજની પતિસેવા એ ઈશ્વરપૂજન બરાબર છે. તેના આ પ્રકારનાં દર્શનમાં પતિની ઊણપોનો લોપ થઈ જાય છે. સમાનતાનો નહીં; પણ પૂજનનો આ અધિકાર એ જ તેનો દાવો છે. પત્નીત્વ તો જે મહાન પ્રમાણમાં એ પ્રદાન કરે છે – સમર્પણ કરે છે – તેમાં રહેલો છે. એનો આદર્શ કેવળ પ્રેમનું પાત્ર બની રહેવાની બાબતમાં નિરપેક્ષ રહેવું એમાં નથી;
પ્રેમ આપવો અને પામવો, એમાં પણ નથી, પરંતુ એ તો છે કશા બદલાની અપેક્ષા વગર કેવળ પ્રેમનું પ્રદાન કરવામાં, એટલે જ, જેમણે હંમેશાં આપ્યું જ છે અને બદલામાં કદાપિ કશી અપેક્ષા રાખી નથી એવાં સીતા અને સાવિત્રીની સ્વપ્નસૃષ્ટિમાં હિન્દુ પત્ની હંમેશાં રાચે છે.
પત્નીત્વનો આ આદર્શ, એ આજકાલ અમુક લોકો માની બેસે છે તેમ, સમાજે સ્ત્રીઓ ઉપર લાદેલી ગુલામી નથી, પરંતુ સ્થૂળ વૃત્તિઓનું ઊર્ધ્વીકરણ કરવાનું, ઊર્મિઓને આધ્યાત્મિક ભૂમિકાએ લઈ જવાનું સાધન છે. હિન્દુ ધર્મની મહત્તા એ હકીકતમાં રહેલી છે કે એ સ્ત્રીઓ અને પુરુષોને, તેઓ જ્યાં છે – જે ભૂમિકાએ છે – ત્યાંથી ઝડપે છે અને વ્યાવહારિક વસ્તુઓ વિશેનો તેમનો દૃષ્ટિકોણ બદલવાનું તેઓને કહીને તેમની આગેકૂચમાં સહાય કરે છે. આમ, ૫રમાર્થ અને વ્યવહાર વચ્ચેના ભેદો એ ભૂંસી નાખે છે અને વસ્તુમાત્રને એ પારમાર્થિક બનાવે છે. આપણને એ હકીકતનો ખ્યાલ છે કે એવાં કેટલાંક અંતિમ કોટિનાં ઉદાહરણો મળી આવે છે કે જે આ આદર્શને વાજબી ઠરાવે નહીં; પરંતુ આ સાપેક્ષ જગતમાં કોઈ વસ્તુ સંપૂર્ણ નથી, જ્યારે આપણે કોઈ સામાજિક આદર્શ ઊભો કરીએ, ત્યારે ‘વધુમાં વધુ લોકોનું વધુમાં વધુ હિત’ કરવાની તેની ક્ષમતાની દૃષ્ટિએ આપણે તેને મૂલવવો જોઈએ. જો એ આટલું કરે, તો પછી, થોડાંક વિલક્ષણ દૃષ્ટાંતોમાં તેને લાગુ પાડી શકાતો ન હોય એટલા ખાતર જ આ આદર્શને કંઈ કચરાપેટીને હવાલે કરી શકાય નહીં–કમસે કમ આપણને તેની અવેજીમાં બીજો વધુ સારો આદર્શ મળે નહીં ત્યાં સુધી તો નહીં જ, કારણ કે કશા આદર્શો વગરની જિંદગી તો આપણને ગુફાવાસી માનવોના યુગમાં ફરીથી લઈ જશે. સ્વામી વિવેકાનંદ કહે છે : ‘આપણી લગ્ન પ્રથાની પાછળ રહેલા ખ્યાલો જ એવા છે કે જેમના દ્વારા સાચી સંસ્કૃતિનું નિર્માણ થઈ શકે, આ સિવાય અન્ય કોઈ પરિણામ આવી શકે નહીં’..જો સમાજમાં અંગત મોજશોખને છૂટો દોર આપવામાં આવે, તો ખરાબ, દુષ્ટ અને આસુરી વૃત્તિવાળાં સંતાનોના રૂપમાં તેનું પરિણામ બૂરું આવે…આપણે આ બધા આદર્શો ખોઈ બેઠા છીએ. એ તદ્દન સાચું છે કે આ મહાન ખ્યાલોમાંથી કેટલાકને તો આપણે લગભગ ઠઠ્ઠાચિત્ર રૂપ જ બનાવી દીધા છે. પરંતુ આપણી રીત ગમે તેટલી દોષિત હોય તો પણ મૂળ સિદ્ધાંત સંગીન છે; અને આ સિદ્ધાંતને લાગુ પાડવાની રીતમાં દોષ પેસી ગયો હોય, જો એક પદ્ધતિ નિષ્ફળ ગઈ હોય તો એ સિદ્ધાંતને ગ્રહણ કરી લ્યો અને તેનો વધુ સારી રીતે વિનિયોગ કરો; સિદ્ધાંતનો જ છેદ ઉડાવી દેવાની શી જરૂર છે?’
શાસ્ત્રોના કથન પ્રમાણે, માતૃત્વ સ્ત્રીઓને પવિત્ર બનાવે છે. એ સ્ત્રીના જીવનની એક સિદ્ધિ છે – પરમ ગતિ – છે, આમ શા માટે? કારણ કે જ્યારે સ્ત્રી માતા બને છે, ત્યારે તેની લાગણીઓ અને ઊર્મિઓ એ પત્ની હોય ત્યારે હોય તેના કરતાં વિશેષ પવિત્ર બને છે. દેહભાવના તમામ દૂષણોમાંથી તે ધીમે ધીમે મુક્ત બનતી જાય છે, અને એ રીતે ૫૨મ ધ્યેય તરફની આત્માની આગેકૂચમાં મોટી ફાળ ભરે છે. એટલે જ માતૃત્વ પવિત્ર છે. સ્ત્રી-પુરુષ વચ્ચેના સામાજિક સંબંધોમાં ઊર્મિતંત્રની કટોકટી નિવારવા માટે હિન્દુ સંહિતા તો, અત્યંત શુદ્ધ એવા સંતાનભાવનો અનુરોધ કરે છે. દરેક સ્ત્રી કેવળ સ્ત્રી તરીકેનું નહીં પરંતુ માતા તરીકેનું સ્વરૂપ પ્રગટ કરે એવો એ આદેશ આપે છે.
મોટા ભાગનાં સ્ત્રી-પુરુષો સ્વાભાવિક રીતે જ લગ્ન અને સંતાન પ્રાપ્તિ પસંદ કરે છે, આમ છતાં અપવાદ રૂપે કેટલાંક એવાં હોય છે કે જેમણે ધર્મનો સાદ સાંભળ્યો હોય છે અને જેઓ ત્યાગના પંથે જવાની ઈચ્છા સેવે છે. કોઈ પણ વ્યક્તિની સહાય વગર, તેઓ પોતાની અનંતની યાત્રામાં એકલા અટૂલા કદમ માંડવાની હિંમત દાખવે છે. આવી સ્ત્રીઓ માટે પત્નીત્વ કે માતૃત્વના અનુભવમાંથી પસાર થવાની જરૂર હોતી નથી. આખરી ધ્યેય તો છે વિશુદ્ધ અલિંગી આત્માનો સાક્ષાત્કાર કરવો તે; અને એની પ્રાપ્તિ થઈ શકે કેવળ સંપૂર્ણ ત્યાગ અને અખંડ બ્રહ્મચર્યના પાલનથી. આપણને બાંધનારી વસ્તુઓ તો છે ‘કામ અને કાંચન’. અને જો મુક્તિ જોઈતી હોય તો મનુષ્ય આ બે વસ્તુઓનું સંપૂર્ણ ઉન્મૂલન કરવું જોઈએ. આપણે ‘શ્રીરામકૃષ્ણ થામૃત’માં વાંચીએ છીએ :
‘એટલું સમજી લ્યો કે સાંસારિક જીવન ગાળવાથી મનુષ્ય નાહકનો પોતાની માનસિક શક્તિઓને વેડફી નાખે છે. મનુષ્ય જો સંન્યસ્ત જીવન અપનાવે તો આ રીતે જતી ખોટ પુરાઈ શકે. આધ્યાત્મિક જીવનમાં બાધાઓ ઊભી કરનારી વસ્તુઓ છે – ‘કામ અને લોભ’, આ વસ્તુઓની આસક્તિ માણસને ઈશ્વરના માર્ગમાંથી જુદી દિશાએ વાળી દે છે.’
આવી વિભૂતિઓ ઉપર સમાજનો કશો દાવો હોય નહીં, અને તેઓ માતૃત્વના કર્તવ્યમાંથી મુક્ત હોય છે. આવી ત્યાગભાવના ન હોય તો મુક્તિના નામે કુટુંબપાલનની જવાબદારીમાંથી છૂટી જવાની વાતનો હિન્દુ ધર્મ સ્વીકાર કરતો નથી, કારણ કે મુક્તિ અને સ્વૈરાચારને એક જ ત્રાજવે તોળનારી પેલી કહેવાતી ‘આત્માભિવ્યક્તિ’ના મતનું એ સમર્થન કરતો નથી. જે લોકો શારીરિક, માનસિક અને નૈતિક રીતે સુયોગ્ય હોય તેઓએ સમાજ પ્રતિ પોતાનું કર્તવ્ય અદા કરવાનું, અથવા હિન્દુઓ કહે છે તેમ, પિતૃઋણ ચૂકવવાનું હોય છે અને કુટુંબની જવાબદારીમાંથી છટકવાનું હોતું નથી. જ્યારે પ્રેમ તમામ મર્યાદાઓની પાર જઈને વિશ્વવ્યાપી બને છે, ત્યારે જ સ્ત્રી માતૃત્વના કર્તવ્યમાંથી મુક્ત બને છે કે જેથી, આપણે શ્રીશારદાદેવીના જીવનમાં જોઈએ છીએ તેમ, જેમને જરૂર હોય તેવા તમામ લોકો ઉપર એ પોતાનો માતૃપ્રેમ વરસાવી શકે. સ્વામી વિવેકાનંદ કહે છે – ‘મારા મત મુજબ કોઈ પણ પ્રજા સંપૂર્ણ પવિત્રતાના આદર્શને પહોંચી શકે તે પહેલા તેણે લગ્નની પવિત્રતા અને અવિચ્છેદ્યતા દ્વારા માતૃત્વ માટેના મહાન સન્માનની ભાવના કેળવવી જોઈએ. રોમન કૅથલિકો અને હિન્દુઓએ લગ્નને પવિત્ર અને અવિચ્છેદ્ય ગણીને પ્રચંડ શક્તિશાળી અતિ પવિત્ર નરનારીઓને ઉત્પન્ન કર્યા છે… તેથી જ્યાં સુધી (પરસ્પરનાં આકર્ષણ અને પ્રેમથી અલગ એવો) લગ્નનો એક મહાન અને પવિત્ર એવો આદર્શ વિકસે નહીં, ત્યાં સુધી મહાન સાધુઓ અને સાધ્વીઓનું નિર્માણ શી રીતે થઈ શકે એનો મને ખ્યાલ આવતો નથી. જેમ તમે જોયું છે કે જીવનનો મહિમા પવિત્રતામાં છે તેમ, થોડીક આજીવન વિશુદ્ધ વિભૂતિઓ ઉત્પન્ન થઈ શકે એટલા સારુ વિશાળ જનસમુદાય માટે આ મહાન પવિત્ર આદર્શની આવશ્યકતા તરફ મારી આંખો પણ ખૂલી ગઈ છે.’
શ્રી શ્રીમાનું જીવન પત્ની, માતા અને સંન્યાસિની – એ પ્રત્યેક માટે આદર્શરૂપ છે અને પવિત્રતા અને ત્યાગભાવના જેવાં સંન્યસ્ત જીવનનાં તાત્ત્વિક લક્ષણોને સંપૂર્ણપણે વ્યક્ત કરનારાં એ સંન્યાસિની સિવાય બીજાં હતાં પણ શું? ભગિની નિવેદિતાના શબ્દોમાં કહીએ તો ‘ભારતીય નારીત્વના આદર્શની બાબતમાં એ શ્રીરામકૃષ્ણનો આખરી શબ્દ છે.’ કોઈ એમને, ‘નારીત્વના આદર્શની બાબતમાં આખરી શબ્દ’ તરીકે ગણાવી શકે, કારણ કે એ કેવળ ભારતીય નહીં, પણ સર્વદેશીય હતાં. જ્યાં નારીને માટે નારીભાવનાનાં મુખ્ય લક્ષણો જળવાઈ રહે એવા અનુકૂળ સામાજિક સંયોગો હોય ત્યાં સર્વ પ્રજાઓમાં સર્વકાળે આવી મહાન વિભૂતિઓ અવશ્ય ખીલશે જ. દરેક વ્યક્તિએ પોતપોતાના ‘સ્વધર્મ’ પ્રમાણે ધ્યેય તરફ વિકસતા જવાનું છે, શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે તે મુજબ :
‘શ્રેયાન્ સ્વધર્મો વિગુણઃ પરધર્માત્વનુષ્કૃિતાત્’
અર્થાત્ ‘સારી રીતે સેવેલા પરધર્મ કરતાં અધૂરો સ્વધર્મ વધુ સારો છે.’ (ગીતા : ૩/૩૫)
માટે સ્ત્રીનું ધ્યેય સંપૂર્ણ સ્ત્રી બનવાનું હોવું જોઈએ. અપૂર્ણ પુરુષ નહીં; કારણ કે તેનું પોતાનું જે મૂળ સ્વરૂપ છે – જે નિજત્વ છે. તેનાથી અન્ય કશું એ બની શકે નહીં; તેથી પુરુષોની સ્પર્ધામાં ઊતરવાનો તેનો પ્રયત્ન આત્મશ્રદ્ધાની ઊણપ સૂચવે છે અને પોતાના માટે તેમ જ જગત માટે એ હાનિકારક છે. નારી એ તો પ્રત્યેક રાષ્ટ્રની જીવનશક્તિ છે, એટલે ખોટા માર્ગે વાળીને તેને વેડફી શકાય નહીં. હિન્દુધર્મ શિવ-શક્તિનો સિદ્ધાંત સ્વીકારે છે – એટલે કે પરમ તત્ત્વનાં બે રૂપો છે – દિવ્ય પુરુષરૂપ અને દિવ્ય સ્ત્રીરૂપ. અધ્યાત્મ રામાયણનું અવતરણ આપીને શ્રીરામકૃષ્ણ કહે છે કે ‘હે રામ, જે કંઈ પુરુષરૂપે અમે જોઈએ છીએ એ તમે છો અને જે કંઈ સ્ત્રીરૂપે જોઈએ છીએ તે સીતા છે.’
પરમ તત્ત્વનાં આ બે રૂપો એકસરખાં નથી, પંરતુ એકમેકનાં પૂરક છે. બંને સાથે મળીને એક પૂર્ણરૂપ બને છે; એટલે સ્ત્રી કે પુરુષ એ બેમાંથી કોઈ ચડિયાતું નથી, પણ બંને સમાન છે. પછી ભલે બંનેની સજ્જતામાં ફરક હોય. સ્ત્રીઓમાં આ દિવ્ય સ્ત્રીભાવનો આવિર્ભાવ જોવાનું પુરુષોને ગમે છે. આ રીતે જ સ્ત્રીઓ પુરુષોનો આદરભાવ પ્રાપ્ત કરવા સમર્થ થશે, સમાનતા માટે દોડ કરીને નહીં; કારણ કે એ મનોવૈજ્ઞાનિક! સત્ય છે કે જે ગુણોને આપણે ઝંખીએ, પણ આપણામાં એ હોય નહી તેમને જો આપણે બીજા લોકોમાં જોઈએ તો તેની પ્રશંસા કરીએ છીએ. આ ‘દિવ્યશક્તિ’ના આદર્શનું પુનઃસ્થાપન નહીં થાય તો જગતના ભાવિ માટે કોઈ આશા નથી. સને ૧૮૯૪માં સ્વામી વિવેકાનંદે સ્વામી શિવાનંદને લખ્યું – ‘તમે – તમારામાંનો કોઈ પણ હજુ માતાજીના જીવનનું અદ્ભુત રહસ્ય સમજી શક્યા નથી પરંતુ ધીરે ધીરે તમે એ સમજશો. શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી. આપણો દેશ તમામ દેશોમાં સૌથી વધુ નબળો અને પછાત છે તેનું શું કારણ છે? કારણ કે અહીં શક્તિનું અપમાન થાય છે. ભારતમાં એ અદ્ભુત શક્તિને પુનર્જીવિત કરવા માટે માતાજીએ જન્મ ધારણ કર્યો છે…’
અભણ હોવા છતાં ભારતીય નારીઓ આજે જગતને જેની ભારે જરૂર છે તે મહાન પરંપરાને જાળવી રહી છે. પોતાના જીવન દ્વારા માતાજીએ આ પરંપરામાં નવશક્તિનો સંચાર કર્યો છે. જે આદર્શોએ સ્વયં પશ્ચિમમાં જ અંધાધૂંધી સર્જી છે તેવા પશ્ચિમી આદર્શોની પાછળ દોટ મૂકતાં પહેલાં આપણી માતાઓ ભગિનીઓએ જરા થોભીને આ મહાન આદર્શ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. શ્રી શ્રીમાએ માર્ગ બતાવ્યો છે અને ‘તેમની પોતાની મુક્તિ માટે તેમજ જગતના કલ્યાણ માટે’ એમનાં પગલાંને અનુસરવું એ આપણી સ્ત્રીઓનું કર્તવ્ય છે.
Your Content Goes Here




