આધુનિક નારીની દુનિયા બદલાઈ રહી છે. તેના રસના વિષયો, રહેણીકરણી તેમ જ અનેકવિધ પ્રવૃત્તિઓના વિસ્તાર સાથે આધુનિક સમાજના માળખામાં પણ ઝડપથી ફેરફાર થઈ રહ્યો છે. સ્ત્રીઓ લગભગ દરેક વ્યવસાયમાં પુરુષો સાથે ખભેખભા મિલાવીને કામ કરી રહી છે. અને વિવિધ પ્રવૃત્તિઓમાં કાર્યરત હોવાને લીધે તેમના વિકસતા વ્યક્તિત્વમાં આત્મવિશ્વાસનો ઉમેરો થયો છે. વિશેષત: જ્યારે માનવજાત એકવીસમી સદી ભણી કૂચ કરી રહી છે ત્યારે બધાં જ ક્ષેત્રે ઝળહળતી ફતેહ આપવા માટે વધારે ને વધારે તકો તેમની રાહ જુએ છે. એલ્વિન ટોફલર કહે છે, ‘ત્રીજા મોજા’એ (‘બીજા મોજા’માંથી સમાજવ્યવસ્થા અને સંસ્કૃતિના સંક્રમણે) જ્ઞાનશક્તિ યુક્ત વિચારકોનો એવો સમૂહ ઉત્પન્ન કર્યો છે કે, જે જ્ઞાનપિપાસુ છે અને જે સ્નાયુશક્તિને બદલે બુદ્ધિશક્તિનો ઉપયોગ કરે છે.’ ૧ આમ, પ્રવર્તમાન અને આવી રહેલ યુગમાં નારીની ઉત્તરોત્તર પ્રગતિ સુનિશ્ચિત છે.
પરંતુ, જેમ વિકાસની બીજી પ્રક્રિયાઓમાં બનતું આવ્યું છે તેમ, મહિલાઓના આ વિકાસની પ્રક્રિયાએ પણ અનેક સમસ્યાઓ અને ગૂંચવાડાભરી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. આજના યુગની નારી દ્વિભેટે ઊભી છે. તેના બદલાતા અભિગમો અને વિકસતા વ્યક્તિત્વનાં વિવિધ પાસાંને પરિણામે તે નક્કી કરી શકતી નથી કે પોતાના જૂના રસ્તા પર જવું કે નવા રસ્તે ડગ ભરવાં? આધુનિક નારીનો મુખ્ય સંઘર્ષ એ છે કે તેના વ્યક્તિગત, કૌટુંબિક અને સામાજિક જીવનમાં એકરૂપતા કઈ રીતે લાવવી? ખરેખર તો, તે ઈચ્છે છે કે, સદીઓથી નક્કી થયેલી સ્ત્રીઓ અને પુરુષોની મુખ્ય ફરજો, કે જે સમય જતાં નિયમ અને રૂઢિચુસ્તતામાં ફેરવાઈ ગઈ છે તે બાબત ફેરવિચારણા થાય અને નવા યુગની સાથે આ ફરજોની પરિભાષામાં નવીનતા આવે, તથા સ્ત્રીઓનો એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે સ્વીકાર થઈને નવી જ સમાજવ્યવસ્થાનું પુનર્ગઠન થાય. તેમની આ ઈચ્છા, આ માગણી પૂરેપૂરી વાજબી છે. આમ છતાં, ઘણી વખત એવું લાગે છે કે, વ્યક્તિસ્વાતંત્ર્ય (અને આધુનિકતા)ના નામે સ્વચ્છંદતા અને સ્વકેન્દ્રિતતાને પોષવામાં આવે છે. સાચી દિશામાં જ લભ્ય એવી જરૂરી માનસિક, ભાવાત્મક અને આધ્યાત્મિક તાલીમ વગરની ફક્ત બુદ્ધિની તીક્ષ્ણતા જ કંઈ તેમને કોઈ સાચો રસ્તો ન દેખાડી શકે. કારણ કે તેમનું મન અને બુદ્ધિ ચોતરફ પ્રવર્તતાં તૃષ્ણા, ઈર્ષ્યા, ગળાકાપ હરીફાઈ અને ભ્રષ્ટાચારને આત્મસાત કરી લે તેવી પૂરતી તકો છે. પરિણામે તેમનું આર્થિક, બૌદ્ધિક અને માનસિક શોષણ થવાની શક્યતાને નકારી શકાય નહિ.
આથી જ, ક્રાંતિકારી અને પરિવર્તનશીલ વિકાસને પગથારે પગ માંડી સ્થિર થવા ઈચ્છતી આધુનિક નારીને એક એવા આદર્શની અત્યંત આવશ્યકતા છે કે જે એના જીવનને સાફલ્ય અર્પે. સીતા, સાવિત્રી અને દમયંતીના આદર્શો હજુ પણ માન્ય છે ખરા, પણ તે આધુનિક નારીત્વની વિસ્તરતી ક્ષિતિજોને કદાચ ન પણ આવરી શકે. આ પરિસ્થિતિમાં, આજની પ્રાચ્ય તેમ જ પાશ્ચાત્ય નારીને શ્રી મા શારદાદેવી પૂર્ણ આદર્શ પૂરો પાડી શકે તેમ છે. તેમના જીવનનો અભ્યાસ એક એવા વ્યક્તિત્વને પ્રગટ કરે છે કે, જેમાં અમાપ શાંતિ, ઉચ્ચ કક્ષાની સમજણ, શ્રેષ્ઠતા અને પરિપૂર્ણતા, ફરજ પ્રત્યેની સભાનતા અને ક્રિયાશીલ આધ્યાત્મિકતાની સાથે એની તાત્ત્વિક સમજ છલોછલ ભરેલ છે, બાહ્ય દૃષ્ટિએ એક સાદાં, ગ્રામીણ સ્ત્રી લાગતાં હોવા છતા તેઓમાં કૌવતની સાથે ઉષ્મા, મધુરતા અને પરિસ્થિતિ તથા વ્યક્તિઓ સાથે તાદાત્મ્ય અનુભવવાની શક્તિ; પ્રગતિશીલ અભિગમની સાથે ધૈર્ય અને ઠરેલપણું; વહીવટી કુશળતાની સાથે પ્રેમાળ વલણ અને મુક્ત વિચારોની સાથે પવિત્રતા નિ:સ્વાર્થતાનું અદ્ભુત મિશ્રણ છે. પોતાની જાત, કુટુંબ અને સમાજ સાથે અનુભવાતી પૃથકતાની ભાવનાને ટાળવા આધુનિક નારીએ શ્રીમાના ચરિત્રની આ બધી ખૂબીઓને અપનાવવી જ જોઈશે. ખરેખર, આ તો તેમનો શાશ્વત વારસો છે. ગ્વેન્ડોલીન થોમસના કહેવા મુજબ, દરેક જગ્યાએ રહેતી દરેક સ્ત્રી માટે શ્રી શારદાદેવી એક એવો પ્રકાશ-પુંજ છે, કે જે હંમેશાં પ્રકાશ પાથરતો જ રહે છે. ઐતિહાસિક દૃષ્ટિથી પણ તેમનું જીવન આપણા જીવનની ખૂબ સમીપ છે, જે પ્રાચીન સતીઓના જીવનને તો સત્યતા અર્પે જ છે. એટલું જ નહિ પરંતુ, આધુનિક યુગ માટે તે ‘મેડોના’- ના આદર્શને પણ સાર્થક ઠરાવે છે.૨
તેમનું વ્યક્તિત્વ વર્તમાન યુગની નારી માટે કઈ રીતે સર્વાંગ-સંપૂર્ણ આદર્શરૂપ છે, તે હવે જોઈએ:
(૧) ચારિત્ર્યની દૃઢતા
સ્વામી પ્રેમાનંદે એક વખત કહેલું: “શ્રી શારદાદેવી શક્તિસ્વરૂપા હતાં. આમ છતાં કેટલી ખૂબીથી એ પોતાની શક્તિને છુપાવી શક્યાં હતાં! શ્રીરામકૃષ્ણદેવ પ્રયત્ન કરવા છતાં પણ આમ કરી શક્યા ન હોત.”૩ શ્રીમાનો આ સંદેશ, “જો તમે મનની શાંતિ ઈચ્છતા હો તો બીજાના દોષ ન જુઓ”૪ તેમની ચારિત્ર્યની દૃઢતાનો દ્યોતક છે. દોષ જોવાની કે ટીકા કરવાની ટેવ પોતાના જ ચારિત્ર્યમાં કડવાશ લાવે છે અને તે ચારિત્ર્યની નબળાઈની સૂચક છે. ખરેખર તો, આ ટેવથી આપણે પોતાની જાતને જ જીવનની ઉચ્ચ તકોથી વંચિત રાખતા હોઈએ છીએ. શ્રીમાના આ એક જ સંદેશનું પાલન વ્યક્તિત્વને કૌવતભર્યું અને ફોરમભર્યું બનાવવા માટે પૂરતું છે. શ્રીમાની સહિષ્ણુતા તેમના હકારાત્મક વ્યક્તિત્વને પ્રગટ કરે છે. તેઓ હંમેશાં કહેતાં, “બેટા, સહનશક્તિ એક મહાન ગુણ છે. તેના જેવો બીજો એકેય ગુણ નથી.” ૫
લગભગ અશિક્ષિત એવાં શ્રી શારદાદેવી, પ્રખર બુદ્ધિશાળી સ્વામી વિવેકાનંદને પોતાના દૃઢ ચારિત્ર્યના બળે આદેશ આપી શકતાં. એક વખત, પ્લેગના રાહતકાર્યના આયોજન વખતે, સ્વામીજીએ નિશ્ચય કરેલો કે, જો જરૂર પડશે તો તેઓ મઠની મિલકતને વેચી નાખતાં પણ અચકાશે નહિ. મઠના બધા જ સાધુઓ સ્વામીજીના આ નિર્ણયથી ચિંતિત હોવા છતાં તેમને આમ કરતાં અટકાવવાની કોઈની હિંમત હતી નહિ. આવા કટોકટીના સમયે, શ્રીમાના આદેશે જ સ્વામીજીને આવું અણધાર્યું અને ઉતાવળિયું પગલું લેતાં અટકાવ્યા હતા.૬ શ્રીમાએ પૂરી સમજદારીથી હિંમતપૂર્વકના લીધેલા નિર્ણયો તેમની ચારિત્રિક દૃઢતાના દૂરદર્શિતાના સૂચક છે. ગોલાપ-મા (શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમાનાં એક શિષ્યા)ના તીવ્ર વિરોધ છતાં તેર જ વર્ષના એક બાળકને તેમણે મંત્રદીક્ષા આપી.૭ બીજાઓની અનેક કડક ટીકાઓ છતાં એક પરિણીત ભક્તને તેમણે સંન્યાસદીક્ષા આપી. કારણ કે તેઓ સારી રીતે જાણતાં હતાં કે, આગળ જતાં તે એક મહાન સાધુ બનશે. અને ખરેખર એમ જ બન્યુ.૮ તેમના જીવનની શરૂઆતમાં, જ્યારે તેમણે જાણ્યું કે, તેમના પતિ બીમાર છે ત્યારે તેમણે મુશ્કેલી હોવા છતાં, જયરામવાટીથી દક્ષિણેશ્વર જવાનો ત્વરિત નિર્ણય લીધો. જ્યારે તેમણે એ હકીકત જાણી કે, તેમના પતિ એક સામાન્ય સંસારી માનવી નથી, ત્યારે તરત જ તેઓ શ્રીરામકૃષ્ણદેવની જીવન પદ્ધતિ પ્રમાણે જ જીવન વિતાવવા લાગ્યાં અને તેમની સાથોસાથ મહાન આધ્યાત્મિક વિભૂતિ બની શક્યાં. વિચારશક્તિ અને ઇચ્છાશક્તિનો કેવો અદ્ભુત આવિર્ભાવ!
(૨) વહીવટી કુશળતા
વહીવટી ક્ષેત્રે સ્ત્રીઓ પુરુષોની સરખામણીમાં કેમ પાછળ રહી જાય છે, તેની એક મોજણીમાં એવું દર્શાવાયું છે કે જો તેમણે પાછળ ન રહેવું હોય તો તેમનામાં માનસિક તાણભરી સ્થિતિનો સામનો કરવાની દૃઢતા હોવી જોઈએ તેમ જ કાર્યક્ષમ અને હળવા બનવા માટે તેમણે ઘરની તેમ જ બહારની ફરજોનું વ્યવસ્થિત સંચાલન કરીને બીજાઓ પાસેથી કામ લેવામાં કુશળતા પ્રાપ્ત કરવી જોઈએ. તેમણે વધુ સમજુ અને વ્યવહારુ બનીને જોખમ ખેડવાની તત્પરતા બતાવવાની જરૂર છે૯ અને આ બધું કરવા માટે આસપાસના લોકોમાં વિશ્વાસ, પ્રેમ, નિખાલસ વ્યવહાર અને હકારાત્મક વલણની જરૂર છે. અસરકારક વહીવટ અને જરૂરી એવા આ આયોજન માટે બધા જ ગુણો શ્રીમાના જીવનમાં દૃષ્ટિગોચર થાય છે. એક સીધીસાદી ગૃહિણી જેવું જીવન જીવીને વિશાળ પરિવારને સાચવવા ઉપરાંત તેમણે દૂર રહીને સમગ્ર રામકૃષ્ણ સંઘનું પ્રેમપૂર્વક જતન કર્યું અને પોતાની આગવી સૂઝ, સક્રિય રસ અને સમર્થ વહીવટ વડે તેઓ પૂરાં તેત્રીસ વર્ષો સુધી આખા સંઘને એકસૂત્રે બાંધી શક્યાં. અત્યંત નિરાશાજનક અને જ્ઞાનતંતુઓને થકવી નાખે એવી પરિસ્થિતિમાં પણ તેઓ સ્વસ્થ, શાંત રહીને હિંમતપૂર્વકના ત્વરિત નિર્ણયો લઈ શકતાં. ખરેખર તો પોતાના વિશાળ હૃદયમાં સૌને સમાવનારી તત્પરતા તેમ જ તેમનું સર્વવ્યાપક સમસંવેદન (Universality) તેમની વહીવટી કુશળતાનું રહસ્ય છે, કામ કરવા માટે અને બીજા પાસે અસરકારક કામ કરાવવા માટેનાં તેમનાં હથિયાર તેમનો વિશ્વાસ અને પ્રેમ જ હતાં. તેઓ વહેલી સવારે ત્રણ વાગ્યે ઊઠતાં અને આખો દિવસ અનેક પ્રકારનાં ઘરકામ જેવાં કે શાકભાજી સમારવાં, રસોઈ બનાવવી, ભોજન પીરસવું, મહેમાનોની સરભરા કરવી, વગેરેમાં વ્યસ્ત રહેતાં. એટલું જ નહિ પરંતુ, એ ઉપરાંતનાં અન્ય કાર્યો પણ તેઓ જ કરતાં, જેમ કે, ગામલોકોને સહાનુભૂતિપૂર્વક સાંભળીને આશ્વસ્ત કરવા, મંત્રદીક્ષા આપવી, સંઘના સંન્યાસીઓની સમસ્યાઓનું સમાધાન કરી તેમને માર્ગદર્શન આપવું, પત્રોના ઉત્તર લખાવવા અને ભારતભરના રામકૃષ્ણ મઠ અને મિશનનાં કેન્દ્રોની મુલાકાત લેવી વગેરે અને આ બધું જ તેઓ પૂર્ણ કાર્યદક્ષતા સાથે કરતાં. તેમના સમગ્ર જીવનમાં ક્યાંય હેતુવિહીનતા કે આળસ દૃષ્ટિગોચર થતી નથી. રામકૃષ્ણ સંઘમાં ક્યારેક ઉદ્ભવતી નાજુક સમસ્યાઓ કે જેનો ઉકેલ સંઘના વડીલ સંન્યાસીઓ પણ ન શોધી શકતા તેનો શ્રીમા અચૂક સ્પષ્ટ અને સુયોગ્ય નિર્ણય આપતા.૧૦ જ્યારે અદ્વૈત આશ્રમ, માયાવતીમાં શ્રીરામકૃષ્ણદેવનું ચિત્ર રાખવા સંબંધે સંન્યાસીઓ વચ્ચે વિવાદ ઊભો થયો અને તેઓ કોઈ સમાધાન પર પહોંચી શક્યા નહીં, ત્યારે તેમણે શ્રીમા ની સલાહ લીધી. શ્રીમાએ લખ્યું, ‘ચિત્ર રાખવાની કશી જરૂર નથી. આપણા ઠાકુર – અદ્વૈતની જ પ્રતિમૂર્તિસમા હતા, અને તમે બધા પણ એમના શિષ્યો હોવાથી અદ્વૈતવાદી જ છો.’ ૧૧ આ પ્રસંગ તેમના આધ્યાત્મિક ઊંડાણ અને વ્યાવહારિક અગમચેતીને સ્પષ્ટ કરે છે, જે વડે તેઓ સમસ્યાને સારી રીતે સમજી શકતાં અને બધાને સ્વીકાર્ય હોય તેવો ઉકેલ લાવીને પુન: સંવાદિતા સ્થાપી શકતાં.
(૩) પ્રગતિવાદી અને મુક્ત અભિગમ
આધુનિકતા એટલે જ પ્રગતિવાદી મુક્ત અભિગમ. શ્રી શારદાદેવી વિકાસશીલ સમાજના ઘડતર માટેના ખૂબ ક્રાંતિકારી વિચારો ધરાવતાં હતાં. તેઓ ભલે ઉપલક દૃષ્ટિએ એક રૂઢિચુસ્ત બ્રાહ્મણ વિધવા લાગે, પણ તેઓ ભારપૂર્વક માનતાં કે, મહિલાઓનો ઉત્કર્ષ અને મુક્તિ ફક્ત શિક્ષણથી જ શક્ય બનશે. તેમનું આ વલણ ભગિની નિવેદિતાના કિસ્સામાં વધારે સ્પષ્ટ બને છે. નિવેદિતાના કહેવા મુજબ, બાલિકાઓની શાળાની સ્થાપના માટેનો પ્રેરણાસ્રોત શ્રીમા જ હતાં.૧૨ તેમના આશીર્વાદથી તેઓ તૃપ્તિ અનુભવતાં હતાં. એક પત્રમાં ભગિની નિવેદિતાએ લખ્યું, “શ્રી માએ શ્રીમતી બુલ અને કુ. મેકલિયોડ (સ્વામીજીનાં અમેરિકન શિષ્યાઓ) સાથે બેસીને ભોજનનો સ્વાદ ચાખ્યો અને અમને લોકોને પ્રતિષ્ઠા અર્પી, મારા ભવિષ્યના કાર્યને શક્ય બનાવ્યું. ખરેખર, તેઓ સૌથી વધુ તાકાતવાન અને મહત્તમ મહિલા છે.”૧૩ કલકત્તામાં આવેલી ભગિની નિવેદિતા સ્કૂલની મુલાકાત લેતી વખતે એક પાશ્ચાત્ય મહિલાને શ્રીમાના આત્માનો જાણે કે અનુભવ થયો. નિવેદિતા સ્કૂલની શિક્ષિકાઓથી તેઓ અત્યંત પ્રભાવિત થયાં અને તેમને ‘ઉચ્ચ શિક્ષણ પામેલ યુવાન નારિત્વના પ્રતિનિધિઓ’ તરીકે તેમણે ઓળખાવ્યાં.૧૪
જ્યારે એક શિષ્યાએ શ્રીમાને તેની પુત્રીને લગ્ન કરવાની આજ્ઞા કરવા માટે વિનંતી કરી ત્યારે તેમણે જવાબ આપ્યો, ‘જો કોઈ બાલિકાનું પરિણીત જીવન જીવવા તરફનું વલણ ન હોય તો તેને લગ્ન કરવાનો આગ્રહ કરવો જોઈએ નહિ. તેને તો બ્રહ્મચારિણીનું જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવી જોઈએ.’૧૫ ઘણી વખત તેઓ કહેતાં, “નિવેદિતા સ્કૂલમાં શિક્ષણ લેવા મોકલવાને બદલે પોતાની પુત્રીઓનાં લગ્ન માટે લોકો આટલા બધા ચિંતિત શા માટે છે, એ જ મને સમજાતું નથી!” ૧૬ કેટલો પ્રગતિવાદી અભિગમ! આવી અપેક્ષા તો આપણે આજની એકવીસમી સદીના દ્વારે ઊભેલી, સુશિક્ષિત અને મુક્ત વલણ ધરાવતી નારી પાસેથી પણ રાખી શકીએ નહિં! શ્રીમાએ પોતાની ભત્રીજીઓ અને આજુબાજુની કન્યાઓને શિક્ષણ મળે એવી વ્યવસ્થા કરી હતી. ૧૭ કોઈ પણ કાર્યમાં જ્યારે કોઈ બાલિકા શ્રેષ્ઠતા દર્શાવે ત્યારે શ્રીમા હંમેશાં તેની પ્રશંસા કરતાં.
અંગ્રેજોએ ભારતીય પ્રજાને આપેલા ત્રાસને જોઈ શ્રીમા હંમેશાં અંગ્રેજી શાસનનો અંત ઈચ્છતાં. પણ એક રાષ્ટ્ર તરીકે અને તેમના ધર્મ માટે તેમને ક્યારેય પૂર્વગ્રહ નહોતો. ૧૮
શ્રીરામકૃષ્ણ મિશન સ્થાપવાના સ્વામી વિવેકાનંદના વિચારને તેમણે તરત જ વધાવી લીધો હતો. તેઓ કહેતાં, “મનને આળસુ બનાવી દેવા કરતાં, સતત કાર્યરત રહેવું વધારે સારું છે. આમ વિચાર્યા પછી જ મારા નરેને નિ:સ્વાર્થ કર્મ કરવાની પ્રથા દાખલ કરી છે.” ૧૯
(૪) પવિત્રતા, પ્રેમ અને ધૈર્ય
સ્વામી વિવેકાનંદે કહેલું, “આપણી નારી સ્વતંત્ર થાય એમ હું ઇચ્છું છું. પણ તેમની પવિત્રતાના ભોગે નહિ.” શ્રી શારદાદેવી પવિત્રતાની ધનમૂર્તિ જ હતાં. સ્વામી અભેદાનંદજીએ તેમને ‘પવિત્રતાસ્વરૂપિણી’ તરીકે બિરદાવ્યાં છે. શ્રીમાનું જીવન આપણને શીખવે છે કે, સ્વાતંત્ર્ય એટલે સ્વચ્છંદતા નહીં પણ પોતાની જાતને ખોટી જગ્યાએ એકરૂપ થવામાંથી અને સ્વસીમિતતાથી બચાવવી. સ્વાતંત્ર્ય એટલે મનની એવી સ્થિતિ કે જે બધી જ બાબતોમાં સ્પષ્ટ હોય, અને જે મન સત્ય, પ્રેમ, પવિત્રતા તથા કારુણ્યસભર હોય. આજની મુક્તિ ઝંખતી નારી માટે આ જ તો શ્રીમાનો ખરો વારસો છે. શ્રીમાએ પોતાના જીવન દ્વારા બતાવી આપ્યું છે કે ધૈર્ય, સહનશીલતા, ઉષ્મા, પવિત્રતા, પ્રેમ, વગેરે ગુણોનું કે જે પુરુષોની ફક્ત નકલ કરવામાં માનતા આક્રમક નારીત્વથી ઘણા ભિન્ન છે તેનું પ્રકટીકરણ જ સ્ત્રીઓની કૌટુંબિક અને સામાજિક જીવનની સફળતાનું રહસ્ય હોઈ શકે. તેમનું સકલ વ્યક્તિત્વ પ્રેમમય હતું, જેમાં બધાં જ સ્ત્રીઓ, પુસ્ત્રો, પક્ષીઓ, પ્રાણીઓ, સંતો, ડાકુઓ બધા જ સમાઈ શકતા. ભગિની નિવેદિતાએ લખ્યું હતું, “વહાલી મા! તમે પ્રેમથી પરિપૂર્ણ છો અને આ પ્રેમ અમારા પ્રેમ જેવો અસ્થિર અને વધઘટિયો નથી. આ પ્રેમ તો મધુર, શીતળ અને સ્વર્ણિમ આભાવાળો છે કે જે દરેકનું ભલું કરે છે અને કોઈનું બૂરું ઈચ્છતો નથી.” ૨૦ પ્રેમની પરિભાષા શ્રીમાના જીવનથી સ્પષ્ટ થાય છે કે પ્રેમ અસીમિત, અવિભાજ્ય છે અને એ જ શાશ્વત સત્ય છે.
અખૂટ ધૈર્યથી તેમણે તેમના શિષ્યોનું ચારિત્ર્યઘડતર કર્યું હતું. તેઓ કહેતાં: “ભૂલ કરવી એ માનવસહજ છે. પણ ભૂલ કરતા મનુષ્યને કઈ રીતે ઊંચો લાવવો એ બહુ ઓછા જાણે છે.” ૨૧ દરેકની સેવા કરવી, ઉદ્ધાર કરવો એ તેમનું જીવનકાર્ય હતું અને હજારો સ્ત્રી-પુરુષોનો આદર તથા પૂજ્યભાવ તેમને મળતો. ન્યૂયોર્કના રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર સાથે લાંબા સમયથી સંકળાયેલાં પાશ્ચાત્ય બ્રહ્મચારિણી ડોરોથી ક્રુગરે શ્રીમાને આપેલી અંજલિથી વધારે યોગ્ય શું હોઈ શકે! ડોરોથી લખે છે: “તેમના મુખ સામે જોઈને પહેલી જ વખત આપણને પૂર્ણ નારી બનવાનું મન થાય છે. લોકોની વચ્ચે આપણે આપણી જાતને સ્પર્ધામાં મૂકવાને બદલે સહકાર આપતાં, કશુંક છીનવી લેવાને બદલે કશુંક આપતાં અને આક્રમક બનવાને બદલે શાંત બનતાં અનુભવીએ છીએ. જીવનની સંકીર્ણતાની વચ્ચે રહીને સ્વાતંત્ર્યનો દુરુપયોગ કરવાને બદલે તેનો ઉપયોગ કરવાનું મન થાય છે. તેઓ આપણને આપણા સ્ત્રીત્વના સનાતન વારસા તરફ દોરી જાય છે, જે તરફ આપણે મનની પૌરુષભરી શક્તિઓને સાથે લઈને પ્રસ્થાન કરીએ છીએ. જે તરફ નજર કરીએ ત્યાં હેતુઓના રાજમાર્ગો નજરે ચડે છે. શ્રીમાને અંતરનાં પ્રણામ!” ૨૨
(૫) આધ્યાત્મિકતા
આધુનિક નારી એનાં નવાં નક્કી થયેલાં કાર્યોના અડાબીડ વનની વચ્ચે આત્મપરિપૂર્ણતાની શોધમાં છે. એ તેમને તો જ મળી શકે જો તેઓ આધ્યાત્મિક બને – પોતાના ખરા સ્વરૂપને જાણે. તેમને પૂર્ણરૂપે ખાતરી થવી જોઈએ કે, પોતાની જાતને તેના ખરા સ્વરૂપમાં જાણ્યા વગર આત્મપરિપૂર્ણતા શોધવી એ મિથ્યા અહંને પોષવા બરાબર છે. શ્રી શારદાદેવી એવી આત્મસાક્ષાત્કાર કરેલ વ્યક્તિનું જીવંત ઉદાહરણ છે, જેમનું બાહ્ય જીવન સામાન્ય લાગે છે પણ આંતરિક જીવન સમૃદ્ધ, અર્થપૂર્ણ છે. ફક્ત આધુનિક નારી માટે જ નહિ પણ સ્વાર્થથી, આધ્યાત્મિક પોષણના અભાવથી અને ભૌતિકતાના આફરાથી પીડાતા સમાજ માટે તેઓ ‘વ્યાવહારિક આધ્યાત્મિકતા’ નો જીવતો-જાગતો નમૂનો છે. પોતાના અહંને સંપૂર્ણપણે ઓગાળી ત્યાગ અને સેવાની ભાવનાથી શ્રી શારદાદેવીએ પોતાનું જીવન વિતાવ્યું હતું. તેમનું જીવન એટલે તાત્ત્વિક તથ્યોનું જીવિત ભાષ્ય. તેમના વ્યક્તિત્વમાં સકળ સૃષ્ટિની ચેતના એકાકાર થઈ ગયેલ હતી. આથી જ તેઓ કહેતાં, “બધા જ પોતાના છે, કોઈ પરાયું નથી.” આ ફક્ત શબ્દો નથી, પણ વૈશ્વિક ચેતનાને જાણનાર, ઓળખનારની અનુભૂતિ છે. હકીકતે તો તેમની વિશ્વવ્યાપી માતૃત્વની ભાવના, પવિત્રતા, શક્તિ અને આગળ વર્ણવેલા બધા જ ગુણોનું ઉદ્ભવસ્થાન તેમની આધ્યાત્મિકતા છે, જે દ્વારા ‘સંઘજનની’ નો ભવ્ય પાઠ તેઓ અદ્ભુત સરળતા અને સફળતાથી ભજવી ગયાં. અતિશય દુન્યવી વાતાવરણમાં રહેવા છતાં તેમનામાં શાંતિ, સ્વસ્થતા, પવિત્રતા, ત્યાગ તથા સેવાના આદર્શનો જે આવિર્ભાવ જોવા મળે છે તે જ તેમની આધ્યાત્મિકતા વિષે ઘણું ઘણું કહી જાય છે. તેઓ બધે જ, બધા લોકો ઉપર અને બધી વસ્તુઓ ઉપર તેજ વેરતી આધ્યાત્મિકતા ચેતનાની દીવાદાંડી સમાન છે.
તો, આધુનિક નારીને શ્રીમાનો સંદેશ ખૂબ સ્પષ્ટ છે કે, કોઈ ખાસ અધિકાર માટે લડવાને બદલે બધા જ પ્રકારની ફરજોને આત્મવિકાસની ઉજ્જવળ તકો તરીકે સમજવાથી અને ઉચ્ચ આદર્શ માટે જીવવાથી જ સાચા અર્થમાં સ્વપરિપૂર્ણતાનો અનુભવ થઈ શકે. નારી પોતાનામાં રહેલ વારસાગત નારીત્વના ગુણોને ગુમાવ્યા વગર પણ દૃઢ વ્યક્તિત્વશાળી, સુખી અને કોઈ પણ ક્ષેત્રે સફળ થઈ શકે છે. આમ, વર્તમાનયુગની બહેનો માટે શ્રીમા ખૂબ નજીક છે. એવા મહાન, ઉજ્જવળ અને અણિશુદ્ધ પવિત્ર આદર્શના રૂપમાં તેઓ પોતાના વિચારનો વિસ્તાર લંબાવી તેમને આત્મસાત્ કરી લે એટલી જ ફક્ત વાર છે.
સંદર્ભ-સૂચિ
૧. એલ્વિન ટોફલર, પ્રીવ્યુઝ એન્ડ પ્રીમાઈસીસ, (બેન્ટામ, યુ.એસ.એ.)૧૯૮૫, પૃ. ૧૨૧
૨. ગ્વેન્ડોલિન થોમસ, શ્રીશારદાદેવી, ધી ગ્રેઈટ વંડરમાંથી, (શ્રીરામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હી) ૧૯૮૪, પૃ. ૩૧૯
૩. સ્વામી નિખિલાનંદ, હોલી મધર, (જ્યોર્જ મિલર એન્ડ અનવીન લિમિટેડ, લંડન) પૃ. ૨૬૧
૪. ટીચીંગ્સ ઓફ શ્રીશારદાદેવી, ધી હોલી મધર, (શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ) ૧૯૮૩, પૃ. ૯૭
૫. ટીચીંગ્સ ઓફ શ્રીશારદાદેવી, ધી હોલી મધર, પૃ. ૪
૬. પ્રબુદ્ધ ભારત, (અદ્વૈત આશ્રમ, માયાવતી) જાન્યુઆરી, ૧૯૮૪, પૃ.૧૭
૭. સ્વામી ઈશાનંદ, શ્રીશારદાદેવી, ધી ગ્રેઈટ વન્ડરમાંથી, પૃ.૫૩
૮. સ્વામી વીરેશ્વરાનંદ, શ્રીશારદાદેવી, ધી ગ્રેઈટ વંડરમાંથી, પૃ.૪૦
૯. યુનિવર્સિટી ન્યુઝ, (એસોસિયેશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીઝ) ફેબ્રુઆરી ૨૬, ૧૯૯૦, પૃ. ૩
૧૦. સ્વામી યતીશ્વરાનંદ, શ્રીશારદાદેવી, ધી ગ્રેઈટ વંડરમાંથી, પૃ. ૧૨૬
૧૧. ધી લાઈફ ઓફ સ્વામી વિવેકાનંદ બાય ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન ડીસાઈપલ્સ, (અદ્વૈત આઝામ, કલકત્તા) ૧૯૮૧, વોલ્યુમ-૨, પૃ. ૫૭૧-૭૨
૧૨. ધી કમ્પલીટ વર્ક્સ ઓફ સિસ્ટર નિવેદિતા, (શ્રીરામકૃષ્ણ શારદા મિશન, કલકત્તા) ૧૯૬૭, વોલ્યુમ-૨, પૃ. ૪૫૩
૧૩. પ્રવ્રાજિકા આત્મપ્રાણા માય ઈન્ડિયા, માય પીપલ સિસ્ટર નિવેદિતામાં ટાંકેલ (શ્રીરામકૃષ્ણ શારદા મિશન, ન્યુ દિલ્હી), ૧૯૮૫, પૃ. ૨૩
૧૪. મેરિયન કોડ, શ્રીશારદાદેવી, ધી ગ્રેઈટ વંડરમાંથી, પૃ. ૩૨૩
૧૫. ટીચીંગ્સ ઓફ શ્રી શારદાદેવી, ધી હોલી મધર, પૃ. ૭૫
૧૬. સ્વામી વીરેશ્વરાનંદ, શ્રીશારદાદેવી, ધી ગ્રેઈટ વંડરમાંથી, પૃ. ૪૧
૧૭. સ્વામી શારદેશાનંદ, શ્રીશારદાદેવી, ધી ગ્રેઈટ વંડરમાંથી, પૃ. ૬૧
૧૮. સ્વામી શારદેશાનંદ, શ્રીશારદાદેવી, ધી ગ્રેઈટ વંડરમાંથી, પૃ. ૬૮
૧૯. સ્વામી ઈશાનાનંદ, શ્રીશારદાદેવી, ધી ગ્રેઈટ વંડરમાંથી, પૃ. ૫૮
૨૦. પ્રવ્રાજિકા આત્મપ્રાણા, ધી સ્ટોરી ઓફ સિસ્ટર નિવેદિતા, (શ્રી રામકૃષ્ણ શારદા મિશન, કલકત્તા) ૧૯૬૭, પૃ. ૬૩-૬૪
૨૧. સ્વામી ગંભીરાનંદ, શીશારદાદેવી, ધી ગ્રેઈટ વંડરમાંથી, પૃ. ૧૫૪
૨૨. વેદાંત કેસરી, (શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ) મે ૧૯૭૮, પૃ. ૧૭૬-૭૭
Your Content Goes Here




