શ્રીરામકૃષ્ણ પરમહંસને પાછળથી તેમના શિષ્ય થનારા અને સ્વામી વિવેકાનંદ તરીકે પંકાનારા નરેન્દ્રનાથે પૂછ્યું હતું : ‘આપે ઈશ્વરને જોયો છે?’ જરા પણ હિચકિચાટ વિના ત્યારે શ્રીરામકૃષ્ણે કહ્યું હતું : ‘હા, નરેન, જેમ તને હું જોઉં છું તે જ પ્રમાણે મેં ઈશ્વરને જોયો છે.’

ઈશ્વરને જોવો એટલે શું, એ પ્રશ્ન પહેલાં સમજવો પડે. ઈશ્વર એ કોઈ શરીરધારી વ્યક્તિ છે કે કોઈ બીજો આકાર છે કે શું છે જેથી તેને જોયો હોવાની વાત કરી શકાય? સંભવતઃ એ ઊંડો આધ્યાત્મિક અનુભવ હોય કે અંતરમાં લાધેલો પ્રકાશ હોય. જોવાની ભૌતિક ઇંદ્રિય સાપેક્ષ હકીકત કદાચ સમજવામાં મુશ્કેલીઓ પેદા કરે. પણ આપણે એ વાત જતી કરીએ. શ્રીરામકૃષ્ણ એક એવા સંત હતા જે સ્વયમેવ વિકસ્યા હતા. મૂળે નિરક્ષ૨ એવા આ સંન્યાસી ઈશ્વર માટે તરફડતા હતા. એ વારંવાર ભાન ખોઈ બેસતા, મૂર્છાવશ થતા. પોતાની તીવ્ર માનસિક ઝંખનાને ઉત્તર મળતો હોય એમ એમને ઈશ્વરસાક્ષાત્કાર થતો. વેદાન્તમાં વર્ણવાયેલી નિર્વિકલ્પ સમાધિની સમકક્ષ અવસ્થા શ્રીરામકૃષ્ણે વારંવાર અનુભવેલી.

શ્રીરામકૃષ્ણે ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મની ઈશ્વર અંગેની માન્યતાઓની પ્રતીતિ કરવા માટે પણ આધ્યાત્મિક સાધના કરી હતી. આ સાધનાને કારણે જ આ નિરક્ષર બ્રાહ્મણને પ્રતીતિ થયેલી કે ધર્મનું નામ અને વિધિવિધાનો ભલે ગમે તેટલાં હોય પણ એ તત્ત્વમાં તો એક જ છે, જેમ ઈશ્વર પણ એક જ છે.

એમને મળવા માટે મોટા મોટા મનીષિઓ અને સાંસ્કૃતિક કે સાહિત્યિક અગ્રજનો આવતા, જેમને, શ્રીરામકૃષ્ણનો એક જ સંદેશ હતો: ‘ઈશ્વરને બહાર શોધશો જ નહીં’ એ એક જ છે અને કોઈ વાતે આ કે તે સંપ્રદાયનું કહેલું માની લઈને એનાં અનેક સ્વરૂપો કલ્પશો જ નહીં.

અલબત્ત, શ્રીરામકૃષ્ણ પરમહંસ જન્મ અને કર્મે હિંદુ હતા અને તેમની ધાર્મિક માન્યતાઓ વેદાન્ત ઉપર આધારિત હતી. પોતે નિરક્ષર હતા પણ સાંભળી સાંભળીને વેદાન્તનું તાત્પર્ય ગ્રહણ કરવામાં તેમને કોઈ અંતરાય નડ્યો ન હતો. વેદાન્તે જ એમને શીખવ્યું હતું કે સત્ તત્ત્વ એક જ છે, પણ વિદ્વાનો એને વિવિધ રીતે વર્ણવે છે. ધાર્મિક ઔદાર્યનો ઊંડો પ્રભાવ ઝીલનાર શ્રીરામકૃષ્ણ પરમહંસનું સારું યે જીવન અધ્યાત્મને સમર્પિત જીવન હતું. પોતાનો ધર્મ હિંદુ ધર્મ છે એ વાતનો એમને જેમ છોછ નહોતો, તેમ ગર્વ પણ નહોતો. એમની તે ઈશ્વર વિશેની આધ્યાત્મિક પ્રતીતિ હતી.

શ્રીરામકૃષ્ણની આધ્યાત્મિક સાધનાએ અને કોને તેમની પ્રત્યે આકર્ષેલા અને માણસોનાં જૂથો ને જૂથો તેમની વાણી ઝીલવા માટે આતુર રહેતાં. એમને મળવા માગનારાઓ કે આવનારાઓમાં સુશિક્ષિત બૌદ્ધિકોનો પણ સમાવેશ થતો હતો. નરેન્દ્રનાથ-પાછળથી જે સ્વામી વિવેકાનંદ તરીકે પંકાયા તે પણ તેમની પાસે આ રીતે જ પહોંચી ગયેલા. શુદ્ધ આધ્યાત્મિક આરતથી શ્રીરામકૃષ્ણ અને નરેન્દ્રનાથમાં કશું બાહ્ય મળતાપણું તો હતું જ નહીં છતાં શ્રીરામકૃષ્ણનું શ્રદ્ધામય વ્યક્તિત્વ બુદ્ધિશીલ નરેન્દ્રને પ્રભાવિત કરી ગયું. બંનેમાં જે ઊંડી આધ્યાત્મિક લગની હતી તેણે એકબીજાને સરસા આણ્યા.

સ્વામી વિવેકાનંદની સાધનાની પ્રક્રિયા કે જીવનકાર્યો નિરૂપવાનું અત્રે પ્રસ્તુત નથી. પરંતુ જે કા૨ણે શ્રીરામકૃષ્ણ સ્વામી વિવેકાનંદને પ્રભાવિત કરી શકેલા, તે જ કારણે સ્વામી વિવેકાનંદે પણ તેમના ટૂંકા આયુષ્યમાં સારી યે દુનિયાને મંત્રમુગ્ધ કરેલી. એમની વ્યક્તિત્વછટા, એમની શ્રદ્ધા, એમનું જ્ઞાન, એમની વાણી અને એમની આધ્યાત્મિક સંપદાએ કેવળ યુરોપ કે અમેરિકામાં જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં એમનો વેદાન્તનિષ્ક પણ સર્વસ્પર્શી સંદેશ ગાજતો કરેલો.

બે બે વાર એમણે ભારતયાત્રા કરેલી. પહેલી વાર પોતાના દેશના અંતરાત્માને પારખવા. બીજી વાર શિકાગોની પાર્લામેન્ટ ઑફ રિલિજિયન્સનો પોતીકો અનુભવ વર્ણવવા. ગુરુની માફક જ સ્વામી વિવેકાનંદ વેદાન્તનિષ્ઠ સંન્યાસી હતા. પણ ફેર એટલો કે વિવેકાનંદજીનાં કાર્યોમાંથી સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ પ્રગટી રહી, જે આજે પણ કામ કરી રહી છે. એમના શિષ્યો અને અનુયાયીઓ સારા યે ભારતમાં છવાઈ ગયા હતા અને આધુનિક સંતનો સંદેશ જીવનમાં ઉતારતા હતા. આથી અનાયાસે જ એક એવી મનોદશા પ્રગટી રહી જ્યાં રાષ્ટ્રધર્મ અને સમાજધર્મ અનુસ્યૂત બની ગયા. આમ ભારતની સર્વતોમુખી વૈચારિક ઉન્નતિ, ભારતનું સ્વાતંત્ર્ય, ભારતીય મહિલાઓનો ઉત્કર્ષ અને નવા જ પ્રકારની સામાજિક સંસ્થાઓ માટેની ભૂમિકા સરજાઈ. આધુનિક ભારતના સર્જકોમાં આ રીતે સ્વામી વિવેકાનંદનું વિશિષ્ટ સ્થાન છે.

Total Views: 331

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.