સ્વામી ચેતનાનંદ કૃત અંગ્રેજી ગ્રંથ ‘મહેન્દ્રનાથ ગુપ્ત (મ)’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે: સં.
વેદકાલીન પ્રાચીન ઋષિઓએ આધ્યા-ત્મિકતાની ભૂમિકા પર હિંદુઓના જીવનને મૂક્યું છે. આ રીતે તેનો મુખ્ય હેતુ મોક્ષ છે. હિંદુધર્મ પ્રમાણે જીવનનાં બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ આ ચાર આશ્રમો છે. પશ્ચિમમાં આ આશ્રમને સામાન્ય રીતે એક ધાર્મિક અનુષ્ઠાન ગણે છે. એવા સ્થળે જઈને લોકો આધ્યાત્મિક સાધના અભ્યાસ અને ગુરુના માર્ગદર્શન હેઠળ પોતાની પ્રવૃત્તિઓ કરે છે, પણ આશ્રમ તો જીવનનો એક તબક્કો છે. હિંદુઓ સામાન્ય રીતે વિદ્યાર્થીરૂપે પોતાનું જીવન આરંભે છે. પછી સ્ત્રી કે પુરુષ પરણે છે અને ગૃહસ્થ બને છે. વૃદ્ધાવસ્થામાં તે નિવૃત્ત થાય છે અને જીવનના અંતિમ તબક્કામાં તે દુનિયાનો ત્યાગ કરીને સંન્યાસી બને છે.
આમ જોઈએ તો જીવનના આ ચારે ચાર તબક્કા અગત્યના છે. ગૃહસ્થાશ્રમમાં વ્યક્તિ ધન કમાય છે અને બીજા ત્રણેય આશ્રમોને સહાયક બને છે. વાસ્તવિક રીતે સમાજનું આ સમગ્ર માળખું ગૃહસ્થો ઉપર આધારિત છે. જો ગૃહસ્થનંુ જીવન અસ્થિર હોય તો સમાજ પોતે પણ અસ્થિર બને છે. આજે પશ્ચિમ અને પૂર્વ બંને સ્થળે કૌટુંબિક જીવન થોડું શિથિલ કે અસ્થિર બન્યું છે. આના મૂળમાં અર્થાેપાર્જનની ખેંચતાણ અને છૂટાછેડા જેવા સામાજિક અનિષ્ટો છે. આવાં ભાંગતાં ઘરનાં બાળકો વિષમ અને દુ:ખભરી પરિસ્થિતિમાં રહે છે. સ્વાર્થ અને લોભથી દોરવાયેલા લોકો પોતાની ફરજો ભૂલી જાય છે અને સમાજને એક અધ:પતન ભરી પરિસ્થિતિમાં મૂકી દે છે. ગૃહસ્થોની ફરજો વિશે મહાનિર્વાણતંત્રમાં કહ્યું છે, ‘ગૃહસ્થ પ્રભુ પરાયણ હોવો જોઈએ. ઈશ્વરજ્ઞાન એના જીવનનું ધ્યેય બનવું જોઈએ. આમ છતાં પણ તેણે સતત કાર્યરત રહેવું જોઈએ અને પોતાની ફરજો બજાવવી જોઈએ. તેણે પોતાના કર્મનું ફળ ઈશ્વરને સમર્પી દેવું જોઈએ.’
શ્રીરામકૃષ્ણ દેવે પોતાના શિષ્યોના એક વૃંદને આદર્શ સંન્યાસી બનવા કેળવ્યા હતા અને બીજા વૃંદને આદર્શ ગૃહસ્થ બનવા તાલીમ આપી હતી. જ્યારે શ્રી‘મ’એ બીજીવાર શ્રીઠાકુરની મુલાકાત લીધી ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેઓ પરણેલા છે અને બાળકો પણ છે. એટલે એમણે શ્રી ‘મ’ને એ પ્રમાણે કેળવવાનું શરૂ કર્યું. એ વખતે શ્રી ‘મ’એ એમને પૂછયું, ‘સંસારમાં કેવી રીતે રહેવું જોઈએ?’
શ્રીઠાકુરે કહ્યું, ‘સંસારની બધી ફરજો બજાવવી. પણ તમારું મન ઈશ્વરમાં રાખવું. તમે તમારાં પત્ની, બાળકો, માતાપિતા બધાં સાથે રહો અને એમની સેવા કરો. તમને તેઓ ખૂબ વહાલાં છે એમ માનીને તેમની સેવાચાકરી કરો પરંતુ તમારા હૃદયમાં આટલું ચોક્કસ જાણી લેજો કે તે બધાં તમારાં નથી.’
પછી ઉદાહરણ આપીને કહે છે, ‘પૈસાદારના ઘરમાં દાસી ઘરનાં બધાં કામ કરે છે. પણ તેનું મન તો વતનમાં રહેલા ગામડાના ઘરમાં જ ચોટેલું રહે છે. તે પોતાના શેઠનાં બાળકોને પોતાના બાળકોની જેમ સંભાળે છે. વળી તે વારંવાર એમને ‘મારો રામ’ કે ‘મારો હરિ’ એમ કહીને બોલાવે છે. પણ તેનું મન તો એ વાત બરાબર જાણે છે કે આ બધાં તેમનાં પોતાનાં નથી.’
ત્રીજી મુલાકાત વખતે શ્રી ‘મ’એ શ્રી ઠાકુરને પૂછયું, ‘મહાશય, સંસારમાં બંધાયેલા આત્માની મુક્તિ માટે કોઈ આશા ખરી?’
શ્રીઠાકુરે કહ્યું, ‘ખરેખર છે જ. સમયે સમયે તેણે સાધુ કે પવિત્ર પુરુષનો સંગાથ કરવો જોઈએ અને વારંવાર એકાંતમાં જઈને ઈશ્વરનું ધ્યાન ધરવું જોઈએ. વળી તેણે વિવેક, વૈરાગ્ય કેળવવા જોઈએ. અને ‘હે પ્રભુ! મને ભાવ અને ભક્તિ આપ’ એવી પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ, જ્યારે વ્યક્તિને આવી શ્રદ્ધાભક્તિ આવે ત્યારે તે બધું પામે છે.’
ભગવાન બુદ્ધ ત્યાગ પર વધારે ભાર દેતા અને સ્ત્રીઓ તેમજ પુરુષને સંન્યાસી બનવા પ્રેરતા. ભગવાન ઈશુએ કહ્યું છે, ‘તમે પ્રભુ અને ધનલોલુપતા બંનેને એકી સાથે સેવી, ભજી ન શકો.’ તેમણે આગળ આમ કહ્યું છે, ‘તમારી પાસે જે કંઈ છે તે બધું વેચી નાખો અને એ ધન ગરીબોને આપી દો અને પછી મને અનુસરો.’ ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે, ‘ભાઈ નિત્યાનંદ, સાંભળ, સંસારના બંધનમાં પડેલા આત્માને મુક્તિની કોઈ આશા નથી.’
શ્રીરામકૃષ્ણ એ જાણતા હતા કે ગૃહસ્થો માટે સંપૂર્ણ સંસાર ત્યાગ શક્ય નથી. એટલે એમણે તેમને ‘ગૃહસ્થ સંન્યાસ’ અપનાવવાની સલાહ આપી. એનો અર્થ એ થાય છે કે ગૃહસ્થ તરીકે પોતાની ફરજો બજાવવી અને અંતરમનથી ત્યાગ કેળવવો અને મનને ઈશ્વર તરફ એકાગ્ર કરવું. જેમ વ્રજની ગોપીઓ પોતાના ઘરની ગૃહસ્થની ફરજો બજાવતી હતી અને તેઓ પોતાના મનને કૃષ્ણ પર એકાગ્ર કરી રાખતી. શ્રી ‘મ’ કહેતા, ‘શ્રી ઠાકુરે મારું મન ભગવા રંગે રંગી નાખ્યું.’
એકવાર શ્રી ‘મ’એ કહ્યું, ‘શ્રી ઠાકુર કહેતા, ‘કોલકાતાના લોકોને સર્વત્યાગ કરવાનું કહેવું શક્ય નથી. તો તો તેઓ આવતા બંધ થઈ જશે. એટલે હું તેમને પોતાની કૌટુંબિક ફરજો બજાવવાનું કહું છુ અને સાથે ને સાથે આધ્યાત્મિક સાધના કરવાનું પણ કહું છું. એક હાથે ઈશ્વરને પકડી રાખો અને બીજા હાથે તમારા કુટુંબને. હું તેમને માનસિક રીતે વૈરાગ્યનો અભ્યાસ કરવા કહું છું. અવાર- નવાર આ સ્થળની મુલાકાત લીધા પછી તેમને અનુભૂતિ થશે કે મિત્રો, અને કુટુંબના સંબંધો તો થોડા દિવસ ટકી રહે છે. પછી એને મેળે ત્યાગ વૈરાગ્યની ભાવના જાગી જશે.’’
શ્રી ‘મ’એ શ્રીરામકૃષ્ણ કથામૃતમાં આ વાત વર્ણવી છે:
‘પાડોશી-મહાશય ગૃહસ્થ જીવન જીવતા ઈશ્વરની અનુભૂતિ ક્યારેય શક્ય છે?’
શ્રીઠાકુર- ‘ચોક્કસ છે જ. પણ મેં જેમ કહ્યું તેમ તેણે પવિત્ર પુરુષોના સંગાથે રહેવું જોઈએ અને સતત ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ. તેણે ઈશ્વર માટે રડવું જોઈએ. મન તો કાદવથી ખરડાયેલી સોય જેવું છે અને ઈશ્વર છે લોહચુંબક. જ્યાં સુધી સોય પરથી કાદવ દૂર ન થાય ત્યાં સુધી ચુંબક તેને આકર્ષી ન શકે. પ્રભુ માટેનાં આંસુ આ કાદવ ધોઈ નાખે છે અને એ કાદવ એટલે કામ, ક્રોધ, મદ, લોભ જેવાં અનિષ્ટો.’
Your Content Goes Here




