ગતાંકથી આગળ…
૬. પાપનો સિદ્ધાંત
બધા ધર્મોમાં ઘણા લોકો માટે પાપનો સિદ્ધાંત એ એક મોટી ચર્ચાનો વિષય છે. શ્રીરામકૃષ્ણદેવે કહ્યું હતું, ‘અગ્નિનો એક નાનકડો તણખો પર્વત જેવડા રૂના ઢગલાને બાળી શકે અને તાળિયો પાડીને પક્ષીઓને વૃક્ષમાંથી ભગાડી શકાય; તેવી જ રીતે જો કોઈપણ વ્યક્તિ પૂર્ણ નિષ્ઠાભાવથી ઈશ્વરનામ જપે કે તેમનું ચિંતન કરે તો તેમનાં બધાં પાપ વિલીન થઈ જાય.’
એક વખત શ્રીઠાકુરે કેશવચંદ્ર સેન અને બ્રાહ્મભક્તોને કહ્યું, ‘મનનું બંધન પણ છે અને મનની મુક્તિ પણ છે. જો માણસ આવું સતત વિચારે કે હું મુક્ત આત્મા છું, હું બદ્ધ કેવી રીતે હોઈ શકું, પછી ભલે હું સંસારમાં રહું કે જંગલમાં રહું? હું તો ઈશ્વરનું સંતાન છું, રાજાઓનો પણ રાજા છું. મને કોણ બદ્ધ કરી શકે ?, તો તે મુક્ત છે. જો સાપ કરડે તો – મારામાં ઝેર જ નથી – એમ ભારપૂર્વક કહેવાથી તે માણસ સાપના ઝેરથી મુક્ત થઈ જાય. એવી જ રીતે ‘‘હું બદ્ધ નથી, હું મુક્ત છું’’ એમ દૃઢતા અને હૃદયથી વારંવાર કહે તો તે વ્યક્તિ ખરેખર એવી જ બની જાય છે, તે સાચે જ મુક્ત બની જાય છે.
એક વખત કોઈકે મને ખ્રિસ્તીઓનો ગ્રંથ આપ્યો. મેં તેને મારી પાસે વાંચવા કહ્યું. તેમાં પાપ સિવાય બીજી કોઈ વાત ન હતી. (કેશવને સંબોધીને) પાપ એવી એક જ વાત તમારા બ્રાહ્મસમાજમાં પણ સાંભળવા મળે છે. ‘‘હું બદ્ધ છું, હું બદ્ધ છું’’ એમ નિર્માલ્ય માણસ સતત કહેતો રહે છે. જે વ્યક્તિ દિવસ-રાત ‘‘હું પાપી છું, હું પાપી છું’’ એમ કહ્યા કરે તે ખરેખર પાપી બની જાય છે.
કોઈપણ વ્યક્તિમાં ઈશ્વર માટેની તીવ્ર શ્રદ્ધા હોવી જોઈએ અને તેવી વ્યક્તિ કહી શકે કે શું ? મેં ઈશ્વરનું નામ સ્મરણ કર્યું છે, આ પાપ શું મને વળગી શકે ખરાં? હું હવે પાપી કેવી રીતે હોઈ શકું ? હું બંધનમાં કેવી રીતે હોઈ શકું ?
જો માણસ ઈશ્વરનું નામ જપતો રહે તો તેનો દેહ, તેનું મન, તેનું સર્વ કંઈ પવિત્ર બની જાય છે. પછી પાપ અને નરક જેવી બાબતોનો વિચાર એણે શા માટે કરવો જોઈએ ? આટલું એક વખત કહો કે હે પ્રભુ, મેં નિ :સંદેહ કેટલાંક કુકર્મો કર્યાં છે, પણ હવે એનું પુનરાવર્તન નહીં થાય, (પછી બધું થઈ રહેશે) સાથે ને સાથે એમના નામમાં શ્રદ્ધા રાખો.’
શિકાગોની વિશ્વધર્મપરિષદમાં સ્વામીજીએ ઉદ્ઘોષણા કરી, ‘તમે સહુ પરમાત્માનાં બાળકો છો, શાશ્વત સુખના સહભાગીદાર છો, પવિત્ર અને પૂર્ણ છો. આ પૃથ્વી પરના ઓ દિવ્ય આત્માઓ ! તમને પાપી કેમ કહી શકાય ? માનવને પાપી કહેવો એ પાપ છે – માનવસ્વભાવ ઉપર એ કાયમી આક્ષેપ છે : ઓ સિંહો ! તમે ઘેટાંઓ છો એ ભ્રમજાળ ખંખેરીને ઊભા થાઓ. તમે અમર આત્માઓ છો, તમે સ્વતંત્ર આત્મા છો, તમારા ઉપર આશિષ ઊતરેલા છે, તમે અનંત છો, તમે ભૌતિક પદાર્થાે નથી, તમે માત્ર દેહ નથી; ભૌતિક પદાર્થાે તો તમારા ગુલામો છે; ભૌતિક પદાર્થાેના તમે ગુલામ નથી.’
હાર્ટફોર્ડમાં સ્વામીજીએ પોતાનાં વક્તવ્યોમાં કહ્યું હતું, ‘શું આપણે માણસને ઘૂંટણીએ પડીને અને રડતાં રડતાં ‘‘અરે હું કેવો દુષ્ટ પાપી છું !’’ એમ કહેવાની સલાહ આપીશું ? ના, એના કરતાં તો ચાલો આપણે તેમના દિવ્યસ્વરૂપની યાદ અપાવીએ. જો ઓરડામાં અંધારું છે તો તમે તમારી છાતી કૂટીને ‘‘આ તો અંધારું છે !’’ આવું ક્રંદન કરવાના છો ? ના, પ્રકાશમાં આવવાનો એકમાત્ર ઉપાય છે દીવો પ્રકટાવવો જેથી અંધારું ચાલ્યું જાય છે. દિવ્યપ્રકાશની અનુભૂતિ કરવાનો એકમાત્ર ઉપાય છે તમારી ભીતર આધ્યાત્મિક દીપકને પ્રગટાવવો જેથી પાપ અને અપવિત્રતાનું અંધારું વિલીન થઈ જશે. તમે તમારા ઉચ્ચતર સ્વ (આત્મા) નો વિચાર કરો, નહીં કે તમારા નિમ્નતર સ્વનો.’
૭. ત્યાગ
સ્વામી વિવેકાનંદ ત્યાગના ખરા માનવ હતા અને તેઓ પોતાના ગુરુદેવના પગલે પગલે ચાલ્યા હતા. ‘આ દુનિયામાં સર્વ કંઈ ભયના ફાળકાથી ભરેલ છે. એકમાત્ર ત્યાગ જ કોઈપણ વ્યક્તિને નિર્ભય બનાવે છે.’
શ્રીરામકૃષ્ણે વિજયકૃષ્ણ ગોસ્વામીને કહ્યું, ‘કામિની-કાંચનનો ત્યાગ કર્યા વિના કોઈપણ વ્યક્તિ લોકોને ઉપદેશ ન આપી શકે. કામિની-કાંચનમાં આસક્ત રહીને જો કોઈ આવો ઉપદેશ આપે કે સંસાર અસત્ય છે અને ઈશ્વર સત્ય છે, તો એ વ્યક્તિને કોઈ સાંભળવાનું નથી.’
વળી તેમણે વિદ્યાસાગરને કહ્યું હતું, ‘ગીધ ઊંચે આકાશમાં ઊડે છે, પરંતુ તેની આંખો તો નીચે જમીન પર પડેલાં સડેલાં મુડદાલ માંસ પર જ લાગેલી હોય છે. ગ્રંથોનો માત્ર અભ્યાસ કરનારા ડાહ્યા કે શાણા તરીકે નામ કાઢે પણ તેઓ ‘‘કામિની કાંચન’’માં આસક્ત હોય છે. પેલાં ગીધડાંની જેમ તેઓ સડેલ માંસની શોધમાં હોય છે.’
નરેન્દ્ર તરફ આંગળી ચીંધીને શ્રીઠાકુરે કહ્યું, ‘તમે બધા આ છોકરાને જુઓ, અહીં તે આવી રીતે વર્તે છે. તોફાની છોકરો પિતાની સાથે હોય ત્યારે વિનમ્ર વિવેકી દેખાય છે. પરંતુ જ્યારે તે ચાંદનીમાં રમતો હોય ત્યારે કોઈ જુદી જ વ્યક્તિ લાગે છે. નરેન્દ્ર અને એના જેવા બીજા લોકો નિત્યમુક્ત કક્ષાના છે. તેઓ આ સંસારમાં આસક્ત થવાના નથી. જ્યારે તેઓ થોડા મોટા થાય ત્યારે તઓે પોતાની ભીતરના ચૈતન્યને જગાડવાની ઝંખના સેવે છે અને સીધેસીધા ઈશ્વર તરફ વળે છે. તેઓ આ સંસારમાં બીજાને ઉપદેશ આપવા આવે છે. તેમને દુનિયાની કોઈપણ વસ્તુની ક્યારેય પરવા નથી હોતી. તેઓ કામિની- કાંચનમાં ક્યારેય આસક્તિ રાખતા નથી.’
સ્વામી વિવેકાનંદ માત્ર વિદ્વાન જ નહિ, એક મહાન આત્મા પણ હતા. તેઓ પોતાના ગુરુના સાચા શિષ્ય હતા. કામિની-કાંચનનો ડાઘ એમના દેહને લાગ્યો ન હતો. સોંગ ઓફ સંન્યાસિન્ – સંન્યાસીના ગીતમાં તેમણે લખ્યું છે :
વસે કામ-ક્રોધ જહીં, જહીંં વસે લોભ જ વળી,
પ્રવેશે ત્યાં કો દી’ નહિ સત. વધૂ ભાવથી જુએ,
સ્ત્રીને, પૂર્ણત્વે તે નહિ જ કદીએ પ્હોંચી શકતા.
ભરાતો ક્રોધે જે, લગીર પણ જેને પરિગ્રહ,
વળોટે માયાના નહિ જ દરવાજા કદીય તે :
તજી દે તેથી આ બસ બધુંય : ર્હે વીર ! રટતો :
‘ઓમ તત્ સત્ ઓમ્.’
(ક્રમશ 🙂
Your Content Goes Here




