પ્રાસંગિક રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે

રામકૃષ્ણ મિશનની શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે ૭મી ફેબ્રુઆરી, ૧૯૯૮ના દિને બેલુર મઠમાં મળેલ અખિલ ભારતીય ભક્ત- સંમેલનમાં ઉપસ્થિત લગભગ બાર હજાર પ્રતિનિધિઓને અપાયેલાં રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં આશીર્વચનો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

કાનૂની રીતે ‘શ્રીરામકૃષ્ણ મિશન’ને નામે ઓળખાતા સંઘને સો વરસ થયાં છે, એ અતિ મહત્ત્વના પ્રસંગે આપણે સૌ અહીં એકઠાં થયાં છીએ. અલબત, ભક્તોને માટે આ જેની શતાબ્દી ઉજવાઇ રહી છે, તે સંઘ કંઇ કેવળ ‘મિશન’ જ નથી. શ્રીરામકૃષ્ણદેવ તરફ સન્માન રાખતા સર્વ જનો માટે તો આ એક યુગપ્રવર્તક વ્યક્તિત્વની – એક યુગપુરુષની શતાબ્દી છે. શ્રીરામકૃષ્ણદેવનો સમાદર કરતા સમસ્તજન સમુદાય માટે ‘શ્રીરામકૃષ્ણ મિશન’ એ આપણી પાસે રહેલો એક મુદ્રાવિશેષ છે. હવે હું ‘ભક્ત’ શબ્દ, એ અર્થમાં શ્રીરામકૃષ્ણદેવના સર્વ ભક્તોને એમાં સમાવીને જ વાપરું છું. શ્રીરામકૃષ્ણ મિશનને સો વરસ પૂરાં થયાં છે, એની સ્મૃતિ તાજી કરવા આપણે સૌ અહીં મળ્યાં છીએ. પણ શ્રીરામકૃષ્ણ સંઘ તો એની પૂર્વે ઘણાં વર્ષોથી શરૂ થઇ ચૂક્યો હતો. એ શ્રીરામકૃષ્ણદેવના ચરણોમાં જ્યારથી ભક્તો આવવા લાગ્યા હતા, ત્યારથી જ શરૂ થઇ ચૂક્યો હતો. અને આ રીતે જૂનો સંઘ તો ત્યારથી શરૂ થયો હતો. પછી ધીરે ધીરે એ બીજમાંથી મોટું વૃક્ષ ફૂલ્યું ફાલ્યું. એણે પોતાની શાખાઓ કેવળ ભારત વર્ષમાં જ નહિ, પણ ભારતની સીમા બહાર ઘણા વિદેશોમાં પણ ફેલાવી દીધી.

શ્રીરામકૃષ્ણદેવ અનેકવિધ પાસાંઓને ધારણ કરતા હતા. એ અર્થમાં શ્રીરામકૃષ્ણદેવ સમજવામાં એક મુશ્કેલ વ્યક્તિ છે. ઉદાહ૨ણ તરીકે તેઓ ભક્તે ય હતા, સામાજિક માનવે ય હતા, આપણે જેને યુગ પુરુષ કહીએ તેવા યુગસર્જક પણ હતા. અને એવું ઘણું બધું હતા.

શ્રીરામકૃષ્ણદેવ અને તેમના પટ્ટશિષ્ય સ્વામી વિવેકાનંદજીને શ્રદ્ધાંજલિ અર્પવા માટે આપણે અહીં એકત્ર થયા છીએ. અલબત્ત, અહીં હું શ્રી શ્રીમા શારદાદેવીનો ખાસ ઉલ્લેખ કરતો નથી. કારણ કે એમનું વ્યક્તિત્વ એવું છે કે જે શ્રીરામકૃષ્ણ સાથે તદ્રુપ જ છે. એટલે આપણો આદર એ બધાંને માટે છે. મેં આપને આગળ કહ્યું તે પ્રમાણે શ્રીરામકૃષ્ણદેવે એક નવા યુગનું સ્થાપન કર્યું. કારણ કે સ્વામીજીએ કહ્યા પ્રમાણે તેમના પ્રાદુર્ભાવ સાથે જ સત્યયુગનો આરંભ થઇ ચૂક્યો છે. આ ક્ષિતિજ પર શ્રીરામકૃષ્ણદેવ જેવી મહાન વિભૂતિઓ ગમે ત્યાં પ્રગટે તો ત્યાં તેઓ અભિનવ યુગનું સર્જન કરે છે જ. અને લોકો ઉત્ક્રાન્તિનો ઊર્ધ્વગતિનો પ્રારંભ કરી દે છે. આ ઉત્ક્રાન્તિનો અર્થ ખૂબ વ્યાપક રીતે લેવાનો છે. એ અર્થ એવો છે કે આપણી આધ્યાત્મિક, નૈતિક, સામાજિક અને બીજી બધી રીતની ઉત્ક્રાન્તિ.

હું માનું છું કે આપણે હજુ સુધી શ્રીરામકૃષ્ણદેવના આવિર્ભાવનો પૂરેપૂરો સૂચિતાર્થ સમજ્યા નથી. હજુ તો આપણે એમને સમજવાનો માત્ર પ્રયત્ન જ કરી રહ્યા છીએ. આ સમજણ ફક્ત આપણને ઉન્નત ક૨શે એટલું જ નહિ પણ આપણામાં એક અભિનવ ક્રાન્તિનું નિર્માણ પણ કરી દેશે.

શ્રીરામકૃષ્ણદેવ એક અભિનવ તારક છે. તેઓ સમગ્ર ભૂતકાળનું અને ભવિષ્યકાળની સંભાવનાઓનું પ્રતિનિધિત્વ કરે છે. શ્રીરામકૃષ્ણદેવ આપણને એક નવું જ માર્ગદર્શન પૂરું પાડવા માટે પધાર્યા હતા, કે જેથી આપણે ભૂતકાળની સંસ્કૃતિનાં સારાં તત્ત્વોની જાળવણી કરી શકીએ અને ભવિષ્યની સંભાવનાઓ માટે માર્ગદર્શન આપી શકીએ.

આપ સૌ જે અહીં ભેગા મળ્યા છો તેમના ઉપર અને શ્રીરામકૃષ્ણદેવને સમજવા માટે હવે પછીથી અહીં આવનારાઓ ઉપર પણ તેમ જ શ્રીરામકૃષ્ણદેવે નિર્માણ કરેલી ક્રાન્તિના ભાગીદારો ઉપ૨ – સૌ ઉપર શ્રીરામકૃષ્ણદેવના, શ્રી શ્રીમા શારદાદેવીના અને સ્વામીજીના આશીર્વાદ વરસતા રહો, એવી હું તેમને પ્રાર્થના કરું છું.

અંગ્રેજીમાંથી ભાષાંતર : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 181

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.