સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે આપેલા હિંદી પ્રવચનનો શ્રી કુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

પ્રત્યેક મનુષ્ય સ્વાભાવિકપણે જ સુખ, શાંતિ અને આનંદ ચાહે છે. કોઈને દુ:ખ ગમતું નથી. માણસ જ નહિ પરંતુ પ્રત્યેક જીવજંતુ પણ સુખ ઇચ્છે છે. સુખ અર્થાત્‌ દુ:ખની છાયાંથી દૂર રહેવું. શ્રીમદ્‌ ભાગવતમાં આપણે જોઈએ છીએ કે દુ:ખ અને સુખ અલગ અલગ સ્થાને છે પરંતુ ભાષ્યકારો બંનેને એક જ સૂત્રમાં સાંકળી લે છે. તેમના મત પ્રમાણે ‘આત્યંતિક દુ:ખ નિવૃત્તિ – પરમસુખ પ્રાપ્તિ’ છે. આત્યંતિક દુ:ખ નિવૃત્તિ એટલે બધાં દુ:ખોથી સંપૂર્ણ મુક્તિ. દુ:ખ નિર્મૂળ થઈ જાય તો આપોઆપ સુખ આવે અને તે સુખ છે પરમસુખ; પણ એ સાંસારિક સુખ નથી. પરમ સુખ અને સાંસારિક સુખ વચ્ચે ઘણું અંતર છે. પરમસુખ આધ્યાત્મિક જીવનની પૂર્ણતાથી મળે છે, સાચી આધ્યાત્મિક અનુભૂતિથી મળે છે. સાંસારિક સુખ ભૌતિક જીવનની સફળતાથી મળે છે. પરમ સુખ શાશ્વત છે. સાંસારિક કે ભૌતિક સુખ ક્ષણભંગુર છે. પરમ સુખની પ્રાપ્તિ ઈશ્વર પ્રત્યેના પરમપ્રેમથી થાય છે.

નારદીય ભક્તિસૂત્રમાં નારદજી ભક્તિને પરમપ્રેમ કહે છે. સામાન્ય મનુષ્યો ભૌતિક ચીજવસ્તુઓ અને આત્મીય સ્વજનો પ્રત્યે પ્રેમ કે ચાહના દાખવે છે. પરંતુ આ પ્રેમ ભૌતિક કે લૌકિક છે. તેમાં ક્યારેક વૃદ્ધિ થાય છે તો ક્યારેક ક્ષય પણ જાય છે. એમાં સ્થિરતા નથી. પોતાનાં સ્વાર્થ અને મનોવૃત્તિના પ્રમાણમાં એમાં વધઘટ થાય છે. પરંતુ પરમપ્રેમ શાશ્વત છે. સદૈવ સપ્રમાણ રહે છે, એમાં વૃદ્ધિ નથી કે નથી ક્ષય. પ્રભુ માટેનાં પ્રેમ કે ભક્તિ સદૈવ તેલની ધારાની જેમ એક ધારે વહેતાં રહે છે. એટલે પરમપ્રેમ નિત્યાનંદ બક્ષે છે. પરમપ્રેમની પ્રાપ્તિ પરમ સુખ આપે છે.

પરંતુ આ પરમપ્રેમ મળે કઈ રીતે? પ્રત્યેક જીવ પરમસુખ જ ઝંખે છે પણ એવી સ્થિતિ કેવી રીતે પામી શકાય? આત્યંતિક દુ:ખનિવૃત્તિ થાય તો પરમસુખ આપોઆપ મળી જાય. દુ:ખનિવૃત્તિથી સુખ સહજપણે મળે. પરમપ્રેમ માટે પછી સાધનભજન કરવાની આવશ્યકતા રહેતી નથી. જેમ વર્ષોથી અંધારા ઓરડામાં દીવો પ્રગટાવો એટલે અજવાળું થઈ જાય અને અંધારું ભાગી જાય તેમ પરમપ્રેમ હૃદયમાં જાગે તો દુ:ખ આપોઆપ દૂર થાય. ઈશ્વર પ્રત્યેનો પ્રેમ ધીમે ધીમે સંસાર માટેના પ્રેમને ઓછો કરી નાખે. જેમ જેમ ઈશ્વર માટેનો પ્રેમ ગાઢ બને તેમ તેમ ભૌતિક જગતનું આકર્ષણ ઓછું ને ઓછું થતું જાય, મોહમાયાના પાશ ઢીલા પડતા જાય અને અંતે પરમપ્રેમના પ્રભાવથી સંસારનું સુખ ફિક્કું ઝાંખું પડી જાય, પછી એમાં રસ ન રહે. ભગવત્‌ પ્રેમનાં માધુર્ય અને શાશ્વતતા તેમજ સાંસારિક પ્રેમની કટુતા અને ક્ષણભંગુરતા વચ્ચેનો ભેદ પારખીને માણસ કેવળ ઈશ્વરના પ્રેમ માટે વ્યાકુળ બને છે.

ઈશ્વર માટેનો પરમપ્રેમ મનુષ્યને સદૈવ આનંદમાં રાખે છે, પરમશાંતિ અને પરમસુખનો અનુભવ કરાવે છે. જ્યાં રામ છે ત્યાં કામ નથી. તેના મનમાં કોઈ કામના-વાસના રહેતી નથી. રહે છે માત્ર ઈશ્વર પ્રત્યેનો પરમપ્રેમ. આવી નિર્વાસનાની ઉચ્ચસ્થિતિમાં એને બ્રહ્મજ્ઞાન કહે છે, કે નિર્વિકલ્પ સમાધિ કહે છે. પરમ સુખ પ્રાપ્તિ વિશે શ્રીમદ્‌ ભાગવતની એક પ્રસંગ કથામાં ભક્તહૃદયનું ભાવવાહી વર્ણન આવે છે : 

વ્રજના લોકો મહદંશે શ્રીકૃષ્ણના અપૂર્વ માધુર્યથી મુગ્ધ છે અને કૃષ્ણ પણ છે પ્રેમાધીન! એક વખત નંદબાબાના મહેલ પાસે સવારે એક સ્ત્રી જાતજાતનાં ફળો વેંચવા આવી. ‘ફળ લ્યો, રે ભાઈ કોઈ ફળ લ્યો’, એવી બૂમ મારતી જાય છે. એ શબ્દો સાંભળીને પોતાના ઐશ્વર્યથી ક્યારેય ચ્યૂત ન થતા અને સર્વફળદાતા એવા બાળકૃષ્ણ પોતાની મૂઠીમાં અનાજ લઈને પેલી ફળવાળી પાસે ફળ લેવા જાય છે. એ સમયે અને અત્યારે પણ આવી વસ્તુવિનિમય પ્રથાથી વસ્તુવિનિમય થતો. બાળકૃષ્ણ તો દોડતા જાય છે. અને પોતાની નાની મૂઠીની આંગળીઓ વચ્ચેથી અનાજના દાણા સરતા જાય છે. પેલી ફળવાળીને ફળ આપવા વિનંતી પણ કરે છે. એ સ્ત્રી તો બાળકૃષ્ણની મધુર વાણી અને મધુર બાળસ્વરૂપને જોઈને એક અપૂર્વ આનંદભાવમાં આવી ગઈ અને બધું ભૂલી ગઈ. એણે તો ભાવથી કૃષ્ણ સામે ફળની ટોપલી મૂકી અને હસતાં હસતાં કહેવા લાગી: ‘ફળ તો તું લઈશ પણ ફળના બદલામાં શું આપીશ?’ લાલાએ મૂઠી ખોલીને દેખાડી પણ એમાં તો માત્ર બેચાર કણ જ છે. એ જોઈને ફળવાળીએ કહ્યું: ‘આ બેચાર કણમાં ફળ લઈ લઈશ? ફળના બદલામાં તું મને બીજું કંઈ આપી શકીશ ખરો?’ પેલી સ્ત્રી આ રીતે બાળકૃષ્ણ સાથે વાતો કરતાં કરતાં એક અદ્‌ભુત આનંદમાં વાત્સલ્ય ભાવમાં નાચી ઊઠી. કૃષ્ણે કહ્યું: ‘મારી પાસેથી બદલામાં કંઈ માગ્યા વિના જ મને બધા એમને એમ આપી દે છે. મારી મા અને પાડોશીઓ મને કેટલાં બધાં ગોરસ, ખીર, દહીં, માખણ આપે છે! એ લોકો તો એના બદલામાં કંઈ માગતા નથી? તમે શા માટે આ ફળના બદલમાં કંઈક માગો છો?’ ફળવાળી તો બાળકૃષ્ણની કાલીઘેલી વાતો સાંભળીને ભક્તિભાવથી પ્રેમાશ્રુ સારવા લાગી. તેના હૃદયમાં કૃષ્ણ માટે અપાર વાત્સલ્ય જાગ્યું અને કહેવા લાગી: ‘એ ખીર, દહીં, માખણ ખાવા તું તારી માને ‘મા’ કહીને બોલાવે છે, એના ખોળામાં બેસીને ખાય છે એવી જ રીતે તું મને એકવાર ‘મા’ કહીને બોલાવ અને મારા ખોળામાં બેસ તો મારા બધાં ફળ તને આપી દઉં. અને સદાને માટે હું તારી માની દાસી બનીને રહીશ.’

બાલકૃષ્ણે પણ ફળ મેળવવાની બાળહઠ લીધી. નટખટ નંદકુમારને મનમાં થયું કે એકવાર એને ‘મા’ કહું અને એના ખોળામાં બેસું તો એમાં શું થઈ જવાનું? એનાથી કંઈ મારી મા તો નહિ ઝુંટવાઈ જાય અને આ તો મારી માની દાસી થવા પણ તૈયાર છે. બાલકૃષ્ણે ચોતરફ જોઈને કોઈ છે તો નહિ ને તેની ખાતરી કરી લીધી. એ પળે ફળવાળીને પ્રેમથી ‘મા’ કહીને બોલાવી અને એના ખોળામાં પણ બેઠો. પેલી સ્ત્રી તો ‘મા’ના મધુર સંબોધનથી ભાવવિભોર બની ગઈ. પોતાના ખોળામાં બેઠેલા બાલકૃષ્ણને, લાલાને છાતીસરસો ચાંપ્યો. સૃષ્ટિનું પરમસુખ, વિશ્વનો પરમઆનંદ, જીવનનું સર્વસ્વ એક ક્ષણમાં મળી ગયું. ઋષિમુનિઓ, યુગયુગોથી જે સચ્ચિદાનંદને પામવા તપશ્ચર્યા કરે છે, ધ્યાનધારણા કરે છે એ જ સચ્ચિદાનંદ બાળકૃષ્ણના રૂપે ફળવાળીને સહજભાવે સંતાન રૂપે મળે છે!

હવે શ્રીકૃષ્ણ ફળ લઈને ધીમે ધીમે ઘરમાં ચાલ્યા ગયા અને ફળવાળી કૃષ્ણને નીરખતી રહી. જાણે કે ચોતરફ રહેલું જગત એની સામેથી લુપ્ત થઈ ગયું હોય અને હૃદયમાં બાલકૃષ્ણની નિર્મળ નાજુક મૂર્તિ અંકિત થઈ ગઈ! ‘શ્રીકૃષ્ણે તેને મા કહીને બોલાવી અને એનો ખોળો ખૂંદ્યો.’ એ વિચારમાં ભાવવિભોર થઈને ફળવાળી પણ ત્યાંથી નીકળી. તે ક્યાં જાય છે, શા માટે જાય છે – એ કંઈ નક્કી નથી. અચાનક તેને ખ્યાલ આવ્યો કે આ ખાલી ટોપલી આટલી બધી ભારે કેમ? પોતાની ઝૂંપડીમાં જઈને ટોપલી નીચે ઉતારી જોયું તો ટોપલીમાં હીરા, મોતી અને જવેરાત ઝળહળતાં હતાં. તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. તે વિચારવા લાગી, ‘આ વળી શું? હું તો ગરીબ, ઝૂંપડીમાં રહેનારી, મારી ટોપલીમાં આ બધું ક્યાંથી આવ્યું?’ તરત જ તેના મનમાં પ્રકાશ થયો અને એને ખ્યાલ આવ્યો કે સ્વયં ભગવાને બાળસ્વરૂપે આવીને આ ભગવત્‌-લીલા કરી છે. પ્રભુની લીલાનો ખ્યાલ આવતાં તે ગદ્‌ગદ્‌ કંઠે બોલી ઊઠી: ‘હે શ્યામસુંદર, હે હૃદયસુંદર! હું ગરીબ, અજ્ઞાની, ફળ વેંચીને નિર્વાહ કરું છું. મોહવશ થઈને તમારી પાસે મેં ફળની કિંમત માગી. તમે મને મા કહીને બોલાવી અને મારા ખોળામાં પણ બેઠા એની સામે તુચ્છ મણિરત્ન શાં ખપનાં? તમે તો મને છેતરી! હે પ્રભુ, હવે હું તમને કેમ છોડી શકું?’ પ્રભુભાવમાં લીન બનીને એણે પોતાની હીરારત્ન સાથેની ટોપલી ફેંકી દીધી, જાણે કે સંસારના સીમિત સુખને છોડીને પરમસુખમાં લીન થઈ ગઈ. પરમસુખ પ્રાપ્તિ માટેનો આ ભાવપૂર્ણ પ્રસંગ પ્રભુભક્તિ કરતાં ભક્તના હૃદય માટે પર્યાપ્ત છે. પ્રભુ સમક્ષ આપણે સૌ પ્રાર્થના કરીએ કે આપણને પણ આ પરમસુખનો અલૌકિક આનંદ આપણા ઈહજીવનમાં માણવા મળે.

Total Views: 182

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.