(ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનીનવિદ્યા અને પાક સંવર્ધન વિભાગના વડા તરીકે કાર્યરત હતાં. તેઓ દીર્ઘ સમયથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં મૌલિક તથા અનુવાદિત લેખો લખી રહ્યાં છે. – સં.)

સમગ્ર વિશ્વમાં પ્રચલિતતા અને માન્યતા ધરાવતા ‘યોગ’ શબ્દને પ્રસ્તાવનાની કોઈ જરૂર નથી. યોગ એ ભારતમાં વિકસિત આધ્યાત્મિક પ્રણાલી છે. જે ખૂબ સૂક્ષ્મ વિજ્ઞાન પર આધારિત છે. ખરેખર તો તે શારીરિક અને માનસિક તંદુરસ્તી મેળવવા માટેનું વિજ્ઞાન અને કલા છે, જે મન અને શરીર વચ્ચે સામંજસ્ય સાધી માનવજીવનના પરમલક્ષ્ય ‘સ્વરૂપપ્રાપ્તિ’ કે ‘ઈશ્વરપ્રાપ્તિ’માં મદદ કરે છે.

મૂળભૂત રીતે ભારતીય પ્રણાલી હોવા છતાં યોગ સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે અને હવે તો તેને સક્રિય સંશોધનનું પીઠબળ પ્રાપ્ત છે. અલગ અલગ હેતુઓ સિદ્ધ કરવા માટે કરાયેલા ત્રણ સંશોધનપત્રોનાં તારણો અત્રે પ્રસ્તુત કરવામાં આવ્યાં છે, જે યોગની મહત્તા તેમજ તેના હકારાત્મક પ્રભાવને ઉજાગર કરે છે.

૧. નિદ્રાની ગુણવત્તા સુધારવા તેમજ યાદશક્તિ વધારવામાં યોગનિદ્રાની અસરકારકતા

પૂનાની Armed forces medical college (AFMC)ની Human sleep research laboratoryના પ્રાધ્યાપક કર્નલ કરૂણા દત્તાના માર્ગદર્શન હેઠળ યોગનિદ્રાની અસરકારકતા ઉપર અભ્યાસ કરવામાં આવ્યો. (Can yoga nidra for 20 minutes improve sleep and boost memory? Here’s why a new study by AFMC Pune holds out hope. By Anuradha Mascarenhas. The Indian Express, December 14, 2023)

જેમનું નિદ્રા તથા જાગૃત અવસ્થાનું સમયપત્રક સુનિશ્ચિત હતું, તેવા ૪૧ તંદુરસ્ત યુવાનોને પસંદ કરવામાં આવ્યા. અભ્યાસ પહેલાં અને બાદમાં તેમની દિવસ દરમિયાનની પ્રવૃત્તિઓ તથા રાત્રી દરમિયાન લેવાતી નિદ્રાનો સમય નોંધવામાં આવ્યો. સેન્સર્સ દ્વારા તેમની નિદ્રાનો ટ્રેક રેકોર્ડ પણ રાખવામાં આવ્યો અને તેમની સમજશક્તિનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું. યોગનિદ્રાના બે અઠવાડિયાનાં અભ્યાસ પછી બધાં જ પરીક્ષણોમાં ચોક્કસ હકારાત્મક અસરો જોવા મળી. પ્રયોગમાં સહભાગી થયેલા યુવાનો ત્વરિત પ્રતિક્રિયાઓ આપી શક્યા હતા તથા તેમની કલ્પનાશક્તિ, સમજશક્તિ, યાદશક્તિ અને નવું શીખવાની ક્ષમતામાં ગણનાપાત્ર સુધારો જણાયો. પોતાની ક્રોધ તથા ભયની ઉત્તેજનાઓને તેઓ ત્વરિતપણે પારખી શકતા હતા. ચાર અઠવાડિયા પછી તેમની નિદ્રાક્ષમતા વધી હતી. (વ્યક્તિ જેટલો સમય ખરેખર નિદ્રિત હોય તથા જેટલો સમય પથારીમાં વિતાવે તેનો ભાગાકાર ‘નિદ્રાની ક્ષમતા’ નક્કી કરે છે.) એ પણ નોંધનીય હતું કે નિદ્રાના સમગ્ર સમયગાળા દરમિયાન ખૂબ ઓછા પ્રમાણમાં તેઓ જાગૃત થયા હતા.

આ અભ્યાસનાં પરિણામો એવા દર્દીઓ માટે અનેરી આશાનું કિરણ લઈને આવ્યાં છે, જેમનામાં શીખવાની અસમર્થતા હોય કે બુદ્ધિની મંદતા હોય. વળી અપૂરતી નિદ્રાને કારણે મગજના જ્ઞાનતંતુઓની વિકૃતિઓ ઉદ્‌ભવે છે, જે અનેક પ્રકારના મનોરોગોને જન્મ આપી શકે છે. આવી પરિસ્થિતિના નિવારણ માટે યોગનિદ્રા આશીર્વાદરૂપ પુરવાર થઈ શકે છે.

૨. યોગ દ્વારા સ્વાસ્થ્ય સુખાકારીમાં વધારો

‘હાર્વર્ડ મેડિકલ સ્કૂલ’ના જાન્યુઆરી ૧૬, ૨૦૨૪માં પ્રસિદ્ધ થયેલ એક લેખમાં (૨) સ્વાસ્થ્યલાભ માટે યોગને અપનાવવાની ભલામણ કરી છે. (Increased-well-being: Another reason to try yoga. Harvard Health Publishing, Harvard Medical School, January 16, 2024)

નિદ્રા અને સ્વાસ્થ્યને સીધો સંબંધ છે. લાંબો સમય ચાલતી બીમારીઓ જેવી કે હૃદયરોગ, સ્ટ્રોક, ડાયાબિટીસ, વગેરે થવાની શક્યતાઓ અનિદ્રાને કારણે વધતી જાય છે. પરંતુ તાજેતરનાં સંશોધનો નિર્દેશ કરે છે કે યોગ કરવાથી નિદ્રાને લગતી સમસ્યાઓ દૂર થાય છે તથા નિદ્રાના સમયગાળામાં અને તેની ગુણવત્તામાં વધારો થાય છે.

નિદ્રા લાવવા માટે યોગની ઉપયોગિતા

તણાવ, ચિંતા અને ઉત્તેજના ઊંઘ ઉપર પ્રતિકૂળ અસર કરે છે. એક પ્રયોગમાં જેમને ઊંઘ આવવાની તકલીફ હોય એવી ૨૦ વ્યક્તિઓને શ્વાસની કસરતો કરાવવામાં આવી; સાથે સાથે ધ્યાનનો અભ્યાસ કરાવવામાં આવ્યો. આઠ અઠવાડિયા પછી સંશોધનકારોએ નોંધ્યું કે આ વ્યક્તિઓ સરેરાશ ૩૫ મિનિટથી વધુ લાંબી નિદ્રા લઈ શકી અને રાત્રી દરમિયાન તેમનું વારંવાર જાગવાનું પણ ઓછું થયું. એકંદરે, તેમની ઊંઘની ગુણવત્તા ૧૧% જેટલી સુધરી હતી.

સામાન્યત: વય વધવાની સાથે નિદ્રાને લગતી સમસ્યાઓ પણ વધતી જાય છે. ઓછામાં ઓછા બે વર્ષથી યોગ કરતા હોય તેવા ૬૦ વર્ષથી વધુ વયના ૩૫ વરિષ્ઠ નાગરિકો ઉપર કરેલા અન્ય એક પ્રયોગમાં વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે યોગ કરવાથી તેઓ એક કલાકની વધારાની ઊંઘ લઈ શકતા હતા. અને જાગૃત થયા પછી જેઓ યોગ ન કરતા હોય તેવા લોકોની સરખામણીમાં આરામની ગુણવત્તા પણ વધુ સારી હોય તેવું અનુભવી શકતા હતા.

અન્ય એક પ્રયોગમાં જોવા મળ્યું છે કે યોગથી ઊંઘની ગુણવત્તા સુધારવા માટેનાં સૂચનોનો જેમણે અમલ કર્યો હોય તેવા લોકોમાં ત્વરિત નિદ્રાધીન થવાના સમયમાં ૩૭% જેટલો વધારો થયેલો હતો. વળી, તેઓ વધુ ગાઢ ખલેલરહિત નિદ્રા અનુભવી શકતા હતા.

સંશોધનો દ્વારા એ પણ પુરવાર થયું છે કે જેટલા વધુ પ્રમાણમાં યોગાભ્યાસ (આસન, પ્રાણાયામ) કરવામાં આવે તેટલો પ્રતિભાવ પણ વધુ મળે છે.

૩. ફોરેન્સિક મનોચિકિત્સામાં યોગનું પ્રદાન

ફોરેન્સિક મનોચિકિત્સા એક વરિષ્ઠ પ્રકારની સારવાર છે. જે મનોચિકિત્સા તથા ગુનાઓને લગતા કાયદાઓના ઘડતરને જોડતી સાંકળરૂપ છે. ગુનાહિત માનસની પાછળ મનોવૈજ્ઞાનિક ઋગ્ણતા રહેલી હોય છે અને આવા માનસની ચિકિત્સા ફોરેન્સિક મનોચિકિત્સાના સિદ્ધાંતોને આધીન રહીને કરવામાં આવે છે. સારવારની આ વિશિષ્ટ પદ્ધતિમાં યોગના હકારાત્મક યોગદાન પરનાં તારણો ‘યુનિવર્સિટી વેસ્ટ’ના એપ્રિલ ૨૨, ૨૦૨૪ના ન્યૂઝલેટરમાં (૩) પ્રકાશિત કરવામાં આવ્યાં છે. (News-Medical & Life Sciences, Univerity West, April 22, 2024)

આ તારણો ધરપકડ કરેલા ગુનેગારો ઉપર યોગની હકારાત્મક અસરો તરફ નિર્દેશ કરે છે.

પ્રસ્તુત સંશોધનના મુખ્ય સંશોધક નોરા કિરકિસના મતાનુસાર આ એક વિશિષ્ટ શોધ છે, જે ફોરેન્સિક મનોચિકિત્સામાં યોગની પૂરક ભૂમિકા તથા તેની પ્રોત્સાહક અસરોને ઉજાગર કરે છે.

અભ્યાસની વિગત

વિવિધ ફોરેન્સિક સાઇક્યાટ્રિક ક્લિનિકમાં થયેલા આ અભ્યાસમાં ૫૬ દર્દીઓએ સ્વેચ્છાએ ભાગ લીધેલ. દસ અઠવાડિયાં સુધી તેમના એક ગ્રુપે એક ખાસ રીતે તૈયાર કરેલા યોગના વર્ગોમાં ભાગ લીધો. તથા બીજા ગ્રુપે અન્ય શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. સમગ્ર અભ્યાસ દરમિયાન નીચેનાં પરિણામોનું અવલોકન કરવામાં આવ્યું.

૧. માનસિક તંદુરસ્તીમાં આવેલા ફેરફારો.

૨. ભાવનાત્મક સ્થિતિઓ.

૩. અસામાજિક અને આક્રમક વર્તણૂક.

૪. પીડાને પારખવાની શક્તિ.

૫. ચીજવસ્તુઓ માટેની તૃષ્ણા.

૬. પોતાની વર્તણૂક તથા લાગણીજન્ય પ્રતિભાવોને અંકુશમાં રાખવાની ક્ષમતા.

તારણો

અભ્યાસના અંતે તેમાં ભાગ લેનાર દર્દીઓમાં જે પરિમાણોમાં ઘટાડો જોવા મળ્યો તે હતાં—

(૧) ચિંતા, અંધવિશ્વાસ (૨) વહેમ (૩) અવિશ્વાસ (૪) પીડાનું આવર્તન (૫) વિચારશક્તિની કુંઠિતતા (૬) સમગ્રતયા અનુભવાતી મનોવૈજ્ઞાનિક તકલીફો તેમજ માનસિક પીડા (૭) દુશ્મનાવટની ભાવના.

આ અવલોકનો ફક્ત એ સમૂહમાં જોવા મળ્યા, જેમણે યોગના વર્ગોમાં ભાગ લીધો હતો. અન્ય શારીરિક પ્રવૃત્તિઓ કરનાર સમૂહમાં આ પરિમાણોમાં ઘટાડો જોવા મળેલ નહીં. વધુમાં યોગ ગ્રુપમાં સ્વ-નિયંત્રણમાં તેમજ જવાબદારી વહન કરવાની શક્તિમાં પણ નોંધનીય વૃદ્ધિ જોવા મળી.

આ પ્રયોગના આધારે માનસિક રીતે અસ્વસ્થ કેદીઓમાં તીવ્ર લાગણીજન્ય આઘાત સામે ઝઝૂમવાનું સામર્થ્ય આપી તેમના માનસિક સ્વાસ્થ્યમાં સુધારણા લાવે તેવો કાળજીપૂર્વકનો, આયોજનબદ્ધ અને સુસંકલિત અભ્યાસક્રમ ઘડવામાં આવ્યો. જેલના કેદીઓ, માનસિક ગુનેગારો તથા આરોગ્યલક્ષી સેવાઓમાં રત કર્મચારીઓ માટે આ અભ્યાસક્રમ ખૂબ ઉપયોગી અને અસરકારક પુરવાર થયેલો છે.

Total Views: 69

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.