હિંદુ માનસ હંમેશાં સામાન્ય સિદ્ધાંત પરથી વિશેષ ઘટનાઓને તારવનારું રહ્યું છે, પરંતુ વિશેષ ઘટનાઓ પરથી સામાન્ય સિદ્ધાંતને કદી નહીં. આપણાં બધાં દર્શનોમાં કોઈક સામાન્ય સિદ્ધાંતને ગૃહીત તરીકે માની લઈને, હંમેશાં અતિ બારીકમાં બારીક દલીલો કરેલી જોવા મળે છે, પછી એ સામાન્ય સિદ્ધાંત પોતે ભલે ગમે તેટલો બાલિશ હોય. આવા સામાન્ય સિદ્ધાંતોની સચ્ચાઈ વિશે પ્રશ્ન પૂછવાની કે તપાસ કરવાની કોઈએ કદાપિ પરવા કરી નથી. પરિણામે આપણે ત્યાં સ્વતંત્ર વિચાર જેવું લગભગ કંઈ જ ઉદ્ભવી શક્યું નથી અને તેથી જ નિરીક્ષણ અને સામાન્યીકરણનાં પરિણામરૂપ વિજ્ઞાનોનો આપણે ત્યાં અભાવ છે. આમ કેમ બન્યું હશે ? એનાં બે કારણો હોઈ શકે. એક તો એ કે અત્યંત ગરમ આબોહવાએ આપણને પ્રવૃત્તિ કરતાં નિવૃત્તિ અને ચિંતન તરફ વિશેષ અભિમુખ કર્યાં; અને બીજું કારણ એ કે પુરોહિતો તરીકે બ્રાહ્મણોએ દૂર દેશાવરના પ્રવાસો કદાપિ ખેડ્યા નહીં. દૂર દૂરના પ્રવાસો ખેડનારા પ્રવાસીઓ તો અનેક હતા જ, પરંતુ એ બધા લગભગ હંમેશાં વ્યાપારીઓ જ હતા, અર્થાત્ એ એવા લોકો હતા કે જેમનામાંથી પુરોહિતોએ અને એમની પોતાની અત્યંત ધનલાલસાએ બૌદ્ધિક વિકાસનું તમામ સામર્થ્ય હરી લીધું હતું. તેથી તેમનાં નિરીક્ષણોએ માનવજ્ઞાનના ભંડારમાં ઉમેરો કરવાને બદલે ઊલટું એની દુર્દશા કરી કેમ કે તેમનાં નિરીક્ષણો દોષપૂર્ણ હતાં અને તેમણે આપેલા અહેવાલો એટલા બધા અતિશયોક્તિભર્યા અને તરંગી હતા કે એ સંપૂર્ણપણે વિકૃત બની ગયા.
….
વળી સૌથી અગત્યની વસ્તુ તો એ છે કે આપણે સામાજિક જુલમ ગુજારવાનું છોડી દેવું જોઈએ. આપણે કેવી હાસ્યાસ્પદ દશાએ પહોંચી ગયા છીએ ! જો કોઈ ભંગી, ભંગી તરીકે કોઈ પાસે આવે તો કોઈ ચેપી રોગ તરીકે તેને દૂર હડસેલી મૂકવામાં આવે; પરંતુ જે ઘડીએ એના મસ્તક ઉપર એક પાદરી, પ્રાર્થનાનો થોડોક બડબડાટ કરીને પાણીનો પ્યાલો છાંટે તથા જેવો મળ્યો તેવો ફાટેલો તૂટેલો એક કોટ પહેરીને એ ભંગી એક ચુસ્તમાં ચુસ્ત સનાતનીના ઘરમાં પ્રવેશ કરે, ત્યારે એને બેસવા માટે ખુરશી આપવાનો અને એની સાથે ભાવપૂર્વક હાથ મેળવવાનો ઈન્કાર કરવાની હિંમત કરે એવો કોઈ માણસ હું તો જોતો નથી !
(સ્વા.વિ. ગ્રંથમાળા : ભાગ ૬ : ૬૯-૭૦ પત્રોમાંથી)
Your Content Goes Here




