રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી સત્યરૂપાનંદજીનો ‘સ્વામી વિવેકાનંદ ઔર ઉનકા અવદાન’નામના હિંદી ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

જેમનો સંબંધ આપણા જીવન અને દેશને સાથે છે તેવા સ્વામીજીના પ્રચારિત અને પ્રસારિત વિચારો પર એક નજર કરીએ. આજે સ્વાતંત્ર્ય મેળવ્યા પછી અર્ધી શતાબ્દીથી વધારે સમય પછી પણ આપણો દેશ એક ઘણી સંક્રાંતિની ક્ષણોમાંથી પસાર થઈ રહ્યો છે. સ્વાધીનતા અને સ્વાધીનતા પૂર્વેના સમયમાં આપણા લોકોમાંના મોટા ભાગનાને ધારણા હતી કે, રાજનૈતિક પરાધીનતા જ આપણાં દુ:ખોનું એક માત્ર કારણ છે અને એ દૂર થતાં જ ભારત ફરીથી પોતાનો વૈભવ મેળવી લેશે. પરંતુ ઇતિહાસ સાક્ષી છે; આજે આપણે અનુભવી રહ્યા છીએ કે, આપણી દુર્બળતાને કારણે આપણે રાજનૈતિક દૃષ્ટિએ પરાધીન હતા. અને આપણાં દુ:ખોનું કારણ રાજનૈતિક પરાધીનતા ન હતી.

સ્વામીજીએ રાષ્ટ્રના પ્રાણનો અનુભવ કર્યો હતો. પરિવ્રાજક સંન્યાસી રૂપે એમણે સમગ્ર ભારતવર્ષનું પરિભ્રમણ કર્યું હતું. દેશના રાજા મહારાજાઓ સાધનસંપન્ન વ્યક્તિઓ સુધીના બધા સાથે સંપર્ક કરીને સ્વામીજીએ રાષ્ટ્રના આત્માને અનુભવ્યો હતો. તેઓ વિદેશમાં ગયા- અમેરિકા, યુરોપ ગયા, વિશ્વના બીજા અનેક રાષ્ટ્રોમાં એમણે પ્રત્યક્ષરૂપે જોયું અને એમના પ્રાણ અને આત્માને અનુભવ્યા. ત્યારબાદ ભારત પાછા ફરીને પોતાના એક વ્યાખ્યાનમાં બતાવ્યું કે, જેમ વ્યક્તિની એક વિશિષ્ટતા હોય છે, વ્યક્તિત્વ હોય છે અને એ અનુસાર તે પોતાના જીવનનો વિકાસ કરીને સફળ થઈ શકે છે; એવી જ રીતે પ્રત્યેક રાષ્ટ્રને પોતાનું વ્યક્તિત્વ, પોતાનું વૈશિષ્ટ્ય હોય છે. સ્વામીજીએ અસંદિગ્ધ શબ્દોમાં ઘોષણા કરી કે, ભારતનો આત્મા ધર્મ છે. ધર્મ જ આપણા રાષ્ટ્રનો મેરુદંડ છે. આ ધર્મની અવગણના કરવાને લીધે જ ભારતનું પતન થયું હતું. આજે પણ આપણે ઉન્નતિનાં સોપાનો પર ચઢી શક્તા નથી, તો એના મૂળમાં ધર્મની ઉપેક્ષા જ છે. સ્વામીજીના સમકાલીન કેટલાક લોકો, એમાંય વિશેષ કરીને પાશ્ચાત્ય શિક્ષણમાં શિક્ષિત હતા તેઓ માનતા હતા કે, ધર્મ જ આપણા પતનનું કારણ છે. પરંતુ યુગનાયક સ્વામી વિવેકાનંદે પાંચજન્ય શંખનાદ જેવી ઘોષણા કરી : ધર્મનું આચરણ ન કરી શકવું એ જ આપણા દેશની દુર્દશાનું કારણ છે.

આ ધર્મ છે શું? હિન્દુધર્મમાં અનેક સંપ્રદાય છે, આ દેશમાં બીજા ધર્મને માનનારા અનેક છે. તો પછી સ્વામીજીએ કયા ધર્મની વાત કરી? શું એમનું તાત્પર્ય કોઈ વિશેષ સંપ્રદાયનું હતું? ના. એમણે જે ધર્મની વાત કરી તે વૈશ્વિક સનાતન વૈદિક ધર્મ કે વેદાંતધર્મ હતો. આ ધર્મની મૌલિક માન્યતા એ છે કે, પ્રત્યેક પ્રાણી એ દિવ્યબ્રહ્મનું સ્વરૂપ છે તથા મનુષ્ય એ બ્રહ્મની અભિવ્યક્તિનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. એટલે સ્વામીજીના ધર્મની પ્રથમ વાત, એનું પ્રથમ સોપાન છે – મનુષ્યની દિવ્યતા. માનવની આ દિવ્યતાની અવહેલના કરવાને લીધે આપણે ગયાં હજાર બારસો વર્ષો સુધી પરાધીન રહ્યા; પરાધીનતાનાં અનેક દુ:ખ સહન કર્યાં; આપણા રાષ્ટ્રજીવનમાં પણ વિકૃતિઓ આવી. સ્વામીજીએ કહ્યું, ‘તમારા અતીતનું અધ્યયન કરો, એને માટે ગર્વ અનુભવો.’ આપણે ભલે હજાર બારસો વર્ષ પરાધીન રહ્યા પણ આપણું રાષ્ટ્ર દસ હજાર વર્ષનું પ્રાચીન રાષ્ટ્ર છે. આ રાષ્ટ્રે હજારો વર્ષ સુધી વિશ્વને માર્ગદર્શન આપ્યું છે, પોતાને જગદ્‌ગુરુ કહેવડાવ્યું છે અને ભૌતિક સંપત્તિની દૃષ્ટિએ પણ એક સાધનસંપન્ન રાષ્ટ્ર હતું. પૃથ્વીના બીજાં રાષ્ટ્ર આપણા દેશને સોને કી ચીડિયાઁ. – સુવર્ણભૂમિ કહેતાં. આપણે નિત્ય, મુક્ત, શુદ્ધ, બુદ્ધ અને ચૈતન્ય આત્મા છીએ; વ્યક્તિનું મૂળ વ્યક્તિત્વ એની દિવ્યતા છે, એવા પોતાના વૈદિક સંદેશમાં શ્રદ્ધા વિશ્વાસ રાખ્યો, એટલે આ બધું સંભવ બન્યું.

મનુષ્યની આ દિવ્યતાને અભિવ્યક્ત કરવા માટે આપણે પોતાના જીવનમાં ધર્મનું આચરણ કરીએ એ આવશ્યક છે. ભગવાન શ્રીરામકૃષ્ણે પોતાના જીવનમાં એ પ્રદર્શિત કર્યું કે, સંસારના બધા ધર્મ ઈશ્વરને પ્રાપ્ત કરવાના અલગ અલગ માર્ગ છે. એટલે વિશ્વના બધા ધર્મનું સન્માન કરો. પણ એનો અર્થ નથી કે આપણે આપણા પોતાના ધર્મને ભૂલી જઈએ. જે વ્યક્તિ જે કોઈ ધર્મમાં શ્રદ્ધા વિશ્વાસ રાખે છે, નિષ્ઠા રાખે છે, એ ક્ષેત્રમાં એને સહાય જરૂર કરો, પણ જો કોઈ આપણા ધર્મના દોષ જુએ, અને જો કોઈ આપણા ધર્મને અપમાનિત કરવાનો પ્રયત્ન કરે તો ભગવાન શ્રીકૃષ્ણનો આદર્શ આપણી સામે છે.

ધર્મના આચરણ દ્વારા મનુષ્યના જીવનમાં અસીમ સામર્થ્ય ઉત્પન્ન થાય છે અને આ સામર્થ્યથી વ્યક્તિ પોતાનું તથા રાષ્ટ્રનું અને વિશ્વનું રક્ષણ કરવા સમર્થ બને છે. એટલે સ્વધર્મનું આચરણ અને પાલન કરો. આ રીતે તમે જગતના બધા ધર્મના લોકોને માર્ગદર્શન આપી શકશો. એટલે જ આપણે ધર્મની રક્ષા કરવામાં વિશ્વાસ રાખીએ છીએ, ધાર્મિક લોકોને મદદ કરવામાં શ્રદ્ધા રાખીએ છીએ. ધર્મપરિવર્તન દ્વારા કોઈની જીવનપદ્ધતિમાં કોઈપણ પ્રકારની અડચણ લાવવી એ આપણી માન્યતાની વિરુદ્ધ છે, એટલે આપણને દૃઢ વિશ્વાસ છે કે, જો સંસારના બધા ધર્મ ઈશ્વર પ્રાપ્તિના માર્ગ છે તો વ્યક્તિ પોતાની ઇચ્છા અને રુચિ પ્રમાણે કોઈપણ ધર્મ પસંદ કરી લે; પરંતુ જો એને કોઈપણ પ્રકારના પ્રલોભનથી, ભયથી, અંધવિશ્વાસ કે ભ્રાંતિઓથી ધર્મભ્રષ્ટ કરવામાં આવે તો તે અધર્મ છે અને એ અધર્મની વિરુદ્ધ સંઘર્ષ કરવો પરમ આવશ્યક છે.

આજે જે આપણાથી ભૂલ થઈ છે તે એ છે કે આપણે પોતાના દેશના આદર્શને ભૂલીને ધર્મનિરપેક્ષતાની વાત કરી, ધર્મનિરપેક્ષતા અંગ્રેજી શબ્દ ઈંજીબેનચિઈં નો અનુવાદ છે. ‘secular’ નું તાત્પર્ય વાસ્તવમાં ધર્મનિરપેક્ષતા નથી, ઈંજીબેનચિઈં નું તાત્પર્ય ધર્મની વિરુદ્ધ છે. ધર્મને ઈંજીબેનચિઈં સાથે કોઈ સંબંધ નથી. આપણા દેશમાં દસ હજાર વર્ષથી જે પરંપરા ચાલી આવી છે તેણે કહ્યું હતું- ‘ધર્મો રક્ષતિ, રક્ષિત:’ ધર્મ પોતાના રક્ષકની રક્ષા કરે છે. એટલે ધર્મમય જીવન જીવો, એને ભૂલીને આપણે ધર્મનિરપેક્ષતાને નામે ધર્મની ઉપેક્ષા કરી છે. દેશમાં આજે જે પરિસ્થિતિ જોવા મળે છે તે ધર્મની ઉપેક્ષાનું કારણ છે. એટલે આપણે ભારતવાસીઓએ આજે ફરીથી વિચારવું પડશે કે, દેશની રાજનૈતિક સ્વાધીનતાના અર્ધી શતાબ્દીથી પણ અધિક સમયકાળ પછી પણ કેમ આપણી સમસ્યાઓનો ઉકેલ આવતો નથી. એનો એકમાત્ર ઉત્તર છે- આપણે ધર્મનું સન્માન કર્યું નથી. સ્વામીજીએ વારંવાર કહ્યું છે, ‘યાદ રાખજો, જો તમારે આ દેશનું કલ્યાણ કરવું હોય તો ધર્મના માધ્યમથી જ કરવું પડશે.’ સ્વામીજીએ પોતાના ચેન્નઈના પ્રસિદ્ધ વ્યાખ્યાનમાં કહ્યું હતું : ‘આ દેશને આર્થિક અને રાજનૈતિક વિચારોથી પરિપ્લાવિત કરતાં પહેલાં આધ્યાત્મિક તેમજ ધાર્મિક વિચારોથી પરિપ્લાવિત કરવો પડશે.’ તો આપણું સર્વપ્રથમ કર્તવ્ય એ છે કે આપણે ઋષિઓના જે આદર્શ, આપણી સમક્ષ રાખ્યા છે તેને આપણે પોતાના વ્યક્તિગત જીવન તેમજ રાષ્ટ્ર સમક્ષ રાખવા પડશે. આપણા દેશનો આદર્શ ક્યો છે? રામકૃષ્ણ સંઘની સ્થાપના કરતી વખતે, સ્વામીજીએ એ વૈદિક આદર્શને અત્યંત સરળ સંસ્કૃત શબ્દોમાં આપણી સમક્ષ ‘આત્મનો મોક્ષાર્થમ્‌, જગત્‌ હિતાય ચ- પોતાની મુક્તિ અને જગતનું હિત’ આ રીતે મૂક્યો છે. ભારતવર્ષમાં જન્મનાર પ્રત્યેક વ્યક્તિ જો વૈદિક સંસ્કૃતિમાં વિશ્વાસ રાખતી હોય, વેદાંતમાં શ્રદ્ધા ધરાવતી હોય, ભારતીય સંસ્કૃતિમાં અટલ વિશ્વાસ હોય, તો એના જીવનનું આ જ લક્ષ્ય છે, આ કર્તવ્ય છે-‘આત્મનો મોક્ષાર્થમ્‌, જગત્‌ હિતાય ચ- પોતાની મુક્તિ અને જગતનું હિત’ આ જ આપણો આદર્શ છે. આપણા જીવનનો આદર્શ ભોગ નથી પણ યોગ છે. યોગ શું છે? આ જીવનમાં મૃત્યુની પહેલાં જ પોતાના આત્માની અનુભૂતિ કરી લેવી, ઈશ્વરનાં દર્શન કરી લેવા એ જ ભારતીય રાષ્ટ્રનો આદર્શ છે. મોક્ષનો આ આદર્શ જ્યાં સુધી દરેક ભારતીયોની સામે નહીં રખાય ત્યાં સુધી આ દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર નહીં કરી શકીએ, અવ્યવસ્થાને નિવારી નહીં શકીએ. જો વ્યક્તિની સામે મોક્ષનો આદર્શ ન રખાય તો પૃથ્વીના કોઈપણ દેશની સામે ઇચ્છાએ કે અનિચ્છાએ ભોગનો આદર્શ જ પ્રગટ થશે. મોક્ષનો આદર્શ જો ન હોય તો માનવ પ્રકૃતિ નિશ્ચિતરૂપે એને ભોગ તરફ લઈ જશે.

એટલે ત્યાગ અને સેવા એ જ ભારતના આદર્શ છે. સ્વામીજીએ દર્શાવ્યું છે કે, સર્વપ્રથમ આપણે પોતાની સમક્ષ મોક્ષનો આદર્શ રાખવો પડશે. મોક્ષનો આદર્શ અનાદિકાળથી આપણા દેશમાં છે અને તેની પ્રાપ્તિના વિભિન્ન માર્ગ પણ છે. પોતાની મુક્તિ માટે તમે સમાજથી અલગ રહીને હિમાલયમાં કોઈ ગુફા કે વનકંદરાઓમાં જઈને સાધના કરીને મુક્તિ મેળવી શકો છો. એક સમય એવો હતો કે જ્યારે લોકો આવું કરતાં, આજે પણ કેટલાક લોકો આવું કરે છે, પરંતુ કરોડોમાં કદાચિત કોઈ એક એને માટે યોગ્ય હોય. પરંતુ સ્વામીજી પોતાના ગુરુદેવ પાસેથી શીખ્યા હતા, એક નવીન માર્ગ એ માર્ગ એમણે આપણી સન્મુખ મૂક્યો. વનના વેદાંતને ઘર ઘરમાં લઈ જવાની વાત એમણે પોતાના ગુરુદેવ પાસેથી શીખી હતી. ગુરુદેવ શ્રીરામકૃષ્ણે કહ્યું હતું : ‘શિવજ્ઞાને જીવસેવા કરો.’ દરેક પ્રાણી શિવનું રૂપ છે. આપણી સમક્ષ જે જીવ હરેફરે છે એમની સેવા દ્વારા આપણે મુક્તિ મેળવી શકીએ. સ્વામીજીએ કહ્યું હતું કે, આ માનવદેહ જ ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ મંદિર છે. આ મનુષ્યમાં વિરાજમાન ઈશ્વરની સેવા દ્વારા પોતાની મુક્તિનું અનુસંધાન કરો અને મુક્તિનો માર્ગ સાધો. સેવાનો આ જ આદર્શ આજે આપણી સમક્ષ નથી, એટલે જ આટલા ભ્રષ્ટાચાર અને આટલો પ્રબળ ભોગવાદ જોવા મળે છે.

પોતાના જ રાષ્ટ્રને નુકસાન કરીને, તેને પીઠ પાછળ છરો ભોંકીને પણ આપણે પોતાના વ્યક્તિગત સ્વાર્થની સિદ્ધિ માટે તત્પર છીએ. આવું કેમ બને છે? એટલા માટે કે, આજે આપણી સમક્ષ મોક્ષનો આદર્શ નથી, એને બદલે આપણી સમક્ષ છે ભોગનો આદર્શ. ધન જ ભોગનું સાધન છે. એટલે ગમે તેમ કરીને ધન કમાવા માટે, ભોગની પૂરતી માટે, સંપત્તિ એકઠી કરવા માટે આપણે ભૂંડામાં ભૂંડાં કાર્યો કરતાં જરાય અચકાતા નથી કે શરમ અનુભવતા નથી.

કઈ રાજનીતિ દ્વારા, કઈ લોકસભા કે વિધાનસભાના કાનૂન દ્વારા તમે મનુષ્યના ચરિત્ર્યનું નિર્માણ કરી શકો છો? શું આ દેશના કાયદાકાનૂનમાં કોઈ એવી વ્યવસ્થા નથી કે અન્યાયીને દંડ દઈ શકાય? શું આ દેશના કાયદાકાનૂનમાં કોઈ એવી વ્યવસ્થા નથી કે અયોગ્ય રીતે ધન કમાનારને દંડિત અને શાસિત કરી શકાય? વ્યવસ્થા તો ઘણી છે, પણ એને કાર્યરૂપ અપાતું નથી.એને શા માટે કાર્યરૂપ નથી અપાતું? એટલા માટે કે, દંડવિધાનની વ્યવસ્થા કરનારાઓ સામે મોક્ષનો આદર્શ નથી. એમની સામે ભોગનો આદર્શ છે. જો એવું છે તો એમને પણ ધનસંપત્તિની આવશ્યકતા રહે છે. હવે આ ધનસંપત્તિ એકઠી કરવામાં જો કાયદો મદદ ન કરે તો એના તરફ ધ્યાન ન દેવામાં એને કોઈ સંકોચ શરમ નથી. એટલે સ્વામીજીએ આ મહત્ત્વપૂર્ણ વાત કહી છે કે આપણો આદર્શ મુક્તિ કે મોક્ષ છે; આ મોક્ષની પ્રાપ્તિનો માર્ગ છે સેવા. કેવી સેવા કરવી જોઈએ? સેવાનો એકમાત્ર ઉપાય છે, એકમાત્ર માર્ગ છે, બીજાને માટે જીવવું. પોતાના માટે તો બધા જીવે છે પરંતુ બીજાને માટે જીવે છે એનું જ જીવન ધન્ય છે. સ્વામીજીએ મૈસુરના મહારાજાને એક પત્ર લખ્યો હતો. એના અંતિમ ભાગમાં એમણે આમ લખ્યું હતું : ‘પ્રિય મહારાજ, જીવન ક્ષણભંગુર છે, જીવનનાં આ સાંસારિક સુખો ક્ષણજીવી છે; જે બીજાઓને માટે જીવે છે તેઓ જ ધન્ય છે, બાકીના લોકો તો જીવતાં કરતાં મરેલા વધુ છે.’ આજે દેશની એ જ જીવન્મૃત અવસ્થા થઈ ગઈ છે, સ્વાર્થ પ્રબળ હોવાને કારણે આપણું ધ્યાન બીજી કોઈ બાજુએ જતું નથી, અને એટલે જ આ અવસ્થા થઈ છે. સ્વામીજીએ આપણને રાજમાર્ગ બતાવ્યો છે અને તે એ છે કે, બીજાને માટે જીવો. સમાજમાં જે દુ:ખી, નિર્ધન છે તેમની સેવા કરો. પ્રાચીન ઋષિઓએ કહ્યું હતું : ‘માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્યદેવો ભવ.’ સ્વામીજી ઋષિ હતા અને ઋષિ પરંપરામાં એમણે આપણી સમક્ષ એક નવું ઉપનિષદ આપતાં કહ્યું : ‘દરિદ્રદેવો ભવ, મૂર્ખદેવો ભવ, રુગ્ણદેવો ભવ-ગરીબને દેવ માનો, મૂર્ખને દેવ માનો, રોગીને દેવ માનો અને એમને દેવ સમજીને એમની સેવા કરો, એમની ઉન્નતિનો ઉપાય શોધો.’

સેવા માટે ત્યાગ આવશ્યક છે. ત્યાગ વિના જીવનમાં કોઈ સેવા થઈ ન શકે. આજે આપણે ત્યાગના આ આદર્શને ભૂલી ગયા છીએ અને એટલે જ આપણા જીવનમાં સેવાને કોઈ સ્થાન નથી રહ્યું. સ્વામીજીએ આપણને બતાવ્યું છે, ‘સેવાનો આદર્શ આપણી સમક્ષ રાખવો પડશે. સેવાનો આદર્શ સાથે રાખીને જો આપણે ચાલીશું તો આપણો દેશ આજે પણ જગદ્‌ગુરુ બની શકે. પ્રશ્ન એ છે કે જીવનમાં સેવા દેવાનો આદર્શ વ્યક્તિએ પોતે સ્વીકારવો પડે. આપણે સેવા મેળવવા ટેવાઈ ગયેલા છીએ. જ્યારે સેવા મેળવવાનો પ્રશ્ન આવે છે તો આપણે પ્રથમ હરોળમાં ઊભા રહીએ છીએ અને જ્યારે સેવા કરવાનો પ્રશ્ન આવે છે ત્યારે આપણી હાજરી ત્યાં હોતી નથી. એટલે જીવનમાં સેવાનું વ્રત લેવું પડશે. સેવાનો ક્યાંથી પ્રારંભ કરી શકાય. સેવા માટે શું આપણે ક્યાંક ભૂકંપ આવે, ક્યાંક પૂરપ્રલય થાય, ક્યાંક આગ લાગે, ત્યારે આપણે સેવા કરવા જઈશું! આપણે જ્યાં અને જે ક્ષેત્રમાં રહીએ છીએ, જે ઘરમાં રહીએ છીએ, ત્યાં જ સેવાનો આરંભ થઈ શકે છે. સેવાની પ્રથમ શરત છે સ્વાર્થત્યાગ. સ્વામીજીનું અઢી પાનાનું નાનું વ્યાખ્યાન છે. આ વ્યાખ્યાન એમણે રામેશ્વર મંદિરમાં આપ્યું હતું અને એ ‘ભારતમાં આપેલાં ભાષણો એ પુસ્તકમાં પ્રકાશિત થયું છે. એમાં સ્પષ્ટરૂપે બતાવવામાં આવ્યું છે કે, મનુષ્યનું સર્વશ્રેષ્ઠ કર્મ શું છે? સ્વામીજી કહે છે : ‘સૌથી મોટું પાપ જો કોઈ હોય તો તે છે સ્વાર્થ.’ એટલે જ તેઓ આગળ કહે છે : ‘સ્વાર્થ ત્યજીને મનુષ્યની સેવા કરો. મનુષ્યની સેવા દ્વારા તમારા હૃદયમાં સૂતેલા પરમાત્મા જાગી ઊઠશે, તમારા હૃદયમાં સૂતેલા શિવ જાગી ઊઠશે અને ત્યારે જ તમે સ્વયં શિવ સ્વરૂપ બની જશો. સંસારમાં તમારા માટે કંઈ પણ અસંભવ નહીં રહે, તમે જીવન્મુક્તિનો અનુભવ કરી શકશો.’ સેવાનો આ મુખ્ય રાજમાર્ગ સ્વામીજીએ આપણને બતાવ્યો છે.

જ્યાં સુધી વ્યક્તિ પોતાના જીવનમાં મોક્ષ અને તેની પ્રાપ્તિ માટે સેવાના આદર્શનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી કોઈ કાયદા કે વ્યવસ્થા દ્વારા વ્યક્તિનું પરિવર્તન ન કરી શકાય. તમે રાજનૈતિક વ્યવસ્થા બદલી શકો છો, સમાજના રીતરીવાજો બદલી શકો છો પરંતુ આ આદર્શ વિના મનુષ્યનું પરિવર્તન ન કરી શકાય. જ્યાં સુધી વ્યક્તિના ચરિત્રમાં પરિવર્તન નહીં આવે ત્યાં સુધી સમાજના ચરિત્રમાં પણ પરિવર્તન આવી શકતું નથી. આપણે વ્યવસ્થા બદલી શકીએ છીએ પણ એનાથી વ્યક્તિને બદલી શકતા નથી. વ્યક્તિ તો બદલે છે ધર્મના આચરણથી, ધર્મના આદર્શનો સ્વીકાર કરીને. ચરિત્રનો આધાર જ ધર્મ છે. જ્યાં સુધી વ્યક્તિના જીવનમાં ચરિત્ર નહીં આવે ત્યાં સુધી એમના જીવનમાં પરિવર્તન નહીં આવે. 

આપણું જીવન કેવું હોવું જોઈએ? સ્વામીજીએ બતાવ્યું છે: ‘તમારું જીવન ધર્મકેન્દ્રી હોવું જોઈએ.’ આજે સમાજ પર એક વિહંગાવલોકનકરવાથી જોવા મળે છે કે સમાજનું જીવન ધર્મકેન્દ્રી નથી. જ્યાં સુધી સમાજનું જીવન ધર્મકેન્દ્રી નહીં બને ત્યાં સુધી આ રાષ્ટ્રનું હિત નહીં થઈ શકે. આપણા રાષ્ટ્રનો આત્મા જ ધર્મ છે; એટલે આપણા જીવનનું કેન્દ્ર ધર્મ બનવું જોઈએ. 

ધર્મ શું છે? મનુષ્યની બધી વૃત્તિઓને પરમાત્મા તરફ લઈ જવી એટલે ધર્મ. ઈશ્વર, અલ્લાહ, ગોડ, બ્રહ્મ, સગુણ, નિર્ગુણ, ભગવાનના જે રૂપમાં તમને શ્રદ્ધા હોય તેનાથી કંઈ ફેર પડતો નથી. પરંતુ આ સંસાર જીવનનો આદર્શ ન હોવો જોઈએ. ધર્મનું પાલન એ જ જીવનનો આદર્શ છે. આ સંસાર ધર્મક્ષેત્ર છે, અહીં ધર્મનું સમ્યક્‌ આચરણ કરવાથી મૃત્યુ પછી આપણે એ અનંત અમરલોકને પામી શકીએ. જ્યાં પહોંચીને મનુષ્ય પુનર્જન્મના ચક્રમાંથી મુક્ત થઈ જાય, દુ:ખોની આત્યંતિક નિવૃત્તિ થઈ જાય, અને પરમાનંદની પ્રાપ્તિ થાય; એ વિશે ધર્મ દૃઢ વિશ્વાસ રાખે છે. કોઈપણ વ્યક્તિનું જીવન ધર્મકેન્દ્રી છે કે નહીં; ઈશ્વરકેન્દ્રી છે કે નહીં એની ઓળખાણ આ છે- વ્યક્તિનું જીવન ઈશ્વરકેન્દ્રી બનશે, તેનું જીવન લોકહિતકારી બનશે. આ વ્યક્તિ સ્વભાવથી ‘સર્વભૂત-હિતે રત:’ બનશે. એટલે તે બધાના હિતમાં લાગેલો રહેશે અને તે દરેક વ્યક્તિમાં પોતાના ઇષ્ટનાં દર્શન કરશે, તેથી એમના સંપર્કમાં જે કોઈ પણ આવે, તેની તે સેવા કરે, તેનાં દુ:ખ ઘટાડે અને સુખ વધારે, એ જ એના જીવનનું એકમાત્ર પ્રયોજન બની જાય છે. જો હું મારા સંપર્કસંબંધમાં આવેલ હરેક વ્યક્તિનાં દુ:ખ દૂર કરવાનો પ્રયત્ન કરું તો હું ધાર્મિક છું. પછી ભલે હું મંદિર, મસ્જિદ, ગિરજાઘર કે ગુરુદ્વારામાં ન જતો હોઉં, છતાં પણ મારા સંપર્કમાં આવનાર પ્રત્યેક વ્યક્તિનું દુ:ખ કેવી રીતે દૂર કરી શકું અને એના સુખમાં કેવી રીતે વધારો કરી શકું, એ જ જો મારી વૃત્તિ હોય, મારું જીવનવ્રત હોય તો હું ધાર્મિક છું. આનાથી ઊલટું દરરોજ મંદિર, મસ્જિદ, ગિરજાઘર કે ગુરુદ્વારામાં જઈને દસ-દસ કલાક હું પ્રાર્થના કરું, બધા ધર્મગ્રંથોનું અધ્યયન કરું, એને કંઠસ્થ કરી લઉં; છતાં જો મારું જીવન સર્વજનકલ્યાણ માટે ન હોય, મારું જીવન લોકહિત માટે ન હોય તો હું અધાર્મિક છું, હું નાસ્તિક છું, એટલે સ્વામીજીનો ધર્મ આમ કહે છે : તમારી સામે દીન, દુ:ખી, દરિદ્ર આદિના રૂપે જે પરમાત્મા છે એની સેવા કરો. આપણું જીવન ધર્મપરાયણ હોવું જોઈએ. ધર્મ વિશે જે કાંઈ આપણે સાંભળ્યું છે એ વાતોમાં આપણે શ્રદ્ધાવિશ્વાસ રાખીએ છીએ ખરા? જીવનમાં એનું આચરણ કરીએ છીએ ખરા? આપણા આચરણ દ્વારા આપણા જીવનમાં ધર્મ પ્રતિષ્ઠિત ન થાય અને જો જીવનમાં ધર્મ કેવળ ચર્ચા રહે, એ આચરણ ન બને તો આપણે અધાર્મિક છીએ; અને તો ધર્મ દંભ બની જાય છે. જીવનમાં ધર્મનું આચરણ આવશ્યક છે એટલે આપણું જીવન ધર્મ પર આધારિત હોવું જોઈએ. જીવન વ્યવહાર કેવો હોવો જોઈએ? જીવન સેવાપરાયણ હોવું જોઈએ. જેણે પોતાના જીવનનું લક્ષ્ય મોક્ષ નક્કી કરી લીધું છે, જેણે હું આ જીવનમાં મૃત્યુ પહેલાં મારા અંત:કરણમાં વિરાજમાન પરમાત્માને સાકાર કરીશ એવો દૃઢ સંકલ્પ કર્યો હોય, તેવી વ્યક્તિના જીવનમાં પુષ્પમાં રહેલ સુગંધની જેમ સેવા આપમેળે વહેતી રહે છે, સેવાને માટે એવી વ્યક્તિએ પ્રયત્ન કરવો પડતો નથી, આવી વ્યક્તિનું જીવન તથા જીવન વ્યવહાર સેવાપરાયણ હોય છે.

આત્મનિરીક્ષણ કરીને જોવું પડશે કે આપણું જીવનકેન્દ્ર શું છે? શું આપણા જીવનનું કેન્દ્ર ભોગ છે? શું આપણા જીવનનું કેન્દ્ર સ્વાર્થ છે? જો આપણા જીવનનું કેન્દ્ર સ્વાર્થ કે ભોગ હોય તો આટલું નિશ્ચિત માનજો કે આ વિશ્વમાં કે સંસારમાં ભોગીઓની જે દુર્ગતિ થઈ છે એવી જ દુર્ગતિ આપણી પણ થશે. એવું પણ બની શકે કે રાવણની જેમ શક્તિસંગ્રહ કરીને વ્યક્તિ થોડા દિવસ માટે સંસારના ભોગોની ઝાકમઝોળથી વિશ્વને મુગ્ધ કરી દે, પણ એનું પરિણામ વિનાશ જ હશે. એટલે જીવન ધર્મમાં પ્રતિષ્ઠિત રહેવું જોઈએ.

સ્વામીજીએ ધર્મના બીજા એક ઘણા મોટા આધાર પર ભાર દીધો છે અને તે છે કર્મવાદનો સિદ્ધાંત. સ્વામીજીએ કહ્યું છે : ‘તમારામાંથી દરેક વ્યક્તિ આજે જે કંઈ છે પોતાનાં કર્મોને લીધે છે, એટલે પોતાના જીવનની જવાબદારી પોતાના શિરે લો. આજે તમે અને આપણે જ્યાં છીએ, જેવા સુખી છીએ, દુ:ખી છીએ; સારા છીએ, ખરાબ છીએ; એને માટે વિશ્વનું કોઈપણ, અરે, પરમાત્મા સુધ્ધાં પણ જવાબદાર નથી, કોઈ દેવતા જવાબદાર નથી; આપણે પોતે અને પોતે જવાબદાર છીએ. આજે આપણે જે કંઈ પણ છીએ, આપણા પોતાના આ જન્મ તેમજ ગત જન્મોનાં કર્મોનું પરિણામ સ્વરૂપ છે.’ એટલે સ્વામીજીએ આપણને રાજમાર્ગ બતાવ્યો છે. જો મારી મુક્તિ ન થઈ કે મારે ફરીથી જન્મ લેવો પડ્યો તો મારું સ્વરૂપ કેવું હશે ? મારી સ્થિતિ કેવી હશે? વર્તમાનમાં મારાં કરેલાં કર્મોનું પરિણામ મારું ભવિષ્યનું જીવન હશે? એટલે સ્વામીજીએ કહ્યું છે : ‘સાવધાન રહો; તમે શું બનવા માગો છો? ભવિષ્યમાં શું થવા ઇચ્છો છો? આ જીવનમાં જેટલા વર્ષ બાકી છે એ વર્ષોમાં તમે શું થવા ઇચ્છો છો? એની સ્પષ્ટ ધારણા કર્યા પછી એ રીતે કર્મમાં મંડી પડો, કમ્મર કસીને કામે લાગી જાઓ.’ આજે ભારત આ કર્મવાદને ભૂલી ગયું છે. કર્મવાદને ભૂલી જવાને લીધે આપણે અયોગ્ય ઉપાયો દ્વારા ધનસંપત્તિનો સંગ્રહ કરીને આ સંસારને ભોગવી-માણી લેવા ઇચ્છીએ છીએ – ઈહન્તે કામભોગાર્થમં અન્યાયેન અર્થસંચયાન્‌, આપણે યાદ રાખવું પડશે કે આપણાં પોતાનાં પ્રત્યેક કર્મનો રજે રજનો હિસાબ આપવો પડશે. મારાં કર્મો માટે મારા સિવાય બીજું કોઈ જવાબદાર નથી. એટલે મારે જ એનું પરિણામ ભોગવવું પડશે. શુભ હોય, અશુભ હોય, એને ભોગવવાની તૈયારી મારે જ રાખવી પડશે. એટલે સ્વામીજીએ કહ્યું છે: ‘આપણે પોતે આપણા ભાગ્યના નિર્માતા છીએ.’ પોતાનાં કર્મો દ્વારા આપણે પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરી શકીએ છીએ. પરંતુ દુર્ભાગ્યે કુબુદ્ધિ આવી ગઈ તો પોતાનાં કર્મો દ્વારા માત્ર આપણા આ જીવનને જ નહીં પરંતુ ભાવિ જીવનનો પણ વિનાશ કરી નાખીએ છીએ. એટલે સાવધાન રહેવું જોઈએ. કર્મવાદના સિદ્ધાંતનો સ્વીકાર કરી લેવો જોઈએ, એ જાણી લેવું જોઈએ કે જે કંઈ આપણે કરી રહ્યા છીએ. તેનું ફળ મળવાનું છે અને અવશ્ય મળવાનું છે.

આ કર્મવાદનો બીજો પક્ષ પણ છે અને સ્વામીજી એના પર બહુ ભાર દે છે, એ છે પુનર્જન્મની વાત. આપણે એને ભૂલી જઈએ છીએ પણ આપણે એ યાદ રાખવું જોઈએ. વિજ્ઞાને એ સાબિત કરી દીધું છે કે શૂન્યમાંથી કોઈ વસ્તુની ઉત્પત્તિ થઈ શકતી નથી. આપણા જન્મ પહેલાં આપણું અસ્તિત્વ હતું અને જો મોક્ષ નહીં મળે તો મૃત્યુ પછી પણ રહેવાનું. અને જો મુક્તિ મળી ગઈ તો ચિર અસ્તિત્વ રહેશે. જન્મના પહેલાં અવ્યક્તરૂપે આપણું અસ્તિત્વ હતું. મૃત્યુ પછી પણ અવ્યક્તરૂપે આપણું અસ્તિત્વ રહેશે. પરંતુ આ અવ્યક્ત સ્વરૂપ નિષ્ક્રિય નથી, પોતાનાં કર્મોનું ફળ ત્યાં પણ ભોગવવું પડે છે. એટલે આ જીવનનું સત્ય છે એમાં આપણે વિશ્વાસ રાખવો પડશે. શાસ્ત્રોની વાતો પર વિશ્વાસ કરવો જોઈએ. જ્યાં સુધી આપણે પોતાના અંત:કરણમાં આત્મા અને બ્રહ્મની એકતાનો અનુભવ ન કરી લઈએ અથવા પોતાના ઇષ્ટનો સાક્ષાત્કાર કરીને એમાં વિલીન ન થઈ જઈએ ત્યાં સુધી વારંવાર જન્મ લેવો પડશે. – ‘પુનરપિ જનનમ્‌, પુનરપિ મરણમ્‌, પુનરપિ જનનીજઠરે શયનમ્‌’ એવી રીતે વારંવાર આવવું પડશે.

આ પુનર્જન્મના ચક્રમાંથી બચવાનો એકમાત્ર ઉપાય છે- શુભકર્મો દ્વારા ચિત્તને શુદ્ધ કરવું. એક પણ ઇચ્છા જો આપણા મનમાં રહી જાય તો, ફરીથી જન્મ લેવો પડશે અને એ જન્મ થવાનો જ. તો પછી આપણે એવા પ્રયત્ન શા માટે ન કરીએ કે એવો શુભ જન્મ થાય કે જેથી પછીના જન્મમાં બાળપણથી જ આપણે શુભકર્મ તરફ વળીએ. આ પુનર્જન્મથી બચવાનો પણ ઉપાય સ્વામીજીએ આપણને બતાવ્યો છે, તે છે બીજાને માટે જીવો. જ્યારે વ્યક્તિ પાસે પોતાનું કંઈ રહેતું નથી. જ્યારે તે પૂર્ણત: નિ:સ્વાર્થ બની જાય છે, જ્યારે એના જીવનમાંથી સ્વાર્થની ગંધ સુધ્ધાં પણ ચાલી જાય છે, ત્યારે એના હૃદયમાં સૂતેલો પરમાત્મા જાગી ઊઠે છે. અને જ્યારે તે પરમાત્મા જાગે છે ત્યારે વ્યક્તિનું જીવન ‘સર્વભૂતહિતે રત:’ બની જાય છે. એમના સંપર્કમાં આવનાર પ્રત્યેક માનવ પવિત્રતા અને તૃપ્તિ અનુભવે છે. એટલું જ નહીં એને પોતાને પણ પોતાના જીવનમાં પરમ તૃપ્તિ મળી જાય છે. પુનર્જન્મનો સિદ્ધાંત વેદાંતનો એક મૌલિક સિદ્ધાંત છે. પુનર્જન્મ એટલા માટે થાય છે કે, પરમાત્મા કે પ્રકૃતિ આપણને ફરી ફરીને સુઅવસર આપે છે કે જેથી આપણે એ નવા જન્મ દ્વારા જન્મ-મરણના ચક્રમાંથી છૂટવાનો પ્રયત્ન કરીએ, આ જીવનમાં મૃત્યુ પહેલાં મૃત્યુંજય બનીએ, મૃત્યુને જીતી લઈએ. એટલે મનુષ્યજીવન આપણને આપવામાં આવેલ એક સુઅવસર છે. મનુષ્યની યોનિ સર્વશ્રેષ્ઠ યોનિ છે. આ યોનિમાં મનુષ્ય પોતાના હૃદયમાં વિરાજેલા પરમાત્માનો સાક્ષાત્કાર કરીને જીવન્મુક્ત બની શકે છે. જીવન્મુક્ત બનીને પોતાની જાતને તો બધાં દુ:ખોમાંથી મુક્ત કરે છે, પણ સાથેને સાથે પોતાના સંપર્કમાં આવનાર હજારો માનવીઓને પણ દુ:ખમુક્ત કરે છે. શું જીવનનો આનાથી વધારે સારો સદુપયોગ થઈ શકે ખરો? માનવજીવનનો આનાથી વધારે મોટો આદર્શ હોઈ શકે ખરો? આ જ ભારતીય જીવનનો આદર્શ છે. એ જ ભારતનો પ્રાણ છે. આ જ ભારતનો વિશ્વને સંદેશ છે. પરંતુ વિશ્વને સંદેશ આપતાં પહેલાં આપણે ભારતવાસીઓએ પોતાના વ્યક્તિગત જીવનમાં આ આદર્શને જીવી બતાવવો પડશે. આ આદર્શ પ્રમાણે પોતાના જીવનને યોજવું પડશે. એવી રચના કરવી પડશે. એવો સંકલ્પ પણ કરવો પડશે. હું મારા જીવનમાં એવું કોઈ આચરણ નહીં કરું કે જે ધર્મ વિરુદ્ધ હોય, આધ્યાત્મિકતા વિરુદ્ધ હોય, અનૈતિક અને અધાર્મિક હોય એવી પ્રતિજ્ઞા કે વ્રત લેવા પડશે.

Total Views: 207

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.