શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ (૧૦ માર્ચ) પ્રસંગે

રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે પોતાનાં એક પ્રેરક પ્રવચનમાં આધુનિક યુગની આવશ્યક્તાના સંદર્ભમાં શ્રીરામકૃષ્ણદેવના જીવન-સંદેશને સુંદર રીતે રજૂ કર્યો હતો. તેના પર આધારિત આ લેખ શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ પ્રસંગે પ્રસ્તુત છે. – સં.

ॐ निरंजनं नित्यं अनंतरूपं भक्तानुकंपाधृतविग्रहं वै;
ईशावतारं परमेशमीडयं तं रामकृष्णं शिरसा नमामः ॥

મને અંગ્રેજીમાં બોલવાનું કહેવામાં આવ્યું છે. એટલે, જે ભાષા મારે કે તમારે માટે સ્વાભાવિક નથી તેમાં બોલવા માટે ક્ષમા ચાહું છું. દુર્ભાગ્યે, અહીં બોલાતી ભાષામાં બોલવા હું સમર્થ નથી ને એ ઊણપને દૂર કરવા હું સમર્થ નથી તે બદલ તમારી માફી માગું છું.

આજના વ્યાખ્યાનનો વિષય છે : ‘યુગધર્મ સ્થાપક શ્રીરામકૃષ્ણ’, અર્થાત્, ‘આજના યુગના આધ્યાત્મિક આદર્શના સ્થાપક શ્રીરામકૃષ્ણ.’ ધર્મ શબ્દનો અનુવાદ હું ‘આધ્યાત્મિક આદર્શ’ કરું છું કારણ, ધર્મ શબ્દ વિવિધ અર્થોમાં વપરાયો છે. એટલે યુગધર્મનો અર્થ પણ જુદા જુદા લોકો જુદો જુદો કરશે. આ જુદા જુદા અર્થો બાબત શ્રીરામકૃષ્ણ બહુ ઉપાધિ કરતા ન હતા. એ કહેતા, ‘હું ભગવાન સિવાય બીજું કશું જાણતો નથી. હું તમને સાચે જ કહું છું કે, હું ભગવાન સિવાય કશું જ જાણતો નથી.’ આમ એમણે ભારપૂર્વક કહેલું છે. પોતે યુગના ગુરુ થવાના છે એનું પણ એમને ભાન ન હતું. ‘કદી ન શીખવનાર શિક્ષક’ તરીકે એક વાર મેં એમને વર્ણવ્યા છે.

પોતે ગુરુ છે એવો અહંભાવ શ્રીરામકૃષ્ણને કદી ન હતો. ‘ત્રણ શબ્દો મને ખૂંચે છે’, એમ એ કહેતા. એ શબ્દો હતા : ‘ગુરુ’, ‘કર્તા’ અને ‘બાબા’ (આધ્યાત્મિક કે દુન્યવી અર્થમાં પિતા). પોતાના સંદર્ભમાં આ ત્રણ શબ્દોનો એમણે કદી સ્વીકાર કર્યો ન હતો. છતાંયે, આ યુગના ધર્મસંસ્થાપક તરીકે આપણે તેમનો ઉલ્લેખ કરીએ છીએ! એ ઘણું વિચિત્ર લાગે છે. મેં કહ્યા પ્રમાણે ગુરુ હોવાનો દાવો એમણે કદી કર્યો નથી. ઊલટું, એ કહેતા : ‘હું તો કાયમનો વિદ્યાર્થી છું. જીવીશ ત્યાં સુધી શીખતો રહીશ.’ આ એમના પોતાના શબ્દો હતા.

પાછી એમની વિનમ્રતા જુઓ. આડંબરી ભાષામાં કોઈ એમની સાથે બોલતું તો, એ કહેતા : ‘હું તો નાનામાં નાનો માણસ છું. તમારા શરીરનું એક રુંવાડું થવાને પણ હું લાયક નથી.’ એમની પાસેથી આપણને આવી વાણી સાંભળવા મળતી.

આમ છતાં, એ સાવ બાળક હતા ત્યારે, સહજ રીતે એમણે ઘણા ઊંચા પ્રકારનો ઈશ્વર સાક્ષાત્કાર કર્યો હતો. આ જ્ઞાન, આ સાક્ષાત્કાર એમણે ક્યાંથી પ્રાપ્ત કરેલ તે આપણે જાણતા નથી. આપણે સાધના શબ્દને જે અર્થમાં સમજીએ છીએ તેવી કોઈ સાધનામાંથી એ અનુભવ જન્મ્યો ન હતો. આ બાબત શ્રીરામકૃષ્ણે થોડો અંદેશ આપ્યો હતો પણ, કદી વિગતવાર વાત કરી નથી. એ કહેતા, ‘અવતારો પૂર્ણ સાક્ષાત્કાર સાથે જ જન્મે છે. ફળ પછી ફૂલ બેસતા છોડના જેવા તેઓ છે.’ શ્રીરામકૃષ્ણનું જીવન એ પ્રકારનું હતું. આરંભથી, બાલ્યકાળથી જ તેમને આ લાક્ષણિક્તા પ્રાપ્ત થયેલી હતી.

એ એટલેથી જ ન અટક્યા. ઈશ્વર-સાક્ષાત્કારની તીવ્ર ઝંખના એમનામાં પછીથી જાગી ત્યારે, થોડા સમય પછી એમની સાધના આરંભાઈ. પણ આપણે જોયા પ્રમાણે, એ પૌગંડાવસ્થામાં પ્રવેશ્યા તેની પૂર્વે જ તેમને ઉત્કૃષ્ટ કોટિનો આધ્યાત્મિક અનુભવ થયો હતો. તો, પોતે ઈશ્વર સાક્ષાત્કાર કર્યો હતો તો પણ તેમણે સાધના કરવાની શી જરૂર હતી? એનો જવાબ એક જ છે : અહીં આપણી સમક્ષ એક અનન્ય જીવન છે. શ્રીરામકૃષ્ણને બે ભિન્ન દૃષ્ટિકોણોથી સમજવાના છે. એક દૃષ્ટિકોણ કહે છે કે, બ્રહ્મનો એ સંપૂર્ણ આવિષ્કાર હતા. બીજા દૃષ્ટિકોણથી જોતાં, એ આપણા જેવી જ એક વ્યક્તિ છે ને પૂર્ણ બ્રહ્મને પામવા એ સાધના કરે છે. આ બંને વિચારણાઓ સમાંતર ચાલે છે. માત્ર શ્રીરામકૃષ્ણમાં જ આપણને આ દૃષ્ટિગોચર થાય છે એવું નથી પણ બીજા પયગંબરો અને અવતારોમાં પણ તે જોવા મળે છે. દરેક અવતાર આધ્યાત્મિક જ્ઞાન સાથે જ જન્મે છે. પણ, કંઈ નહીં તો બીજાઓ માટે પણ, એ જ્ઞાનનો આવિષ્કાર કરવો પડે છે, ને તે નિયત પ્રકારે. શ્રીરામકૃષ્ણે આ સાધનાઓ કરી હતી.

બીજા અવતારોએ પણ સાધના કરી હતી. શાસ્ત્રજ્ઞાન લેવા માટે અને સાધના માટે શ્રીકૃષ્ણ ગુરુગૃહે ગયા હતા. શ્રીરામચંદ્રે પણ તેમ કર્યું હતું. દરેક ગુરુએ, દરેક અવતારે તેમ કરવું પડે છે. આમ શા માટે કરવું પડે છે? પગલે પગલે ચાલીને ઈશ્વર સાક્ષાત્કાર કેમ થાય છે તે જગતને તેઓ દેખાડવા માગે છે. પોતાના જીવનના ઉદાહરણ દ્વારા જ તે દેખાડવાનું છે આ પ્રત્યક્ષ ઉદાહરણ વિના અવતારનો હેતુ સિદ્ધ થતો નથી. સદા ઊંચી સપાટીએ એ બ્રહ્મમય રહે તો આપણને સહાય મળતી નથી. આપણી કક્ષાએ ઊતરીને, ડગલે પગલે આપણને પંથ બતાવે અને ધ્યેય પહોંચાડે તેવી વ્યક્તિની સહાય આપણને સાંપડવી જોઈએ. સ્વામી શારદાનંદજીએ ‘શ્રીરામકૃષ્ણ લીલા પ્રસંગ’માં જણાવ્યું છે કે શ્રીરામકૃષ્ણના જીવનની દરેક ઘટનાનો આપણે માટે ઊંડો અર્થ છે. શ્રીરામકૃષ્ણનું જીવન બધાંથી અળગું વીતેલું ન હતું. એ જીવન આપણે માટે દીવાદાંડી સમું હતું જેના પ્રકાશ વડે આપણો પંથ આપણે અજવાળી શકીએ અને આપણા ધ્યેયે પહોંચી શકીએ.

સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે વેદ અને વેદાન્તને પણ શ્રીરામકૃષ્ણના જીવનના અને બોધના ઉપલક્ષમાં સમજવા પડશે. એમના જીવનનો પ્રકાશ આપણને શાસ્ત્રોના અર્થ સમજવામાં સહાયરૂપ થાય તેવો છે. પરંતુ આ અવતારોના જીવનના અર્થો દ્વારા ન સમજીએ તો, શાસ્ત્રોમાં ગમે તેટલું જ્ઞાન ભર્યું હોવા છતાં, તે આપણે સમજી શકવાના નથી. અવતારો શાસ્ત્રોમાં પ્રાણ પૂરું છે. શ્રીરામકૃષ્ણ કહેતા તે પ્રમાણે આપણાં શાસ્ત્રો રેતી અને ખાંડનું મિશ્રણ છે. રેતી ક્યાં છે અને ખાંડ ક્યાં છે તે તમારે શોધવું જોઈએ પછી, તમે રેતી ત્યજી દઈ ખાંડ ગ્રહણ કરી શકો. બીજા શબ્દોમાં કહીએ તો, સત્ય કેટલીક નકામી વસ્તુઓ સાથે ભળી ગયું છે. જાણે કે એને કુશકાની થોડી જરૂર છે, જે એને પાગળું પડતાં કે ખોટું સમજાતાં અટકાવે છે.

શાસ્ત્રોએ બ્રહ્મનું વિગતવાર વર્ણન આપ્યું છે પણ, આપણે એને સમજી શકીએ છીએ ખરાં? શાસ્ત્રોનું અધ્યયન કરી આપણે ક્યાં પહોંચીએ છીએ? ઘણી બધી વાર આપણે અજ્ઞેયવાદી કે ગૂંચવણભર્યાં બની જઈએ છીએ. આપણે ક્યાં છીએ તે આપણે જ જાણતાં નથી. એટલે જ, શાસ્ત્રો આપણને વારંવાર ચેતવે છે : ‘नानुध्यायाद् बहून्शब्दान् वाचो विग्लापनं हि तत्’ ‘વધારે પડતાં શાસ્ત્રો ન વાંચો; તમારાં મગજને એ ધૂંધળાં કરી નાખશે.’ શાસ્ત્રો કેવી રીતે વાંચવાં એ કહી શકે તેવી કોઈ ભોમિયો નહીં હોય તો, તમારો મગજ ધૂંધળો બની જશે. બધું સત્ય જ્ઞાન પ્રબુદ્ધ આત્મા પાસેથી મેળવવાનું છે. બીજી જ્યોત વડે એક જ્યોત પ્રગટાવવાની છે. પ્રબુદ્ધ આત્મા જ બીજાઓને પ્રકાશ આપી શકે. નહીં તો શાસ્ત્રો બંધ કિતાબો બની રહે. પોથીને કેમ ખોલવી અને અંદરનું જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું તે તમે જાણતા નથી. આ વાત માત્ર અહીં પૂરતી જ નહીં પણ બધા ધર્મો માટે સાચી છે. એમના અર્થની ચાવી આ મહાત્માઓ પાસે છે.

જેમને પોતે સરળતાથી મળી શકતા હતા તે ભવતારિણી પાસેથી શ્રીરામકૃષ્ણ બધું જ્ઞાન મેળવવા ચાહતા હતા. કમનસીબે આપણે માટે તેમ નથી. છતાં આપણે જાણીએ છીએ કે, યોગ્ય સાધન દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. ભવતારિણી કે જગદ્ધાત્રીને આપણે ન પહોંચી શકતાં હોઈએ તો, ઈશ્વરના અવતારોનો લાભ આપણને મળે છે. એમની સહાય વડે આપણે શાસ્ત્રોનો સાચો અર્થ જાણી શકીએ છીએ. એટલે તો, સ્વામી વિવેકાનંદે કહેલું કે, શ્રીરામકૃષ્ણના પ્રકાશ વડે, એમના જીવન અને બોધની સહાયથી જ વેદાન્તને સમજવું પડશે.

શ્રીરામકૃષ્ણ કોણ હતા?

એમના જીવનનો જેમ જેમ વધારે અભ્યાસ કરીએ છીએ તેમ તેમ આપણે એમને માપવા અસમર્થ છીએ એમ લાગ્યા કરે છે. અર્જુનને પણ પરમ જ્ઞાન, વિશ્વરૂપનું દર્શન કરાવવામાં આવ્યું ત્યારે, એણે ભગવાનને એમની પૂર્ણતામાં જોયા ત્યારે, એ ગભરાઈ ગયો હતો અને એણે શ્રીકૃષ્ણને કહ્યું હતું, ‘આપને મેં સામાન્ય માનવી ધારી લીધા હતા અને આપની સાથે મિત્રની માફક વર્તન કર્યું હતું અને, એમ કરીને આપની પ્રત્યે અવિનય જ કર્યો હતો. કૃપા કરી મને માફ કરો.’ ભગવાન શ્રીકૃષ્ણના નિકટતમ સાથી અર્જુનના આ શબ્દો હતા. એ જ રીતે, શ્રીરામકૃષ્ણની સમીપ જે હતા તેમનું શ્રીરામકૃષ્ણનું મૂલ્યાંકન શું છે? શ્રીરામકૃષ્ણના બોધના સૌથી મહાન પ્રવક્તા, સૌથી નિકટતમ અને અગ્રતમ શિષ્ય, સ્વામી વિવેકાનંદ કહે છે : ‘મારા ગુરુ વિશે બોલતાં હું ડરું છું કારણ કે, એમ કરવા હું પ્રયત્ન કરું છું ત્યારે, કદાચ મારાથી ચિત્ર વિકૃત થઈ જાય. એમને માપવા હું અસમર્થ છું માટે મને ડર છે. એ મુદ્દે કંઈ વધારે કહેવાની શક્તિ મારી પાસે નથી.’ સ્વામી વિવેકાનંદ આમ બોલતા હોય તો, બીજા શિષ્યો શું કહી શકે? એ સર્વનો ભાવ સમાન જ હતો – શ્રીરામકૃષ્ણ એટલા મહાન હતા કે એમને વિશેની એ સર્વની સમજ ઘણી મર્યાદિત હતી. એ હતા શ્રીરામકૃષ્ણ.

એટલે, આજે આપણે શ્રીરામકૃષ્ણને પૂરા સમજી શકતા નથી તેની કશી નવાઈ નથી. એમનાં એટલાં બધાં પાસાં છે, એટલા બધા દૃષ્ટિકોણો છે કે, એમને સમજવા જતાં આપણે ગભરાઈ જઈએ છીએ, હિંદુ ધર્મમાંના ઈશ્વરને પામવાના જેટલા બધા પંથો છે. તેમની તો તેમણે સાધના કરી જ હતી પણ, તે ઉપરાંત, ખ્રિસ્તી અને મુસ્લિમ માર્ગોની સાધના પણ કરી હતી. અને આ બધી સાધનાઓ કર્યા પછી, પોતાની અનુભૂતિઓની આધારશિલા પરથી એમણે કહ્યું કે, એક જ ધ્યેયે પહોંચવાના આ બધા ભિન્ન ભિન્ન માર્ગો છે. આપણે બરાબર ધ્યાનમાં રાખવું જોઈએ કે આ બૌદ્ધિક તારણ ન હતું. પણ, જુદા જુદા ધર્મોની સાધના દરમિયાનનો એમનો અનુભવ હતો.

ધર્મોની આ તાત્ત્વિક એકતાની ઝાંખી આપણને વેદોમાં થાય છે: ‘एकं सत् विप्रा बहुधा वदन्ति’ ‘સત્ય એક જ છે, વિદ્વાનો એને જુદા જુદા નામે ઓળખે છે.’ ‘ગીતા’ અને ‘ઉપનિષદો’માં પણ આપણને તે જ સાંપડે છે. પરંતુ, જુદા જુદા ધર્મમાર્ગોનો શ્રીરામકૃષ્ણે કરેલો જાત અનુભવ આપણાં પ્રાચીન શાસ્ત્રોમાં ક્યાંય ઉલ્લેખ પામ્યો નથી. શ્રીરામકૃષ્ણના જીવનમાં જોવા મળતી એ એક નવી જ બાબત છે. કદાચ, આ યુગમાં જગતને દર્શાવવા માટે એ અનુભવ જરૂરી હતો, જેથી લોકો જાણી શકે કે, પરસ્પર વિરોધી દેખાતા અને સંઘર્ષ કરતા ધર્મોમાં એકતા, સંવાદ, અનુસ્યૂત છે. ધર્મને નામે આજે આટલો વિસંવાદ ચાલી રહ્યો છે ત્યારે, આની આજે જરૂર મોટી છે. શ્રીરામકૃષ્ણ આપણને સૌને સમજાવવા માગે છે કે કોઈ પણ એક ધર્મમાં ઈશ્વર પૂરો સમાઈ શકે નહીં. ઇશ્વરનું વર્ણન કરીને તમે કદી એમ કહી શકો નહીં કે તે આટલો જ છે ને તેથી વધારે નથી. તેમ છતાં, શ્રીરામકૃષ્ણે આપણને શીખવ્યું છે કે આપણે આપણા પંથમાં શ્રદ્ધા રાખી ચાલવું નહીં તો, આપણે કદી પ્રગતિ કરી શકીશું નહીં. પરંતુ આપણે કદી એમ નહીં માનવું કે આપણો ધર્મો જ માત્ર એક માર્ગ છે. એ એક માર્ગ છે એટલું જ.

ધર્મનું આચરણ

ધર્મ આપણા જીવનનું ઘણું અગત્યનું પરિબળ બને ત્યારે, સ્વાભાવિક રીતે, આપણા જીવનના દરેક ફાંટામાં આપણા વ્યક્તિત્વના દરેક પાસામાં તેની અસર વર્તાશે. શ્રીરામકૃષ્ણનો એ બીજો બોધ હતો. તમે ધાર્મિક હો તો, તમારા સમગ્ર અસ્તિત્વમાંથી એ પ્રગટ થવું જોઈએ. તમે વર્તો એક રીતે અને તમારી શ્રદ્ધા હોય બીજી તો, એનો અર્થ એ કે તમે દંભી છો. દા.ત., બધું બ્રહ્મ છે એમ તમે કહો અને પછી માણસ માણસ વચ્ચે ભેદ રાખો તો, તમે કેવળ તમારું અજ્ઞાન પ્રદર્શિત કરો છો. માત્ર સિદ્ધાન્ત તરીકે નહીં પણ પ્રત્યક્ષ અનુભવરૂપે શ્રીરામકૃષ્ણ સર્વત્ર ભગવાનને જોતા. એક દહાડો એ આંખો બંધ કરી ધ્યાન કરતા હતા. પછી આંખો ખોલી અને ભક્તોને કહ્યું. ‘આંખો બંધ કરી હું ધ્યાન કરવા યત્ન કરતો હતો. એ મને ન ગમ્યું કારણ, એનો અર્થ એ કે આંખો બંધ કરું તો જ ભગવાન છે. પણ મારી આંખો ખુલ્લી હોય ત્યારે એ નથી શું? મારી આંખો ખુલ્લી હોય કે બંધ, ભગવાન તો છે જ.’ આપણે આ રીતે ઈશ્વર સાક્ષાત્કાર કરીશું તો, બીજાઓ પ્રત્યેના આપણા વર્તનમાં એનું પ્રતિબિંબ પડશે. જગતને આપણે ઈશ્વરના આવિષ્કાર તરીકે જોઈએ છીએ કે નહીં તે પણ જણાઈ આવશે. ‘તમે પથ્થરની કે માટીની મૂર્તિમાં ભગવાનને ભજી શકો છો, માણસના રૂપમાં તેને ભજી શકો નહીં?’ એમ શ્રીરામકૃષ્ણ કહેતા. માનવી ચૈતન્યનો આટલો મોટો આવિષ્કાર છે, કદાચ, ઈશ્વરની એ શ્રેષ્ઠ મૂર્તિ છે.

આમ છતાં, આરાધનાની કોઈ રીતને શ્રીરામકૃષ્ણે ઉતારી પાડી નથી. એ બધા પંથોમાં માનતા. પણ સાથોસાથ, જગત માટે શું ઈષ્ટ છે ને શું નથી તે તેઓ બરાબર સમજતા હતા. એટલે, સમગ્ર જગત માટે, સર્વદા, જે કલ્યાણકારી છે તે જ તેમણે આપ્યું. ઈશ્વર સાક્ષાત્કારના પંથો પર મર્યાદા ન શ્રીરામકૃષ્ણે મૂકી હતી કે ન સ્વામીજીએ; એ કહેતા, ‘દરેક વ્યક્તિને પોતાનો સ્વતંત્ર ધર્મ મળશે ત્યારે જ હું સુખી થઈશ. ધર્મો અનેકવિધ છે અને આદર્શો અનેકવિધ છે. એમાં કંઈ વાંધો નથી. એથી આપણે ગભરાવાની જરૂર નથી. હું ઈશ્વરને મારી આંખે જ જોઈ શકું એટલે, મારું ઈશ્વરનું દર્શન તમારા દર્શન કરતાં જુદું જ હોવાનું. જેમ આપણે ઈશ્વરની વધારે ને વધારે સમીપ પહોંચીશું તેમ આપણા ખ્યાલો વધારે ને વધારે સ્પષ્ટ થશે અને અંતે જ્યારે પ્રભુ સમીપ પહોંચીશું ત્યારે, બધાં વર્ણનો થંભી જશે. ‘યતો વાંચો નિવર્તન્ત અપ્રાપ્ય મનસા સહ’ ‘શબ્દો જેને વર્ણવી શકે નહીં અને મન જેને આંબી શકે નહીં એ જ ધ્યેય છે.’ શ્રીરામકૃષ્ણ કહેતા કે, બ્રહ્મ જ એક એવી વસ્તુ છે જે એઠી – ઉચ્છિષ્ઠ થઈ નથી. આપણે આગળ ને આગળ જઈએ છીએ અને ઈશ્વર પાસે જઈ અટકીએ છીએ. એ વાત શ્રીરામકૃષ્ણે સુંદર રીતે રજૂ કરી છે. ‘ત્યાં પહોંચી આપણી વિચારધારા થોભી જાય છે, ધ્યાન અટકી જાય છે. એ જ્ઞાનમાં ભળી જાય છે. બધાંને આવરી લેતા જ્ઞાનમાં! એ યાદ રાખવાનું છે.’

શ્રીરામકૃષ્ણ આપણને ફરી ફરી યાદ કરાવે છે કે ઈશ્વર જ સૌનો આધાર અને અંત છે, આપણા જીવનની સૌથી અગત્યની ચીજ છે. શા માટે? કારણ, એને જાણ્યા વિના આપણે કદી અજ્ઞાનમાંથી મુક્ત થઈ શકીએ નહીં, જન્મ અને મૃત્યુના અનંત ફેરામાંથી મુક્ત થઈ શકીએ નહીં, જીવનનાં અનેક અનિષ્ટોમાંથી મુક્ત થઈ શકીએ નહીં. ઈશ્વરનો સાક્ષાત્કાર ન પામીએ ત્યાં સુધી આ બધું ચક્ર ચાલ્યા જ કરવાનું. બીજું, ઈશ્વર-સાક્ષાત્કાર અનેક માર્ગે, અનેક રીતે, શક્ય છે. બધા જ માર્ગો ધ્યેય પ્રતિ લઈ જવા સમર્થ છે; માટે આપણે એ બધા પ્રત્યે આદર દાખવવો. ત્રીજું, આપણે જેમ ઈશ્વર ભણી પ્રગતિ કરીએ છીએ તેમ આપણું જીવન બધી રીતે પરિવર્તન પામે છે. શ્રીરામકૃષ્ણે દર્શાવ્યા પ્રમાણે અંતે આપણે ઈશ્વર-સાક્ષાત્કાર પામીએ ત્યારે, આપણને દેખાશે કે ઈશ્વર બધે વસી રહેલ છે અને બધાંથી આપણી જાતને આપણે જુદી પાડી શકીએ નહીં. આપણી સ્વતંત્રતા, આપણી મુક્તિ, અંતે તો, બીજાઓની મુક્તિની સાથે સંબંધિત છે.

એક વાર શ્રીરામકૃષ્ણે સ્વામીજીને પૂછેલું : ‘જીવનમાં તારું ધ્યેય શું છે?’ ત્યારે સ્વામીજીએ જવાબ આપ્યો હતો : ‘મારું ધ્યેય સમાધિમાં નિમગ્ન રહેવાનું છે; વચ્ચે વચ્ચે કોઈક વાર પેટ ભરવા માટે જાગ્રત થઈ પાછા સમાધિમાં લીન થવાનું મારું જીવનધ્યેય છે.’ શ્રીરામકૃષ્ણે એ પસંદ કર્યું નહીં, એમણે કહ્યું : ‘મને લાગતું’તું કે તું એથી ક્યાંય મોટો છો. તું વટવૃક્ષ શા માટે નથી બનતો કે એની પ્રસરેલી શાખાઓ નીચે યાત્રીઓ આવે અને આરામ કરે? તારે બધાને સાંત્વન આપવાનું છે. તેને બદલે તું સમાધિના આનંદનું સુખ શોધે છે? શ્રીરામકૃષ્ણનું પોતાનું વલણ સમાધિમગ્ન રહેવાનું હતું પણ, પોતે એનો સામનો કરતા. એક વેળા એ સમાધિમાં લીન થવાની તૈયારીમાં હતા ત્યારે, એમણે કાલી માતાને આજીજી કરી કહ્યું હતું : ‘મા, મારી આજુબાજુનું ભાન મને ભુલાવી ન દે. મારે ભક્તો સાથે વાત કરવી છે. મારે સમાધિમાં ડૂબેલા રહેવું નથી.’ શા માટે? શ્રીરામકૃષ્ણને કોઈ સંસારી વાસના ન હતી પણ, લોકો મુક્ત થઈ શકે એ માટે તેમને ઉત્કૃષ્ટ ધ્યેયે પહોંચવામાં સહાયભૂત થવાની, બીજાંઓને મદદરૂપ થવાની ઈચ્છા માત્ર હતી.

આત્માને દેહ સાથે જોડાયેલો રાખવા માટે કશી વાસના જોઈએ એમ કહેવાય છે. શ્રીરામકૃષ્ણને એવી કઈ ઈચ્છા હતી? એમને એક જ ઈચ્છા હતી : ‘બીજાંઓને આત્મસાક્ષાત્કાર કરવામાં સહાય કરવી :

सर्वभूतेषु यः पश्येद् भगवद्भावमात्मनः ।
भूतानि भगत्यात्मन्येष भागवतोत्तमः ।।

બધાં પ્રાણીઓમાં જે પોતાના આત્માને જુએ છે અને બધાં ભૂતોને પોતાનામાં જુએ છે તેમ જ ભગવાનને બધાં ભૂતોમાં અને બધાં ભૂતોને ભગવાનમાં સ્થિત જે જુએ છે તે સૌથી ઉત્તમ ભાગવત છે! (‘શ્રીમદ્ ભાગવત’ ૧૧.૨.૪૫)

આ પ્રકારનું જ્ઞાન જેને પ્રાપ્ત થયું છે તે શ્રેષ્ઠ ભક્ત છે. સૌથી શ્રેષ્ઠને પામ્યા પછી, આપણને સર્વત્ર પ્રભુ જ દેખાય છે. એથી તો સ્વામીજી કહે છે : ‘सर्वभूते सेई प्रेममय’ – બધાં પ્રાણીઓમાં એ પ્રેમમય ઉત્તમ પરમાત્મા વસે છે. માટે, આપણે એની પૂજા ત્યાં કરવી જોઈએ. કદાચ આપણે થોડો સમય એકાંત સેવન કરવું જોઈએ. પણ એ યાદ રાખવું જોઈએ કે એ તો માત્ર તૈયારીનું એક સોપાન છે. તમે ધ્યેય પ્રાપ્ત કર્યું હોય ત્યારે, સર્વવ્યાપી પરમાત્મામાં તમારું અસ્તિત્વ ભળી જાય છે. ઉપનિષદોમાં કહ્યું છે કે :

यथोदकं शुद्धे शुद्धं आसिक्तं तादृगेव भवति ।
एवं मुनेर्विजानत आत्मा भवति गौतम ।
(કઠ.ઉ. ૨.૧.૧૫)

‘શુદ્ધ જલબિંદુ શુદ્ધ જલમાં પડે ત્યારે પોતાનું વ્યક્તિત્વ ગુમાવી દઈએ જલરાશિ સાથે એકરૂપ બની જાય છે. તેમ, જ્યારે ઉત્તમ પ્રકારનો ઈશ્વરસાક્ષાત્કાર થાય છે ત્યારે, તમે બ્રહ્મ સાથે એકરૂપ બની જાઓ છો.’

આત્માથી અને હૃદયથી, દરેક રીતે, તમે અખિલ જગત સાથે એકરૂપ થઈ જાઓ છો. આવો સાક્ષાત્કાર ખાલી પોથીમાંનો સિદ્ધાન્ત નથી; એ માત્ર શાસ્ત્રવાક્ય નથી. એ પ્રાપ્ત કરવાનું, આત્મસાત્ કરવાનું, સાક્ષાત્કાર કરવાનું જ્ઞાન છે. તમારા વર્તનમાં એ દેખાશે. સ્વામીજીએ કહ્યા પ્રમાણે આપણે વ્યવહાર અને પરમાર્થ વચ્ચે ભેદ પાડ્યો ત્યારે જ આપણું ભાગ્ય નિશ્ચિત થઈ ચૂક્યું હતું. એ ભેદ આપણા વર્તન અને આપણી સત્યનિષ્ઠા વચ્ચેનો છે. આપણે જે સત્યનો પોકાર કરીએ છીએ તે સાથે આપણું વર્તન સુસંગત નહીં હોય તો, આપણો અંત આપણી જાતને છેતરવામાં આવશે, આપણા ખ્યાલોના કોચલામાં આપણે પૂરાયેલા રહીશું અને, તે કદી આપણા જીવનમાં આવષ્કિાર પામી શકશે નહીં. એ કશી પ્રાપ્તિ જ નથી. સાચી પ્રાપ્તિ તો આખા જગત સાથે આપણને એક બનાવશે. આપણું વર્તન તે મુજબ રહેશે.

શ્રીરામકૃષ્ણના અનન્ય જીવનમાંથી અને બોધમાંથી આપણને સાંપડતી વસ્તુ આ છે. તેથી તો કોઈ જીવદયાના ગુણ ગાતું ત્યારે, એ એનો વિરોધ કરતા. નહીં! બીજા પ્રત્યેન દયા દાખવનારા કોણ તમે? દરેક જીવમાં તમારે ઈશ્વરની સેવા કરવાની છે. આજના યુગમાં અનુસરવાનો આપણે માટે એ મહાન બોધ છે. આપણે સમજવું જોઈએ કે બીજાઓથી અળગા તરીને કોઈ ધ્યેયે પહોંચી શકે નહીં. પ્રત્યેક વ્યક્તિનું કલ્યાણ બીજા સઘળાંના કલ્યાણ પર આધાર રાખે છે એ સત્ય સમજવાને માટે આખું જગત આતુર છે. બીજાનું કલ્યાણ અને મારું કલ્યાણ જુદાં કરી શકાતાં નથી. મારી મુક્તિ અને જગતની મુક્તિ સાથે જ થવી જોઈએ. આ બોધને અનુસરીએ તો, આજના સમાજ સમક્ષના ઘણા પ્રશ્નો આપણે ઉકેલી શકીએ.

વિચાર અને વર્તનની એક નવી તરાહ આપણે આણવા માગીએ છીએ જેથી, વ્યક્તિઓ અને રાષ્ટ્રો આપણે સઘળાં, એકબીજા સાથે શાંતિથી રહી શકીએ. આપણા પ્રયત્નો કેમ નિષ્ફળ જાય છે તે આપણે જાણીએ છીએ કારણ કે, ઘણી બાબતો અજમાવ્યા છતાંય, આપણા ધ્યેયથી આપણે દૂર છીએ. શા માટે? કારણ કે, સમગ્ર જગત સાથે એકતા સાધવા માટે જરૂરી છે તે રીતે આપણી જાતને બદલવા આપણે કોશિશ કરી નથી. જે પરમ સત્ય સર્વવ્યાપી છે તેના સાક્ષાત્કારમાં દૃઢમૂલ હોય, કેવળ શાસ્ત્રવાક્યમાં નહીં, તે એકતાની જરૂર છે.

શ્રીરામકૃષ્ણ આપણને એ ધ્યેયે પહોંચાડો. એમનું જીવન આપણે માટે જ્યોતિ બનો અને, એમના પ્રત્યેની આપણી ભક્તિ દ્વારા, આપણને આ મહાન સાક્ષાત્કાર સાંપડો.

– ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા
(‘પ્રબુદ્ધ ભારત’ નવે.’૯૫માંથી સાભાર)

Total Views: 167

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.