(રાજકોટમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવના નૂતન મંદિરના તા. ૧૬મી ઑગસ્ટ, ૧૯૭૧ના રોજ થયેલ ભૂમિપૂજન પ્રસંગે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના તત્કાલીન પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે કરેલ સંબોધનના અંશો. અનુવાદક: શ્રી નલિનભાઈ મહેતા. – સં.)
મિત્રો, આજનો દિવસ ગુજરાત માટે અતિ ભવ્ય દિવસ છે, કારણ કે અહીં વસવાટ કરવાની અને તેમના માટે નૂતન મંદિરનું નિર્માણ કરવાની શ્રીરામકૃષ્ણદેવની ઇચ્છા હશે. જો કે તેઓ ઘણા સમયથી અહીં જ બિરાજમાન છે, પરંતુ હવે તેઓ એક સારા ભવનમાં – એક સારા મંદિરમાં બિરાજી જાહેર જનતાને અને તમામ ભક્તોને આશીર્વાદ આપશે. અહીંની મુલાકાત લેતા દરેકને તેઓના આશીર્વાદ અને કૃપા પ્રાપ્ત થશે.
આજે આપણે જોઈએ છીએ કે સમગ્ર વિશ્વમાં લડાઈ અને સંઘર્ષ ચાલી રહ્યાં છે; ક્યાંય પણ શાંતિ નથી અને આપણે આસપાસ જોઈશું તો આપણે અનુભવીશું કે ચારે તરફ દેશો એકબીજા સાથે લડી રહ્યા છે—વંશીય મતભેદો, જાતિવાદી ઝઘડાઓ, સૈદ્ધાંતિક સંઘર્ષો, ધાર્મિક લડાઈઓ અને તમામ પ્રકારના સંઘર્ષો. ઉચ્ચ કુળના લોકો દ્વારા સામાન્ય મનુષ્ય પર જુલમ થઈ રહ્યો છે. આપણને આ સંઘર્ષ વિશ્વમાં દરેક જગ્યાએ જોવા મળે છે.
એવું નથી કે વિશ્વના ઇતિહાસમાં આવી પરિસ્થિતિ પહેલી વાર ઉદ્ભવી છે. આવો અનુભવ આપણને ભૂતકાળમાં પણ થયો છે. પરંતુ દરેક સમયે કોઈ એક મહાન વ્યક્તિત્વ, વિશિષ્ટ આધ્યાત્મિક વ્યક્તિત્વ અવતરિત થયું છે, જેના આગમને લોકોને તેમના જીવન અને સંસ્કૃતિને પુનઃજીવિત કરવા માટે નવીન સંદેશ આપી રાહ ચીંધ્યો છે. મહાભારત સમયે તે આપણી પાસે આવું વ્યક્તિત્વ હતું, બુદ્ધના સમયમાં પણ હતું, ઈશુના સમયે પણ હતું અને મહાન પયગંબર મહંમદના સમયમાં પણ હતું. દરેક વખતે જ્યારે માનવીય મૂલ્યોનો હ્રાસ થયો અને મનુષ્ય અધોગતિ પામી પશુ સમાન બની ગયો, તે વખતે આપણે જોઈએ છીએ કે આપણને નવજીવન બક્ષવા કોઈ મહાન વ્યક્તિ અવતરિત થઈ છે. આજે જો આપણે ધ્યાનપૂર્વક જોઈએ, તો આપણને માલૂમ પડે છે કે વિનાશક શક્તિઓ બહુ પ્રબળ છે, અને સાથેને સાથે વિશ્વમાં રચનાત્મક શક્તિઓ પણ, એટલી પ્રબળ ન હોવા છતાં, સમાંતર રૂપે સક્રિય છે. સ્વાભાવિક રીતે આપણે વિનાશક પાસાને જોવા માટે ટેવાયેલા છીએ અને વિશ્વના ભવિષ્ય માટે મનમાંને મનમાં હતાશ થઈ જઈએ છીએ. આ એટલા માટે કે આપણે પ્રાચીન સંસ્કૃતિ-ચક્રના છેવાડાના સમયે અને નવીન સભ્યતાના ઉંબરે ઊભા છીએ. ખ્રિસ્તી સભ્યતા, કે જેને આપણે વૈજ્ઞાનિક કે ટેક્નોલોજીકલ અથવા તો આધુનિક સભ્યતા કહીએ છીએ, તે ૩૦૦ વર્ષ પહેલાં ઈશુ ખ્રિસ્તથી દૂર થઈ ગઈ છે અને હવે તેનું અધઃપતન થયેલું જોવા મળે છે. હવે તે જૂના-પુરાણા, જર્જરિત અને ખડેર બની ગયેલ ઘરને કોઈ સમારકામ કરવાથી કશું વળવાનું નથી અને તેને પાડી નાખવું જોઈએ, એ જ પ્રમાણે ભાંગી પડેલી જૂની અધઃપતિત સભ્યતાને જમીનદોસ્ત કરી તેની જગ્યાએ નવીન સભ્યતા ઊભી કરવી જોઈએ. પરંતુ તે માટે કેટલીક શક્તિઓની આવશ્યકતા છે—એવી આધ્યાત્મિક શક્તિઓ કે જે નૂતન સભ્યતાની ઉપદેશક બને.
આપણી આધુનિક સભ્યતામાં આપણને શું ખામી જોવા મળે છે? આપણને ઈશ્વર પર શ્રદ્ધા નથી. આપણે કહીએ છીએ, ‘વૈજ્ઞાનિક માણસ કહે છે કે ઈશ્વરનું અસ્તિત્વ નથી કારણ કે તેને સાબિત કરી શકાતું નથી; તેથી અન્ય વૈજ્ઞાનિક સત્યની જેમ જ્યાં સુધી ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ ન થાય ત્યાં સુધી અમે તેમાં વિશ્વાસ નહીં કરીએ.’ તો પછી ધર્મ માનવતાના દુઃખ પ્રત્યે ખૂબ જ ઉદાસીન રહેશે. વળી ધર્મો ઘણા છે અને આપણે જાણતા નથી કે કયા ધર્મનું અનુસરણ કરવું. બીજું, દુનિયા એટલી તો સ્વાર્થી બની ગઈ છે કે લોકો બીજાના ભોગે પણ પોતાનો સ્વાર્થ સાધવા કોશિશ કરે છે. આપણે આપણી સામાજિક પરિસ્થિતિઓમાં, આપણા રાજકીય અને આર્થિક જીવનનાં ક્ષેત્રોમાં, દરેક જગ્યાએ આપણા અધિકારો પર ભાર મૂકી રહ્યા છીએ. આપણે માત્ર આપણા અધિકારો પર જોર દઈએ છીએ અને આપણી ફરજો ભૂલી ગયા છીએ. પ્રાચીન સંસ્કૃતિ લોકોના બલિદાન પર આધારિત હતી. દરેક વ્યક્તિ પાસેથી તેમની ક્ષમતા મુજબ રાષ્ટ્રની સેવા કરે એવી અપેક્ષા રાખવામાં આવતી હતી પરંતુ તેનું વિસ્મરણ થઈ ગયું છે અને હવે આપણે કહીએ છીએ કે આ મારો અધિકાર છે, આ મારો હક્ક છે. તેથી, આજના સમયની આ સ્થિતિ છે; ઉપરાંત, જાતિ, સંપત્તિના આધારે ઉચ્ચ વર્ગ દ્વારા સામાન્ય માણસ પર જુલમ થાય છે, અથવા કોઈ પણ કારણ હોય, પરંતુ નબળા અને સામાન્ય લોકો પર જુલમ થાય છે. તેમ છતાં તેનો પણ ઉદ્ધાર કરવો જોઈએ. તેથી કોઈ આધ્યાત્મિક સંદેશ આ બધા પ્રશ્નોનું નિરાકરણ કરતો હોવો જોઈએ. તો જ નવીન સંસ્કૃતિની અપેક્ષા કરી શકાય, એક નવા યુગની શરૂઆત થઈ શકે.
આપણે જોઈએ છીએ કે શ્રીરામકૃષ્ણના જીવનમાં આ બધા પ્રશ્નોનું સમાધાન મળે છે. તેઓએ પ્રત્યક્ષ અનુભવે એ સિદ્ધ કર્યું કે ઈશ્વરનું અસ્તિત્વ છે અને માત્ર તેઓ પોતે જ નહીં, કોઈ પણ યોગ્ય સાધના દ્વારા તે સત્યનો સાક્ષાત્કાર કરી શકે છે. જેમ કોઈ વૈજ્ઞાનિક સત્ય લેબોરેટરીમાં પ્રયોગો દ્વારા સાબિત કરવામાં આવે છે તેમ અહીં પણ કોઈ પણ વ્યક્તિ જો ઉચિત અને નિશ્ચિત કરેલ શિસ્ત સાથે પ્રયાસ કરે તો તેને પણ ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ શકે. ઈશ્વરનું અસ્તિત્વ છે. તમે તેમને જોઈ શકો છો તેમજ તમે તેમની સાથે વાતો પણ કરી શકો છો. શ્રીરામકૃષ્ણે સ્વામીજીને આ જ કહ્યું હતું. સમગ્ર વિશ્વને જે સંદેહ હતો, તે સ્વામીજીને પણ હતો; જે ભગવાન શ્રીરામકૃષ્ણદેવે “હું ભગવાનને જોઈ શકું છું. ધર્મ એટલે ફક્ત અમુક સિદ્ધાંતોમાં શ્રદ્ધા કે અમુક ધાર્મિક વિધિઓનું પાલન નહીં, પણ તેનો અર્થ પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે,” એમ કહીને દૂર કર્યો હતો. તેથી જ તો સ્વામીજીએ કહ્યું, “ધર્મ એટલે સાક્ષાત્કાર”. આ જ આધુનિક જગતને વૈજ્ઞાનિક ઉત્તર છે કે ઈશ્વરનું અસ્તિત્વ છે અને કોઈ પણ તેઓને જોઈ શકે છે. શ્રીરામકૃષ્ણદેવે કહ્યું હતું, “જેમ તમને બધાને જોઉં છું, તેમ મેં તેમને જોયા છે.” હંમેશાં ધર્મો વચ્ચે ઝઘડાઓ અને વિવાદો રહ્યા છે. તે પણ તેમણે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા પ્રત્યક્ષ અનુભવ દ્વારા ઉકેલ્યા, એમ કોઈ કહી શકે છે કારણ કે તેમણે દરેક ધર્મ દ્વારા નિર્ધારિત સિદ્ધાંતો, સાધનાપદ્ધતિનું પાલન કર્યું અને અંતે એક જ ધ્યેય પર પહોંચ્યા, અને આમ તેઓએ પ્રમાણિત કર્યું કે બધા ધર્મો એક જ ધ્યેય તરફ દોરી જાય છે. આપણામાં જેને તમે વંશીય દ્વેષ, રાષ્ટ્રીય દ્વેષ, જાતિગત દ્વેષ, મધ્ય-પૂર્વીય દ્વેષ કહો છો તે છે. રંગ, ચામડી પણ એકબીજામાં આવો દ્વેષ પેદા કરે છે. ગોરી ચામડીવાળાને કાળા માણસ પ્રત્યે દ્વેષ છે અને વધુમાં વ્યક્તિઓ વચ્ચે પણ, આ પ્રકારનો દ્વેષ જોવા મળે છે. પરંતુ આ મુશ્કેલીને કેવી રીતે દૂર કરી શકાય? શ્રીરામકૃષ્ણે એમ કહીને તેનું નિરાકરણ કર્યું કે એ જ આત્મા સર્વેમાં નિહિત છે. બાહ્ય રીતે ભલે બધા જુદા હોય પરંતુ આંતરિક રીતે—સમુદ્રની સપાટીની નીચે—એ જ એક આત્મા રહેલો છે; મનુષ્ય મનુષ્ય વચ્ચે કોઈ ભેદ નથી. અને એટલે જ સ્વામીજી કહે છે કે ફરક માત્ર અભિવ્યક્તિનો છે, બાહ્ય અભિવ્યક્તિ; કેટલાકે અનંત દિવ્યતાને વધુ પ્રગટ કરી હશે, કેટલાકે તેને ઓછી પ્રગટ કરી હશે, પરંતુ તેમ છતાં તેઓ ઘણું કરીને સમાન છે અને તેથી કોઈ વિશેષાધિકાર હોઈ શકે નહીં. કોઈ પણ વ્યક્તિ તેને ગમે તે રીતે રાષ્ટ્રની સેવા કરી શકે. પરંતુ તે માટે, જેમ આપણે જોઈએ છીએ તેમ ઉચ્ચ વર્ગના લોકો પોતાને બીજા નિમ્ન વર્ગના લોકોથી શ્રેષ્ઠ માને છે એવો કોઈ ભેદ ન હોવો જોઈએ. એક જ આત્મા સર્વમાં રહેલો છે. તેથી આપણે વિવિધ રીતે રાષ્ટ્રની સેવા કરી શકીએ પરંતુ તે માટે કોઈ વિશેષાધિકારનો દાવો ન કરી શકાય. દરેકનો દરજ્જો સમાન છે. જે વ્યક્તિ ખેતરમાં કામ કરે છે, જે વ્યક્તિ કારખાનામાં કામ કરે છે, જે વ્યક્તિ અધ્યાપનનું કાર્ય કરે છે, જે વ્યક્તિ ન્યાયાલયમાં કે પછી સચિવાલયમાં કામ કરે છે—તે બધી સમાન છે કારણ કે તે એક જ આત્મા દરેકમાં રહેલ છે.
શ્રીરામકૃષ્ણે સેવાનો એક નવીનતમ આદર્શ આપ્યો છે—તે છે માનવજાતમાં ઈશ્વરનાં દર્શન કરી તેમની સેવા—‘જીવ એ જ શિવ’. એનો અર્થ એ છે કે જો આપણે મનુષ્યમાં શિવને જોઈને –ઈશ્વરને જોઈને તેમની સેવા કરીએ તો આપણે આધ્યાત્મિકતામાં અગ્રસર થઈશું. આ સંદેશને જ સ્વામીજીએ સમગ્ર વિશ્વને અને ખાસ કરીને આપણી સંસ્થાઓને ઉપદેશ્યો કે આપણું દરેક કાર્ય પૂજાના ભાવથી કરવું જોઈએ. ધ્યાન અને કાર્ય વચ્ચે કશો ભેદ નથી, કારણ કે એ જ દિવ્યતા કે જેનું આપણે પૂજા દરમિયાન ધ્યાન કરીએ છીએ, તે જ દિવ્યતા આપણે તમામ મનુષ્યોમાં નિહાળીએ અને આપણે શિક્ષણ આપવા, દરદીઓની સેવા કરવા કે અછતગ્રસ્તોને ભોજન આપવા જેવાં કાર્યો દ્વારા તેમની પૂજા કરીએ. આમ કરવાથી ધ્યાન દરમિયાન અને આપણા કાર્યમાં પણ ભગવાનના વિચારનો અનુભવ સતત રહે છે. આપણે કર્મ અને પૂજા વચ્ચેનો સેતુ બનીએ અને ધર્મનિરપેક્ષતાને એ સ્તરે ઉન્નત કરીએ કે જેથી આપણે જે કોઈ પણ કાર્ય કરીએ તે યથાયોગ્ય ભાવથી કરીએ, જે આપણને ઈશ્વર-સાક્ષાત્કાર તરફ દોરી જાય. આ જ મહાન આદર્શોથી શ્રીરામકૃષ્ણ જીવ્યા અને આપણને ઉપદેશ આપ્યો છે અને આ જ સંદેશ અને આદર્શો જ આધુનિક મનુષ્યની જરૂરિયાતનો ઉત્તર છે. તેથી આપણે વિવેકપૂર્વક આશા રાખી શકીએ કે આ આદર્શો સંભવી શકે છે, તેનામાં નવી સભ્યતાનો ઉદય કરવાની શક્તિ છે. આપણે જોયું છે કે દરેક સભ્યતા પાછળ મહાન આધ્યાત્મિક વ્યક્તિઓ રહેલી છે, ખ્રિસ્તી સભ્યતા, ઇસ્લામિક સભ્યતા, બૌદ્ધ સભ્યતા વગેરે. દરેક જગ્યાએ નવી સભ્યતાનો ઉદય થયો અને તે કેટલાક મહાન લોકોના વિચારો, આદર્શો અને જીવન દ્વારા સંવર્ધિત હતી.
આજે પણ શ્રીરામકૃષ્ણ આપણને નવી દિશા દર્શાવવા આવ્યા છે અને મને ખાતરી છે કે તેમનો સંદેશ વિશ્વભરમાં પ્રસારિત થઈ રહ્યો છે. કદાચ તમને ખબર નહીં હોય કે કેવી રીતે સમગ્ર વિશ્વમાં એ સંદેશ પ્રસરી રહ્યો છે. હું તમને એનાં બે’ક ઉદાહરણ આપીશ. એક સજ્જન ફિનલેન્ડથી આવ્યા હતા. તે પહેલાંની ત્યાંની સરકારમાં મંત્રી હતા પણ તે આવ્યા ત્યારે મંત્રી ન હતા. તે બેલુર મઠ આવ્યા અને મેં તેમનું સ્વાગત કર્યું. મેં તેમની સાથે વાતો કરી અને મને લાગ્યું કે તે સજ્જન સ્વામીજીના આદર્શોથી માહિતગાર છે. મેં તેમને પૂછ્યું, “તમને સ્વામીજીના આદર્શોની કેવી રીતે ખબર પડી?” તેમણે ડહાપણપૂર્વક કહ્યું, “કેમ, મેં સ્વામીજીને વાંચ્યા છે. અમારે સ્વામીજીનો સંદેશ અમારા દેશમાં જોઈએ છીએ અને અમે સ્વામી વિવેકાનંદના સંદેશનો અમારા દેશમાં પ્રસાર કરવાની કોશિશ કરીએ છીએ.” પછી એક અન્ય સજ્જન ઈરાન-પર્શિયાથી આવ્યા. તેમણે કહ્યું કે તેઓ અમારા દ્વારા એક આશ્રમ ત્યાં સ્થપાય તેવી અપેક્ષા રાખે છે. તેમણે કહ્યું, “હું આશ્રમનો તમામ ખર્ચ ઉપાડવા તૈયાર છું, આપ આવો અને આશ્રમ શરૂ કરો, કારણ કે શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના સંદેશાઓની અમારા દેશમાં જરૂર છે.” બીજા દિવસે ફ્રેંચ ભાષામાં યુરોપથી એક મેગેઝીનની નકલ મળી. આ મેગેઝીન યુરોપની તમામ ભાષાઓમાં એક સાથે પ્રકાશિત થતું હતું. નવા સંપાદકીય કર્મચારીઓ ઇચ્છતા હતા કે દરેક મહિને કોઈ એક મહાન વિભૂતિ વિશે તે મેગેઝીનમાં છાપવામાં આવે. તે મેગેઝીનના પ્રકાશિત પ્રથમ અંકમાં માત્ર એક વિભાગ જ મહાન વિભૂતિ શ્રીરામકૃષ્ણને સમર્પિત ન હતો પરંતુ ૧૫૦ પાનાનું આખું મેગેઝીન શ્રીરામકૃષ્ણના ઉપદેશોથી ભરેલું હતું. યાદ રાખો કે આ મેગેઝીન યુરોપમાં બોલાતી તમામ ભાષાઓમાં પ્રકાશિત થતું હતું. તેથી તમે સમજી શકો કે એ સંદેશ કેટલા લોકો સુધી પહોંચ્યો હશે. જો કે મને ફ્રેંચ ભાષા આવડતી નથી, પરંતુ તેના શીર્ષક અને ચિત્રોથી હું તેનો ઝોક થોડો સમજી શક્યો. તેમણે વારંવાર શ્રીરામકૃષ્ણ અને તેમના સંદેશ વિશે તમામ વાતો લખી. જ્યાં લોકો શ્રીરામકૃષ્ણના સંદેશ માટે આતુર હોય ત્યાં આવા પ્રકાશનની તાતી આવશ્યકતા છે. હું જ્યારે જનરલ સેક્રેટરી હતો ત્યારે મને પૂર્વ યુરોપ અને રશિયા તરફથી પત્ર મળ્યો હતો, જેમાં સ્વામીજીનાં પુસ્તકો વિશે પૂછ્યું હતું. એથી મેં તેમને બધાં પુસ્તકો મોકલી આપ્યાં અને એ પુસ્તકો મળ્યા પછી તેની સાઇક્લોસ્ટાઈલ નકલો તેમના મિત્રોને વહેંચવામાં આવી. આવી રીતે સામ્યવાદી દેશોમાં પણ આ સંદેશ પ્રસારિત થયો છે. એ દર્શાવે છે કે શ્રીરામકૃષ્ણના સંદેશની આજના આધુનિક સમયમાં પણ કેટલી આવશ્યકતા છે! આ સંદેશ દ્વારા આપણે આપણી દુનિયાની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકીશું. સ્વામીજીએ કહ્યું હતું કે ભારત શ્રીરામકૃષ્ણનું છે, ભારત શ્રીરામકૃષ્ણના નેજા હેઠળ એકત્વ સાધશે અને અહીંથી વધુ એક વખત શાંતિનો સંદેશ અને સદ્ભાવના સમગ્ર વિશ્વમાં ફરી વળશે. એ જ તો સ્વામીજીનું જ કહેવું હતું, શું થવાનું છે તેની આગાહી હતી અને તેથી મને ખૂબ આનંદ છે કે શ્રીરામકૃષ્ણ અહીં મંદિરમાં પોતાનું સ્થાન લઈને ખુશ થશે અને આપણી માતૃભૂમિના આ ભાગમાં તેમની પાસે આવનાર દરેકને આશીર્વાદ આપશે. આભાર.
Your Content Goes Here





