(ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનીનવિદ્યા અને પાક સંવર્ધન વિભાગના વડા તરીકે કાર્યરત હતાં. તેઓ દીર્ઘ સમયથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં મૌલિક તથા અનુવાદિત લેખો લખી રહ્યાં છે. – સં.)
પ્રાર્થના એક બહુ આયામી વિભાવના છે, જેને ધાર્મિક, સાંસ્કૃતિક અને વ્યક્તિગત આયામોમાં વિવિધ રીતે સમજી શકાય. આમ છતાં તેની વ્યાપક વ્યાખ્યા આપવી હોય તો આ રીતે આપી શકાય, ‘પ્રાર્થના એ ઈશ્વર, કે સૃષ્ટિ ચલાવનાર મહાસત્તા કે સર્વવ્યાપક ચૈતન્ય સાથેનો આત્મીય અને હેતુપૂર્વકનો સંવાદ છે.’ તેના દ્વારા વ્યક્તિ પોતાની જાતને આર્જવતાથી વ્યક્ત કરી શકે છે. ભક્ત પોતાના આધ્યાત્મિક ઉત્કર્ષ માટે કે આભાર વ્યક્ત કરવા માટે ઈશ્વરને પ્રાર્થે છે. ઘણી વખત મનુષ્ય જ્યારે દુ:ખની મહાગર્તામાં ધકેલાઈ જાય, બહાર નીકળવાનો કોઈ રસ્તો તેને મળે નહીં, કોઈની મદદ પણ મળે નહીં ત્યારે આપોઆપ એ સર્વશક્તિમાન ચૈતન્ય-મહાસત્તા સાથેનો તેનો સક્રિય સંવાદ ચાલુ થઈ જાય છે અને તે છે પ્રાર્થના.
પ્રાર્થના કરનારની શ્રદ્ધા વિશે સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘અંધકારમાંથી પ્રકાશનું કિરણ આવશે અને આપણને દોરવા માટે એક હાથ લંબાશે.’ (પોતાના શિષ્ય આલાસિંગા પેરુમલને ઈ.સ. ૧૮૯૪માં લખેલ પત્રમાંથી) યુગોથી પ્રચલિત એવી પ્રાર્થના વિશે આધુનિક વિજ્ઞાન શું કહે છે તે જાણવું ખૂબ રસપ્રદ રહેશે. તો ચાલો, આપણે તે વિશે વૈજ્ઞાનિકોના સંશોધનોમાં અવગાહન કરીએ.
‘Health, The Science’ નામના ઓનલાઇન પ્રકાશિત થતા સામયિકના તા. ૨૯ જુલાઈ, ૨૦૧૯ના અંકમાં લખેલ છે કે ‘PubMed’ નામનું ઇન્ટરનેટમાંથી શોધખોળ કરવા માટેનું સર્ચ એન્જીન કે જે તબીબી વિજ્ઞાનનો ડેટા-બેઈઝ ધરાવતી યુ.એસ.નેશનલ લાઈબ્રેરીને સૂચિબદ્ધ કરે છે, તેમાં ‘પ્રાર્થના’ વિશેનાં પરિણામો શોધવાનો પ્રયત્ન કરતા ૬૬,૮૬૦ સંશોધન લેખો મળી આવે છે. તે દર્શાવે છે કે પ્રાર્થનાની અસરના વૈજ્ઞાનિક પુરાવાઓ આપવા માટે હજારો વૈજ્ઞાનિકો તત્પર છે. આમ, તેમણે પ્રાર્થનાને પ્રયોગશાળામાં લાવી દીધી છે. આ પ્રયોગોને આધારે પ્રાર્થનાની શારીરિક, માનસિક તથા ચૈતસિક (મનુષ્યના ચેતાતંત્ર પરની) અસર વશે થયેલાં સંશોધનો પ્રકાશમાં આવ્યાં છે. પરિણામો ખૂબ રસપ્રદ છે, જ્ઞાનવર્ધક છે, તો ચાલો તે સંશોધનોનાં તારણોને જોઈએ.
પ્રાર્થનાની શરીર પરની અસરો
અન્યના આરોગ્ય માટે જે પ્રાર્થના કરવામાં આવે છે તે ‘Intercessory Prayer’ તરીકે ઓળખાય છે. આ પ્રકારની પ્રાર્થના ઉપરનો અભ્યાસ હાર્વર્ડ સ્થિત ડૉ. હર્બર્ટ બેન્સન નામના કાર્ડિયોલોજીસ્ટે ૧૮૯૮માં કર્યો, જે ‘Great Prayer Experiment’ તરીકે ઓળખાય છે. જેમની ઉપર કોરોનરી બાયપાસ સર્જરી કરાવી હતી, તેવા અલગ અગલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા કુલ ૧૮૦૨ હૃદયરોગીઓ ઉપર તે પ્રયોગ કરવામાં આવ્યો. આ દર્દીઓને ત્રણ જૂથમાં વહેંચવામાં આવ્યા, જેમાંથી બે જૂથના દર્દીઓ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આમાંથી એક જૂથના દર્દીઓ જાણતા હતા કે તેમના માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ અભ્યાસનો નિષ્કર્ષ ૨૦૦૬માં ‘ન્યુ યોર્ક ટાઇમ્સ’માં પ્રસિદ્ધ કરવામાં આવ્યો, જેમાં જણાવવામાં આવ્યું કે પ્રાર્થના કરાયેલા દર્દીઓના જૂથમાં સર્જરી પછીની આડ-અસરો ઓછી હતી.
આવા જ વધુ ૧૦ પ્રયોગો ૨૦૦૭માં કરવામાં આવ્યા, જેને અંતે હર્બર્ટ બેન્સને જાહેર કર્યું કે ‘પ્રાર્થના અને સ્વાસ્થ્યની પુન: પ્રાપ્તિ’ ચોક્કસપણે એકબીજા સાથે જોડાયેલ છે. પ્રાર્થનાએ શરીરના ચયાપચય, હૃદયના ધબકારા, હૃદયની કાર્યક્ષમતા, લોહીનું દબાણ, શ્વાસોચ્છ્વાસનો દર તથા મગજની કાર્યશીલતા ઉપર પ્રાર્થનાની પ્રોત્સાહજનક અસરો ઉજાગર કરી. તેમણે જણાવ્યું કે, ‘પ્રાર્થના શારીરિક, દેહધાર્મિક ક્રિયાઓ ઉપર હકારાત્મક અસર કરી દર્દીઓને તણાવની સામે ઝઝૂમવાની શક્તિ આપે છે, તેની વૈજ્ઞાનિક સાબિતી અમને મળી ગઈ છે!’ આ પરિણામોએ બીજા વૈજ્ઞાનિકોને પણ આ પ્રકારના પ્રયોગો કરવા પ્રેર્યા, જે આજ દિન સુધી ચાલુ છે. ભારતની બેંગલોર સ્થિત ‘એસ-વ્યાસા યુનિવર્સિટી’ તથા ‘વિવેકાનંદ સ્કૂલ ઑફ યોગ’ ધ્યાન ઉપર ઘણા પ્રયોગો કરે છે, પરંતુ પ્રાર્થના ઉપરના પ્રયોગો કરવાના બાકી છે.
પ્રસિદ્ધ જીવશાસ્ત્રી ડૉ. રૂપર્ટ રોલ્ડ્રેફે પોતાના લેખ ‘Prayer: A Challenge for Science’માં લખ્યું છે કે જો પ્રાર્થના વડે જીવનનાં પરિણામો બદલાઈ જતાં હોય તો પછી તેની અસરો માપી શકાય તેવી હોવી જોઈએ અને તેનું સંશોધન વૈજ્ઞાનિક પદ્ધતિથી થવું જોઈએ. ડૉ. લેરી ડોસેના તે વખતે પ્રકાશિત થયેલ પુસ્તક ‘Healing Words’ (Harper, San Francisco, 1993) નો સંદર્ભ ટાંકીને જણાવ્યું કે પ્રાર્થના આધારિત સાજા થવાના કુલ ૧૩૧ નિયંત્રિત પ્રયોગોમાંથી અર્ધાથી વધારેમાં હકારાત્મક પરિણામો મળેલ છે. સાન ફ્રાન્સિસ્કો જનરલ હોસ્પિટલના હૃદયરોગના કુલ ૩૯૩ દર્દીઓમાંથી પસંદ કરાયેલા ૧૯૨ દર્દીઓ માટે લોકોએ પોતપોતાના ઘેરથી પ્રાર્થના કરી, જેને પરિણામે આ દર્દીઓ વધુ સારી રીતે, ઝડપથી સાજા થઈ શક્યા.
અન્ય એક આવો જ પ્રયોગ ડ્યુક યુનિવર્સિટીના મેડિકલ સેન્ટરમાં ૧૫૦ હૃદયરોગના દર્દીઓ ઉપર કરવામાં આવ્યો. આ અભ્યાસની વિશેષતા એ હતી કે તે ‘Double Blind Study’ હતો. એટલે કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન પ્રાર્થના કરનાર કે જેમને માટે પ્રાર્થના કરવામાં આવી, તેમાંના કોઈ એકબીજાને ઓળખતા નહોતા. આથી જે પરિણામો મળ્યાં તે બિલકુલ નિષ્પક્ષપાતી હતાં. જેમના માટે પ્રાર્થના કરવામાં આવી હતી તે બધા દર્દીઓમાં હતાશા, અસ્વસ્થતાનું પ્રમાણ ઓછું હતું; લોહીનું દબાણ તથા ઊંઘની તરેહ સ્થિર જણાઈ હતી; પાચન અને શ્વસનતંત્ર સુધર્યાં હતાં. તેઓ બધા તાકીદની સારવાર તથા લાંબા સમય સુધી ચાલુ રાખવાની દવાઓથી બચી શક્યા હતા.
પ્રાર્થનાને પરિણામે થતા સમજશક્તિના ફેરફારો (Neurocognitive Changes) ઉપર પાંચ તથા દેહધાર્મિક ફેરફારો (Physiological Changes) ઉપર ત્રણ પ્રયોગો કરવામાં આવ્યા. ભાગ લેનાર દર્દીઓને પ્રાર્થના કરવાનું કહેવામાં આવ્યું અને તે બધામાં લોહીનું દબાણ, હૃદયના ધબકારા, શ્વસનનો દર, રક્તચાપ, રક્તવાહિનીઓની લોહી લઈ જવાની રીધમ તેમજ તેમની MRIની પેટર્નમાં હકારાત્મક ફેરફારો નોંધાયા. તે ઉપરાંત તેમનું માનસિક સ્વાસ્થ્ય, જ્ઞાનાત્મક કૌશલ્ય અને દર્દ સહન કરવાની ક્ષમતામાં વધારો નોંધાયો.
બૌદ્ધ ધર્મમાં મંત્રનું સમૂહમાં ઉચ્ચારણ કરવામાં આવે છે; અને મુસ્લિમ સમાજમાં પઢવામાં આવતી નમાજ પણ સમૂહ-પ્રાર્થનાનો જ એક પ્રકાર છે. આ બંને રીતે કરાતી પ્રાર્થનાની અસર ચકાસતા એક અભ્યાસમાં જોવા મળ્યું છે કે મંત્રોચ્ચાર એક પ્રકારની મનોચિકિત્સાનું કામ કરે છે. નિયમિત નમાજ પઢતા મુસ્લિમ બિરાદરોના મગજના ક્રમબદ્ધ ECGનો અભ્યાસ કરતાં જોવા મળ્યું કે તેમના મગજના પાછળના ભાગમાં આલ્ફા પ્રકારનાં મોજાં વધુ પ્રમાણમાં ઉત્પન્ન થયાં હતાં. એ મોજાં મગજને શાંતિ તથા ગાઢ વિશ્રામની સ્થિતિમાં રાખે છે.
વૈજ્ઞાનિકોએ એ પણ નોંધ્યું છે કે સામાન્યત: ગાઢ નિદ્રા દરમિયાન વધુ પ્રમાણમાં ઉત્પન્ન થતાં અને ઓછું આવર્તન ધરાવતાં ડેલ્ટા કિરણોમાં પણ પ્રાર્થનાથી વધારો થાય છે, જે મનુષ્યને આસપાસના વાતાવરણથી અલિપ્ત રહેવામાં મદદ કરે છે, એકાગ્રતામાં વધારો કરી, મગજને આરામની સ્થિતિમાં લાવે છે અને હૃદયની ગતિવિધિઓમાં વધુ સ્થિરતા લાવી તણાવના પ્રમાણમાં ઘટાડો કરે છે.
ઈ.સ. ૨૦૦૪માં ન્યુ યોર્ક સ્થિત એક સંસ્થાએ ૧૧૦૦ તબીબોનો રાષ્ટ્રીય સર્વે કરીને જાહેર કર્યું કે તેમાંના મોટા ભાગના ડૉક્ટરોએ પ્રાર્થનાથી મેળવેલી હકારાત્મક અસરોને ચમત્કારિક જણાવી, એટલું જ નહીં, ૬૭% તબીબોએ તેમના દર્દીઓને પ્રાર્થના કરવા માટે ઉત્સાહિત કર્યા હતા.
પ્રાર્થનાની માનસિક તંદુરસ્તી પર અસર
મનુષ્યના મન અને શરીર પરસ્પર જોડાયેલાં છે અને મન પર સાનુકૂળ અસરો થાય તે જ શરીર પર દેખાય છે. પ્રાર્થનાથી માનસિક સ્વાસ્થ્ય સુધરે છે તેનું મુખ્ય કારણ એ હોઈ શકે કે પ્રાર્થના વખતે મનુષ્ય પોતાની ચિંતાનો ભાર ઈશ્વર ઉપર નાખી પોતે હળવાશ અનુભવે છે, તેથી માનસિક તાણ ઓછી થઈ મનોબળમાં વૃદ્ધિ થાય છે. ચિંતા વધારનાર અંત:સ્રાવો કોર્ટીસોલ અને એડ્રીનાલીનમાં ઘટાડો થવાથી ખિન્નતા અને ચિંતામાં ઘટાડો થાય છે. પ્રાર્થના કરનાર વ્યક્તિનો આત્મવિશ્વાસ, આત્મ-નિરીક્ષણ કરવાની ક્ષમતા, રોગપ્રતિકારક શક્તિ, હકારાત્મક માનસિક વલણ તેમજ સ્વ-સન્માનની ભાવનામાં વધારો થાય છે અને સુખ તેમજ હળવાશ અનુભવ કરાવનાર ન્યુરોટ્રાન્સમીટર સેરોટોનીન તથા સુખપ્રદ નિદ્રા પ્રદાન કરનાર મેલાટોનીન નામનો અંત:સ્રાવ વધુ પ્રમાણમાં ઝરે છે.
‘ઇન્ડિયન જર્નલ ઑફ સાઈક્યાટ્રી’ના ૨૫ સપ્ટેમ્બર, ૨૦૧૭ના અંકમાં વિસ્તારપૂર્વક પ્રકાશિત થયેલા અહેવાલોમાં જણાવ્યા મુજબ પ્રાર્થના દ્વારા બદલાયેલા માનસિક વલણથી તે વૃદ્ધત્વ સાથે સંકળાયેલા રોગો જેવા કે અલ્ઝાઈમર, આર્થરાઈટીસ, તેમજ તણાવની પરિસ્થિતિ સામે કુદરતી બફર (અવરોધક) જેવું કામ આપે છે.
પ્રાર્થના કરવાથી લાગણીજન્ય બુદ્ધિમત્તા (emotional intelligence એટલે કે સ્વયંની અને અન્ય વ્યક્તિઓની લાગણીઓને અનુભવવાની, સમજવાની, સંકલન કરવાની તથા તેનું વ્યવસ્થાપન કરવાની ક્ષમતા અને તેના પ્રતિભાવરૂપે થતું વિચારશીલ અને બુદ્ધિગમ્ય વર્તન) અને માનસિક સ્વસ્થતામાં વૃદ્ધિ થાય છે. તેનું કારણ એ હોઈ શકે કે વ્યક્તિના અહંભાવમાં ઘટાડો થવાથી તે નમ્ર બને છે, સરવાળે તેનું શરીર અને મન સ્વસ્થ રહે છે.
મનુષ્યના મગજમાં ગોઠવાયેલું ચેતાતંત્ર તેના માનસિક, દેહધાર્મિક અને શારીરિક તંત્રનું નિયંત્રણ કરતું હોય છે. પ્રાર્થના મૂળભૂત રીતે આ ચેતાતંત્રને સ્થિતિસ્થાપક—બદલાઈ શકે તેવું બનાવી શકે છે, જેને ન્યુરોપ્લાસ્ટીસીટી (neuroplasticity) કહેવાય છે.
ફિલાડેલ્ફીયા હોસ્પિટલના ડૉ. એન્ડ્ર્યુ ન્યુબર્ગ છેલ્લાં ૨૦ વર્ષોથી પ્રાર્થના અને ન્યુરોપ્લાસટીસીટી ઉપર ગહન અભ્યાસ કરી રહ્યા છે. મનુષ્યના મગજમાં રેડિયોએક્ટિવ ડાઈ દાખલ કરીને તેમણે જોયું કે વ્યક્તિ જ્યારે આરામની અવસ્થામાં હોય ત્યારે તેમાં લાલ રંગ દેખાય છે અને પ્રાર્થના દરમિયાન તે પીળા રંગમાં ફેરવાઈ જાય છે, જે ન્યુરોટ્રાન્સમીટર્સમાં થતા ફેરફારોને સૂચવે છે. એટલે કે પ્રાર્થના મગજના ચોક્કસ ભાગોને ઉજાળે છે. તેમણે નોંધ્યું છે કે જ્યારે સાધ્વીઓ એક સાથે પ્રાર્થનામાં મગ્ન હોય છે ત્યારે ‘સ્વ’ (ખુદની અમુક-તમુક વ્યક્તિ તરીકેની ઓળખાણ)ની સાથે જોડાણ કરતા મગજના વિસ્તારો બંધ થઈ જાય છે. બીજા શબ્દોમાં, તેમના અર્થઘટન મુજબ જ્યારે પ્રાર્થનામાં મગ્ન લોકોમાં ‘સ્વ’નો લોપ થાય છે ત્યારે તેઓ બ્રહ્માંડની કોઈ મહાસત્તા સાથે તાદાત્મ્ય અનુભવે છે. આ રીતે, આવાં સંશોધનોથી પુરવાર થાય છે કે મનુષ્યનું મગજ આપણી ધારણા કરતાં વધુ લવચીકતા ધરાવે છે; એટલે કે જેમ શારીરિક વ્યાયામથી શરીરને ઘડી શકાય છે તે જ રીતે પ્રાર્થનાથી મગજને ઘડી શકાય છે.
આવા ખંતપૂર્વકના અને પદ્ધતિસરના વૈજ્ઞાનિક અભ્યાસ વડે આધુનિક વિજ્ઞાને સહસ્રાબ્દીઓથી પ્રચલિત પ્રાર્થનાની અસરકારકતાને સંશોધનનું બળ આપ્યું છે. ચોક્કસપણે તે તર્કસંગત રીતે વિચારતાં આધુનિક માનવીને પ્રાર્થનાની દિશામાં અગ્રેસર કરશે, એમાં બે-મત નથી.
સંદર્ભસૂચિ
- www.templeton.org/news/what can science say about the study of prayer
- www.researchgate.net/publication/328782030/prayer a challenge for science
- www.psychologytoday.com/us/blog/enlightenedliving/201007/the science-psychology and metaphysics-prayer
- Felix chin (2021) J. complement integer. Med. Feb 1.18 (4), 679-684
- www.nature.com/articles/541598-019-40200-w. published 12 March, 2019
- www.apostlic.edu/scientific studies on prayer-Does prayer really work. Nov. 28, 2007
- www.nbcnews.com/news/religion/prayer-what happens to your brain when you pray
- Draxe.com/healing-prayer-is there a thing as healing prayer? By Jillian Lay Sept 25, 2017
- H. Anand, I Das (2016) Effect of prayer on Emotional intelligence and psychological well-being international. J. of Psychology, Vol.3, issue-4
Your Content Goes Here




