મનને કાબૂમાં રાખવાનો ઉપાય
મનને કાબૂમાં રાખવું કેટલું બધું કઠણ છે! તેને હડકાયા વાંદરા સાથે સરખાવવામાં આવ્યું છે એ બરાબર જ છે. એક તો વાંદરો – સ્વભાવે જ ચંચળ- જેમ બધા વાંદરા હોય છે તેમ. એટલું બસ ન હોય તેમ કોઈએ તેને ખૂબ દારૂ પાયો, એટલે એ એથીયે વધુ ચંચળ બન્યો. ત્યાર પછી તેને એક વીંછી કરડ્યો. માણસને વીંછી કરડે તો એ આખો દિવસ ઊંચો-નીચો થયા કરે એટલે એ વાંદરાની સ્થિતિ તો ચંચળતાની ટોચે પહોંચી, અને પછી તેના દુઃખની માત્રા પર કળશ ચડાવવા માટે તેનામાં ભૂતનો સંચાર થયો. પછી એ વાંદરાની કાબૂ બહારની ચંચળતાને કઈ ભાષા વર્ણવી શકે? માણસનું મન એ વાંદરા જેવું છે, સ્વભાવે જ નિરંતર ચંચળ; પછી એ ઈચ્છારૂપી દારૂ ઢીંચીને ટેં થાય, એટલે તેની ચંચળતાની માત્રા ખૂબ ખૂબ વધી જાય, ઈચ્છાએ તેને કબજામાં લીધો એટલે પછી આવે બીજાઓની ફત્તેહથી થતી ઈર્ષ્યાના વીંછીનો ડંખ અને છેલ્લે અભિમાનનું ભૂત તેના મનમાં ભરાઈ બેસે, એટલે એ પોતાને સર્વશ્રેષ્ઠ માને. આવા મનને કાબૂમાં લેવું એ કેટલું કઠણ!
એટલે, આ મનને કાબૂમાં લેવાનો પહેલો પાઠ એ છે કે થોડો સમય માત્ર બેસી રહેવું, અને મનને દોડવા દેવું. આખો દિવસ ને રાત મન તો ઉછાળા માર્યા જ કરે છે. એ તો પેલા કૂદાકૂદ કરતા વાંદરા જેવું છે. વાંદરો ભલે ફાવે તેટલા કૂદકા માર્યા કરે; તમે ફકત બેઠા બેઠા જોયા કરો. કહેવત છે કે જ્ઞાન એ જ શક્તિ છે, અને એ ખરું છે. જ્યાં સુધી તમે જાણો નહિ કે મન શું શું કરે છે ત્યાં સુધી તમે તેને કાબૂમાં ન લઈ શકો. તેની લગામ છૂટી મૂકી દો; મનમાં અનેક ઘૃણાજનક વિચારો આવશે, એ જોઈને તમને આશ્ચર્ય થશે કે તમે આવા વિચારો કરી શકો છો! પણ તમને જણાશે કે દિવસે દિવસે મનના ઉછાળા ઓછા ને ઓછા ઉગ્ર થતા જાય છે, દિવસે દિવસે એ વધુ શાંત થતું આવે છે. શરૂઆતના થોડાક મહિનામાં તમને લાગશે કે મનમાં અનેક વિચારો ઊઠે છે, પછી તમને જણાશે કે એ કંઈક ઘટ્યા છે, અને કેટલાક વધુ મહિનાઓમાં તે વધુ ને વધુ ઘટતા જશે અને છેવટે મન પૂરેપૂરું કાબૂમાં આવશે; પણ ધીરજપૂર્વક આપણે રોજ અભ્યાસ કરવો જોઈએ. એક વાર વરાળ ચાલુ કરો એટલે એંજિન દોડવાનું જ; વસ્તુઓ જેવી આપણી સામે આવી, એટલે તે આપણને દેખાવાની જ; તેથી મનુષ્યે, પોતે જડ યંત્ર નથી એ સાબિત કરી આપવા માટે દર્શાવી આપવું જોઈએ કે પોતે કોઈ પણ વસ્તુના કાબૂમાં નથી, મન પરનો આ કાબૂ, અને તેને કેન્દ્રો સાથે જોડાવા ન દેવું એ છે પ્રત્યાહાર. આનો અભ્યાસ કેવી રીતે કરવો? એ એક જબરદસ્ત કાર્ય છે, એક દિવસમાં થાય તેવું નથી. કેવળ ધીરજપૂર્વકના વરસોનાં વરસો સુધીના અભ્યાસ પછી જ આપણે તેમાં સફળ થઈ શકીએ.
– સ્વામી વિવેકાનંદ
(‘રાજયોગ’ બીજી આવૃત્તિ (૧૯૬૭) પૃ. સં.૬૦-૬૧)
Your Content Goes Here




